PM કૅર ફંડ : વૅન્ટિલેટર ઑર્ડર કર્યાં, પણ કેટલાં આવ્યાં, કેટલાં ચાલ્યાં અને કેટલાં બેકાર? - બીબીસી ઇન્વેસ્ટિગેશન

પીએમ કૅર ફંડમાં કેટલાં નાણાં એકઠાં થયાં હતાં અને તે રૂપિયાનું શું થયું તે વિશે કોઈ માહિતી મળી શકતી નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પીએમ કૅર ફંડમાં કેટલાં નાણાં એકઠાં થયાં હતાં અને તે રૂપિયાનું શું થયું તે વિશે કોઈ માહિતી મળી શકતી નથી
    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા

ગયા વર્ષે પીએમ કૅર ફંડ્સમાંથી વૅન્ટિલેટર્સ ખરીદવા 2000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. તે વૅન્ટિલેટર્સનું શું થયું? બીબીસીની તપાસમાં આ મુજબ જાણવા મળ્યું:

  • પીએમ કૅર ફંડમાંથી ઑર્ડર કરાયેલાં 58,850 વૅન્ટિલેટર્સમાંથી 30,000 વૅન્ટિલેટર ખરીદવામાં આવ્યાં.
  • કોરોનાની પહેલી લહેર હળવી થતાં વૅન્ટિલેટરની ખરીદીમાં ઢીલ આવી.
  • એક જ સ્પેસિફિકેશન ધરાવતા વૅન્ટિલેટર્સની કિંમતમાં ભારે તફાવત.
  • બિહાર, યુપી, છત્તીસગઢ, રાજસ્થાન જેવાં રાજ્યોમાં ઘણી હોસ્પિટલોમાં પીએમ કૅર્સના વેન્ટિલેટર ધૂળ ખાઈ રહ્યાં છે.
  • ઘણી જગ્યાએ વૅન્ટિલેટર બરાબર કામ કરતા ન હોવાની ફરિયાદ મળી રહી છે.
  • કેટલીક જગ્યાએ તાલીમબદ્ધ સ્ટાફ નથી, ક્યાંક વાયરિંગ ખરાબ છે તો ક્યાંક એડપ્ટર નથી.
line

સમગ્ર અહેવાલ વિસ્તારથી

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

દિલ્હીના સાકેત વિસ્તારમાં રહેતા આલોક ગુપ્તા તેમનાં 66 વર્ષીય માતા માટે એક વૅન્ટિલેટર સાથેનો બેડ શોધી રહ્યા છે. તેમણે દિલ્હી, ફરિદાબાદ, ગુરુગ્રામ અને નોઇડાની મોટા ભાગની હૉસ્પિટલોનો સંપર્ક કરી જોયો, પરંતુ તેમને ક્યાંય બેડ નથી મળ્યો. તેમનાં માતાનું ઓક્સિજનનું સ્તર જીવલેણ સ્તરે ઘટી ગયું છે.

તેઓ જણાવે છે, “જે દિવસે ઓક્સિજન લેવલ 90થી નીચે આવ્યું, ત્યારથી હું હૉસ્પિટલોમાં વૅન્ટિલેટર વાળી પથારી શોધું છું. પરંતુ હજુ પથારી નથી મળી. મારાં માતાને ICU બેડની તાત્કાલિક જરૂર છે.”

ઉત્તર પ્રદેશના અલીગઢમાં 18 વર્ષના નદીમે બે દિવસ પહેલાં જ ICUમાં બેડ ન મળવાના કારણે જીવ ગુમાવ્યો હતો.

અલાહાબાદની સ્વરૂપ રાણી હૉસ્પિટલમાં 50 વર્ષ સુધી ડૉક્ટર તરીકે કામ કરનાર 80 વર્ષના ડૉ. જે. કે. મિશ્રાને તે હૉસ્પિટલમાં જ વૅન્ટિલેટર સાથેની પથારી ન મળી અને સારવાર વગર જ તેમણે જીવ ગુમાવ્યો હતો.

તેમનાં પત્ની શહેરનાં જાણીતા ડૉક્ટર છે છતાં તેઓ પોતાના પતિનો જીવ બચાવી ન શક્યાં.

રાજધાની અને દેશનાં બાકીના શહેરોની હૉસ્પિટલમાં જે સ્થિતિ છે તેના માટે 'ભયંકર' શબ્દ પણ નાનો પડે છે. અસંખ્ય લોકો એક-એક શ્વાસ માટે તરફડિતાં મૃત્યુ પામી રહ્યા છે અને આવા અહેવાલ સતત આવી રહ્યા છે.

line

પહેલાંથી બધી ખબર હતી

27 માર્ચ 2020ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કૅર્સ ફંડની જાહેરાત કરી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 27 માર્ચ 2020ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કૅર્સ ફંડની જાહેરાત કરી.

ગયા વર્ષે દેશમાં કોરોનાના કેસ વધ્યા ત્યારે એક વાત નક્કી હતી કે હૉસ્પિટલોમાં દાખલ થતા કોવિડ-19ના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને દેશમાં વૅન્ટિલેટરની સખત અછત છે.

વૅન્ટિલેટર એક પ્રકારનું મેડિકલ સાધન છે. સંક્રમિત દર્દીનાં ફેફસાં જ્યારે નબળાં પડવા લાગે ત્યારે તેને જરૂરી ઓક્સિજન આપીને કાર્યરત્ રાખવા માટે વૅન્ટિલેટર મદદરૂપ હોય છે. તેના ઉપયોગથી ગંભીર દર્દીઓના જીવ બચાવી શકાય છે.

આમ તો વર્ષ 2020માં દેશમાં વૅન્ટિલેટર્સની સંખ્યા અંગે કોઈ સરકારી આંકડા ઉપલબ્ધ ન હતા, પરંતુ સરકારી હૉસ્પિટલોમાં કુલ ICU બેડના હિસાબથી દેશમાં લગભગ 18થી 20 હજાર વૅન્ટિલેટર્સ ઉપલબ્ધ હતાં.

તે સમયે એવો અંદાજ હતો કે ભારતમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને બે લાખ સુધી વૅન્ટિલેટર્સની જરૂર પડી શકે છે.

27 માર્ચ 2020ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કૅર્સ ફંડની જાહેરાત કરી. કોવિડ-19ને ધ્યાનમાં રાખીને આ ફંડની સ્થાપના કરાઈ હતી.

જોકે, વડાપ્રધાન રાહત ભંડોળની વ્યવસ્થા પહેલાંથી જ છે. સ્વયં વડા પ્રધાને દેશવાસીઓને આ ફંડ માટે સહયોગ આપવા અપીલ કરી હતી.

જાણીતી હસ્તિઓ અને ઔદ્યોગિક ગૃહોએ આ ફંડ માટે મોટી રકમ દાનમાં આપી. આ ફંડ માટે રૂપિયા આપનારને કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) હેઠળ ટૅક્સમાં છૂટની સગવડ આપવામાં આવી.

ઘણાં મંત્રાલયો અને જાહેર નિગમોના કર્મચારીઓના પગારનો અમુક હિસ્સો કાપીને પીએમ કૅર્સ ફંડ માટે દાનમાં આપવામાં આવ્યો.

આ ફંડમાં કેટલાં નાણાં એકઠાં થયાં હતાં અને તે રૂપિયાનું શું થયું તે વિશે કોઈ માહિતી મળી શકતી નથી, કારણકે સરકારે ભારે ટીકા છતાં આ ફંડની વિગતને માહિતીના અધિકારના કાયદામાંથી બહાર રાખી છે.

line

58,850 વૅન્ટિલેટર્સમાંથી 30000 વૅન્ટિલેટર્સ જ ખરીદવામાં આવ્યાં

વડા પ્રધાનના સલાહકાર ભાસ્કર કુલ્બેએ લખેલો પત્ર
ઇમેજ કૅપ્શન, વડા પ્રધાનના સલાહકાર ભાસ્કર કુલ્બેએ લખેલો પત્ર

18 મે 2020ના રોજ વડા પ્રધાનના સલાહકાર ભાસ્કર કુલ્બેએ આરોગ્ય મંત્રાલયને એક પત્ર લખ્યો હતો, જેમાં પીએમ કૅર્સ ફંડમાંથી 2000 કરોડ રૂપિયાના 50,000 ‘મેડ ઇન ઇન્ડિયા’ વૅન્ટિલેટર્સનો ઑર્ડર અપાયો હોવાની માહિતી અપાઈ હતી.

આ દરમિયાન આરોગ્ય મંત્રાલય દ્વારા માર્ચના અંતમાં જ વૅન્ટિલેટર ખરીદવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. 5 માર્ચ 2020ના દિવસે આરોગ્ય મંત્રાલયના ઉદ્યમ એચએલએલે વૅન્ટિલેટર્સના સપ્લાય માટે એક ટૅન્ડર બહાર પાડવામાં આવ્યું.

તેમાં એચએલએલ દ્વારા આ વૅન્ટિલેટર્સ માટે જરૂરી ટેકનિકલ ફીચર્સની એક યાદી બહાર પાડવામાં આવી.

આ યાદીમાં સમયાંતરે ફેરફાર થયા અને કુલ નવ વખત સુધારા કરવામાં આવ્યા. 18 એપ્રિલ, 2020ના રોજ નવમી વખત કેટલાક નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા. એટલે કે કંપનીઓને અપાયેલા ફીચર્સમાં ફેરફાર થતા રહ્યા.

સામાજિક કાર્યકર અંજલિ ભારદ્વાજે 2020માં કરેલી એક આરટીઆઈ અરજીના જવાબમાં જાણવા મળ્યું કે સરકારી ઉદ્યમ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બીઈએલ)ને ત્રીસ હજાર વૅન્ટિલેટર્સ બનાવવાનો ઑર્ડર મળ્યો છે. તેના માટે બીઈએલે મૈસુરની કંપની સ્કેનરની મદદ લીધી હતી.

પીએમ કૅર્સ ફંડમાંથી ખરીદાયેલાં વૅન્ટિલેટર્સની માહિતી
ઇમેજ કૅપ્શન, પીએમ કૅર્સ ફંડમાંથી ખરીદાયેલાં વૅન્ટિલેટર્સની માહિતી

નોઇડાની કંપની એગ્વા હેલ્થકૅરને 10,000 વૅન્ટિલેટર બનાવવાનો ઑર્ડર મળ્યો હતો. આ અગાઉ એગ્વાને વૅન્ટિલેટર બનાવવાનો કોઈ અનુભવ ન હતો. આંધ્ર પ્રદેશની એક કંપની આંધ્ર પ્રદેશ મેડટેક, એટલે કે એએમટીઝેડને 13500 વૅન્ટિલેટર બનાવવાનો ઑર્ડર મળ્યો હતો.

ગુજરાતના રાજકોટસ્થિત કંપની જ્યોતિ સીએનસીને પાંચ હજાર વૅન્ટિલેટર બનાવવાનો કૉન્ટ્રાક્ટ મળ્યો હતો.

આ એ જ કંપની હતી જેના ધમણ-1 વેન્ટિલેટર અંગે અમદાવાદના ડૉક્ટરોએ સવાલ ઉઠાવ્યા હતા. આમ છતાં આ કંપનીને ઑર્ડર અપાયો હતો.

ગુરુગ્રામની કંપની એલાઇડ મેડિકલને 350 મશીનના ઉત્પાદનનો ઑર્ડર મળ્યો.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

પીએમ કૅર ફંડ્સ હેઠળ કેટલાં વૅન્ટિલેટર્સ બનાવવામાં આવ્યાં હતાં, તે જાણવા BBCએ RTI હેઠળ અને મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓના માલિકો સાથે વાત કરીને સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો.

7 સપ્ટેમ્બર 2020ની આરટીઆઈ અરજીના જવાબમાં એચએલએલે જણાવ્યું કે બીઈએલે 24332, એગ્વાએ 5000 અને એલાઇડ મેડિકલે 350 વૅન્ટિલેટર તથા બીઈએલે 13 વૅન્ટિલેટર સપ્લાય કર્યાં છે.

ત્યાર પછી વૅન્ટિલેટર્સ સપ્લાય કરવામાં આવ્યા નથી. દોઢ લાખથી વધારે વૅન્ટિલેટર્સની જરૂર સામે એક વર્ષ પછી માત્ર 2965 વૅન્ટિલેટર સપ્લાય થયાં છે.

line

વૅન્ટિલેટર તૈયાર હોવા છતાં એચએલએલે પરચેઝ ઑર્ડર ન આપ્યો

સરકારી ટૅન્ડરમાં એક જ પ્રકારના સ્પેસિફિકેશન ધરાવતાં જુદી-જુદી કંપનીઓનાં વૅન્ટિલેટર્સની કિંમતમાં ભારે તફાવત છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરકારી ટૅન્ડરમાં એક જ પ્રકારના સ્પેસિફિકેશન ધરાવતાં જુદી-જુદી કંપનીઓનાં વૅન્ટિલેટર્સની કિંમતમાં ભારે તફાવત છે.

એગ્વા હેલ્થે છેલ્લે જુલાઈ 2020ના પ્રથમ સપ્તાહમાં વૅન્ટિલેટર્સ મોકલ્યાં. ગયા સપ્ટેમ્બર 2020 સુધીમાં તેને 41 કરોડ 59 લાખ 40 હજાર રૂપિયાની ચૂકવણી થઈ હતી.

એલાઇડ મેડિકલને 350 વૅન્ટિલેટર્સના બદલામાં 27 કરોડ 16 લાખ ચૂકવવામાં આવ્યા. બીઈએલના વૅન્ટિલેટર્સ માટે એક કરોડ 71 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા.

RTIના જવાબ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે એક જ સરકારી ટૅન્ડરમાં એક જ પ્રકારના સ્પેસિફિકેશન ધરાવતાં જુદી-જુદી કંપનીઓનાં વૅન્ટિલેટર્સની કિંમતમાં ભારે તફાવત છે.

એલાઇડ મેડિકલના એક વૅન્ટિલેટરનો ભાવ 8.62 લાખ છે, જ્યારે એગ્વાના એક વૅન્ટિલેટરની કિંમત 1.66 લાખ રૂપિયા છે. એટલે કે ભાવમાં સાત-આઠ ગણો તફાવત છે.

બીબીસીએ આરોગ્ય મંત્રાલયના સચિવ અને નીતિ આયોગના સભ્ય વી. કે. પોલને વૅન્ટિલેટર્સ અંગે સવાલોનો એક ઈ-મેઇલ મોકલ્યો છે, જેનો જવાબ મળતાં જ આ અહેવાલને અપડેટ કરવામાં આવશે.

નોઇડાની કંપની એગ્વા હેલ્થકૅરને અગાઉ વૅન્ટિલેટર્સ બનાવવાનો કોઈ અનુભવ ન હતો. તેને 10,000 વૅન્ટિલેટરનો ઑર્ડર અપાયો હતો, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 5 હજાર વૅન્ટિલેટર ડિલિવર થયાં છે.

આ માહિતી સ્વયં કંપનીએ આપી છે.

એગ્વાના સહસ્થાપક પ્રો. દિવાકર વૈશ્યએ બીબીસીને જણાવ્યું કે ગયા વર્ષે જુલાઈના પ્રથમ સપ્તાહમાં તેમનાં વૅન્ટિલેટર્સ ડિલિવર થઈ ગયાં હતાં અને ત્યાર પછી તેમનાં વૅન્ટિલેટર લેવામાં આવ્યાં નથી.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

હવે થોડા સપ્તાહ અગાઉ અમને બાકીનાં 5000 વૅન્ટિલેટર પૂરા પાડવા જણાવાયું છે. જોકે, તેમણે બીબીસીને આ અંગે કોઈ દસ્તાવેજ દેખાડ્યા ન હતા.

આંધ્ર પ્રદેશમાં રાજ્ય સરકાર હસ્તકની કંપની આંધ્ર પ્રદેશ મેડટેક ઝોન (એએમટીઝેડ)ને 13,500 વૅન્ટિલેટર્સ પૂરા પાડવાનો ઑર્ડર મળ્યો હતો.

તેણે પણ હજુ સુધી સરકારને એક પણ વૅન્ટિલેટરની ડિલિવરી નથી કરી. એએમટીઝેડને 9500 બેઝિક વૅન્ટિલેટર અને 4000 હાઈ-ઍન્ડ વૅન્ટિલેટર્સ બનાવવાનો કૉન્ટ્રાક્ટ મળ્યો હતો.

BBCને મળેલી વેંકટેશ નાયકની RTI અરજી મુજબ બેઝિક મોડલનો ભાવ 1.66 લાખ રૂપિયા નક્કી થયો હતો, જ્યારે હાઈ-ઍન્ડ મોડલનો ભાવ 8.56 લાખ રૂપિયા નક્કી થયો હતો.

એપ્રિલમાં એએમટીઝેડે ચેન્નાઈસ્થિત એક મેડિકલ ટેકનૉલૉજી કંપની ટ્રિવિટોન હેલ્થકૅરને 6000 વૅન્ટિલેટર બનાવવાનું કામ સોંપ્યું હતું.

ટ્રિવિટોનના મૅનેજિંગ ડિરેક્ટર ડૉ. જીએસકે વેલુએ બીબીસીને જણાવ્યું કે તેમની કંપનીને 4000 બેઝિક મૉડલ અને 2000 હાઈ-ઍન્ડ મૉડલનું ઉત્પાદન કરવા જણાવાયું હતું.

"આ વૅન્ટિલેટર બન્યાં પછી અમારે ઘણી ટેકનિકલ ટ્રાયલ આપવી પડી, તેમાં વિલંબ થયો. ટ્રાયલ પૂરી થઈ ત્યાં સુધીમાં કોરોનાની પહેલી લહેર થોડી ધીમી પડી ગઈ હતી. અમને જણાવાયું કે હવે વૅન્ટિલેટરની જરૂર નથી."

એએમટીઝેડને 9500 બેઝિક વૅન્ટિલેટર અને 4000 હાઈ-ઍન્ડ વૅન્ટિલેટર્સ બનાવવાનો કૉન્ટ્રાક્ટ મળ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એએમટીઝેડને 9500 બેઝિક વૅન્ટિલેટર અને 4000 હાઈ-ઍન્ડ વૅન્ટિલેટર્સ બનાવવાનો કૉન્ટ્રાક્ટ મળ્યો હતો.

વેલુ જણાવે છે, "અમારી પાસે ઘણો સ્ટોક પડ્યો હતો, પરંતુ એચએલએલ તરફથી કોઈ પરચેઝ ઑર્ડર મળ્યો નથી. એચએલએલ તરફથી જણાવાયું કે સરકાર રસીકરણ પર ભાર મૂકી રહી છે તેથી આટલાં બધાં વૅન્ટિલેટરની જરૂર નથી."

"પરંતુ બીજી લહેર આવ્યા પછી 2 સપ્તાહ અગાઉ અમને ઑર્ડર મળ્યા છે. અમે 1000 વૅન્ટિલેટર્સ ગુજરાત સહિત કેટલીક રાજ્ય સરકારોને મોકલ્યાં છે.”

મંત્રાલય તરફથી એચએલએલે ટ્રિવિટોનને સીધો ઑર્ડર આપ્યો ન હતો. પરંતુ એએમટીઝેડને કૉન્ટ્રાક્ટ અપાયો અને તેણે ટ્રિવિટોનને કૉન્ટ્રાક્ટ આપ્યો. એટલે કે તેણે પોતાનાં 13 હજારના ઑર્ડરમાંથી 6 હજાર વૅન્ટિલેટર્સનો ઑર્ડર ટ્રિવિટોનને ફૉરવર્ડ કરી દીધો.

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

ટ્રિવિટોનના વૅન્ટિલેટરના બેઝિક મૉડલની કિંમત દોઢ લાખ રૂપિયા છે અને હાઈ-ઍન્ડ મૉડલની કિંમત સાત લાખ રૂપિયાથી વધારે છે.

જોકે, વેલુ કહે છે કે સરકાર હાઈ-ઍન્ડ મૉડલ ખરીદવા માગતી હોય તેવું તેમને નથી લાગતું. સાથે જ ટ્રિવિટોન હેલ્થકૅરને વૅન્ટિલેટર્સની સંપૂર્ણ ચૂકવણી પણ કરવામાં નથી આવી.

સપ્ટેમ્બરમાં પ્રકાશિત થયેલા હફપોસ્ટના રિપોર્ટ પ્રમાણે ટ્રિવિટ્રોનને 10 હજાર વૅન્ટિલેટર બનાવવાનો ઑર્ડર આંધ્ર પ્રદેશ એએમટીઝેડ તરફથી અપાયો હતો. જોકે, બીબીસી સાથે વાત કરતાં વેલુ આ વાતનો ઇન્કાર કરે છે.

બીબીસીએ એએમટીઝેડને ઈમેઇલ કરીને પ્રશ્નોની એક યાદી મોકલી હતી, જેનો જવાબ અમને હજુ સુધી નથી મળ્યો.

line

એએમટીઝેડ મામલો

RTI અરજીનો આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયે આપેલો જવાબ
ઇમેજ કૅપ્શન, RTI અરજીનો આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયે આપેલો જવાબ

20 જુલાઈ, 2020ના રોજ એક RTI અરજીના જવાબમાં આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે મંત્રાલયે પીએમ કૅર્સથી મળેલા બે હજાર કરોડ રૂપિયામાંથી 58,850 વૅન્ટિલેટર્સનો ઑર્ડર આપ્યો હતો.

જોકે ડિરેક્ટર જનરલ ઑફ હેલ્થ એટલે કે ડીજીએચએસની ટેકનિકલ કમિટીની ક્લિનિકલ ટ્રાયલમાં ગુજરાતની કંપની જ્યોતિ સીએનસી અને એએમટીઝેડના વૅન્ટિલેટર ફેઇલ થયા. તેથી બંને કંપનીઓનાં નામ મૅન્યુફૅક્ચરર્સની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

ત્યાં સુધી ત્રણ વૅન્ટિલેટર ઉત્પાદકો પીએમ કૅર્સ માટે વૅન્ટિલેટરનું ઉત્પાદન કરતાં હતાં. તેમાં બીઈએલ 30 હજાર, એગ્વા 10 હજાર અને એલાઇડ 350 વૅન્ટિલેટર બનાવતાં હતાં. કુલ ઉત્પાદન હેઠળના વૅન્ટિલેટર્સની સંખ્યા 58 હજાર 850થી ઘટીને 40 હજાર 350 પર આવી ગઈ.

બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

20 જુલાઈ 2020ના રોજ એક RTIના જવાબમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે 17 હજાર વૅન્ટિલેટર્સ રવાના કરવામાં આવ્યાં છે.

વેંકટેશ નાયકે 7 સપ્ટેમ્બર, 2020ની આરટીઆઈ અરજીનો જે ડેટા બીબીસીને આપ્યો છે, તે પ્રમાણે 13,500 વૅન્ટિલેટરનાં પીઓ (પરચેઝ ઑર્ડર)ની સાથે એએમટીઝેડનું નામ ઉત્પાદકોની યાદીમાં ફરીથી સામેલ કરવામાં આવ્યું હતું.

બીજી એક ન સમજાય તેવી વાત એ છે કે એચએલએલે જ્યારે ટૅન્ડર બહાર પાડ્યું, ત્યારે તેના ફીચર્સ એક સમિતિએ નક્કી કર્યાં હતાં.

તેમાં શરત રાખવામાં આવી હતી કે દરેક નિર્માતાએ વૅન્ટિલેટરમાં આ ફીચર્સ સામેલ કરવા પડશે. એવામાં બેઝિક અને હાઈ-ઍન્ડનો તફાવત ક્યાંથી આવ્યો? બેઝિક વૅન્ટિલેટર અને હાઈ-ઍન્ડ વૅન્ટિલેટરના ફીચર્સ એક બીજાથી કઈ રીતે અલગ હશે તે વિશે પણ કોઈ સ્પષ્ટતા નથી.

line

એગ્વા વૅન્ટિલેટર અંગે સવાલ ઊઠ્યા

વીડિયો કૅપ્શન, આ ભયાનક સ્થિતિ સુધી કેવી રીતે પહોંચ્યું ભારત? ત્રણ મહિનામાં શું-શું થયું?

એગ્વા હેલ્થકૅરને નીતિ આયોગે પુષ્કળ પ્રચાર-પ્રસાર આપ્યો પરંતુ તેમની પાસે વૅન્ટિલેટર બનાવવાનો કોઈ અનુભવ ન હતો.

આ કંપનીને 10,000 વૅન્ટિલેટરનો ઑર્ડર અપાયો હતો. એગ્વાએ કાર ઉત્પાદક કંપની મારુતિની મદદથી વૅન્ટિલેટર બનાવ્યાં.

‘હફપોસ્ટ ઇન્ડિયા’ના એક રિપોર્ટ પ્રમાણે સરકાર દ્વારા બનાવવામાં આવેલી ટેકનિકલ ઇવેલ્યુએશન કમિટિએ 16 મે, 2020ના રોજ દિલ્હીની રામમનોહર લોહિયા હૉસ્પિટલમાં આ વૅન્ટિલેટર્સ પર ટ્રાયલ કરી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ત્યાર બાદ એગ્વાના વૉન્ટિલેટર્સ માટે કહેવામાં આવ્યું કે તે રેસ્પિરેટરી પેરામીટર જાળવી શકતાં નથી.

આ સમિતિએ જણાવ્યું, “આ વૅન્ટિલેટરને વધારે તપાસવાની જરૂર છે. તેનો મલ્ટિ-ડિસિઝ દર્દીઓ પર ઉપયોગ કરવો પડશે જેથી એ જાણી શકાય કે તેઓ ઇમર્જન્સી વૅન્ટિલેટરની જેમ કામ કરી શકે છે કે નહીં."

"સાથે-સાથે એ પણ જાણવું પડશે કે જ્યાં મેડિકલ ગૅસ પાઇપલાઇન સિસ્ટમ ન હોય ત્યાં આ મશીન કઈ રીતે કામ કરશે.”

મેડિકલ ગૅસ પાઇપલાઇન સિસ્ટમ એક સેન્ટ્રલ ઓક્સિજન પાઇપલાઇન સિસ્ટમ હોય છે, જે મોટી હૉસ્પિટલોમાં જોવા મળે છે. પરંતુ નાનાં શહેરોની હૉસ્પિટલોમાં આ સુવિધા હોતી નથી અને ઓક્સિજન સિલિન્ડરનો વધારે ઉપયોગ થાય છે.

આ રિપોર્ટના 11 દિવસ પછી 27 મેના રોજ એગ્વા વૅન્ટિલેટર્સના ફરીથી પરીક્ષણ માટે નવી ટીમ રચવામાં આવી અને નવેસરથી ટેસ્ટિંગ કરવામાં આવ્યું.

વીડિયો કૅપ્શન, ગુજરાતના તબીબો જે મિથેલિન બ્લૂની સલાહ આપ છે એ કેટલી સુરક્ષિત?

આ ટીમે જણાવ્યું કે પહેલી ટીમે કરેલાં સૂચનો પ્રમાણે એગ્વાએ સુધારા કર્યા છે અને તેનું પીઇઇપી સારી રીતે કામ કરી રહ્યું છે.

1 જૂન 2020ના દિવસે આ સમિતિએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે કોવિડ-19ની સ્થિતિના કારણે આપણને દેશભરમાં વૅન્ટિલેટર્સની જરૂર છે ત્યારે આ વૅન્ટિલેટરને ટેસ્ટિંગમાં પાસ કરવામાં આવ્યું છે.

જોકે, દિવાકર આ વાતથી ઇનકાર કરે છે. તેઓ કહે છે તેમનાં વૅન્ટિલેટર મોંઘાં વૅન્ટિલેટરથી જરાય ઊતરતી કક્ષાનાં નથી. સરકારી સમિતિ દ્વારા આવી વાત કરવામાં આવી હોવાનો પણ તેઓ ઇનકાર કરે છે.

line

ધૂળ ખાઈ રહ્યાં છે વૅન્ટિલેટર્સ

ઘણી હૉસ્પિટલોમાં વૅન્ટિલેટર્સ હજુ સુધી ઇન્સ્ટોલ કરવામાં નથી આવ્યાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણી હૉસ્પિટલોમાં વૅન્ટિલેટર્સ હજુ સુધી ઇન્સ્ટોલ કરવામાં નથી આવ્યાં

BBCએ બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ જેવાં રાજ્યોમાં પીએમ કૅર ફંડ્સ હેઠળ મળેલાં વૅન્ટિલેટર્સની સ્થિતિ જાણવા માટે કેટલીક હૉસ્પિટલોનો સંપર્ક કર્યો અને મોટા ભાગની હૉસ્પિટલોમાંથી અમને જાણવા મળ્યું કે આ વૅન્ટિલેટર્સ હજુ સુધી ઇન્સ્ટોલ કરવામાં નથી આવ્યાં. અથવા તો હજુ સ્ટાફને યોગ્ય તાલીમ આપવામાં નથી આવી.

જ્યાં આ વૅન્ટિલેટર ઇન્સ્ટોલ થયાં છે અને સ્ટાફ પણ છે, ત્યાં ડૉક્ટરોને તેમાં ઓક્સિજન અંગે સમસ્યા નડી રહી છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં 8 જુલાઈ 2020ના રોજ કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેને ટાંકીને છપાયેલા એક અહેવાલ પ્રમાણે પીએમ કૅર ફંડ્સ હેઠળ બિહારને 500 વૅન્ટિલેટર મળ્યાં હતાં. આવશ્યકતા અનુસાર આ વૅન્ટિલેટર્સ રાજધાની પટના સહિત રાજ્યની જુદી-જુદી હૉસ્પિટલોમાં મોકલવામાં આવ્યાં છે.

BBCની તપાસમાં જાણવા મળ્યું કે પટનાની એઇમ્સને બાદ કરતાં રાજ્યની લગભગ તમામ હૉસ્પિટલોમાં પીએમ કૅર ફંડ્સ હેઠળ મળેલાં આ વૅન્ટિલેટર્સ હજુ સુધી ચાલુ પણ નથી થયાં.

ક્યાંક સ્ટાફની અછતનું કારણ આપવામાં આવે છે, તો ક્યાંક વૅન્ટિલેટર ચલાવવા માટે સંસાધનોની અછત છે.

વીડિયો કૅપ્શન, કોરોના દર્દીઓ સુધી મફત ઑક્સિજન પહોચાંડતા આ યુવાનોની કામગીરી સરાહનીય છે

ગયાની અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કૉલેજને પણ ગયા વર્ષે પીએમ કૅર્સ હેઠળ 30 વૅન્ટિલેટર મળ્યાં હતાં. પરંતુ અત્યારે તેમાંથી એક પણ વૅન્ટિલેટર ચાલુ નથી.

હૉસ્પિટલના નોડલ ઑફિસર ડૉ. એન. કે. પાસવાન જણાવે છે કે "વૅન્ટિલેટર્સ ચલાવવા માટે ટેકનિકલ રીતે સક્ષમ સ્ટાફ અને સંસાધનોની જરૂર પડે છે, જે હાલમાં અમારી પાસે નથી. અમે આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગને પત્ર લખ્યો છે. ટૂંક સમયમાં આ વૅન્ટિલેટર ચાલુ કરવામાં આવશે."

દરભંગા મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં પણ પીએમ કૅર્સ ફંડ હેઠળ 40 વૅન્ટિલેટર આપવામાં આવ્યાં હતાં. પરંતુ ત્યાં પણ હજુ કોઈ વૅન્ટિલેટર ચાલુ નથી થયું.

હૉસ્પિટલના ડૉ. મણિભૂષણ શર્મા જણાવે છે, "વીજળીના વાયરિંગમાં સમસ્યા હોવાના કારણે હજુ સુધી વૅન્ટિલેટર ચાલુ થઈ શક્યા નથી. તેના માટે બેંગલુરુથી ટીમ બોલાવવામાં આવી છે. ટૂંક સમયમાં વૅન્ટિલેટર્સ ચાલુ થઈ જશે."

રાજ્યના જુદા-જુદા જિલ્લાની સદર હૉસ્પિટલોમાં પણ વૅન્ટિલેટર મામલે બહુ ખરાબ સ્થિતિ છે.

વીડિયો કૅપ્શન, ઑક્સિજનની અછતમાં કેવી રીતે કારગર સાબિત થઈ શકે છે પ્રોનિંગ સેલ્ફ કેર?

સુપૌલ સદર હોસ્પિટલમાં પીએમ કૅર્સ ફંડ હેઠળ છ વૅન્ટિલેટર મળ્યાં છે, પરંતુ છેલ્લા 10 મહિનાથી આ વૅન્ટિલેટર ધૂળ ખાઈ રહ્યાં છે.

હૉસ્પિટલના મૅનેજર અભિલાષ શર્મા કહે છે, "વૅન્ટિલેટર્સને ઇન્સ્ટોલ કરવા માટે મહિનાઓ અગાઉ આરોગ્ય વિભાગને પત્ર લખવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી તે ઇન્સ્ટોલ નથી થયાં. અમે લોકો ફરીથી વિભાગને આગ્રહ કરીશું."

મુઝફ્ફરપુરની શ્રીકૃષ્ણ મેડિકલ કૉલેજ હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટે જણાવ્યું, "અમારે ત્યાં હજુ 80 વૅન્ટિલેટર્સ છે. તમામ મશીન પીએમ કૅર્સ ફંડ હેઠળ જ મળ્યાં છે."

"તેમાંથી 15 વૅન્ટિલેટર્સ હજુ કોવિડ વૉર્ડમાં લગાવાયાં છે. બાકીના વૅન્ટિલેટર ચાઇલ્ડ વૉર્ડમાં રાખવામાં આવ્યાં છે."

"જરૂર પડ્યે આ વૅન્ટિલેટર્સને પણ કોવિડ વૉર્ડમાં લગાવવામાં આવશે. પરંતુ હાલમાં અમારી પાસે સ્ટાફની અછત છે. આરોગ્ય વિભાગને આ વિશે જાણ કરવામાં આવી છે.”

line

ઉત્તર પ્રદેશની સ્થિતિ

પ્રયાગરાજના જિલ્લા ચિકિત્સાલય બેલી હૉસ્પિટલમાં પણ વૅન્ટિલેટર મૂકવામાં આવ્યાં છે, પરંતુ તેમને ચલાવવા માટે લોકો નથી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રયાગરાજના જિલ્લા ચિકિત્સાલય બેલી હૉસ્પિટલમાં પણ વૅન્ટિલેટર મૂકવામાં આવ્યાં છે, પરંતુ તેમને ચલાવવા માટે લોકો નથી.

યુપીમાં પીએમ કૅર્સ ફંડ દ્વારા 500થી વધારે વૅન્ટિલેટર્સ આપવામાં આવ્યાં હતાં, પરંતુ તેમાંથી મોટા ભાગના વૅન્ટિલેટર આજે પણ હૉસ્પિટલોમાં પડ્યાં છે અને દર્દીઓ વૅન્ટિલેટરના અભાવે જીવ ગુમાવી રહ્યા છે.

રાજધાની લખનૌની કેજીએમયુ, લોહિયા, પીજીઆઈ સહિત અમુક હૉસ્પિટલોમાં જ આઈસીયુ બેડ ઉપલબ્ધ છે, જ્યાં વૅન્ટિલેટરની સગવડ કરવામાં આવી છે.

પરંતુ એવી ઘણી હૉસ્પિટલો છે, જ્યાં વૅન્ટિલેટર છે પરંતુ તેને ઇન્સ્ટોલ નથી કરાયાં. તેમને ચલાવવા માટે તાલીમબદ્ધ સ્ટાફની અછત છે તેથી આ વૅન્ટિલેટર્સ ત્યાં પડ્યાં-પડ્યાં ધૂળ ખાઈ રહ્યાં છે.

લખનૌમાં લોકબંધુ હૉસ્પિટલના ડિરેક્ટર ડૉક્ટર અરુણ લાલે બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું કે “અમારે ત્યાં આઈસીયુ બેડ નથી તેથી ગંભીર દર્દીઓને બીજી જગ્યાએ મોકલવા પડે છે."

"અમારી પાસે વૅન્ટિલેટર્સ આવ્યાં હતાં પરંતુ હજુ તે કામ નથી કરી રહ્યાં. અમારી હૉસ્પિટલમાં કુલ કેટલાં વૅન્ટિલેટર છે, તેના વિશે અત્યારે ચોક્કસ માહિતી નથી."

બદલો Instagram કન્ટેન્ટ
Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

Instagram કન્ટેન્ટ પૂર્ણ

આવી સ્થિતિ માત્ર એક હૉસ્પિટલની નહીં, પરંતુ મોટા ભાગની હૉસ્પિટલોની છે.

પ્રયાગરાજના જિલ્લા ચિકિત્સાલય બેલી હૉસ્પિટલમાં પણ વૅન્ટિલેટર મૂકવામાં આવ્યાં છે, પરંતુ તેમને ચલાવવા માટે લોકો નથી.

બેલી હૉસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે "વૅન્ટિલેટર્સના હજુ પૅકિંગ પણ નથી ખૂલ્યાં. ઑપરેટ કરવા માટે લોકો શોધવાની તો વાત જ જવા દો."

ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો ગોંડા જિલ્લામાં ટાટા કંપનીના સહયોગથી બનાવવામાં આવેલી કોવિડ હૉસ્પિટલમાં પણ ઘણાં વૅન્ટિલેટર્સ ઑપરેટ ન થવાના કારણે ધૂળ ખાઈ રહ્યાં છે.

ગોંડાના મુખ્ય ચિકિત્સા અધિક્ષક અજય સિંહ ગૌતમ જણાવે છે, "એલ-2 લેવલની આ કોવિડ હૉસ્પિટલમાં ગોંડા જિલ્લા ઉપરાંત લખનૌ, બલરામપુર, સંતકબીર નગર અને બસ્તીના 45 કોવિડ દર્દી દાખલ છે."

"અહીં 17 વૅન્ટિલેટર છે પરંતુ તાલીમબદ્ધ સ્ટાફ ન હોવાથી તેનો ઉપયોગ નથી થતો અને જરૂરિયાતમંદ દર્દીઓને તેની સુવિધા મળતી નથી."

line

રાજસ્થાન

વીડિયો કૅપ્શન, ઇંગ્લૅન્ડ : એક સમયે કોરોના વાઇરસથી બેહાલ થયેલો દેશ કેવી રીતે સામાન્ય સ્થિતિમાં પહોંચ્યો?

રાજસ્થાનને પીએમ કૅર્સ ફંડમાંથી ગયા વર્ષે લગભગ 1500 વૅન્ટિલેટર મળ્યાં હતાં. પરંતુ હજુ સુધી ઘણી જગ્યાએ આ વૅન્ટિલેટર ઇન્સ્ટોલ નથી થયાં.

આ ઉપરાંત મોટા ભાગની જગ્યાએથી તેમાં સૉફ્ટવેર, પ્રૅશર ડ્રૉપ, કેટલાક સમય પછી આપોઆપ બંધ થઈ જવા જેવી ફરિયાદો મળી છે.

ઉદયપુરની રવીન્દ્રનાથ ટાગોર મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર લખન પોસવલ જણાવે છે, “દર્દીને વૅન્ટિલેટર પર રાખતી વખતે અમારે બહુ સાવધ રહેવું પડે છે. વૅન્ટિલેટર ત્રણ-ચાર કલાકમાં આપોઆપ બંધ થઈ જાય છે."

"કેટલીક વખત ઓક્સિજન પ્રૅશર ઘટી જાય છે. તેમાં ઓક્સિજન સેન્સર જ નથી. તેથી ખબર જ નથી પડતી કે દર્દીને કેટલું ઓક્સિજન મળી રહ્યું છે."

"વૅન્ટિલેટર ગમે ત્યારે બંધ પડી જાય અને દર્દીને બીજા વૅન્ટિલેટર પર લેવાની જરૂર પડે છે, તેથી એક રેસિડન્ટ ડૉક્ટરે વૅન્ટિલેટરની નજીક ઊભા રહેવું પડે છે."

ડૉ. લખન પોસવાલ જણાવે છે, "જયપુરની બહાર તમામ મેડિકલ કૉલેજમાં લાગેલા વૅન્ટિલેટરમાં આવી જ સમસ્યા છે. ઘણી જગ્યાએ તેને ઇન્સ્ટોલ પણ નથી કરાયાં કારણકે તેના ઍન્જિનિયર્સ બહુ મર્યાદિત સંખ્યામાં છે."

તેઓ જણાવે છે, "અમને 95 વૅન્ટિલેટર્સ મળ્યાં છે અને લગભગ બધામાં આ સમસ્યા છે. મુખ્ય મંત્રી સાથે વીડિયો કૉન્ફરન્સમાં પણ આ વાત જણાવાઈ હતી. ત્યાર પછી તેમણે દરેક જગ્યાએથી રિપોર્ટ લીધો છે."

જયપુરની સવાઈ માનસિંહ મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર સુધીર ભંડારી પણ સ્વીકારે છે કે પીએમ કૅર ફંડ્સમાંથી મળેલાં આ વૅન્ટિલેટર્સમાં સમસ્યા છે.

જોકે, તેઓ આ વિશે વધારે વાત નથી કરતા. તેઓ અમને એટલું જરૂર જણાવે છે કે "વૅન્ટિલેટર્સમાં સમસ્યા છે."

ગયા વર્ષે કોરોનાના સંક્રમણના મામલે ભીલવાડા મૉડલની દેશભરમાં ચર્ચા થઈ હતી. પરંતુ અત્યારે ભીલવાડા મેડિકલ કૉલેજની સ્થિતિ સાવ અલગ છે.

ભીલવાડા મેડિકલ કૉલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉક્ટર રાજન નંદા અત્યારે ઝાલાવાડ મેડિકલ કૉલેજમાં પ્રિન્સિપાલ છે.

તેઓ જણાવે છે, “પીએમ કૅર્સ ફંડ હેઠળ ભીલવાડા મેડિકલ કૉલેજને 67 વૅન્ટિલેટર્સ મળ્યાં હતાં. તેમાંથી 30 વૅન્ટિલેટર્સ અત્યાર સુધી ઇન્સ્ટોલ પણ નથી કરાયાં. કારણ કે સેન્ટ્રલ લાઇન સાથે તેને કનેક્ટ કરવા માટે એડેપ્ટર પણ પૂરાં પાડવામાં નથી આવ્યાં.”

ડૉક્ટર નંદા જણાવે છે, "લગભગ અડધા ડઝન વૅન્ટિલેટરમાં પ્રૅશર ઘટી જાય છે. ઍન્જિનિયર્સ કહે છે કે આવું સૉફ્ટવેરની ખામીના કારણે થાય છે. હાલમાં જૂનાં વૅન્ટિલેટરથી જ કામ ચલાવવામાં આવે છે."

