You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આમિર ખાન-કિરણ રાવ છૂટાછેડાના એલાનના એક દિવસ બાદ સાથે દેખાયાં અને બોલ્યાં...
આમિર ખાન અને કિરણ રાવે છૂટાછેડાનું એલાન કર્યાના એક દિવસ બાદ કહ્યું કે તેઓ બંને બહુ ખુશ છે. આમિર ખાન અને કિરણ રાવ 'પાની ફાઉન્ડેશન'ના એક સાપ્તાહિક ઑનલાઇન કાર્યક્રમમાં કારગિલથી સામેલ થયાં હતાં.
આમિર ખાને કહ્યું, "તમે લોકોએ અમારી ઘોષણા સાંભળી હશે. તમને દુખ પણ થયું હશે. સારું નહીં લાગ્યું હોય."
"પણ અમે બંને બહુ ખુશ છીએ. એક જ પરિવાર છે. અમારા સંબંધોમાં બદલાવ આવ્યો છે, પણ અમે એકસાથે જ છીએ. અમારાં માટે તમે દુઆ કરો કે અમે ખુશ રહીએ."
કિરણ રાવે પણ કહ્યું કે "અમે તેમને ભરોસો અપાવીએ છીએ કે અમે સાથે કામ કરતાં રહીશું."
'પાની ફાઉન્ડેશન' કોરોના લૉકડાઉનમાં વીકલી ચર્ચાનું આયોજન કરે છે અને આમિર-કિરણ તેમાં સામેલ થતાં રહે છે.
બંનેએ શનિવારે એક સંયુક્ત નિવેદન જાહેર કરીને તેમનાં અલગ થવાની જાણકારી આપી હતી.
બંનેનાં લગ્ન 15 વર્ષ પહેલાં થયાં હતાં અને તેમને એક પુત્ર પણ છે.
આમિર અને કિરણે એક નિવેદનમાં કહ્યું, "આ 15 ખૂબસૂરત વર્ષમાં અમે એકસાથે જીવનભરના અનુભવો, ખુશીઓ મેળવી છે અને અમારા સંબંધોમાં વિશ્વાસ, સન્માન અને પ્રેમ વધ્યો છે. હવે અમે અમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા ઇચ્છીએ છીએ. પતિપત્નીના રૂપમાં નહીં, પણ બાળકનાં માતાપિતા અને પરિવારના રૂપમાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે થોડા સમય પહેલાં એકબીજાથી અલગ થવાની શરૂઆત કરી હતી અને હવે તેને ઔપચારિક રૂપ આપતાં સહજ અનુભવીએ છીએ."
"અમે અમારા પુત્ર આઝાદ પ્રત્યે સમર્પિત માતાપિતા છીએ, જેનું પાલનપોષણ અમે સાથે મળીને કરીશું. અમે ફિલ્મો, 'પાની ફાઉન્ડેશન' અને અન્ય પરિયોજનાઓમાં પણ સહયોગી તરીકે કામ કરતાં રહીશું."
"અમે અમારા શુભચિંતકો પાસેથી શુભકામનાઓ અને આશીર્વાદની આશા રાખીએ છીએ. આશા રાખીએ કે અમારી જેમ તમે પણ આ છૂટાછેડાને અંતિમ રૂપે નહીં પણ એક નવી યાત્રાની શરૂઆતના રૂપમાં જોશો."
આમિર ખાન અને કિરણ રાવની મુલાકાત ફિલ્મ 'લગાન'ના સેટ પર થઈ હતી.
કિરણ ફિલ્મનાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતાં.
28 ડિસેમ્બર, 2005માં બંનેએ લગ્ન કર્યાં હતાં. બંનેને એક પુત્ર છે, જેનું નામ આઝાદ છે.
કિરણ રાવ સાથે આમિરનાં આ બીજાં લગ્ન હતાં. રીના દત્તા આમિરનાં પહેલા પત્ની હતાં. લગ્નનાં 16 વર્ષ બાદ વર્ષ 2002માં બંનેએ છૂટાછેડા લીધા હતા. રીના દત્તા સાથે આમિરની એક પુત્રી ઇરા અને પુત્ર જુનૈદ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો