You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મિઝોરમમાં ઝિઓના ચાનાનું મૃત્યુ, વિશ્વના સૌથી મોટા પરિવારે મોભી ગુમાવ્યો
પૂર્વોત્તર ભારતના મિઝોરમ રાજ્ય તેની ખૂબસૂરતી માટે તો જાણીતું જ છે, પણ આ રાજ્યમાં દુનિયાનો સૌથી મોટો ગણાતો પરિવાર પણ રહે છે. ગત દિવસોમાં આ પરિવારના મોભી ઝિઓના ચાનાનું નિધન થયું છે.
પરિવારના મોભી ઝિઓના ચાના 76 વર્ષના હતા. સમાચારો અનુસાર, તેમને 38 પત્ની અને આ 38 પત્નીઓથી જન્મેલાં 89 બાળકો છે.
તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને ડાયાબિટીસ અને હાઈપરટેન્શનની ફરિયાદ હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ હૉસ્પિટલના નિદેશક લાલરિંટલુઆંગા ઝાઉના હવાલાથી લખ્યું, "છેલ્લા ત્રણ દિવસથી બક્તાવંગ ગામમાં જ તેમના ઘરે તેમની સારવાર ચાલતી હતી, પણ તેમની હાલત બગડતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા."
100 રૂમના મકાનમાં રહેતો હતો વિશ્વનો સૌથી મોટો પરિવાર
દુનિયાનો સૌથી મોટો ગણાતો આ પરિવાર મિઝોરમના પહાડી ગામ બક્તાવંગ તલંગનુમમાં રહેતો હતો. આ પરિવાર ચાર માળની ઇમારતવાળા 100 રૂમના ઘરમાં રહેતો હતો.
એક રીતે આ પરિવાર મિઝોરમની ઓળખ છે અને પર્યટકો જ્યારે મિઝોરમ જાય ત્યારે તેમને પણ મળે છે.
આ લોકો દેશ માટે નહીં, પણ દુનિયા માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે.
ઝિઓના ચાનાના નિધન પર રાજ્યના મુખ્ય મંત્રી ઝોરામથાંગાએ ટ્વીટ કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ટ્વીટમાં લખ્યું, "38 પત્ની અને 89 બાળકો સાથે દુનિયાના સૌથી મોટા પરિવારના મુખિયા 76 વર્ષીય મિસ્ટર ઝિયોનને મિઝોરમે ભારે હૈયે વિદાય આપી. મિઝોરમ અને તેમનું ગામ, તેમના પરિવારને કારણે એક મોટું અને આકર્ષક પર્યટનસ્થળ બની ગયું છે. રેસ્ટ ઈન પીસ, સર!"
17 વર્ષની વયે પહેલું લગ્ન
ન્યૂઝ એજન્સીઓના સમાચાર અનુસાર, ઝિઓના તેમની પહેલી પત્નીને મળ્યા ત્યારે તેમની ઉંમર માત્ર 17 વર્ષની હતી, જ્યારે તેમનાં પત્ની તેમનાથી ત્રણ વર્ષ મોટાં હતાં.
ચાના ચુઆંથર સંપ્રદાયના નેતા પણ હતા. વર્ષ 1942માં હમાવંગકાન ગામથી નીકળ્યા બાદ તેમના દાદા ખુઆંગતુહાએ આ સંપ્રદાયની રચના કરી હતી.
એ સમયથી તેમનો પરિવાર આઇઝોલથી અંદાજે 55 કિલોમીટર દૂર બક્તાવંગ ગામમાં રહેતો હતો.
આ સંપ્રદાયમાં લગભગ 400 પરિવાર છે. આ સંપ્રદાયમાં પુરુષ સભ્યોને બહુવિવાહની મંજૂરી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો