ICU ડાયરી : કોરોના વૉર્ડમાં જ્યારે એક બીમાર વૃદ્ધે બધાને ખુશ કરી દીધા

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
કોરોના સામેના જંગમાં લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોના સામેની સીધી લડાઈમાં દર્દી ઉપરાંત જો કોઈ હોય તો એ ડૉક્ટરો છે.
દર્દીઓનાં મોત સામે જંગ લડવો ડૉક્ટરો માટે કેટલું પડકારજનક રહ્યું હશે?
કેવાં અનુભવો થયાં અને એક અજાણ્યાં દર્દીની જિંદગી કે મોત ડૉક્ટરને શું અસર કરતી હોય છે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ સમજવા માટે બીબીસી રજૂ કરે છે નવી શ્રેણી - ICU DIARY
#ICUdiaryમાં એક જૂનથી 5 જૂન સુધી તમે વાંચશો કોવિડના આઈસીયુ વૉર્ડમાં ફરજ બજાવનારાં ડૉ. દીપશિખા ઘોષનાં અનુભવો.
આ અનુભવોમાં આપને એક દીકરો પણ દેખાશે, દીકરી પણ, પિતા-મા અને પતિ-પત્ની પણ દેખાશે. આમાં તમને દેખાશે અજાણ્યો ચહેરો ધરાવનાર દર્દીઓનું અને માસ્ક લગાવી ફરતા ડૉક્ટરોનું દર્દ....
#ICUdiary 5: ગંભીર બીમારી છતાં વૃદ્ધની જિંદાદિલીએ કોરોનાને કેવી રીતે માત આપી?

આમ તો પહેલેથી ગંભીર બીમારીથી પીડાતા લોકોની સ્થિતિ સૌથી વધુ ખરાબ હોય છે. તેમાંય કિમોથૅરપી, ડાયાલિસીસ માટે નિયમિત રીતે હેલ્થકેર ફેસિલિટીની મુલાકાત લેવી પડતી હોય તેવા દર્દીઓ ખાસ સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોવાથી તેમને કોરોનાનો ચેપ લાગવાનું અને તેમની બીમારી ઝડપથી વકરે તેનું જોખમ ઘણું વધારે હોય છે.
મેં કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં આવા જ એક દર્દી જોયા હતા.
78 વર્ષના એક વૃદ્ધ એક અઠવાડિયા અગાઉ ડાયાલિસીસ કરાવીને ઘરે ગયા ત્યારે તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો. હું તેમની પથારી પાસે ગઈ ત્યારે મને લાગ્યું કે તેઓ પણ નર્વસ થઈ ગયેલા વૃદ્ધ દર્દી હશે, તેથી મારે તેમને માસ્ક પહેરી રાખવા સમજાવવા પડશે, પણ આવું કશું ન થયું, હું સાવ ખોટી પડી.
તેઓ આમ તો ચિંતિત દેખાતા હતા, છતાં મને આવતી જોઈને તેમણે સ્મિત કર્યું. તેમણે પોતાનો પરિચય આપ્યો અને પૂછ્યું કે તેમનું ડાયાલિસીસ ટૂંક સમયમાં શરૂ થઈ શકશે કે કેમ.
તેમણે એમ પણ કહ્યું કે તેઓ સંપૂર્ણ સહયોગ આપશે અને શક્ય એટલો ઓછો સ્ટ્રેસ થાય તે માટે પ્રયાસ કરશે. સામાન્ય રીતે આવું કોઈ નથી બોલતું.
નર્સોને પણ આ સજ્જન દર્દી પસંદ પડ્યા. તેમની સારવાર કોને સોંપવામાં આવે તે વિશે તેમની વચ્ચે ખેંચતાણ પણ થઈ. અમે તેમને એક બ્રિથિંગ મશીન પર મૂક્યા, જ્યાં તેમનું ડાયાલિસિસ શરૂ થયું.
ઘણા સમય પછી પહેલી વખત આઈસીયુમાં સારું લાગતું હતું. જોકે ડાયાલિસીસ ચાલતું હતું ત્યાં અધવચ્ચે તેમની સ્થિતિ બગડવા લાગી.
અમે એલાર્મ સાંભળ્યું કે બધા લોકો તેમની તરફ દોડી ગયા અને તેમનો શ્વાસોચ્છવાસ શરૂ કરવા અમે પ્રયાસ કર્યો. 20 મિનિટ સુધી સીપીઆર આપ્યા પછી અમે તેમને ફરી સ્થિર કર્યા.
ત્યારપછી ત્રણ દિવસ સુધી તેમની સ્થિતિ ધીમેધીમે સુધરવા લાગી. ચોથા દિવસે તેમણે પોતાની આંખો ખોલી અને ઇશારા દ્વારા બધા સાથે સંવાદ કર્યો. આઈસીયુમાં ફરી સારું લાગવા માંડ્યું.
ત્યારપછી બે દિવસ સુધી તેઓ પોતાની પથારી નજીક આવતી દરેક વ્યક્તિને સ્મિત આપતા હતા. એક સપ્તાહની અંદર અમે તેમને વોર્ડમાં શિફ્ટ કર્યા.
તેના ચાર દિવસ પછી તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ.
આવી જીત જ અમને ડૉક્ટરોને હિંમત આપે છે. આ એ જીત છે, જેના માટે અમે રોજ અન્ય જિંદગીઓનો જંગ લડવા માટે સફેદ કોટ પહેરીને નીકળી પડીએ છીએ.

#ICUdiary 4: 'ઘરે લઈ જાવ, ત્યાં જ મરવું છે'

લોકો સામાન્ય રીતે હૉસ્પિટલોથી ગભરાય છે અથવા તેને નાપસંદ કરે છે. અમુક લોકો એવા પણ હતા જેઓ કોરોના થવાને કારણે જિંદગીમાં પહેલી વાર હૉસ્પિટલમાં દાખલ થયાં. આવા લોકો ખાસ ભયભીત હોય છે.
એક દિવસ અમારા કોવિડ આઈસીયુમાં 44 વર્ષીય એક મહિલા દાખલ થયાં. તે અત્યંત બેચેન હતાં અને કોઈ પણ સારવાર લેવાની ના પાડી રહ્યાં હતાં.
તેમને ઘરે જવું હતું. તેઓ સતત પોતાના પરિવાર સાથે વાત કરવાની માગણી કરતાં હતાં જેથી તેઓ આવીને તેમને ઘરે લઈ જાય.
તેઓ કહેતાં, "મેં નોર્મલ ડિલિવરી કરી હતી કારણ કે મારે ઑપરેશન કરાવવું ન હતું. મને કેટલી પીડા થઈ હશે તે તમે સમજી શકો છો. છતાં મેં પીડા ભોગવી. મને ઘરે જવા દો, ભલે પછી હું મરી જાઉં."
મેં તેમને જણાવવા પ્રયાસ કર્યો કે તેમને કંઈ નહીં થાય. મેં કહ્યું કે, અમારી પાસે તમારી સારવારનો પ્લાન છે. છતાં તે વાત સાંભળવા તૈયાર ન હતાં.
મેં તેમના પુત્રને ફોન કર્યો અને ફોનને મહિલા નજીક લઈ ગઈ. મહિલાએ પોતાના પુત્રને કહ્યું કે, તું સારો દીકરો નથી કારણ કે મારે હૉસ્પિટલમાં નથી રહેવું છતાં તું મને અહીં મૂકી ગયો છે.
પુત્રએ માતાની અનેક વખત માફી માંગી અને તેમને વિનંતી કરી કે ડૉક્ટરો જે કહે તેનું પાલન કરો.
પુત્રએ ખાતરી આપી કે બે-ત્રણ દિવસમાં તેમની સ્થિતિ સારી થઈ જશે તો તે તેમને તરત ઘરે લઈ જશે.
મહિલાના શાંત થવા માટે લગભગ 30 મિનિટ લાગી. અમે સારવાર શરૂ કરી. જોકે, તેમની સ્થિતિ કથળતી જતી હતી. 100 ટકા સપોર્ટ આપવા છતાં તેમનું ઓક્સિજનનું લેવલ જળવાતું ન હતું.
તેમણે મોનિટર સામે જોયું તો મોનિટર 84 ટકા દેખાડતું હતું. મહિલાએ મને બોલાવીને કહ્યું, "બે-ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે. મારા પુત્રને અત્યારે જ બોલાવો. મારા પુત્રએ કહ્યું છે કે તે મને ઘરે લઈ જશે. મારે ઘરે જઈને મરવું છે."
મને સમજાયું નહીં કે મારે શું કહેવું. મેં તેમનાં પુત્રને ફોન કર્યો અને તેમની માતાની સ્થિતિ સમજાવી. મેં તેને કહ્યું કે તેની માતાને મિકેનિકલ વેન્ટિલેશનની જરૂર છે.
એમનાં દીકરાએ તરત હા પાડી, પરંતુ મને કહ્યું કે આ ફોન મારી માતાને ન આપશો કારણ કે તે તેની માતાની વિનંતીનો ઇનકાર નહીં કરી શકે.
તેમણે કહ્યું કે, મારી માતાને સમજાવો કે તેની તબિયત સુધરશે ત્યારે હું તેને ઘરે લઈ જઈશ.
તેનો અવાજ ધ્રુજવા લાગ્યો. તેણે કહ્યું કે શારીરિક અને રાસાયણિક નિયંત્રણોનો ઉપયોગ કરો. "મહેરબાની કરીને તેની વાત સાંભળશો નહીં. પ્લીઝ, તેને બચાવવા માટે જે કરવું પડે તે કરો."
અમે એમ જ કર્યું. અમે તેમને બચાવવા બધું કર્યું. અમે નિયમ પ્રમાણે બધું કર્યું.
એ બહેન હજી વેન્ટિલેટર પર છે. અનેક દિવસો વીતી ચૂક્યા છે. તેમનો દીકરો રોજ ફોન કરે છે, પરંતુ મા એ સ્થિતિમાં નથી કે વાત સાંભળી શકે.

