કોરોનાની ત્રીજી લહેર બાબતે કેન્દ્ર સરકારે શું ચેતવણી આપી? TOP NEWS

કોરોનાની ત્રીજી લહેરની આશંકા, કેન્દ્ર સરકારની રાજ્યોની ચેતવણી

ભારત સરકારે રાજ્યોને કહ્યું કે તેઓ કોરોના વાઇરસ મહામારીની લહેરને ફેલાવવાથી રોકવા માટે લગાવેલા પ્રતિબંધોમાં ઢીલ આપતી વખતે 'વધુમાં વધુ સાવધાની' રાખે.

ગૃહસચિવ અજય ભલ્લાએ રાજ્યોને પત્ર લખીને રાજ્ય સરકારોને વિનંતી કરી છે કે કોરોનાના કેસ વધે તો તેઓ પોતાની પૂરી તૈયારી રાખે.

કોરોના મહામારીની બીજી લહેરની પીક હવે ઓછી થઈ રહી છે અને દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

આ દરમિયાન રાજ્ય સરકારો કોરોનાને કારણે લાદેલા પ્રતિબંધોમાં ઢીલ આપી રહી છે અને રસ્તાઓ પર ટ્રાફિક પણ જોવા મળી રહ્યો છે.

તો ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના પ્રમુખ રણદીપ ગુલેરિયાએ પ્રતિબંધોમાં ઢીલ બાદ મોટી સંખ્યામાં લોકોના જમા થવા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

તેમણે ચેતવણી આપી છે કે જો હાલની પરિસ્થિતિમાંથી શીખ ન લીધી તો આવનારાં છથી સાત અઠવાડિયામાં દેશ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી શકે છે.

સમાચાર સંસ્થા રૉયટર્સના સ્વાસ્થ્યવિશેષજ્ઞોના એક સરવે અનુસાર ભારતમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર ઑક્ટોબરમાં આવી શકે છે.

જોકે, એવું માનવામાં આવી રહ્યું છે કે આ લહેરને બરોબર નિયંત્રિત કરી શકાશે તથા આ મહામારી વધુ એક વર્ષ સુધી જાહેર સ્વાસ્થ્ય માટે જોખમ બની રહેશે.

40 વિશેષજ્ઞોને 3થી 17 જૂન વચ્ચે કરેલા એક સરવેમાં જાણવા મળ્યું છે કે રસીકરણના લીધે આ લહેરમાં થોડી સુરક્ષા રહેશે.

સર્વેમાં સામેલ 85 ટકા વિશેષજ્ઞોનું કહેવું છે કે આગામી લહેર ઑક્ટોબરમાં આવશે, જ્યારે ત્રણ લોકોનું કહેવું છે કે આ લહેર ઑગસ્ટના પ્રારંભમાં અને સપ્ટેમ્બરના મધ્યમાં શરૂ થઈ શકે છે.

બાકીના ત્રણ વિશેષજ્ઞોનું માનવું છે કે નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે આ લહેર આવી શકે છે.

70 ટકા વિશેષજ્ઞોનું કહેવું છે કે કોઈ પણ નવી લહેર આ વખતે ગત લહેરની સરખામણીએ સારી રીતે નિયંત્રિત કરી શકાશે.

ઍમ્સના નિદેશક ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે, "આ લહેર અધિક નિયંત્રિત હશે અને કેસ બહુ ઓછા હશે. કેમ કે ઘણા પ્રમાણમાં રસીકરણ થઈ ચુક્યું છે અને બીજી લહેરથી ઘણા અંશે કુદરતી ઇમ્યુનિટી આવી ગઈ છે."

તુર્કી કરશે કાબુલ ઍરપૉર્ટની સુરક્ષા

સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર જૅક સાલિવને જણાવ્યું છે કે આ સપ્તાહે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન અને તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈય્યબ અર્દોઆન વચ્ચે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં એ વાત પર સહમતી સધાઈ છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકન જવાનોની વાપસી બાદ તુર્કી કાબુલ ઍરપૉર્ટની સુરક્ષાની મહત્ત્વની જવાબદારી નિભાવશે.

જોકે, સાલિવને એવું પણ જણાવ્યું છે કે રશિયા પાસેથી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના મુદ્દે સહમતી નથી સાધી શકાઈ. નાટો સહયોગીઓ વચ્ચે કેટલાય સમયથી આ મુદ્દો તણાવનું કારણ બન્યો છે.

સાલિવને જણાવ્યું કે સોમવારે નાટો સંમેલન દરમિયાન બાઇડન અને આર્દોઆન વચ્ચે થયેલી બેઠકમાં અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા થઈ.

અર્દોઆને આ દરમિયાન ઍરપૉર્ટની સુરક્ષા માટે અમેરિકાનો સહયોગ માગ્યો અને બાઇડને કહ્યું કે તેઓ તમામ મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.

શનિવાર સુધીમાં ગુજરાત આખામાં વરસાદી માહોલ

શુક્રવારે ગુજરાતના મધ્ય ભાગ અને સૌરાષ્ટ્રમાં ચોમાસું આગળ વધ્યું અને શનિવાર સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામી જશે.

ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારે હવામાનખાતાની આગાહીને ટાંકીને પોતાના અહેવાલમાં લખ્યું છે કે શનિવાર સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામી જશે. આ વખતે ગુજરાતમાં ચોમાસાનું આગમન દસ દિવસ વહેલું છે.

ગુજરાતમાં સામાન્ય રીતે 15મી જૂને ચોમાસું બેસતું હોય છે પણ આ વર્ષે નવ જૂને જ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાવા લાગ્યો હતો. ગુજરાતમાં ચોમાસાના આગમન બાદ સામાન્ય રીતે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામવામાં 15 દિવસનો સમય લાગતો હોય છે.

અખબાર સાથેની વાતચીતમાં હવામાનખાતાનાં રિજનલ ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું, “નૈઋત્યનું ચોમાસું શનિવાર સુધીમાં સમગ્ર રાજ્યને આવરી લેશે. સામાન્ય રીતે આવું 30 જૂને થતું હોય છે, પણ આ વખતે ચોમાસું વહેલું છે. ”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો