ગુજરાતમાં 21 મેથી 'આંશિક છૂટછાટ'ની શરૂઆત, જાણો શું-શું ખૂલશે?- Top News

ગુજરાતમાં કોરોના સંક્રમણને પગલે રાજ્યનાં 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુને લંબાવવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, તા. 21 મે 2021ના રાત્રે 8 વાગ્યાથી તા. 28 મે, 2021ના સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ રહેશે. તેમાં આઠ મહાનગરોનો પણ સમાવેશ થાય છે.

એટલે કે કોરોના કર્ફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ સાત દિવસ માટે અમલમાં રહેશે.

તેમજ આ દરમિયાન કેટલીક આવશ્યક સેવાઓ પણ ચાલુ રહેશે.

અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માંની દુકાનો ચાલુ રહેશે.

આ 36 શહેરોમાં ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડિલિવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશ કર્યો છે.

શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વેચવા માટેની ઑનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટિફિન સર્વિસિસ અને હોટલ ચાલુ રહેશે.

આ 36 શહેરોમાં નિયંત્રણો દરમિયાન દુકાનો-વાણિજ્યિક સંસ્થાઓ-રેસ્ટોરાં-લારી ગલ્લાઓ-શૉપિંગ સેન્ટર-માર્કેટિંગ યાર્ડ-હેર કટિંગ સલૂન-બ્યુટીપાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિઓ સવારે નવથી બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

'મોદીએ મુખ્ય મંત્રીઓને પૂતળાં બનાવી રાખ્યાં છે' - મમતા બેનરજીનો આરોપ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના મહામારીને લઈને દેશનાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સથી મીટિંગ કરી હતી.

મિટિંગમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પણ હાજરી આપી હતી અને તેમણે વડા પ્રધાન પર આરોપ લગાવ્યો કે વર્ચ્યુઅલ મિટિંગમાં મુખ્ય મંત્રીઓને બોલવા દેવામાં આવ્યા નહોતા.

તેમણે કહ્યું કે તેઓ પૂરી તૈયારી સાથે પેપર લઈને ગયાં હતાં પણ તેમને બોલવાનો મોકો ન આપવામાં આવ્યો.

મમતા બેનરજીએ કહ્યું કે બેઠકમાં મુખ્ય મંત્રીઓને પૂતળાં બનાવીને રાખ્યાં હતાં.

મમતા બેનરજીએ પૂછ્યું કે પીએમ મોદીને મુખ્ય મંત્રીઓથી કઈ વાતનો ડર છે. તેમણે આરોપ લગાવ્યો કે પીએમના વ્યવહારથી ઘણા મુખ્ય મંત્રીઓ અપમાન અનુભવી રહ્યા છે.

મમતા બેનરજીએ કહ્યું કે "પીએમે પોતાના ભાષણમાં કહ્યું કે કોરોના ઓછો થઈ ગયો છે, જો ઓછો થઈ ગયો હોય તો આટલાં મૃત્યુ કેમ થઈ રહ્યાં છે?"

તેમણે એમ પણ કહ્યું કે તેઓ (પીએમ) મુખ્ય મંત્રીઓની વાત સાંભળવા માગતા નથી તો બેઠકમાં મુખ્ય મંત્રીઓને શા માટે બોલાવે છે? તેમણે કેટલાક ડીએમને બોલવા દીધા અને સીએમનું અપમાન કર્યું.

મુંબઈના જૈનમંદિરમાં સાધુનો આપઘાત

મુંબઈના ઘાટકોપરમાં 71 વર્ષીય સાધુએ જૈન મંદિરમાં આપઘાત કરી લીધો છે તેમ પોલીસને ટાંકીને સમાચાર સંસ્થા પીટીઆઈ જણાવે છે.

પોલીસના કહેવા મુજબ સાધુ મનોહરલાલ મુનિ મહારાજનું મૃત્યુ શ્વાસ રુંઘાઈ જવાને કારણે થયું હતું.

પોલીસને ઘટનાસ્થળેથી એ અંતિમચિઠ્ઠી મળી આવી છે. આ ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે સાધુના "ગુરુ સપનાંમાં આવ્યા અને એમણે એવું કહ્યું કે પૃથ્વી પરનું તારું કામ પતી ગયું છે મારી પાસે પાછો આવી જા."

ઝોન-7ના ડૅપ્યુટી પોલીસ કમિશનર પ્રશાંત કદમે કહ્યું કે, આ કેસમાં કંઈ સંદિગ્ધ નથી. અમને સ્યુસાઇડ નોટ મળી છે જેમાં એમણે આવું અંતિમ પગલું ભરવાનું કારણ જણાવ્યું છે.

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરી શકો છો.

ઘટના બાદ મૃતદેહને રાજાવાડી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેનું પૉસ્ટમાર્ટમ કરવામાં આવ્યું છે.

પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં કુલ 45 લોકો મૃત્યુ પામ્યાં, અનેક ઘાયલ

વાવાઝોડું તૌકતેને પગલે ગુજરાત રાજ્યમાં કૂલ 45 લોકો મૃત્યુ થયાં હોવાના રિપોર્ટ્સ છે. જ્યારે કેટલાક ઘાયલ પણ થયાં છે.

‘ઇન્ડિયા ટુડે’ના અહેવાલ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીનો કૂલ મૃત્યુઆંક 45 થયો છે. જેમાં 15 મૃત્યુ સૌરાષ્ટ્રના અમરેલીમાં થયાં છે. વાવાઝોડાથી અમરેલીમાં ઘણી તારાજી થઈ છે.

વળી ભાવનગર અને ગીર-સોમનાથમાં 8-8 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં 5 તથા આણંદ, વડોદરા, સુરત, વલસાડ, રાજકોટ, નવસારી અને પંચમહાલ જિલ્લામાં 1-1 મૃત્યુ થયું છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર 45માંથી કૂલ 24 મૃત્યુ દીવાલ ધસી પડવાથી થયાં છે. 6 મૃત્યુ વૃક્ષો ધરાશાયી થઈ જવાથી જ્યારે 5 મૃત્યુ મકાન પડી જવાથી અથવા વીજળી પડવાથી થયાં છે. ચાર મૃત્યુ ઘરની છત વાગવાથી અને એક મૃત્યુ ટાવર પડવાથી થયું છે.

આ ઉપરાંત અહેવાલ અનુસાર સૌરાષ્ટ્રમાં ખેતરોના 90 ટકા ઊભા પાકને પણ નુકસાન થયું છે.

કેન્દ્ર સરકાર બીબીસી વર્લ્ડની જેમ ડીડી ઇન્ટરનેશનલ ચૅનલ શરૂ કરશે?

કેન્દ્ર સરકાર બીબીસી વર્લ્ડની જેમ ડીડી ઇન્ટરનેશનલ (દૂરદર્શન આંતરરાષ્ટ્રીય સેવા) ચૅનલ શરૂ કરવાની તૈયારીમાં છે.

‘ધ પ્રિન્ટ’ના રિપોર્ટ મુજબ પ્રસાર ભારતી આ મામલે સક્રિય થઈ છે અને તેના માટેની કામગીરી પણ શરૂ કરી છે.

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિષયો પર ભારતનો દૃષ્ટિકોણ રજૂ કરવાના હેતુથી આ ચૅનલ શરૂ કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે.

ડીડી ઇન્ડિયા બાદ ડીડી ઇન્ટરનેશનલ બીજી ચૅનલ હશે. પ્રસાર ભારતીએ આ માટે રસ ધરાવતી કંપનીઓ પાસે અરજીઓ પણ મંગાવવાનું શરૂ કરી દીધું છે.

ન્યૂઝીલૅન્ડે જેના માટે મદદ માગી હતી તે સ્ટાફરનું કોરોનાથી મોત

મે મહિનામાં ભારતમાં ન્યૂઝીલૅન્ડ હાઇ કમિશને તેમના એક સ્ટાફની વ્યક્તિ માટે ઑક્સિજન માટે સોશિયલ મીડિયામાં મદદ માગવી પડી હતી.

એ સમયે દિલ્હીમાં અને દેશભરમાં ઑક્સિજન સપ્લાય મામલે મુશ્કેલ સમય હતો. ન્યૂઝિલૅન્ડે કૉંગ્રેસને ટૅગ કરીને મદદ માગી હતી. જેને પગલે પાછળથી વિવાદ પણ થયો હતો.

‘ધ ન્યૂઝીલૅન્ડ હેરાલ્ડ’ મુજબ જે વ્યક્તિ માટે મદદ માગવામાં આવી હતી તેમનું મૃત્યું થઈ ગયું છે.

કોરોનાના બીજા વેવમાં 23 હજાર કરોડના વીમાના ક્લેઇમ આવ્યા

દેશભરમાં કોરોના વાઇરસનો બીજો વેવ એટલે કે બીજી લહેર અત્યંત ઘાતક નીવડી છે. અને વૃદ્ધથી લઈને યુવાનોએ પણ હૉસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર દેશભરમાં કોરોનાના બીજા વેવ દરમિયાન કુલ 14.82 લાખ વીમાધારકોએ ક્લેઇમ સબમિટ કર્યાં છે. જેની કુલ રકમ 22,955 કરોડ રૂપિયા છે. આ આંકડો 14મે સુધીનો છે.

આ ઉપરાંત જોકે કંપનીઓ હજુ સુધી 12 લાખ વીમાધારકોના 11 હજાર કરોડના જ ક્લેઇમ સેટલ કર્યાં છે.

આથી અઢી લાખ ગ્રાહકોના 11 હજાર કરોડના વીમાના ક્લેઇલ સેટલ કરવાના બાકી છે.