ખેડૂત આંદોલન :દિલ્હીમાં ત્રણ મેટ્રો સ્ટેશન બંધ તો ચંડીગઢમાં ખેડૂતોનો જમાવડો

ગત વર્ષે 26 નવેમ્બર 2020થી દિલ્હીની સીમા પર દેશના કેટલાય રાજ્યોથી આવેલા ખેડૂતો નવા કૃષિકાયદાઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.

ખેડૂતોનું કહેવું છે કે જ્યાર સુધી આ કાયદા પાછા નહીં લેવામાં આવે આ આંદોલન ચાલુ રહેશે.

શનિવાર એટલે 26 જૂન 2021ના દેશવ્યાપી ખેડૂત આંદોલનના સાત મહિના પૂરા થઈ ગયા છે.

આ અવસર પર અને ભારતમાં 1975માં કટોકટીની જાહેરાતની 46મી વર્ષગાંઠ પર ખેડૂતોએ આખા ભારતમાં જોરદાર અને વ્યાપક રૂપે 'કૃષિ બચાઓ, લોકતંત્ર બચાઓ દિવસ'ના સંદર્ભમાં કાર્યક્રમ કર્યા.

આ દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં ખેડૂતોએ રાજ્યપાલને મળીને તેમને આવેદનપત્ર સોંપ્યા.

કેટલાક રાજ્યોમાં શાંતિપૂર્ણ તો કેટલાક રાજ્યોમાં પ્રદર્શનમાં હંગામો

સંયુક્ત કિસાન મોર્ચાએ એક પ્રેસનોટમાં કહ્યું કે "પ્રદર્શનકારીઓએ કેટલાક સ્થળોએ પોલીસ દમનનો સામનો કરવો પડ્યો, જે આજે અઘોષિત કટોકટીને દર્શાવે છે. "

"વિભિન્ન રાજ્યોમાં સત્તાધારી ભાજપ અને અન્ય સરકારોએ કર્ણાટક, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, તેલંગાણામાં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને અટાકયતમાં લીધા અને તેમને રાજભવન સુધી માર્ચ કરવા અને રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્ર રાજ્યપાલને સોંપવાની પરવાનગી ન આપી."

"ચંડીગઢમાં પ્રદર્શનકારી ખેડૂતો પર વૉટરકૅનન છોડવામાં આવ્યા. ઉત્તરાખંડ, કર્ણાટકના બેંગ્લુરુ, તેલંગાણાના હૈદરાબાદ, મધ્યપ્રદેશના ભોપાલમાં પોલીસનો વિરોધ કરી રહેલા ખેડૂતોને ઉઠાવી દેવામાં આવ્યા અને તેમને રાજભવન જવા દેવામાં ન આવ્યા. કર્ણાટકમાં પણ કેટલાક સ્થળો પર પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેવામાં આવ્યા."

દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશનના અધિકારીઓ મુજબ શનિવારે યલો લાઇન મેટ્રો રૂટના વિશ્વવિદ્યાલય, સિવિલ લાઇન્સ અને વિધાનસભા મેટ્રો સ્ટેશન સવાર 10થી બપોરના 2 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દિલ્હી અને હરિયાણાની સિંઘુ ઉપરાંત ટીકરી અને દિલ્હી-ઉત્તર પ્રદેશની ગાઝીપુર બૉર્ડર ઉપર પણ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે.

ખેડૂતો બૅરિકેડ હઠાવી આગળ વધ્યા

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે હરિયાણાના પંચકુલા ખાતે પ્રદર્શનકારી ખેડૂતોએ રાજ્યપાલને કેન્દ્ર સરકારના વિવાદિત ત્રણ કૃષિકાયદા પાછા ખેંચી લેવા બાબતે મેમૉરેન્ડમ આપવા માટે ચંદીગઢ ખાતેના રાજભવન સુધી જવા માટે સ્થાનિક તંત્ર દ્વારા ગોઠવાયેલાં બૅરિકેડ દૂર કર્યાં હતાં. અને હજારોની સંખ્યામાં ખેડૂતો રાજભવન તરફ આગળ વધ્યા હતા.

રાજ્યપાલને મેમૉરેન્ડમ આપવા માટે જઈ રહેલા ખેડૂતો દ્વારા ચંદીગઢ-મોહાલી (પંજાબ) બૉર્ડર પર મૂકેલાં બૅરિકેડો ખસેડી દેવાયાં હતાં.

સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં દિલ્હીના પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવે કહ્યું હતું કે, "સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યa છે. બૉર્ડર અને દિલ્હીનાં અન્ય સ્થળોએથી કેટલાક લોકો ઉપરાજ્યપાલને મળવા માટે આવ્યા અને અમે તેમને પરવાનગી પણ આપી. અમારી તમામ તૈયારી હતી. પરંતુ આજે એવું કંઈ થયું નહીં. બધું નિયંત્રણમાં છે."

રાકેશ ટિકૈતે શું કહ્યું?

યુપીના લખનૌ સહિત અનેક શહેરોમાં ખેડૂતોએ પ્રદર્શન કર્યું.

દિલ્હીની ગાઝીપુર બૉર્ડર પર ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું, "અમે ખેડૂત આંદોલનને મજબૂત કરવાનું નક્કી કર્યું છે. અમે યુપીના શામલી અને બાગપતથી નવ જુલાઈના દિવસે ટ્રૅક્ટર રેલી લઈને 10 જુલાઈએ દિલ્હીની સિંઘુ બૉર્ડર પર પહોંચવાનું નક્કી કર્યું છે."

તેમણે આંદોલન તેજ કરવાની ચિમકી આપતા કહ્યું કે અન્ય એક રેલીમાં ખેડૂતો 25 જુલાઈના દિવસે દિલ્હી- ગાઝિયાબાદ બૉર્ડર પર પહોંચી જશે.

આંદોલન તેજ કરવાની ચિમકી

પત્રકારો સાથે વાત કરતા ભારતીય કિસાન યુનિયનના નેતા ડૉક્ટર દર્શન પાલે કહ્યું, ગત સાત મહિનામાં સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્ત્વમાં ખેડૂતોએ દુનિયાના સૌથી લાંબા આંદોલનને ચલાવીને દેખાડ્યું છે. આખા દેશમાંથી હજારો ખેડૂતો આ આંદોલનમાં સામેલ થયાં છે અને આગામી સમયમાં આંદોલન વધારે મજબૂત થવાનું છે.

પંજાબ ખેત મજૂર યુનિયને પણ શુક્રવારે જાહેરાત કરી છે કે 9 ઑગસ્ટ સુધી ખેતમજૂરોની પરેશાનીઓને નહીં સાંભળવામાં આવે તો તેઓ કૅપ્ટન અમિરંદ સિંહના ગૃહ જિલ્લા પટિયાલામાં ત્રણ દિવસ વિરોધપ્રદર્શન યોજશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો