'હે ઈશ્વર, આ આભ ફાટ્યું છે એને થીંગડું તું જ મારી શકીશ', કૅનાલમાં ઝંપલાવનાર ખેડૂતની અંતિમ ચિઠ્ઠી

ઇમેજ સ્રોત, Loria family
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
"હે ઈશ્વર, આ આભ ફાટ્યું એને થીંગડું તું જ મારી શકીશ." આ શબ્દો મોરબીના હળવદ તાલુકાના અજિતગઢ ગામના રમેશ લોરિયાના છે, જે તેમણે જીવનના અંતિમ સમયે લખેલી ચિઠ્ઠીમાં લખ્યા હતા.
40 વર્ષના રમેશ લોરિયાને ખેતીમાં ત્રણેક વર્ષ નુકસાનીનાં રહ્યા. જરૂરિયાતની નાનીનાની વસ્તુઓ પણ ખરીદવી મોંઘી પડવા માંડી હતી. દેવું વધી રહ્યું હતું અને મગજ પર બોજ વધારી રહ્યું હતું.
અધૂરામાં પૂરું તેમનાં બાને કોરોના થયો ત્યારે સારવાર પાછળ એંશીએક હજાર ખર્ચવા પડ્યા. ખેતીમાં બરકત નહોતી અને બિયારણથી માંડીને ડીઝલના ભાવ વધી રહ્યા હતા. અંતે 25મેએ રમેશ લોરિયાએ નજીકની કૅનાલમાં ઝંપલાવીને મોતને વહાલુ કરી લીધું હોવાનું પરિવાર પાસેથી જાણવા મળ્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રમેશ લોરિયાએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, "ખેતીમાં નુકસાનીનો સામનો હવે મારાથી થાય તેમ નહોતો. હવે મારી પાસે ખેતીના રૂપિયા પણ નહોતા. ખાવાના ફાંફાં હતા. દવાખાને જાવાના પૈસા નહોતા એટલે મેં આ પગલું ભર્યું છે."
રમેશે ત્યાંના કીડીના નાળા પાસેથી પસાર થતી કૅનાલમાં પડતું મૂક્યું હતું. જ્યાં પડતું મૂક્યું હતું ત્યાંથી તેમનાં પગરખાં સહિતની કેટલીક વસ્તુ મળી આવી હતી. જેમાં આત્મહત્યા પહેલાં લખેલી ચિઠ્ઠી પણ હતી, આ વાત તેમના પિતરાઈ સંતોષ લોરિયાએ બીબીસીને કરી હતી.
તેમણે એમ પણ લખ્યું હતું કે, "હે ઈશ્વર, જીવતાંય મારી પ્રાર્થના તે નથી સાંભળી પણ હવે હું મરતાંમરતાં પ્રાર્થના કરું છું કે મારા દીકરાની લાજ રાખજે. હું આર્થિક મુસીબતથી આત્મહત્યા કરું છું. હે ઈશ્વર, આ આભ ફાટ્યું એને થીંગડું તું જ મારી શકીશ."

વધતું દેવું, મનમાં મૂંઝવણ

ઇમેજ સ્રોત, THINKSTOCK
પરિવારને નિભાવતો દીકરો ચાલ્યો જાય ત્યારે વડીલ પિતાના ખભે જે દુખ આવી પડે છે એની કલ્પના કરવી મુશ્કેલ છે. રમેશના પિતા પ્રભુભાઈ લોરિયા એકોત્તેર વર્ષના છે.
બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "દીકરો રમેશ બહુ સરળ માણસ હતો. ખેતીની નુકસાની અને વધતા દેવાને લીધે તેના મન પર બોજ વધતો જતો હતો. તે મનમાં મૂંઝાયા કરતો હતો અને અમને ક્યારેય કશું જણાવતો ન હતો. અમને ખબર નહોતી કે તે આવું પગલું ભરશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"લેણદારોના ફોન આવે તો એ મૂંઝાયા કરતો કે પૈસા તો દેવા પડશે. રમેશ કપાસની ખેતી કરતો હતો. છેલ્લાં ત્રણેક વર્ષથી ખેતી ખૂબ નુકસાનીમાં હતી. દેવું માથે ચઢી ગયું હતું. ત્રણ-ચાર લાખનું દેવું હશે. એ ઉપરાંત સગાંસંબંધી પાસેથી કેટલાંક નાણાં લીધાં હશે."
પ્રભુભાઈ ઉમેરે છે કે, "એટલું હું ચોક્કસ કહીશ કે લેણદારોએ ક્યારેય રમેશ પર દબાણ કર્યું નથી. રમેશે જે પગલું લીધું એમાં કોઈએ ઉઘરાણી કરી હોય એવી વાત નથી. સગાંવહાલાંએ પણ તેને પૈસાની મદદ કરી હતી અને હજી પણ મદદ માટે કહેતા હતા."
રમેશના મોટા કાકાના દીકરા સંતોષ લોરિયાએ પણ બીબીસી સાથે વાત કરતાં પ્રભુભાઈની વાત સાથે સૂર પૂરાવ્યો હતો.
સંતોષે કહ્યું હતું હતું કે, "છેલ્લા દિવસોમાં તો ઘરખર્ચના પૈસા માંડ નીકળતા હતા. રમેશના સગા મોટા ભાઈ હસમુખભાઈએ તેના ઘરમાં કહી રાખ્યું હતું કે પૈસા મારી પાસેથી લઈ જવા, ચિંતા કરવી નહીં. હસમુખભાઈ પોતે પણ એટલા સદ્ધર નહોતા છતાં બનતી મદદ કરતા હતા."

ગુજરાતમાં ખેડૂતો અને ખેતમજૂરોની આત્મહત્યા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
જે ખેડૂતોએ આત્મહત્યા કરી હોય તેઓ મોટે ભાગે દેવાના બોજ તળે તો હોય જ છે, ઉપરાંત ખેતી સાથે સંકળાયેલો ભાવવધારો પણ ક્યાંક કારણભૂત બનતો હોય છે.
સંતોષ લોરિયા કહે છે કે, "ખેતીમાં ઉત્તરોત્તર નુકસાની ઉપરાંત બિયારણ, ખાતર, ડીઝલના ભાવ વધી ગયા છે. રમેશને બાળકોની શિક્ષણ ફીની પણ ચિંતા હતી. આમ ચારે તરફથી ઘેરાઈ ગયો હોવાનું તે મહેસૂસ કરતો હતો."
"રમેશે તેના મિત્રોને પાંચેક મહિના અગાઉ એવું કહ્યું હતું કે જીવનથી તે કંટાળ્યો છે. હવે કોઈ પાસેથી વધુ પૈસા માગી શકાય તેમ નથી. આના કરતાં જીવન ટૂંકાવી નાખવું સારું. એ વખતે મિત્રોએ પણ ખૂબ સહયોગ કર્યો હતો. પૈસાથી લઈને બિયારણ, ખાતર, ટ્રેક્ટર જે જોઈતું હોય તેની મિત્રો મદદ કરતા હતા."
ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. ભાગ્યેજ કોઈ જિલ્લો હશે જ્યાં ખેડૂતની આત્મહત્યાનો બનાવ સામે ન આવ્યો હોય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ગુજરાતમાં વર્ષ 2014થી 2017 સુધીમાં ત્રણ વર્ષમાં 1,177 ખેતમજૂરો અને 132 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.
સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરાયેલા અહેવાલ અનુસાર ત્રણ વર્ષમાં કુલ 1,309 ખેડૂતો અને ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી. ગુજરાતમાં વર્ષ 2014માં 555, વર્ષ 2015માં 244 અને વર્ષ 2016માં 378 ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી. (1)
અખબાર બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલમાં ટાંકવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર કહે છે કે ખેતીને લગતી સમસ્યાઓને લીધે આત્મહત્યા કરનારાઓની સંખ્યા નગણ્ય છે.
ગયા વર્ષે વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય કાળાભાઈ ડાભીએ ક્વેશ્ચન અવરમાં સવાલ ઉઠાવ્યો હતો કે ખેડા અને આણંદમાં કેટલા લોકોએ ગત વર્ષે આત્મહત્યા કરી હતી? એના જવાબમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, "ખેડામાં 90 અને આણંદમાં 111 લોકોએ આત્મહત્યા કરી હતી."
જાડેજાએ ઉમેર્યું હતું કે એક પણ ખેડૂતે કૃષિલક્ષી બાબતને લીધે આ બંને જિલ્લામાં આત્મહત્યા કરી નથી.
એ વખતે વિધાનસભામાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, "વ્યક્તિ જ્યારે આત્મહત્યા કરે છે અને પોલીસ એફઆઈઆર લખે છે ત્યારે ખેડૂત કે ખેતમજૂરના વ્યવસાય તરીકે ખેતી લખવામાં આવે છે?"
એ વખતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, "પરેશ ધાનાણી આ મુદ્દાને રાજકીય બનાવવા માગે છે. ખેડૂત આત્મહત્યા કરે તો એની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. એ તપાસનો વિષય હોય છે કે શું તેણે ખેતીના કોઈ કારણને લીધે આત્મહત્યાનું પગલું ભર્યું કે અન્ય કોઈ કારણે."

'બાને કોરોના થયો ત્યારે ઉછીના પૈસે ઈલાજ કરાવવો પડ્યો'

ઇમેજ સ્રોત, GETTY IMAGES
કોરોના એવી બીમારી છે જે ઘરમાં કોઈ એકને થાય તો પણ ક્યારેક એની પાછળ સમગ્ર પરિવારને ખર્ચાના ખાડામાં ઉતારી દે છે.
પ્રભુભાઈ લોરિયા કહે છે કે, "રમેશની બાને ગયા વર્ષે કોરોના થયો હતો ત્યારે પાંચેક દિવસ હૉસ્પિટલમાં રહ્યાં હતાં. એ વખતે 85 હજાર જેટલો ખર્ચ થયો હતો. એ પૈસા પણ તેણે કોઈક પાસેથી લેવા પડ્યા હતા."
સંતોષ કહે છે કે, "તેને મનમાં એવું પણ હતું કે જો હવે કોઈને કોરોના થશે તો ઈલાજ કેવી રીતે કરાવશું?"
કોરોના તેમજ લૉકડાઉનને લીધે ઘણા ધંધારોજગારને અસર થઈ છે તેમાં ખેતી પણ બાકાત નથી.
કૃષિનિષ્ણાત જયેશ પટેલ બીબીસીને જણાવે છે કે, "કોરોના લૉકડાઉન પછી ખેડૂત બેઠો થઈ શક્યો નથી. કોરોના મહામારીને લીધે 25 માર્ચથી 31 મે સુધી લૉકડાઉન લાગુ થયું હતું. ખેડૂતો માટે માર્ચ, એપ્રિલ અને મે એ ઉનાળુપાક લેવાની મોસમ હોય છે."
"ખેડૂતોએ પાક તો ઉતાર્યો પણ લૉકડાઉનના એ મહિનાઓમાં એપીએમસી સહિતની કૃષિબજાર બંધ હોવાને લીધે તેમને યોગ્ય ભાવ ન મળ્યા."
તેઓ કહે છે, "એ પાક ખેડૂતોએ જે મળે તે ભાવે વેચી નાખ્યા હતા. પરિણામે ખેડૂત ખોટ કે દેવામાં ગયો. જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી ખરીફપાકની વાવણીની મોસમ ચાલે છે. એના માટે બિયારણ, દવા વગેરે લેવાં પડે. ઉનાળુપાકના પૈસા ન આવ્યા હોવાને લીધે ખરીફ મોસમમાં ખેડૂત યોગ્ય વાવેતર ન કરી શક્યો. તેથી ખરીફ મોસમ પણ તેના માટે પચાસ ટકા નુકસાનીમાં ગઈ."
તેઓ વધુમાં ઉમેરે છે, "એ પછી આવેલી રવી અને ઉનાળુપાકની મોસમમાં ખેડૂત માટે થોડા રાહતભર્યા રહ્યા, ત્યાં તૌકતે વાવાઝોડું આવ્યું અને ખેડૂત ફરી નુકસાનીના ઉંબરે આવીને ઊભો છે. તેથી જુઓ તો કોરોના લૉકડાઉન પછી ખેડૂત બેઠો થઈ જ શક્યો નથી."

