પૂણે : સીરમ ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયામાં આગ, પાંચ લોકોનાં મોત

કોરોના વૅક્સિન બનાવતી પૂણેની સીરમ ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયામાં આગ લાગી હોવાની ઘટના બની છે જેમાં પાંચ વ્યક્તિઓ મૃત્યુ પામી છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અને માલિક અદાર પૂનાવાલાએ આ વાતની પુષ્ટિ કરતાં મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી.

પુણેના મેયર મુરલિધર મોહોલે આ ઘટનાની પુષ્ટિ કરતાં નિવેદનમાં જણાવ્યું હતું કે, "સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગમાં અંતિમ ફ્લૉર પર ફસાયેલા પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. આ ફ્લૉર પર કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું. અમે આગ લાગવાનાં કારણોની તપાસ કરી રહ્યા છીએ. આગના કારણે અંતિમ ફ્લૉર સમગ્ર રીતે બળી ગયું છે. જ્યારે ઇમારતમાં લાગેલી આગ પર કાબૂ મેળવી અને ઇન્સ્પેક્શનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આગમાં મૃત્યુ પામનારા પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃત્યુ પામનારા આ પાંચ લોકો બાંધકામમાં રોકાયેલા મજૂરો હોઈ શકે છે. અન્ય તમામને બચાવી લેવાયા છે."

બીજી તરફ એએનઆઇએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને ટાંકીને લખ્યું હતું કે, "અમને મળેલી વિગતો અનુસાર છ લોકોને આગમાંથી બચાવી લેવાયા છે. તેમજ પ્રાથમિક માહિતી અનુસાર ઇલેક્ટ્રિક ફોલ્ટના કારણે આગ લાગી હતી. "

નોંધનીય છે કે પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં હાલ ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત કોરોના વૅક્સિન કોવિશિલ્ડનું મોટા પાયે ઉત્પાદન ચાલી રહ્યું છે.

જોકે પ્રાથમિક વિગતો અનુસાર આગ ફૅક્ટરીની પ્રશાસનિક ઇમારતમાં લાગી હતી જે નવો ભાગ છે.

વૅક્સિન સલામત

પૂણેના પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ કહ્યું કે જ્યાં આગ લાગી છે એ ભાગમાં રસીનું ઉત્પાદન નથી થતું.

ડેપ્યુટી પોલીસ કમિશનર નમ્રતા પાટીલે કહ્યું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટના ટર્મિનલ 1 પર આગ લાગી હતી. બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી હતી કારણકે ધુમાડો ફેલાઈ ગયો હતો.

શરૂઆતમાં અધિકારીઓએ માહિતી આપી હતી કે આગમાંથી બધાનો આબાદ બચાવ કરી લેવાયો છે. જોકે, બાદમાં કન્સ્ટ્રક્શન વર્કરોનાં મૃત્યુના સમાચાર કન્ફર્મ કરાયા હતા.

સ્થાનિક ધારાસભ્યે ચેતન તુપેએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

તેમણે કહ્યું કે "એસઈઝેડ-3ની ઇમારતમાં આગ લાગી હતી જ્યાં રસીનું ઉત્પાદન નથી થતું."

પુણે ફાયર ડિપાર્ટમેન્ટ મુજબ આગ પર કાબૂ મેળવવા માટે દસ જેટલા ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા..

નોંધનીય છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ પુણેના મજરી વિસ્તારમાં સ્થિત છે. સીરમ ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયા દુનિયાની મોટી વૅક્સિન બનાવતી કંપની છે. હાલ કંપનીમાં બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી અને કંપની એસ્ટ્રાઝેનેકાએ મળીને બનાવેલી રસી કોવિશિલ્ડનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે.

માત્ર ભારત જ નહીં પરંતુ ભારતના અનેક દેશો પણ સીરમ ઇન્સ્ટિટ્યૂટની આ રસી પર આધાર રાખશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો