કોરોનાઃ શું ઓક્સિજન એક્સપ્રેસથી સપ્લાયનું સંકટ દૂર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
કોરોનાના સતત વધતા જતા કેસના કારણે ઓક્સિજનની માંગમાં વધારો થવાથી ભારતીય રેલવેએ સોમવાર રાતથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. સોમવારે રાત્રે આઠ વાગ્યાને પાંચ મિનિટે પહેલી ટ્રેન રવાના થઈ હતી.
રેલવે મંત્રાલયના એક અધિકારી મુજબ પહેલી ટ્રેન મુંબઈના કાલંબોલી રેલવે સ્ટેશનથી ખાલી કન્ટેઇનર લઈને વિશાખાપટ્ટનમ્ જશે જ્યાંથી તે રિફિલ થઈને પાછી આવશે.
અધિકારીના જણાવ્યા પ્રમાણે સાત ડબ્બાની વિશેષ ટ્રેનના દરેક ડબ્બામાં 16 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન હશે અને આ ટ્રેનને આવવા-જવામાં પ્રાથમિકતા આપવામાં આવશે.
મંત્રાલયે જણાવ્યું કે આ ટ્રેન ઉપરાંત બીજી ટ્રેનોને પણ દોડાવવાની યોજના છે.
ભારતમાં કોવિડના લગભગ 20 લાખ ઍક્ટિવ કેસ છે અને અત્યાર સુધીમાં 1.78 લાખ લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.

ઓક્સિજનની અછતના કારણે કેટલાં મોત થયાં?

ઇમેજ સ્રોત, Getty Images
દેશના અનેક ભાગોમાં હૉસ્પિટલોમાં પથારી અને દવાઓ ઉપરાંત મેડિકલ ઓક્સિજનની અછત પેદા થઈ છે.
કોરોના પીડિત દર્દીઓ માટે મેડિકલ ઓક્સિજન અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ ભોપાલની એક હૉસ્પિટલમાં કથિત રીતે ઓક્સિજનની અછતના કારણે છ લોકોનાં મોત થયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એનડીટીવી મુજબ મુંબઈની એક હૉસ્પિટલમાં એક દિવસમાં સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં અને તેના માટે ઓક્સિજનની અછત જવાબદાર હોવાના આરોપ મુકાયા હતા.
મેડિકલ ઓક્સિજનની સૌથી વધારે અછત કોરોનાથી અસરગ્રસ્ત 12 રાજ્યોમાં છે. આ રાજ્યો છેઃ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન.
એક તરફ મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં મેડિકલ ઓક્સિજનનો સપ્લાય વધારવા માટે ઉત્પાદનક્ષમતા નથી. બીજી તરફ ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાન જેવાં ઓક્સિજન ઉત્પાદક રાજ્યોમાં મેડિકલ ઓક્સિજનની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે.

સરકાર કેવાં પગલાં લઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
પરિસ્થિતિ એટલી ખરાબ છે કે 50,000 મેટ્રિક ટન ઓક્સિજનની આયાત માટે પગલાં લેવાઈ રહ્યાં છે.
સરકારના એમ્પાવર્ડ જૂથ-2એ નવ ઉદ્યોગોને છોડીને બાકીના ઉદ્યોગોમાં ઓક્સિજનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
આ ઉપરાંત સરકારે 162 પીએસએ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવા માટે નાણાં ઉપલબ્ધ કરાવ્યાં છે.
આ નાના આકારના કામચલાઉ ઓક્સિજન પ્લાન્ટ હોય છે અને તેને અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સ્થાપવામાં આવે છે.
પરંતુ વિનાયક ઍર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના રાજીવ ગુપ્તા મુજબ કોવિડ પછી આ પ્લાન્ટની જરૂરિયાત ખતમ થઈ જશે.
તેઓ કહે છે, "આ પ્લાન્ટમાં ઓક્સિજનની શુદ્ધતા 92થી 93 ટકા હોય છે જેનાથી કામ ચાલી જાય છે. આવા પ્લાન્ટની ક્ષમતા એકથી બે મેટ્રિક ટન હોય છે."

ટ્રેનની જરૂર શા માટે પડી?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતો કહે છે કે ભારતમાં મેડિકલ ઓક્સિજનની સમસ્યા તેની અછતને લગતી નહીં, પરંતુ જરૂરિયાતવાળા વિસ્તારોમાં ઓક્સિજન પહોંચાડવાને લગતી છે.
આઇનોક્સ ઍર પ્રોડક્ટ્સના ડિરેક્ટર સિદ્ધાર્થ જૈનના જણાવ્યા પ્રમાણે કોવિડ અગાઉ ભારતની દૈનિક મેડિકલ ઓક્સિજન ઉત્પાદનક્ષમતા 6500 મેટ્રિક ટન હતી. જે હવે 10 ટકા વધીને દૈનિક 7200 મેટ્રિક ટન થઈ ગઈ છે.
જૈનના જણાવ્યા મુજબ કોવિડ અગાઉ ભારતને દરરોજ 700 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની જરૂર પડતી હતી. પરંતુ આજે આ જરૂરિયાત વધીને લગભગ 5000 મેટ્રિક ટન થઈ ગઈ છે.
નિષ્ણાતો કહે છે કે મેડિકલ ઓક્સિજનને જરૂરિયાતવાળા વિસ્તારોમાં પહોંચાડવો એ પડકાર છે.
ઑલ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ગૅસીસ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશનના પ્રમુખ સાકેત ટિકુ કહે છે કે, "એક તરફ મેડિકલ ઓક્સિજનની સૌથી વધારે જરૂર મહારાષ્ટ્ર જેવાં રાજ્યમાં છે, જ્યારે તેનો સ્ટોક પૂર્વ ભારતમાં રાઉરકેલા, હલ્દિયા સ્ટીલ પ્લાન્ટમાં પડ્યો છે."
મેડિકલ ઓક્સિજનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ખાસ તૈયાર કરાયેલા ટેન્કરોની જરૂર પડે છે જેને ક્રાયોજેનિક ટેન્કર કહેવામાં આવે છે.
વાસ્તવમાં મેડિકલ ઓક્સિજનને સિલિન્ડર અને લિક્વિડ સ્વરૂપમાં ક્રાયોજેનિક ટેન્કરોમાં વિતરિત કરવામાં આવે છે.

રેલવેનો ઉપયોગ કરવાથી શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
સાકેત ટિકુએ જણાવ્યા પ્રમાણે ક્રાયોજેનિક ટેન્કરોમાં પ્રવાહી ઓક્સિજનને માઇનસ 183 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવામાં આવે છે. પરંતુ કોઈએ એવું વિચાર્યું ન હતું કે આજની સ્થિતિમાં આટલા મોટા પ્રમાણમાં મેડિકલ ઓક્સિજનની જરૂર પડશે.
એક મોટી કંપનીના અધિકારીએ જણાવ્યા પ્રમાણે તેમની કંપની પાસે 550 ક્રાયોજેનિક ટેન્કરો છે અને ગયા આખા વર્ષ દરમિયાન તેનો સતત ઉપયોગ થતો રહ્યો છે. આમ છતાં રોડ માર્ગે પ્રવાહી ઓક્સિજનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં સમય લાગે છે.
આવામાં રેલવેનો ઉપયોગ કરવાથી ઓક્સિજન પહોંચાડવામાં ઝડપ આવશે તેવી આશા છે.
રેલવે મંત્રાલયના એક અધિકારી મુજબ ટ્રેનની મદદથી ઓક્સિજન પહોંચાડવા માટે એક નીતિ ઘડવામાં આવી છે. ઓક્સિજનની માંગ રહેશે તો રેલવે મંત્રાલય ક્રાયોજેનિક ટેન્કર્સની ડિઝાઇન અને તેના ઉત્પાદન માટે વિચારી શકે છે.

ઓક્સિજનની કેટલી માંગ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઑલ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ગૅસીસ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશનના પ્રમુખ સાકેત ટિકુ મુજબ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોવિડની પીક વખતે ઓક્સિજનની માંગ દૈનિક 3000થી 3200 મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ હતી. ત્યાર બાદ કોવિડના દર્દીઓની સંખ્યા ઘટતી ગઈ તેમ મેડિકલ ઓક્સિજનની માંગમાં પણ ઘટાડો શરૂ થયો.
અહીં એ જણાવી દઈએ કે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ અને મેડિકલ ઓક્સિજનમાં ખાસ ફરક હોતો નથી. ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો ઓક્સિજન 99.5 ટકા શુદ્ધ હોય છે જ્યારે મેડિકલ ઓક્સિજન 90 ટકાથી 93 ટકા સુધી શુદ્ધ હોય છે.
તો શું ભારતમાં કોવિડના કેસ ઘટ્યા ત્યારે ભારતમાં ઓક્સિજનની ક્ષમતા ઝડપથી વધારવા માટે પગલાં લેવાં જરૂરી ન હતાં?
આઇનોક્સ ઍર પ્રોડક્ટ્સના ડિરેક્ટર સિદ્ધાર્થ જૈન મુજબ તેમની કંપનીએ ફેબ્રુઆરીમાં બે હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે આગામી 36 મહિનામાં આઠ નવા પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી.
જૈન કહે છે, "ભારતે પોતાની ક્ષમતામાં 10 ટકા વધારો કર્યો છે. આઇનોક્સ ઉપરાંત બીજી કોઈ કંપનીને લિક્વિડ ઓક્સિજનનો પ્લાન્ટ સ્થાપવામાં બે વર્ષ લાગી જાય છે."
ક્ષમતા વધારવાના સવાલ અંગે રાજીવ ગુપ્તા કહે છે કે મેડિકલ ઓક્સિજનને માત્ર હોસ્પિટલમાં ઉપયોગ માટે ઉત્પાદિત કરી ન શકાય.
તેઓ કહે છે, "મેડિકલ ઓક્સિજનનો સ્ટીલઉદ્યોગમાં ભારે ઉપયોગ થાય છે. સ્ટીલઉદ્યોગની જરૂરિયાત મુજબ મેડિકલ ઓક્સિજનના પ્લાન્ટ નાખવામાં આવે છે."
બીજી તરફ સાકેત ટિકુ કોરોનાના વધતા કેસથી ચિંતિત છે. તેઓ કહે છે, "આપણી પાસે અમર્યાદિત પ્રમાણમાં ઓક્સિજન નથી."
જોકે, તેઓ ભરોસો અપાવતાં કહે છે કે, "અત્યારે આપણી પાસે ઓક્સિજનનો સ્ટોક ઉપલબ્ધ છે."
તેમણે જણાવ્યું કે ઓક્સિજનનો પુરવઠો વધારવા માટે ઓક્સિજન એક્સપ્રેસ જેવા કેટલાક ઉપાયો પર કામ ચાલે છે. પરંતુ આ ઉપાય કયા છે તેના વિશે તેમણે માહિતી આપી ન હતી.

ઓક્સિજનનો ઉપયોગ કઈ રીતે થાય?

ઇમેજ સ્રોત, GETTY IMAGES/ MONEY SHARMA
સાકેત ટિકુ જણાવે છે કે ઓક્સિજનનો સમજી વિચારીને ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે.
તેઓ કહે છે એક તરફ ગુજરાતમાં કોરોનાના 60,000 કેસ છે અને તેને રોજના 700થી 800 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડે છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોનાના 6.5 લાખ કેસ છે અને તેની દૈનિક જરૂરિયાત 1200 મેટ્રિક ટનની છે.
તેઓ કહે છે, "કેરળમાં તો દૈનિક 100 મેટ્રિક ટન ઓક્સિજનનો ઉપયોગ પણ નથી થતો. અમે આ અંગે આરોગ્ય મંત્રાલયનું ધ્યાન દોર્યું છે અને તેંને જોવા કહ્યું છે."
રાજીવ ગુપ્તા માને છે કે ઘણા લોકોએ ભયના કારણે પોતાની પાસે ઓક્સિજન સિલિન્ડરનો સ્ટોક એકત્ર કર્યો છે. તેના કારણે સિલિન્ડરની અછત પેદા થઈ છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સ્થિતિ કથળી છે.
મધુરાજ ઇન્ડસ્ટ્રીઝ ગૅસીસ પ્રાઇવેટ લિમિટેડના જિજ્ઞેશ શાહ જણાવે છે કે કોવિડ અગાઉ ગુજરાતમાં ઉત્પાદિત 1000 મેટ્રિક ટન ઓક્સિજનમાંથી દૈનિક 150 ટન સપ્લાય હૉસ્પિટલોને કરવામાં આવતો હતો. હવે આ પ્રમાણ વધીને દૈનિક 850થી 900 મેટ્રિક ટન થઈ ગયું છે.
તેઓ કહે છે, "લોકો હાથ-પગ જોડીને વિનંતી કરે છે કે એક બોટલ આપી દો, બે બોટલ આપી દો. અમારી માતા મૃત્યુ પામી રહી છે, પિતા મરી રહ્યા છે, અમારી પત્ની મરી રહી છે. અત્યારે ખાવાનું પણ ગળામાંથી નીચે ન ઊતરે તેવી સ્થિતિ છે. આવા દિવસો પણ આવશે તેવું વિચાર્યું ન હતું."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













