You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું ભારતમાં કોવિડ-19ની રસીની અછત ઊભી થઈ છે?
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તર પ્રદેશમાં રહેતા સંજયકુમાર છેલ્લા બે દિવસથી પોતાને અને પોતાની મોટી ઉંમરનાં માતાને કોરોનાની રસી મળી જાય તે માટે કોશિશ કરી રહ્યા છે.
દિલ્હીના સીમાડે આવેલા ગાઝિયાબાદમાં રહેતા સમાજશાસ્ત્રી ડૉ. કુમાર કહે છે, "મેં આસપાસની ત્રણ ખાનગી હૉસ્પિટલમાં તપાસ કરી. બધેથી મને જવાબ મળ્યો કે રસીના ડોઝ ખલાસ થઈ ગયા છે."
આમાંની એક હૉસ્પિટલમાં 50 બેડ છે.
"અમારી પાસે વૅક્સિનનો ઝીરો ડોઝ છે અને તેથી અમે રસી લેવા માગતા લોકોની નોંધણી કરતાં નથી. લોકો અહીં આવીને પછી ઝઘડા કરે છે," એમ હૉસ્પિટલના એક કર્મચારીએ જણાવ્યું.
બીજી એક હૉસ્પિટલમાં ડૉ. કુમારે બુકિંગ કરાવવાની કોશિશ કરી, પરંતુ ત્યાંથીય જવાબ મળ્યો કે બુધવારથી ડોઝ ખલાસ થઈ ગયા છે. ત્યાંના એક કર્મચારીએ કહ્યું, "લોકોને પરત મોકલવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી."
ભારતમાં વધારે ઘાતક એવી કોરોના વાઇરસની બીજી લહેર આવી છે અને રોજના ચેપની સંખ્યા એપ્રિલના બીજા અઠવાડિયાના અંતે દોઢ લાખના આંકડાને પાર કરી ગઈ છે. તેની સામે વૅક્સિનેશનનું કામ ગતિ પકડી રહ્યું નથી.
અડધો ડઝન જેટલાં રાજ્યોએ કહ્યું કે તેમને ત્યાં રસીની અછત છે. જોકે કેન્દ્ર સરકાર કહી રહી છે કે પૂરતા પ્રમાણમાં ડૉઝનો જથ્થો ઉપલબ્ધ છે.
વધતા કેસ વચ્ચે રસીની અછતની ફરિયાદ
દેશમાં નવા આવતા કેસમાં અડધાથી વધારે ધરાવતા રાજ્ય મહારાષ્ટ્રમાં રસીકરણનું કાર્ય અટકી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહારાષ્ટ્ર સરકારનો દાવો છે કે આ અઠવાડિયામાં મહારાષ્ટ્રને આપેલા ડોઝની સંખ્યા બહુ ઓછી છે.
તો મુંબઈમાં ઘણા રસીકરણ કેન્દ્રોને બંધ કરી દેવા પડ્યા છે, જ્યારે કોલ્હાપુર, સાંગલી અને સતારા જિલ્લાઓમાં પણ રસીકરણ અટકી પડ્યું છે.
તો પંજાબના મુખ્ય મંત્રીએ શનિવારે કહ્યું કે પંજાબમાં કોવિડ-19ની રસીનો જથ્થો પાંચ દિવસ સુધી ચાલશે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, તેઓએ કહ્યું કે રાજ્યમાં એક દિવસમાં 85 હજારથી 90 હજાર લોકોનું રસીકરણ કરી રહ્યા છીએ. અને એ રીતે પંજાબમાં 5.7 લાખ રસીનો ડોઝનો હાલનો જથ્થો પાંચ દિવસમાં ખતમ થઈ જશે.
તો દેશમાં કોરોના વાઇરસની રસીની અછતને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી કે વૅક્સિનની કમીની વાત સાચી નથી.
દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને કોરોનાની સ્થિતિને લઈને ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ સાથે હાઈલેવલની મિટિંગ કરી હતી.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશમાં અમેરિકા અને બ્રિટન કરતા પણ ઝડપથી રસીકરણ થયું છે અને અત્યાર સુધી 10 કરોડથી વધારે લોકોને રસી અપાઈ ગઈ છે.
કેન્દ્રના આરોગ્યમંત્રી હર્ષ વર્ધન કહે છે કે રસીની અછત હોવાના "આક્ષેપો પાયાવિહોણા" છે.
તેમણે દાવો કર્યો કે 4 કરોડથી વધુ "ડોઝ તૈયાર છે અથવા ડિલિવર થવાની તૈયારીમાં છે."
તેમણે રાજ્યો પર આક્ષેપ મૂક્યો કે "તે લોકો રસીકરણ કરવામાં અક્ષમ નીવડ્યા છે એટલે આવી રીતે આક્ષેપો કરીને ધ્યાન બીજે વાળવા માગે છે."
હર્ષ વર્ધને કહ્યું કે જે રાજ્યો અછતનો દાવો કરે છે, તેમણે પોતાના અગ્રહરોળના આરોગ્ય કર્મચારીઓને પણ રસી આપવાનું કામ પૂર્ણ કર્યું નથી.
આ વાત તદ્દન સાચી ના હોય તેવું બની શકે. કેટલાંક રાજ્યોએ ઝડપથી રસીકરણ કર્યું તેવાં રાજ્યોમાં અછત હોવાની વાત વાસ્તવિક છે, એમ ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના ઉમ્મેન સી. કુરિયન જણાવે છે.
તેમના જણાવ્યા અનુસાર અછત ઊભી થવાનું એક કારણ એ પણ હોઈ શકે કે "ભારતના વૅક્સિન ઉત્પાદકોની ઉત્પાદનક્ષમતાનો દાવો અને છેલ્લા ચાર મહિનામાં ખરેખર તૈયાર થયેલા ડોઝ વચ્ચે મેળ ના બેસતો હોય તેવું બને."
વિશ્વમાં રસીકરણની ઝુંબેશ 16 જાન્યુઆરીએ શરૂ થઈ
વિશ્વની સૌથી મોટી એવી ભારતની રસીકરણની ઝુંબેશ 16 જાન્યુઆરીએ શરૂ થઈ હતી અને જુલાઈ સુધીમાં 25 કરોડ લોકોને રસી આપી દેવાનું લક્ષ્યાંક રખાયું હતું.
શરૂઆતમાં આરોગ્ય કર્મચારીઓ અને અગ્રહરોળના સ્ટાફ માટે રસી આપવાનું શરૂ થયું હતું. તે પછી 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને અને ત્યારબાદ અન્ય ગંભીર બીમારી હોય તેવી 45થી 59 વર્ષની વ્યક્તિઓને પણ રસી આપવાનું શરૂ થયું.
છેલ્લે 45થી વધુ વર્ષની ઉંમરના બધા માટે રસીની છૂટ અપાઈ છે.
અત્યાર સુધીમાં 9 કરોડથી વધુ રસી આપવામાં આવી છે. એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીએ વિકસાવેલી (Covishield) અને ભારત બાયૉટેકની (Covaxin) બંને પ્રકારની રસીનો આમાં સમાવેશ થાય છે.
રોજના સરેરાશ 30 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ભારતે અત્યાર સુધીમાં 85 દેશોમાં 6.4 કરોડ રસીના ડોઝની નિકાસ પણ કરી છે.
કેટલાક દેશોને "ગિફ્ટ" તરીકે મોકલાઈ છે, જ્યારે કેટલાક કિસ્સામાં રસી ઉત્પાદકોએ જે તે દેશ સાથે કરેલા કરાર પ્રમાણે રસી મોકલવાઈ છે.
તે સિવાય વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા Covax યોજના શરૂ કરાઈ છે તેના ભાગરૂપે પણ રસી મોકલાઈ છે.
રસી ઉત્પાદનની બાબતમાં ભારત વિશ્વમાં અગ્રસ્થાને છે. ભારતમાં જંગી રસીકરણ કાર્યક્રમ ચાલે છે અને વિશ્વની 60% ટકા જેટલી રસીની જરૂરિયાત ભારત પૂરી પાડે છે.
ભારતમાં અડધો ડઝનથી વધુ જંગી ઉત્પાદનક્ષમતા ધરાવતી કંપનીઓ છે. તેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાનો પણ સમાવેશ થાય છે, જે વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક છે.
ભારત સામે કેવાકેવા પડકારો છે?
આમ છતાં કોવિડ-19ની સામે રક્ષણ આપનારી રસીનો જથ્થો પૂરતો પ્રમાણમાં તૈયાર કરવામાં પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
જાણકારો કહે છે કે લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે રસીકરણની ઝડપ વધારવી પડશે. એ સ્પષ્ટ નથી કે ભારત પાસે પૂરતા પ્રમાણમાં વૅક્સિન છે કે કેમ અને રાજ્યોમાં રસીકરણની ઝુંબેશ વધારી શકાય તેમ છે કે કેમ.
ઘણા લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે તે પ્રમાણે મુખ્ય સવાલ એ જ છે કે ભારત પાસે પૂરતા પ્રમાણમાં ડોઝ છે ખરા, કે જેથી યુવાનોને પણ રસી આપીને રસીકરણનો વ્યાપ વધારી શકાય.
કેટલા લોકો એવું પણ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે ભારતે વિદેશમાં કરોડો ડોઝ મોકલીને બહુ ગાજેલી "વૅક્સિન ડિપ્લોમસી" કરીને યોગ્ય કર્યું છે કે કેમ.
કોવિશિલ્ડ તરીકે ઓળખાતી ઑક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી સીરમ ઇન્સ્ટિટ્યૂટ બનાવે છે. તેના તરફથી કેટલાક અણસાર મળ્યા છે.
આ અઠવાડિયે સીરમે જણાવ્યું કે તેઓ બહુ "દબાણમાં છે." કંપનીના વડા આદર પૂનાવાલાએ ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં કહ્યું કે "દરેક ભારતીયને રસી આપી શકીએ તેવી સ્થિતિમાં હજી આપણે નથી."
સીરમના જણાવ્યા અનુસાર, તેના દ્વારા ભારતને દર મહિને 6.5થી 7 કરોડ ડોઝ આપવામાં આવે છે. સાથે જ એટલી સંખ્યામાં રસીની નિકાસ પણ કરી છે.
જાન્યુઆરીમાં બીબીસી સાથેની વાતચીતમાં સીરમે કહ્યું હતું કે તે પોતાની ઉત્પાદનક્ષમતા વધારીને મહિને 10 કરોડ ડોઝ સુધી કરી શકે છે. પરંતુ હવે કંપનીએ જણાવ્યું કે તેઓ આટલી ઉત્પાદનક્ષમતા જૂન પહેલાં પ્રાપ્ત કરી શકશે નહીં.
જાન્યુઆરીમાં પૂણેમાં આવેલા કંપનીના એકમમાં આગ લાગી હતી, તેના કારણે વિલંબ થયો હતો.
જોકે પૂનાવાલાએ કહ્યું હતું કે તેના કારણે કોવિશિલ્ડના ઉત્પાદન પર કોઈ અસર નહીં થાય, કેમ કે "તાકિદની સ્થિતિને પહોંચી વળવા માટે અમે જુદીજુદી ઇમારતોમાં સુવિધાઓ તૈયાર રાખતા હોઈએ છીએ."
કંપનીએ એવું પણ જણાવ્યું કે મૂડીની તંગી પણ ઉત્પાદન વધારવામાં નડી રહી છે.
પૂનાવાલાએ સરકાર પાસેથી 3000 કરોડ રૂપિયા સુધીની સહાયની માગણી કરી હતી અથવા બૅન્કમાંથી ધિરાણ મળે તેવી માગણી કરી હતી.
સીરમ ભારત સરકારને $2 (150 રૂપિયા)ના ભાવે રસી આપે છે અને આટલી કિંમત "કામકાજના વિસ્તરણને પહોંચી વળવા માટે પૂરતી છે," એમ તેમણે કહ્યું હતું.
