You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હી પોલીસે ગાઝીપુર બૉર્ડરથી બૅરિકેડ હઠાવ્યાં, રાકેશ ટિકૈત બોલ્યા 'પાક પહોંચશે સંસદમાં'
દિલ્હી પોલીસે શુક્રવાર સવારે ગાઝીપુર બૉર્ડર પર લાગેલા બૅરિકેડ હઠાવવાનું શરૂ કરી દીધું છે.
કેટલાક મહિના પહેલાં દિલ્હી પોલીસે કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતાં રોકવા માટે કેટલાંય સ્તરે બૅરિકેડ લગાવ્યાં હતાં, જેમાં લોખડનાં ખીલા, કૉંક્રિટ વગેરે પણ સામેલ હતાં.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોલીસની પહેલ પર કટાક્ષ કરતાં ટ્વીટ કર્યું, "હજુ તો માત્ર બનાવટી બૅરિકેડ હઠાવાયાં છે. ટૂંક સમયમાં ત્રણેય કૃષિકાયદા પણ હઠશે. અન્નદાતા સત્યાગ્રહ ઝિંદાબાદ."
સમાચાર સંસ્થા એએનઆઈના મતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે સરકાર તરફથી આદેશ છે. એટલે બૅરિકેડ હઠાવીને રસ્તો ખોલવામાં આવી રહ્યો છે.
ભારતીય કિસાન યુનિયના નેતા રાકેશ ટિકૈતે બૅરિકેડિંગ હઠાવવાના નિર્ણય પર કહ્યું, "વડા પ્રધાને કહ્યું હતું કે ખેડૂત પોતાનો પાક ગમે ત્યાં વેચી શકે છે. રસ્તા ખૂલશે તો અમે અમારો પાક વેચવા માટે સંસદમાં જઈશું. પહેલા અમારાં ટ્રેક્ટર દિલ્હી જશે. અમે રસ્તા બંધ નથી કર્યા. આગળની યોજના અમે બનાવીને જણાવીશું."
રાકેશ ટિકૈતે ટ્વિટર પર કહ્યું છે, "દેશનો અન્નદાતા છેલ્લા 11 મહિનાથી સતત રસ્તા પર બેસીને પોતાનો હક માગી રહ્યો છે. પણ કેન્દ્રની મોદી સરકાર હઠ પકડીને તાનાશાહી કરી રહી છે. દેશના અન્નદાતાઓ પર જુલમ પર જુલમ કરી રહી છે. ગરીબોની રોટી પર પણ મૂડીવાદીઓનો કબજો થઈ ગયો છે."
શુક્રવાર સવારે પોલીસ અધિકારીઓની દેખરેખમાં કામદારો એનએચ-9 હાઈવે પરથી ખીલા કાઢતાં જોવા મળ્યા. જેસીબીની મદદથી કૉંક્રિટનાં બૅરિકેડને હઠાવવામાં આવી રહ્યાં છે.
વર્ષ 2020ના નવેમ્બર મહિનાથી ભારતીય કિસાન યુનિયન સાથે સંકળાયેલા ખેડૂતો આ જગ્યા પર બેસીને ધરણાં આપી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય કિસાન યુનિયન ત્રણ કૃષિકાયદાના વિરુદ્ધ એકજૂથ થયેલા ખેડૂતના સંગઠન સંયુક્ત કિસાન મોરચાનો ભાગ છે.
ગત 21 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટે આ મામલે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે વિરોધપ્રદર્શનો માટે રસ્તાને બંધ રાખી શકાય નહીં.
એક લાંબા સમયથી સિંઘુ, ટિકરી અને ગાઝીપુર બૉર્ડર પર ખેડૂતોના એકઠા થવાને લીધે સામાન્ય લોકો આ રસ્તાનો ઉપયોગ નહોતા કરી શકતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો