ગુજરાત : તૌકતેની તારાજી પછી રાહત પૅકેજ છતાં ખેડૂતો સરકારથી કેમ નારાજ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
થોડા દિવસ પહેલાં ગુજરાતમાં તૌકતે નામની મુસીબત વાવાઝોડા સ્વરૂપે ત્રાટકી હતી.
ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા રાજ્ય, એવા ગુજરાતમાં આ વાવાઝોડાએ એવો તો કેર વર્તાવ્યો કે અનેક જગ્યાએ વિનાશના મંજર સર્જાયા હતા.
સામાન્ય વ્યક્તિઓ સહિત આ વાવાઝોડું ખેડૂતો અને માછીમારો માટે મુસીબતોનો પહાડ બનીને આવ્યું હતું.
આવા જ એક ખેડૂત છે મેમુદ સીદા. જૂનાગઢ જિલ્લાના બડીયાવાડા ગામમાં તેમની બે હેક્ટર જમીન છે.
આ વિસ્તાર તૌકતે વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન પામેલાં ક્ષેત્રો પૈકી એક છે.
તેમણે બે હેક્ટરના તેમના ખેતરમાં તલ, બાજરી, મગ અને જુવારનું વાવેતર કર્યું હતું. થોડા સમય પહેલાં તેઓ પાક લેવાના હતા.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, એ પહેલાં જ તૌકતે વાવાઝોડાના કારણે બધો પાક જમીનદોસ્ત થઈ ગયો.
તૌકતેની તબાહી સહન કરનારા આવા જ એક ખેડૂત છે ભાવનગરના તળાજાના શક્તિસિંહ ગોહિલ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની પાસે ચાર હેક્ટર જમીન છે.
જેના પર 600 આંબાનાં વૃક્ષો હતાં. જે પૈકી મોટા ભાગનાં વૃક્ષો તૌકતે વાવાઝોડા દરમિયાન વેરાયેલા વિનાશમાં નાશ પામ્યાં છે.
આટલું જ નહીં તમામ વૃક્ષો પર લાગેલી કેરીનો બધેબધો પાક નાશ પામ્યો છે. ગત વર્ષે જે કેરીઓ વેચીને તેમને 7,50,000ની આવક થઈ હતી, તે આવક આ વર્ષે શૂન્ય પર પહોંચી ગઈ છે.

સામાન્ય માણસો પણ બન્યા વાવાઝોડાના કેરનો ભોગ

ઇમેજ સ્રોત, FARHAD SAIKH
માત્ર ખેડૂતો જ નહીં પરંતુ સામાન્ય માણસો પણ કુદરતના કેરનો ભોગ બન્યા છે.
ઉનાના રહેવાસી પિયુષ સરવૈયાનાં બે મકાન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયાં છે. જ્યારે અન્ય બે મકાનોને આંશિક નુકસાન થયું છે.
પશુઓ માટે બનાવેલા વાડાનો પણ નાશ થયો છે.
હવે તેઓ મીટ માંડીને સરકારી મદદ માટે રાહ જોઈ રહ્યા છે. પરંતુ તેમને હજુ સુધી એ વાતનો ખ્યાલ નથી કે સરકારે કેટલી મદદ કરશે.
કોઈ સરકારી અધિકારીએ આ બાબતે તેમને કોઈ ચોખવટ કરી નથી.
નોંધનીય છે કે ગુજરાત સરકારે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તૌકતે વાવાઝોડાના અસરગ્રસ્તો માટે સરકાર 500 કરોડ રૂપિયા વાપરશે.
આ અંગે સર્વેની કામગીરી પણ પૂરઝડપે ચાલી રહી છે.
સરકારનો દાવો છે કે સર્વે પૂરો થયા બાદ સહાયની રકમ ખેડૂતોના ખાતામાં આવી જશે.
પરંતુ હજુ સુધી સરકારે જે લોકોનાં મકાન નાશ પામ્યાં છે, તેમજ જે માછીમારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તેમને ક્યારે અને કેટલી સહાય ચૂકવવામાં આવશે, તે અંગે સરકારે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી.
ઘણાંનું માનવું છે કે ગુજરાત સરકાર દ્વારા તૌકતે વાવાઝોડાના અસરગ્રસ્તોને કરાયેલી સહાય મામૂલી છે.

સરકારી સહાય પૂરતી?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે ગુજરાત સરકારે તૌકતે વાવાઝોના અસરગ્રસ્તો માટે જાહેર કરાયેલી સહાય આજ દિન સુધીની સૌથી સારી અને મોટી જાહેરાત છે.
તેમણે દાવો કર્યો કે સરકારની આ જાહેરાતથી લોકો સંતુષ્ટ પણ છે.
તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "સરકારે અસરગ્રસ્ત ખેડૂતો માટે પ્રતિ હેક્ટર એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જે મહારાષ્ટ્રમાં અપાયેલી સહાય કરતાં બમણી છે."
પ્રદીપસિંહ જાડેજાએ દાવો કર્યો કે રાજ્યના મોટા ભાગના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો રિસ્ટોર થઈ ગયો છે.
જોકે, ખેડૂતોની વાત પરથી સાવ વિપરીત ચિત્ર જ સામે ઊપસી આવે છે.

બાગાયતી પાકોનું અર્થશાસ્ત્ર
બાગાયતી પાકોના અર્થશાસ્ત્ર વિશે જાણીએ એ પહેલાં બાગાયતી પાકો એટલે શું એ વિશે થોડી ચોખવટ મેળવી લઈએ.
બાગાયત એટલે ફળ, શાકભાજી અને ફૂલ વગેરેની ખેતી.
ગુજરાતમાં કેરી, ચીકુ, સીતાફળ અને જામફળ જેવાં ફળ વધુ પ્રમાણમાં પાકે છે.
સરકારી આંકડા મુજબ સમગ્ર રાજ્યમાં 4,46,440 હેક્ટર જમીન પર વર્ષ 2019-20માં ફળોનો પાક થયો હતો.
જેમાં આંબા, ચીકુનાં ઝાડ અને અન્ય વૃક્ષો સમાવિષ્ટ છે.
આ સમયગાળા દરમિયાન 92,61,066 મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું. આને મબલખ ઉત્પાદન કહી શકાય.
કુલ ઉત્પાદન પૈકી 60 ટકા જેટલું ઉત્પાદન તો માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થયું હતું. નોંધનીય છે કે તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડાની પણ સૌથી વધુ અસર આ વિસ્તારો પર જ જોવા મળી હતી.
આ વિસ્તારોમાં જમીન સંપાદિત કરતી વખતે સરકારી સહાય પ્રમાણે વર્ષ 2015ના પરિપત્ર અનુસાર સાત વર્ષ સુધીનાં હાફુસ આંબાની કિંમત 14,300 અને તેથી વધુ ઉંમરના આંબાની કિંમત 40,800 આંકવામાં આવી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આવી જ રીતે સાત વર્ષના કેસર કેરીના આંબાની કિંમત સરકારી આંકડા પ્રમાણે 14,000 જ્યારે તેથી વધુ ઉંમરવાળા આંબાની કિંમત 40,000 રૂપિયા આંકવામાં આવી હતી.
નોંધનીય છે કે ખેડૂતની જમીન સંપાદિત કરતી વખતે સરકારે આ ગણતરી અનુસાર વળતર ચૂકવવાનું હોય છે.
જોકે, તૌકતે વાવાઝોડા પછી જ્યારે ખેડૂતોના આંબા નાશ પામ્યા છે, તે પરિસ્થિતિમાં સરકારે એક હેક્ટરમાં સંપૂર્ણ આંબા નાશ પામ્યા હોય તેવા ખેડૂતને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
આ અંગે ગુજરાત સરકારના ઍગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટમાં સંયુક્ત નિયામક પદેથી નિવૃત્ત થયેલા મધુભાઈ ધોરાજીયા જણાવે છે કે એક હેક્ટરમાં સામાન્ય રીતે 100 આંબાનાં ઝાડ હોય છે.
એક આંબા પર એક સિઝનમાં આશરે 71 કિલોગ્રામ કેરી ઊગે છે.
તેઓ કહે છે કે, "જો આ કેરીની બજારકિંમત 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ગણવામાં આવે તો એક આંબો આશરે 3,500 રૂપિયાની કેરી એક સિઝનમાં ખેડૂતને આપે છે. જ્યારે એક હેક્ટરમાં આવા 100 આંબા હોય તો તેવા ખેડૂતને 3,50,000 રૂપિયા મળી શકે છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
સરકારની જાહેરાત અનુસાર સરકાર બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર એક લાખ રૂપિયા સુધીની સહાય ચૂકવશે.
ધોરાજીયા જણાવે છે કે આ સહાય નહિવત્ કહેવાય.
તેઓ કહે છે કે, "સરકારે આ સહાયની રકમ વધારવી જોઈએ. આવી જ રીતે ગુજરાતમાં ચીકુ વગેરેનાં ઝાડને પણ ખૂબ નુકસાન થયું છે."

કેમ નારાજ છે ખેડૂતો?
મોટા ભાગના બાગાયતી ખેડૂતો સરકારની આ સહાયને પોતાની વાડીમાંથી કચરો સાફ કરાવવા માટેનો ખર્ચ માની રહ્યા છે.
ઘણા ખેડૂતોનું માનવું છે કે સરકાર સહાયના નામે ખેડૂતોની મશ્કરી કરી રહી છે.
શક્તિસિંહ ગોહિલના ખેતર પર મોટા ભાગના આંબા અને આંબા પરની કેરીઓ સંપૂર્ણપણે નાશ પામી છે.
તેઓ કહે છે કે, "અમને કહેવામાં આવ્યું છે કે એક હેક્ટર દીઠ 30,000 રૂપિયા મળશે. આટલો ખર્ચ તો આંબા પરથી નીચે પડી ગયેલી કેરીઓને વાડીમાંથી દૂર કરવા પર થશે."
"આટલી સહાય કરીને સરકાર અમારો મજાક ઉડાવી રહી હોય તેવું લાગી રહ્યું છે."
આવી જ રીતે બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂત મેમુદનું કહેવું છે કે તેમને ઉનાળાના પાકથી દર વર્ષે આશરે 2 લાખ રૂપિયાની આવક થતી હતી.
તેઓ કહે છે કે, "મેં સર્વે માટે અધિકારીઓની રાહ જોઈ, પરંતુ તેઓ ન આવતાં આખરે મેં મારું ખેતર સાફ કરી નાખ્યું."
"સરકારનું કહેવું છે કે તેઓ મને હેક્ટર દીઠ 20,000 રૂપિયા આપશે. જે નહિવત્ રકમ છે. તેના કરતાં તો સરકાર સહાય ન આપે તો સારું."

વાવાઝોડાએ બનાવ્યા ઘરવિહોણા

ઇમેજ સ્રોત, FARHAAN KADRI
અમરેલી જિલ્લાના ઉનાના રહેવાસી પિયુષ સરવૈયાનાં બે મકાનો તૌકતે વાવાઝોડામાં પડી ભાંગ્યાં છે.
હાલમાં તેઓ પોતાના પરિવાર સાથે નજીકના એક મંદિરમાં આશરો લેવા માટે મજબૂર બન્યા છે.
સરકારે જાહેરાત કરી છે કે જે લોકોનાં મકાનો સંપૂર્ણપણે વાવાઝોડના કારણે પડી ભાંગ્યાં હોય તેઓને સરકાર 95,100 રૂપિયા ચૂકવશે.
અને જેમના મકાનને આંશિક નુકસાન ભોગવવું પડ્યું છે તેમને 25,000 રૂપિયા ચૂકવવામાં આવશે.
તેમજ પશુના વાડાને થયેલ નુકસાનની ભરપાઈ માટે પાંચ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે.
જોકે, શુક્રવાર સુધી ઘણા વિસ્તારોમાં સરકારની સર્વેની કામગીરી ચાલી રહી હતી.
પિયુષભાઈ જણાવે છે કે, "અમારાં ઘરોમાં થયેલ નુકસાનીનો સર્વે થઈ ચુક્યો છે. પરંતુ અમને ક્યારે અને કેટલી રકમ મળશે તે અંગે કોઈ ચોખવટ કરાઈ નથી."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