"આના માટે બજેટ નહોતું રખાયું કે આયોજન નહોતું થયું, કેમ કે અમારી ગણતરી હતી કે વિદેશ નિકાસ કરીને અમે તે દેશોમાંથી ફંડિંગ મેળવી શકીશું. પણ નિકાસ થઈ રહી નથી ત્યારે ઉત્પાદનક્ષમતા વધારવા માટે અલગ રીતે વિચારવું પડશે, કે જેથી અમે આપણા દેશની વહારે આવી શકીએ," એમ પૂનાવાલાએ એનડીટીવીને જણાવ્યું હતું.
દેખીતી રીતે જ ભારતમાં રસીની "અછત" ઊભી થશે તો તેની અસર સમગ્ર વિશ્વમાં દેખાશે.
ભારત પાસે વધારે કોઈ વિકલ્પો છે?
ગયા મહિને ભારતે ઑક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
સીરમ કહે છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તેણે 3 કરોડ ડોઝની નિકાસ કરી હતી. તેની ક્ષમતાના આ 50 ટકા હતા - અને હવે "3-4 કરોડ [નિકાસના] ડોઝની ઘટ પડી છે."
"અમે તેમને કહ્યું હતું કે ભારતમાં ડોઝની જરૂર બહુ જ છે અને એક્સપૉર્ટની જગ્યાએ ભારતની જરૂરિયાત પર ધ્યાન આપવાની જરૂર છે," એમ પૂનાવાલાએ CNBC-TV18ને જણાવ્યું હતું.
તેમણે બિઝનેસ સ્ટાન્ડર્ડ અખબારને જણાવ્યું હતું કે એસ્ટ્રોઝેનેકા કંપનીએ તેમને (ઓછી વૅક્સિન મોકલવા બદલ) "લીગલ નોટિસ મોકલી છે અને ભારત સરકારને પણ તે બાબતની જાણ છે."
જાણકારો કહે છે કે કેટલાંક રાજ્યોમાં રસીના જથ્થામાં ઘટ ઊભી થઈ છે તેના કારણે પુરવઠામાં બૉટલનેક સર્જાઈ શકે છે.
કદાચ રસી ઉત્પાદક કંપનીઓએ પણ પોતાની ક્ષમતાને બઢાવી-ચઢાવીને જણાવી હશે અને તે રીતે વિશ્વભરમાંથી ઑર્ડર લઈ લીધા હશે.
પોતાનું નામ ના આપવા માગતા એક અધિકારી કહે છે, "ચેપ વધશે અને લોકોનો રસી લેવાનો ખચકાટ દૂર થશે તે સાથે જ રસીની માગ પણ વધશે. આપણે વધારે સારું આયોજન કરવાની જરૂર છે."
અત્યારે ભારત પાસે વધારે કોઈ વિકલ્પો પણ નથી. નવી રસી - કદાચ રશિયાની સ્પુટનિક ફાઇવ - જૂન સુધીમાં આવે તેવી શક્યતા છે.
અમેરિકાના રસી ઉત્પાદક નોવાવૅક્સની સાથે મળીને સીરમ બીજી પણ એક રસી કોવોવેક્સ પણ તૈયાર કરી રહી છે. જોકે તે છેક સપ્ટેમ્બરમાં ઉપલબ્ધ થશે એમ લાગે છે.
કુરિયન કહે છે, "ભારતે રસીકરણને અગ્રતા આપવાની જરૂર છે. તે સિવાય કોવિડ-19થી થઈ રહેલા મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરવાનો બીજો કોઈ ઉપાય દેખાતો નથી. ભારતની મોટી ઉંમરના 12 કરોડ લોકોને ઝડપથી રસી આપી દેવાની જરૂર છે."
"આગામી થોડાં અઠવાડિયાંઓમાં જ આ કામ પૂર્ણ કરી દેવાની જરૂર છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નાગરિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ સૌનો સહયોગ લઈને કામ પાર પાડવાની જરૂર છે. તે માટે અસરકાર પ્રચારઝુંબેશ પણ શરૂ કરવાની જરૂર છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો