કોરોનાનો કેર : 'મેં બેડ માગ્યો, તો તેમણે મૃતદેહો દેખાડ્યા'

- લેેખક, દિવ્યા આર્યા
- પદ, બીબીસી સંવાદદાતા
હાલમાં દેશમાં જેટલાં ઓક્સિજન બેડ, વૅન્ટિલેટર કે ઓક્સિજન સિલિન્ડર છે, તેના કરતાં તેની માગ અનેક ગણી વધારે છે.
કોરોનાની બીજી લહેરમાં ચાહે શહેર હોય કે ગામડું દરેક જગ્યાએ સ્થિતિ ખરાબ છે.
કોરોનાનો આંકડો દરરોજ નવા રેકૉર્ડસ્તરે પહોંચી રહ્યો છે, અનેક લોકો આરોગ્યસેવા કે સુવિધાના અભાવે મૃત્યુ પામ્યાં છે.
હજારો ગુમનામ લોકોમાંથી બેની આપવીતી અહીં રજૂ કરીઈ રહી છે, જે સ્થિતિ કેટલી ભયાનક છે, તેનો ચિતાર આપે છે.

નિશિ શર્મા, દિલ્હી
પૈસા અને ઓળખાણ હોવા છતાં અમે તેમને ન બચાવી શક્યાં અને તેમનું મૃત્યુ થયું.
એક નેતાને ફોન કર્યો તો તેમણે કહ્યું, "નેતા છું. મારું કામ હૉસ્પિટલમાં પથારીની વ્યવસ્થા કરવાનું નથી. ભવિષ્યમાં આવી રીતે ફોન ન કરતા."
એ દિવસે સવારના સમયે મારાં સાસુ બીના શર્માનો શ્વાસ ખેંચાવા લાગ્યો અને ઓક્સિજનનું સ્તર ઘટવા લાગ્યું હતું.
અમે તેમને ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાનો વિચાર કર્યો, પરંતુ આજુબાજુની અનેક ખાનગી હૉસ્પિટલોમાં પૂછપરછ કરી તો પણ ત્યાં ઓક્સિજનવાળો બેડ ન મળ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમે ગુરૂ ગોવિંદસિંહ હૉસ્પિટલમાં ગયા. એ સરકારી હૉસ્પિટલ છે. ત્યાં ઓક્સિજન આપવામાં આવ્યો. 10 મિનિટ પછી અમને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે તેમનાં ફેફસાં 60 ટકા ખરાબ થઈ ગયાં છે. તેમને આઈસીયુ (ઇન્ટેન્શિવ કૅર યુનિટ)માં રાખવાં રહ્યાં. તેમને અહીંથી લઈ જાવ.
પછી અમે એક પછી એક ફોન કરવાનું શરૂ કર્યું, જેમ-તેમ કરીને ઓક્સિજનવાળી ઍમ્બુલન્સની વ્યવસ્થા કરી અને તેમને બીજી હૉસ્પિટલમાં દાખલ કરવા માટે નીકળ્યાં.
જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો મમ્મીને જે બેડ આપવાનો હતો, તે અન્ય દરદીને આપી દેવામાં આવ્યો. અમે ખૂબ જ વિનંતી કરી અને ખૂબ જ કરગર્યા ત્યારે તેમણે ઇમર્જન્સીમાં દાખલ કર્યાં અને ઓક્સિજન આપવાનું શરૂ કર્યું.
બાદમાં અમને કહેવામાં આવ્યું કે સ્થિતિ ખૂબ જ વણસી ગઈ છે અને તેમને વૅન્ટિલેટર ઉપર રાખવા પડશે, તેમને અહીંથી લઈ જાવ. તેઓ બચશે નહીં.
મમ્મી માત્ર 55 વર્ષનાં હતાં. તેમને મોઢામોઢ કહેવાની શું જરૂર હતી? તેમણે મારો હાથ પકડ્યો અને કહ્યું કે બેટા તું બધું સંભાળી લેજે.
કદાચ તેઓ હિંમત હારી ગયાં હતાં, પરંતુ અમારે હામ રાખવાની હતી. હવે અમારે વૅન્ટિલેટર તથા ડૉક્ટર હોય એવી ઍમ્બુલન્સની વ્યવસ્થા કરવાની હતી.

'એ દૃશ્ય સૂવા નથી દેતું'

વધુ પૈસા આપીને ઍમ્બુલન્સ બોલાવી અને જીટીબી હૉસ્પિટલ લઈ ગયાં, જે સરકારી હૉસ્પિટલ છે. રસ્તામાં અમે હેલ્પલાઇન નંબરને ફોન કરીને પૂછતા રહ્યાં કે બેડ છે કે નહીં.
વારંવાર અમને જણાવવામાં આવ્યું કે ત્યાં 23 બેડ ઉપલબ્ધ છે. અમે ત્યાં પહોંચ્યાં, તો મમ્મીને ઍમ્બુલન્સમાંથી ઊતરવા પણ ન દીધાં અને કહ્યું કે હેલ્પલાઇન પાસે ખોટી માહિતી છે.
મેં હાથ જોડીને તેમને કહ્યું કે અમે એક કલાકની મુસાફરી ખેડીને એટલા માટે અહીં આવ્યાં છીએ કે અમને કહેવામાં આવ્યું હતું કે અહીં બેડ ઉપલબ્ધ છે.
પરંતુ એ ડૉક્ટરે કહ્યું કે અહીં બેડ નથી.
તેઓ મને હૉસ્પિટલના પાછળના ભાગે લઈ ગયાં અને એક રૂમનો દરવાજો ખોલીને કહ્યું કે અહીં માત્ર મૃતદેહો જ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મેં મારી જિંદગીમાં ક્યારેય એકસાથે આટલા મૃતદેહો નહોતા જોયા. એ ભયાનક દૃશ્ય હજુ પણ મને રાત્રે ઊંઘવા નથી દેતું. તે વારંવાર મારી નજર સામે તરવરી ઊઠે છે.
ત્રીજી હૉસ્પિટલમાં અમે નિરાશ થઈને પરત ફર્યાં. ઓળખણની મદદથી છેવટે એક હૉસ્પિટલમાં વૅન્ટિલેટરવાળો બેડ મળ્યો, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું.
અમે તેને બચાવી ન શક્યાં.
તેમની બંને દીકરીઓ અને એક દીકરા સહિત તમામ પરિવારજનો કોવિડ પૉઝિટિવ છે.
હવે મને લોકોના ફોન આવે છે, તેઓ જાણવા માગે છે કે ઓક્સિજન ક્યાં મળશે, રેમડેસિવિર ઇન્જેક્શન માટે કયા ક્લિનિકે જવું તથા ઍમ્બુલન્સ માટે કોને ફોન કરવો.
મારાંથી થાય એટલી માહિતી એમને આપું છું.
અમે મમ્મી માટે તો કશું ન કરી શક્યાં, પરંતુ જો કોઈને માટે કંઈક કરી છૂટીશું તો સારું લાગશે.

સચીન સૈની, મુજ્જફરનગર

ઇમેજ સ્રોત, Sachin Saini
સચીન ઉત્તર પ્રદેશના મુજ્જફરનગર જિલ્લાના પલડી ગામ ખાતે રહે છે. તેમનાં પત્ની અંજલિને છ મહિનાનો ગર્ભ હતો.
સચીન અને અંજલિ પાંચ વર્ષીય પુત્રી તથા ત્રણ વર્ષીય પુત્રનાં માતા-પિતા હતાં, એટલે તેઓ આવનારું બચ્ચું નણંદને આપવાનાં હતાં, પરંતુ આ સિસ્ટમ તેને ભરખી ગઈ.
તેઓ કહે છે...
કેટલાક દિવસ પહેલાં મને કોરોના થયો હતો, તે સમયે અંજલિનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમનો એન્ટિજન રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો તથા આરટી-પીસીઆર રિપોર્ટની રાહ જોઈ રહ્યાં હતાં.
દરમિયાન તેને ઉધરસ શરૂ થઈ ગઈ અને ઓક્સિજનનું સ્તર ઘટીને 85 પર આવી ગયું.
અમે તેને ગામની ખાનગી ક્લિનિકમાં લઈ ગયાં. તબીબે કહ્યું કે નક્કી આને કોરોના થયો છે, એને કોઈ મોટી હૉસ્પિટલમાં લઈ જાવ.
અમે તેને ઍમ્બુલન્સમાં પાસેની મોટી હૉસ્પિટલે લઈ ગયાં. ત્યાં અમને કહેવામાં આવ્યું કે તેનો રિપોર્ટ નૅગેટિવ છે. અમે દાખલ ન કરી શકીએ, તેને જિલ્લા હૉસ્પિટલમાં લઈ જાવ.
અમે ખૂબ વિનંતી કરી, કરગર્યાં એ બાદ તેને ઇમર્જન્સીમાં દાખલ કરી અને ઓક્સિજન આપ્યું. પછી એન્ટિજન ટેસ્ટ કરાવ્યો, જે નૅગેટિવ આવ્યો. એટલે હૉસ્પિટલવાળાઓએ અમને રવાના કરી દીધાં.
ત્યાંથી અમે ઍમ્બુલન્સમાં મુજ્જફરનગર જિલ્લા હૉસ્પિટલ પહોંચ્યાં. ત્યાં દાખલ કરીને ટેસ્ટ કર્યો તો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો.

'વાઇરસથી ઘાતક છે સિસ્ટમ'

ઇમેજ સ્રોત, Sachin Saini
હવે જિલ્લા હૉસ્પિટલે કહ્યું કે તેઓ એને રાખી ન શકે અને વેગરાજપુર મેડિકલ કૉલેજ લઈ જવાં રહ્યાં. તેના કોરોના પૉઝિટિવ રિપોર્ટ સાથે લઈને નીકળ્યા.
એ રિપોર્ટ લઈને અમે પહોંચ્યાં, એટલે હૉસ્પિટલે તેને દાખલ તો કરી, પરંતુ થોડી જ કલાકોમાં કહ્યું કે સ્થિતિ કથળી રહી છે અને તેને વૅન્ટિલેટર ઉપર મૂકવી પડશે. થોડા સમય પછી ફોન આવ્યો કે બચ્ચાંનું ગર્ભમાં જ મૃત્યુ થઈ ગયું છે અને તેનાં ધબકારાં નથી સંભળાઈ રહ્યાં.
ફરી ફોન આવ્યો અને કહ્યું કે અંજલિના શ્વાસ થંભી ગયાં છે. મારી અંજલિ અમારાં બંને સંતાન તથા મને છોડીને જતી રહી.
ત્રણ દિવસ સુધી હું બે હૉસ્પિટલની વચ્ચે રઝળતો રહ્યો, રિપોર્ટ બદલાતા રહ્યા અને તેની તબિયત કથળવા લાગી. જો તેને ત્રણ દિવસ સારવાર મળી હોત, તો કદાચ તે બચી ગઈ હોત.
આ વાઇરસ જેટલો ખતરનાક છે, તેનાથી પણ વધારે આ સિસ્ટમ ઘાતક છે, જેણે અમને હરાવી દીધાં.
હવે હું મારા સંતાનોને જોઉં છું તો લાગે છે કે કદાચ તે કંઈક સારું કરી દેખાડે.
હું તેમને આઈપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) અને આઈએએસ (ઇન્ડિયન ઍડમિન્સ્ટ્રેટિવ સર્વિસ)ના અધિકારી બનાવીશ. કદાચ આપણે બધાંય મળીને સિસ્ટમને વધુ સારી બનાવી શકીએ.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












