નહેરુ-ગાંધી સરકારે બનાવેલી સિસ્ટમ પર કપરા સમયમાં ભારત ટકી રહ્યું છે - શિવસેના

ઇમેજ સ્રોત, PC- TWITTER/OM BIRLA
દેશમાં કોરના મહામારીનો કેર સતત વઘી રહ્યો છે ત્યારે શિવસેનાએ નરેન્દ્ર મોદી સરકારના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર આકરો પ્રહાર કરતાં કહ્યું છે કે છેલ્લા 70 વર્ષમાં આગળની સરકારો, વડા પ્રધાનો, નહેરુ અને ઇન્દિરા ગાંધી અને મનમોહનસિંહે બનાવેલી વ્યવસ્થા પર ભારત આજે કપરા સમયમાં ટકેલું છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર શિવસેનાએ કહ્યું કે, નાનાં દેશો ભારતને કોરોના સામે લડવા મદદ કરી રહ્યાં છે અને મોદી સરકાર કરોડો રૂપિયાનો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અટકાવવા માટે પણ રાજી નથી.
અખબાર સામનાને ટાંકીને લખે છે, યુનિસેફે ભારતમાં કોરોનાની સ્થિતિથી દુનિયાને ખતરો છે અને તેણે દરેક દેશોને ભારતને મદદ કરવા અપીલ કરી છે. ભારતની કોરોના વાઇરસની લડાઈમાં બાંગ્લાદેશ દસ હજાર રેમડિસિવિર મોકલે છે, ભુતાન ઓક્સિજન મોકલે છે, નેપાળ, મ્યાનમાર અને શ્રીલંકા મદદ મોકલે છે.
સામનાને ટાંકીને અખબાર લખે છે કે, સ્પષ્ટ રીતે ભારત નહેરુ-ગાંધી સરકારોએ ઊભી કરેલી વ્યવસ્થા પર ટકી રહ્યું છે. અનેક ગરીબ દેશો ભારતની મદદ કરી રહ્યાં છે. અગાઉ પાકિસ્તાન, રવાંડા અને કોંગો જેવાં દેશ અન્યોની મદદ લેતા હતા પણ આજના શાસકની ખોટી નીતિઓને કારણે ભારતનો આ હાલ થયો છે.
શિવસેનાના મુખપત્ર સામનાએ કહ્યું કે, એ વાતનું કોઈને અચરજ પણ નથી થતું કે એક તરફ ભારત બાંગ્લાદેશ, ભુતાન, શ્રીલંકાની મદદ લઈ રહ્યું છે અને બીજી તરફ મોદી સરકાર કરોડો રૂપિયાનો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ બાંધી રહી છે જેમાં નવી પાર્લામેન્ટ બિલ્ડિંગ અને વડા પ્રધાનનું ઘર છે

ભારતમાં કોરોનાની પરિસ્થિતિ વિચલિત કરનારી : કમલા હેરિસ

ઇમેજ સ્રોત, Drew Angerer/Getty Images
અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે જણાવ્યું છે કે ભારતમાં કોરોનાના વધતા કેસ અને મૃત્યુ ભયજનક છે
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર હેરિસે કહ્યું કે ભારતની મદદ કરવી એ અમેરિકા માટે બહુ મહત્ત્વની છે.
ભારત માટે મોકલવામાં આવતી સહાય વિશે જણાવતી વખતે તેમણે એ પરિવારો માટે સંવેદના વ્યક્ત કરી હતી, જેમણે કોરોનાથી પોતાની અંગત વ્યક્તિઓ ગુમાવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય મૂળના લોકો માટે કોરોના વાઇરસ વિશે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કમલા હેરિસે રેકૉર્ડ કરેલા સંદેશામાં જણાવ્યું હતું, "જેમ કે તમે જાણો છો કે મારા પરિવારની ઘણી પેઢીઓ ભારતથી છે. મારી માતાનો જન્મ અને ઉછેર ભારતમાં થયો છે. મારા પરિવારના ઘણા સભ્યો હજુ પણ ભારતમાં રહે છે. અમેરિકા માટે ભારતની સહાય મહત્વપૂર્ણ છે. "
કમલા હેરિસે જણાવ્યું કે, "ભારતમાં પરિસ્થિતિમાં બગડવાની શરુઆત થતાં જ અમેરિકન વહીવટી તંત્રે પગલાં લેવાની શરુઆત કરી હતી."
ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર શરુ થયા બાદ બાઇડન સરકારના વલણની ઘણી ટીકા કરવામાં આવી રહી છે.
તેમના પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બીજા દેશો ભારતની મદદ માટે તરત આગળ આવ્યા હતા જ્યારે અમેરિકાએ ઘણા દિવસો સુધી મૌન સેવી રાખ્યું હતું.
જોકે શરુઆતથી લઈને અત્યાર સુધી અમેરિકાએ ભારતને 100 મિલિયન ડૉલરની મદદ કરી છે.
હેરિસે કહ્યું કે, "26 એપ્રિલે રાષ્ટ્રપતિ જો બાઇડને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મદદ કરવાની વાત કરી હતી. 30 એપ્રિલે અમેરિકન સેના અને લોકો જમીન પર મદદ પહોંચાડી રહ્યાં હતાં."
તેમણે કહ્યું કે એન-95 માસ્ક, ઓક્સિજન સિલિન્ડર જેવી મહત્ત્વની વસ્તુઓ મોકલવામાં આવી છે અને હજુ મોકલવામાં આવશે.

જામનગરમાં રેમડેસિવરની કાળાબજારી કઈ રીતે ઝડપાઈ?

ઇમેજ સ્રોત, Reuters
'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર જામનગરના વહીવટી તંત્રે શહેરની ખાનગી હૉસ્પિટલમાં ચાલતા રેમડેસિવિરના કાળાબજારનું રૅકેટ ઝડપી પાડયું છે.
જામનગરના ઍરપૉર્ટ રોડમાં આવેલી સ્વામીનારાયણ હૉસ્પિટલ દ્વારા મૃતક દરદીઓનાં નામે રેમડેસિવિર દવા મગાવવામાં આવતી હતી.
અહેવાલ અનુસાર સબ-ડિવીઝનલ મૅજિસ્ટ્રેટ આસ્થા ડાંગરને હૉસ્પિટલ દ્વારા એક દરદીના નામે રેમડેસિવિરની માગ કરવામાં આવી હતી.
આ દરદીનું 3 મેના રોજ મૃત્યુ થયું હતું. બીજા દિવસે ફરીથી આ દરદીના નામે રેમડેસિવિરની માગણી કરવામાં આવતા મૅજિસ્ટ્રેટને શંકા ગઈ હતી અને તેમણે હૉસ્પિટલમાં તપાસ કરી હતી.
તપાસ દરમિયાન અધિકારીઓને રેમડેસિવિરના 22 ડોઝ મળી આવ્યા હતા. આ ડોઝની હૉસ્પિટલના સ્ટોક રજિસ્ટરમાં નોંધણી કરાઈ નહોતી.

ભારતને 30 મિલિયન ઍસ્ટ્રાઝેનેકા વૅક્સિન આપવા બાઇડનને વિનંતી

ઇમેજ સ્રોત, POOL/Getty Images
ઇન્ડિયન-અમેરિકન ડૉક્ટરોના જૂથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને વિનંતી કરી છે કે ભારતને 30 મિલિયન ઑક્સફોર્ડ-ઍસ્ટ્રાઝેનેકાના ડોઝ આપવામાં આવે.
એનડીટીવીના અહેવાલ અનુસાર 'ધ અમેરિકન ઍસોશિયેશન ઑફ ફિઝીશીયન્સ્ ઑફ ઇન્ડિયન-ઓરિજિન (એએપીઆઈ)એ રાષ્ટ્રપિત જો બાઇડનને વિનંતી કરી છે કે ભારતમાં કોરોના વાઇરસના વૅક્સિનની મોટી અને ગંભીર અછત છે અને તેની મદદ કરવા માટે ને 30 મિલિયન ઍસ્ટ્રાજેનેકા વૅક્સિન આપવામાં આવે.
એએપીઆઈએ આ માટે અમેરિકાના 100 સેનેટરોને પત્ર પણ લખ્યો છે.
સંસ્થાએ વ્હાઇટ હાઉસના અધિકારીઓને પણ ભારતમાં વૅક્સિન મોકલવા માટે વિનંતી કરી છે. એએપીઆઈ એ અમેરિકામાં ડૉક્ટરોની બીજી સૌથી મોટી સંસ્થા છે.
અમેરિકાની નિયામક સંસ્થા એફડીએની મંજૂરી બાદ ઑક્સફોર્ડ-ઍસ્ટ્રાઝેનેકા અમેરિકાને 60 મિલિયન ડોઝ આપવાની છે.
અહેવાલ અનુસાર જો બાઇડને કહ્યું છે કે તેઓ ઑક્સફોર્ડ-ઍસ્ટ્રાઝેનેકાની વૅક્સિન બીજા દેશોને આપવાની ઇચ્છા ધરાવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને અમિતાભ બચ્ચનના નામે કોરોના ઈ-પાસ બનાવાયા

એનડીટીવી અનુસાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અભિનેતા અમિતાભ બચ્ચનના નામે ખોટા ઈ-પાસ બનાવવા બદલ શિમલા પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
પોલીસ અનુસાર બંને ઈ-પાસમાં એક જ આધાર નંબર અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તપાસમાં બંને ઈ-પાસ ખોટા જણાતા હિમાચલ પ્રદેશના ડિપાર્ટમેન્ડ ઑફ ઇન્ફર્મેશન ટેકનૉલૉજી દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થતા 27 એપ્રિલથી રાજ્યમાં પ્રવેશ કરવા માટે ઈ-પાસ ફરજિયાત કરી નાખવામાં આવી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