ખેડૂત એક સાંધે ત્યાં તેર તૂટે છે
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
અજિતગઢ વિસ્તારમાં કપાસ તેમજ શાકભાજીનો પાક ખેડૂતો લે છે. સંતોષ લોરિયા પોતે પણ કપાસ લે છે.
તેઓ કહે છે કે, "છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં ગામની અંદર રમેશ જ નહીં કોઈ ખેડૂત પૈસો કમાયો નથી. અનિયમિત વરસાદ અને કપાસમાં ઈયળ પડી જવાથી પાક સરખો થતો નથી."
"જે ખેડૂતો દેવાના બોજ તળે હોય કે જેમના પરિવારમાં કોઈ ખેડૂતે આત્મહત્યા કરી હોય તેવા પરિવારનાં સંતાનોના શિક્ષણની ફી ચુકવણીની જવાબદારી સરકારે પોતે લઈ લેવી જોઈએ."
"રમેશને બે દીકરી અને એક દીકરો, એમ ત્રણ સંતાન છે. મોટી દીકરી દશમા ધોરણમાં છે. ખેતીની નુકસાની પેટે સરકારે વખતોવખત તેર હજાર રૂપિયાની સહાય અમારા જેવા ખેડૂતોને કરેલી છે. સરકારે વધુ સહાય કરવી જોઈએ. બાર-તેર હજારમાં તો શું થાય?"
સંતોષ કહે છે, "અધૂરામાં પૂરું ખાતરના ભાવ પણ હવે વધી ગયા છે. જે ખેડૂત 1200 રૂપિયાની ડીએપી ખાતરની ગુણી માંડમાંડ લઈ શકતો હતો તે ખાતરના હવે સરકારે 2700 રૂપિયા કરી નાખ્યા છે. સરકાર કહે છે કે સબસિડીનો લાભ આપશું, પણ પહેલાં તો 2700 રૂપિયા ખેડૂતે ભેગા કરવાના ને? આમ ને આમ ખેડૂત વ્યાજના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. ખેડૂત હવે ખેતી કરવા લાયક રહ્યો નથી."

ઇમેજ સ્રોત, AFP
સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપૂરતા વરસાદ અને દુકાળને લીધે ખેતીની જે સમસ્યા છે તે સમયાંતરે વર્ષોથી છે. રાજ્યમાં વચ્ચેવચ્ચે ભારે વરસાદને કારણે પણ મોટી તારાજીના બનાવો પણ બન્યા છે.
2019માં ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદ રાજ્યમાં પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં ખેડૂતોને ખૂબ નુકસાન ગયું હતું.
જામનગર, પૌરબંદર, ગીર વગેરે વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાક તણાઈ ગયા હતા. કપાસ, મગફળી વગેરે પાકને નુકસાન થયું હતું.
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે એ વખતે રૂપિયા 3,795 કરોડના રાહતપૅકેજની જાહેરાત કરી હતી. એ રકમ અને વહેંચણી સામે અસંતોષ પ્રકટ કરીને કેટલાંક ખેડૂત સંગઠને સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા.
2020માં પણ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારો અતિવૃષ્ટિનો ભોગ બન્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં કેટલાંક ખેતરો તો બબ્બે મહિના સુધી તળાવ જેવાં બની ગયાં હતાં. કપાસ અને મગફળીના પાક ધોવાઈ ગયા હતા.
2015માં અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં એટલો ભારે વરસાદ થયો હતો કે અમરેલી અને પોરબંદરનાં ત્રીસેક ગામ બેટમાં ફેરવાઈ ગયાં હતાં. ત્યાંનાં ખેતર અને પાક તણાઈ ગયાં હતાં. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ એ વર્ષે ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે 70 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

સરકાર કેટલી અસરકારક?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
સરકાર ખેડૂતો માટે પાકવીમાની યોજના લાવી હતી. એ યોજનામાં વીમા કંપનીઓ તેમજ સરકાર સામે સવાલ ઊભા થયા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે ઝીરો પ્રીમિયમની કિસાન સહાય યોજના લાગુ કરી હતી.
ઑગષ્ટ 2020માં તેની પ્રેસ-કૉન્ફરન્સમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે પાકવીમાની પ્રક્રિયાને સરળ કરી દેવાની દિશામાં આ પગલું લીધું છે.
દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી આફત વખતે ખેડૂતોને વળતર મળી રહે એ માટે આ જાહેરાત કરાઈ હતી. સરકારે વખતોવખત યોજનાઓ જાહેર કરી છે પણ ખેડૂતો અને તેમની મુશ્કેલીઓ હતી ત્યાં ને ત્યાં જ છે.
રમેશ લોરિયાના પિતા પ્રભુભાઈને જ્યારે પૂછ્યું કે, તમે પરિવારના આધાર સમો દીકરો ગુમાવ્યો છે. હવે તમે શું કરશો?
પ્રભુભાઈએ કહ્યું કે, "હવે દીકરાની જગ્યાએ હું ખેતી કરીશ. ખેડૂતને ખેતી વગર શું ફાવે? કરવું તો પડશે ને!"


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