ICUDiary 3 : દાદી-દાદી, ચા અને વૅન્ટિલેટર

એક દિવસ એક દાદાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. તેમને ઊંચો તાવ રહેતો હતો અને ઓક્સિજનનું લેવલ બહુ નીચું હતું.
જે રાતે મેં તેમને આઈસીયુમાં દાખલ કર્યાં ત્યારે તેઓ અત્યંત બેચેન હતા. તેઓ એ વાતે પરેશાન હતા કે આખરે તેમનાં મોં પર આ ઓક્સિજન માસ્ક કેમ લગાવવામાં આવ્યો છે? તેઓ વારંવાર તેને કાઢી નાખતા હતા.
મેં તેમની સાથે થોડી મિનિટ સુધી વાત કરવાનો પ્રયાસ કર્યા પછી મને લાગ્યું કે બીમારીને કારણે તેઓ સમજી શકે તેવી સ્થિતિમાં નથી.
મેં દાદાજીના પત્નીને ફોન કર્યો, એમની તબિયત વિશે કહ્યું અને જણાવ્યું કે દર્દી આ રીતે માસ્ક કાઢી નાખશે તો અમારે શારિરીક નિયંત્રણોનો ઉપયોગ કરવો પડશે અને એમના હાથ બાંધી દેવા પડશે.
તેઓ રડવાં લાગ્યાં અને મને કહ્યું કે તેમના પતિનું ઓક્સિજનનું લેવલ સુધરે તે માટે જે કરવું પડે તે કરો...બસ એમને બચાવી લો.
મેં ફોન પર રડી રહેલાં દાદીને ખાતરી આપી કે તેમનું ઓક્સિજનનું લેવલ સ્થિર ન થાય ત્યાં સુધી હું તેમની પથારીની બાજુમાં જ રહીશ. આટલું કહીને મેં ફોન મૂકી દીધો.
થોડી મિનિટો પછી મને સામેથી એ દાદીનો ફોન આવ્યો. તેઓ સ્વસ્થ થયાં હતાં અને તેમણે મને આટલું કહ્યું, "તેમને સમયસર પોતાની મનપસંદ ચા ન મળે તો તેઓ ઉશ્કેરાઈ જાય છે. તેમને કદાચ ચાની જરૂર છે."
હું તેમને માત્ર એટલું જ કહી શકી કે, "તે પણ એક કારણ હોઈ શકે છે. હું તેમના માટે ચાની વ્યવસ્થા કરું છું." તેમણે મને વિનંતી કરી કે તમે બધા તેમની વ્યવસ્થિત કાળજી રાખજો. મેં હા પાડી.
અમુક કલાકો પછી દાદાજીની બેચેની જરાક ઓછી થઈ અને તેઓ શાંત લાગ્યા.
એ પછી હું બે દિવસ માટે રજા પર હતી. હું ફરીથી આઈસીયુમાં ગઈ ત્યારે મેં જોયું કે તેઓ વેન્ટિલેટર પર હતા અને તેમની તબિયત લથડતી જતી હતી. તેઓ સપ્તાહના અંત સુધી જીવીત રહી શકે તેમ ન હતા.
તે દિવસે મેં માઠા સમાચાર આપવા માટે ફરીથી દાદીને ફોન કર્યો.
મેં તેમને કહ્યું કે તેમના પતિની તબિયત સારી નથી અને તેઓ જીવિત રહે તેવી શક્યતા બહુ ઓછી છે. દાદીએ મને પૂછ્યું કે શું વેન્ટિલેટર પર મૂકતા પહેલાં તેમને ચા આપવામાં આવી હતી?
મારામાં 'ના' પાડવાની હિંમત ન હતી. મેં ફક્ત એક જ શબ્દ કહ્યો, 'હા'.
મને ખબર નથી ખબર કે એ સાંભળીને તેમને નિરાંત થઈ હશે કે નહીં. ફક્ત આશા રાખી શકું કે એવું થયું હોય.
થોડી પળ માટે ફોન પર સન્નાટો છવાઈ રહ્યો પછી દાદી બોલ્યાં, બધા એમની સરખી કાળજી લે એનું તમે ધ્યાન રાખજો.
મને ખબર હતી કે હવે કદાચ દાદીએ કાયમ દાદાજી વગર એકલાં જ ચા પીવી પડશે પણ છતાં મેં તેમને કહ્યું, હા. બધા એમની સરસ કાળજી લે એનું હું એનું ધ્યાન રાખીશ.

ICUDiary 2 : 'એ બચી તો જશે ને?'

આઈસીયુમાં હું એવા દર્દીઓને જોઉં છું જેમની હાલત બદથી બદતર હોય છે. મેં અનેક નવા ચહેરાઓ જોયા. એમાનાં અનેક ચહેરાઓ આશા ખોઈ ચૂક્યા હતા.
મેં કંપી રહેલા અવાજમાં કેટલીય વાર એ જ સવાલ સાંભળ્યો જે તેઓ પોતે પણ પૂછવા નહોતા માગતા.
મેં ઘણો વિનાશ જોયો છે. આવું આખી દુનિયામાં થઈ રહ્યું છે. કેટલાક દેશોમાં આવું વધારે થાય છે તો કેટલાક દેશોમાં ઓછું.
આ ચહેરા અને અવાજ એ માત્ર એક આંકડો નથી. તેમનું જીવન અને સપનાં આપણા જેવા જ વાસ્તવિક છે.
કોરોના તેમનું આયખું ટૂંકાવી નાખે છે, બધુ વિખેરાઈ જાય છે. સપનાં સાકાર કરવાની તેમની આશા અને અલવિદા કહેતા પહેલાં જેને જોઈ દુનિયા યાદ રાખે એવું કંઈક કરી જવાની ઝંખના હોય છે એમને પણ કોરોના એમ થવા દેતો નથી.
કેટલીક વાતો કાયમ માટે વણકહી રહી જશે કારણ કે તે બહુ સામાન્ય વાતોની હતી તો કેટલીક વળી રોજબરોજના કામથી ભરેલી હતી.
કેટલીક કહાણીઓ એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદમાં ખોવાઈ જશે. અને કેટલીકની વાતો એટલા માટે ખોવાઈ જશે કારણ કે કોઈ બચ્યું જ નહોતું એને સાંભળનારું.
કોવિડના કારણે અમે ડૉક્ટરો સતત દર્દીઓની સારવારમાં વ્યસ્ત રહીએ છીએ. આમ છતાં થોડોક સમય અને થાકેલું દિમાગ એ મહોલત આપે છે કે અમે વાત કરી શકીએ.
વાત હંમેશાં બે પ્રકારની હોય છે.
એક વાત એવી હોય છે જેમાં અમે દર્દીઓને સતત માસ્ક પહેરી રાખવા, તમામ દવાઓ લેવા કહીએ છીએ. તેમને તેમના જીવન, પરિવાર અને કામ વિશે પૂછીએ છીએ જેથી તેમને વાઇરસનો સામનો કરવા માટે પ્રોત્સાહન મળે અને તેમને કહીએ છીએ કે, તમારે હૉસ્પિટલમાંથી સાજા થઈને પાછા ઘરે જવાનું છે.
બીજી વાતમાં અમને ખૂબ કઠોર સવાલ પૂછવામાં આવે છે. દર્દીઓ અમારી આંખમાં જોઈને અમને સીધા પ્રશ્નો પૂછે છે, "ડૉક્ટર, હું બચી તો જઈશ ને?"
આવા સવાલ પર અમે તેમને યોગ્ય જવાબ આપવાની કોશિશ કરીએ છીએ પણ અનેક વાર સ્થિતિ એટલી સરળ હોતી નથી.
આંખમાં આંખ પરોવીને આ આંખો કાયમ માટે જલદી જ બિડાઈ જશે એ કોઈને કહેવું એ અમારા કામનો સૌથી ક્રૂર હિસ્સો બની ગયો છે.

ICUDiary 1 : તુમી તો આમાર મા....

વાઇરસ અને તેના જુદાંજુદાં સ્વરૂપો ઉપરાંત અમે બીજી ઘણી ચીજો સામે લડી રહ્યાં છીએ.
અમારી હૉસ્પિટલમાં એક મહિલા દર્દીને દાખલ કરવામાં આવ્યાં, તેઓ ખુદ એક ડૉક્ટર છે. એમનું ઓક્સિજન લેવલ ઘણું ઓછું હતું એ છતાં તેઓ વધારે સારવાર અને વૅન્ટિલેટર પર જવાનો ઇન્કાર કરે છે.
ઓક્સિજન પર હોવા છતાં તેઓ એક આખું વાક્ય બોલવામાં હાંફી જાય છે. એક શ્વાસમાં અમુક જ શબ્દો બોલી શકે છે.
મને છેલ્લા અમુક દિવસોમાં એમનો મિજાજ ઝડપથી બદલાતો લાગ્યો. શરૂઆતમાં તેઓ મને અને નર્સને તિરસ્કારની નજરે જોતાં હતાં, પરંતુ હવે તે ખૂબ પ્રેમથી વાત કરે છે.
હવે તેઓ ઘણી વાર મારો હાથ પકડી અને ઊંઘની ગોળી માગે છે.
તેઓ બાંગ્લામાં કહે છે - "તુમી તો અમાર મા" એટલે કે તમે જ તો મારી મા છો.
એમની આ વાતો એ યુવાનોના મનમાં ઘર કરી રહી હતી જેઓ ખૂબ નાની વયના હતા અને અચાનક મોત સામે લડી રહેલા લોકોની કાળજી લેવાની ભૂમિકામાં આવી ગયા છે.
તેમના પતિ પણ કોવિડના દર્દી છે, પરંતુ તેમની તબિયત સારી છે અને એટલે જ એમને આ જ હૉસ્પિટલના અન્ય વૉર્ડમાં રાખવામાં આવ્યા છે.
ઘણી વાર તેઓ એમનાં પત્નીને કહે છે, કમસે કમ પ્રોન વૅન્ટિલેશન તો કરી લો.
પ્રોન વૅન્ટિલેશનમાં દર્દીને ઊંધા પેટ સૂવાનું કહેવામાં આવે છે. એનાથી શ્વાસ લેવામાં તકલીફ હોય તે દૂર થવાની સંભાવના વધી જાય છે.
પરંતુ એમનું વજન વધારે છે એટલે પ્રોન વૅન્ટિલેશન મુશ્કેલીભર્યું થઈ શકે છે. તેઓ એ જાણે છે કે એમનાં પતિ આ વાત સમજે છે.
એ છતાં તેઓ હાથ ઉઠાવે છે અને પતિને ઇશારો કરીને સમજાવે છે તે પૂરી કોશિશ કરે છે. એમનાં પતિ અમને વિનંતી કરે છે કે ગમે તેમ કરીને એમની પત્નીને સારવાર કરાવવા માટે સમજાવો.
હું દિલાસો આપું છું કે હું શક્ય તમામ પ્રયાસ કરીશ.
હાથ જોડીને આંખમાં ઘેરી ઉદાસી સાથે એ શખ્સ પોતાના બૅડ સુધી જતા રહે છે. એક એવી આશા સાથે કે જે પૂરી થવી મુશ્કેલ છે.
થોડાં દિવસો બાદ એ શખ્સ ઘરે તો જાય છે પણ એકલો...
તુમી તો આમાર મા....આ શબ્દો અસ્ખલિત રીતે કાનમાં સંભળાયા કરે છે.

(સીરિઝ પ્રોડ્યુસર - વિકાસ ત્રિવેદી / ઇલૅસ્ટ્રેશન - પુનીત બરનાલા)


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