કેન્દ્ર પાસેથી પીએમ કૅર ફંડ હેઠળ મળેલાં આ વૅન્ટિલેટર્સની સમસ્યા અને તેના ઉકેલ માટે રાજ્ય સરકારે કરેલી કાર્યવાહી વિશે રાજસ્થાન મેડિકલ શિક્ષણ વિભાગના સચિવ વૈભવ ગાલરિયાએ બીબીસીને ફોન પર જણાવ્યું કે પીએમ કૅર્સ તરફથી અમને દોઢ હજારથી વધારે વૅન્ટિલેટર્સ મળ્યાં છે.

1200 વૅન્ટિલેટર મેડિકલ કૉલેજમાં અને બીજા જિલ્લાની હૉસ્પિટલોમાં લગાવ્યાં છે. તેમાં પ્રૅશર ડ્રોપ થવાની સમસ્યા છે.

line

છત્તીસગઢ

છત્તીસગઢમાં પીએમ કૅર્સ ફંડથી મળેલાં વૅન્ટિલેટર પર અલગ વિવાદ ચાલે છે.

રાજ્યમાં કૉંગ્રેસ પાર્ટીના સંચાર પ્રમુખ શૈલેશ નીતિન ત્રિવેદીએ 12 એપ્રિલે મુખ્ય મંત્રી ભૂપેશ બધેલની એક બેઠકનો હવાલો આપતા દાવો કર્યો હતો કે કેન્દ્ર પાસેથી મળેલાં 69માંથી 58 વૅન્ટિલેટર ચાલતાં જ નથી. કંપનીને ફોન કર્યો તો ત્યાં કોઈ ફોન જ નથી ઉપાડતું.

રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી રમણ સિંહ અને ભાજપના બીજા નેતા પણ સક્રિય થયા અને આ મામલો રાજભવન સુધી પહોંચ્યો.

રમણ સિંહે જણાવ્યા પ્રમાણે “કેન્દ્ર સરકાર પાસેથી જે વૅન્ટિલેટર મળ્યાં હતાં તેનો ઉપયોગ રાજ્ય સરકારે શા માટે ન કર્યો?"

"વૅન્ટિલેટર કઈ પરિસ્થિતિમાં ખરાબ થઈ ગયાં? તે વૅન્ટિલેટર પહેલાંથી ખરાબ હતાં કે છત્તીસગઢમાં આવ્યા પછી તે બગડી ગયા, આ બધી બાબતોની તપાસ કરવા રાજ્યપાલ સમક્ષ માંગણી કરવામાં આવી."

line

કોઈ પણ વૅન્ટિલેટરને ગુણવત્તાનું સર્ટિફિકેટ નથી મળ્યું

એપ્રિલ 2020થી દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા ત્યારે વૅન્ટિલેટર્સની માગ પણ વધી ગઈ. આ અગાઉ ભારતમાં મોટા ભાગે વિદેશથી વૅન્ટિલેટર આવતાં હતાં.

જે દેશમાંથી આ વૅન્ટિલેટર આવતાં હતાં તેના પર તે દેશની ક્વૉલિટી ચકાસતી સંસ્થાનું સર્ટિફિકેટ હતું, જેમકે, અમેરિકન સંસ્થા યુએસ એફડીએ અથવા યુરોપની સંસ્થાનું યુરોપિયન સર્ટિફિકેશન.

આ સંસ્થાઓ કોઈ પણ મેડિકલ મશીનને પોતાના સ્તરે ચકાસીને એક સર્ટિફિકેટ જારી કરે છે, જે દર્શાવે છે કે તે મશીન તે માપદંડનું પાલન કરે છે.

ભારતમાં કોરોનાના કારણે દેશી કંપનીઓને વૅન્ટિલેટર બનાવવાનું કામ સોંપાયું ત્યાં સુધી દેશમાં વૅન્ટિલેટર્સ માટે કોઈ સંસ્થાગત નિયમો ન હતા.

આ દરમિયાન ગુજરાતમાં જ્યોતિ સીએનસી કંપનીના ધમણ-1 વૅન્ટિલેટરની ગુણવત્તા અંગે સવાલ પેદા થયા ત્યારે સમજાયું કે ભારતમાં વૅન્ટિલેટર્સને સર્ટિફાઈ કરવા પડશે.

કારણકે સર્ટિફિકેશન નહીં અપાય તો સારા વૅન્ટિલેટર અને ખરાબ વૅન્ટિલેટર્સ વચ્ચે તફાવત શોધવો મુશ્કેલ બની જશે.

તેના માટે 5 જૂને ભારતીય સ્ટાન્ડર્ડ બ્યૂરોની એક બેઠક થઈ, જેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે કોવિડ-19ના વૅન્ટિલેટર્સ માટે માપદંડ નક્કી કરવા પડશે.

26 જૂન, 2020ના રોજ બીઆઈએસે આ સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન તૈયાર કર્યા જેથી તેમની ક્વૉલિટીના ધોરણો નક્કી કરી શકાય.

12 ઑક્ટોબરે વેંકટેશ નાયકની આરટીઆઈના જવાબમાં બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ)એ જણાવ્યું કે કોઈ પણ કંપનીએ અત્યાર સુધી પોતાના કોવિડ-19 વૅન્ટિલેટર્સ માટે સર્ટિફિકેટની અરજી પણ નથી કરી.

એગ્વા હેલ્થકૅરના દિવાકર વૈશ્યને અમે આ સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે “અમારી પાસે આઈઓસીનું સર્ટિફિકેટ છે.”

હકીકતમાં આ ફ્રૅન્ચ સર્ટિફિકેશન સંસ્થા છે. ઉત્તર અમેરિકા અને યુરોપનાં બજારોમાં મશીન વેચવા માટે તેના સર્ટિફિકેટની જરૂર પડે છે.

પ્રશ્ન એ છે કે જેની ગુણવત્તા અંગે વારંવાર સવાલ પેદા થાય છે, તે ભારતમાં ઉત્પાદન થતાં આ વૅન્ટિલેટર્સે ભારતીય ધોરણો હેઠળ સર્ટિફિકેશન માટે અરજી શા માટે નથી કરી.

(આ અહેવાલ માટે રાયપુરથી આલોક પ્રકાશ પુતુલ, લખનૌથી સમીરાત્મજ મિશ્ર, પટણાથી નીરજ પ્રિયદર્શી અને જયપુરથી મોહર સિંહ મીણાએ ઇનપુટ આપ્યા છે.)

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 6
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો