સામ માણેકશા સાથે હાથ મિલાવવા પાકિસ્તાની સૈનિકોની લાઇનો કેમ લાગતી?
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
ફિલ્ડ માર્શલ સામ માણેકશા પારસી હતા. પારસીઓ માટે તેઓ હંમેશાં 'આપરો સામ' બની રહ્યા હતા.
ગોરખા અને ભારતીય સૈન્યના સૈનિકો તેમને પ્રેમથી હંમેશાં 'સામ બહાદુર' કહેતા હતા. શીખો પણ સામ માણેકશાને પોતાના ગણતા હતા, કારણ કે તેમનો જન્મ અમૃતસરમાં થયો હતો. તામિલ લોકોને સામ માણેકશા પ્રિય હતા, કારણ કે નિવૃત્તિ પછી તેમણે નીલગિરિ પર્વતમાળાને પોતાનું ઘર બનાવ્યું હતું.

ઇમેજ સ્રોત, Niyogi Books
4/ 12 FFR ટુકડીથી સામ માણેકશાએ તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને એ ટુકડી માટે તેઓ હંમેશાં 'જંગી લાટ' (એટલે સૈન્યના સર્વોચ્ચ અધિકારી) જ હતા. તેઓ ભારતીય સૈન્યના જવાનોના સૌથી વધુ પ્રિય જનરલ હતા.
એટલું જ નહીં, તેમના માટે સામાન્ય લોકોના હ્રદયમાં જે પ્રેમ છે એ બહુ ઓછા લોકો માટે હોય છે.
તેઓ એવા જૂજ લોકો પૈકીના એક હતા, જેઓ તેમના જીવનકાળમાં જ દંતકથારૂપ બની ગયા હતા.

ગોરખા સૈનિકે ઑફિસના દરવાજે રોક્યા

ઇમેજ સ્રોત, BHARATRAKSHAK.COM
સેનાધ્યક્ષનું પદ સંભાળતાં પહેલાં સામ માણેકશા ઇસ્ટર્ન કમાન્ડના વડા તરીકે કાર્યરત્ હતા. તેમની અંગત માલિકીની 'સનબીમ રેપિયર' કાર હતી, જે મોટાભાગે તેમનાં પત્ની સીલુ ચલાવતાં હતાં.
સામ એક રવિવારે અચાનક કાર બહાર કાઢીને ઑફિસ જવા નીકળી પડ્યા. તેમણે શૉર્ટ્સ અને પેશાવરી ચંપલ પહેર્યાં હતાં.
ફૉર્ટ વિલિયમના પ્રવેશદ્વાર પર એક ગોરખા સૈનિકે તેમને રોક્યા અને તેમનું ઓળખપત્ર માગ્યું. સામ પોતાનું ઓળખપત્ર ઘરે ભૂલી ગયા હતા એટલે તેમને તેમની જ ઑફિસમાં પ્રવેશવા દેવાયા નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામે ગોરખા સૈનિકને તેની જ ભાષામાં કહ્યું હતું કે "મલાઈ ચિને ચૈના માં તેરો આર્મી કમાન્ડર છું."(મને નથી ઓળખતા? હું તમારો આર્મી કમાન્ડર છું)
ગોરખા સૈનિકે જવાબ આપ્યો હતો કે "ના ચિનાઈ ચૈના, આઇડી ચૈના, ફેટા ચૈના, ઝંડા ચૈના, ગારી મા સ્ટાર પ્લૅટ ચૈના, કસરી ચિન્ને હો કિ તપઈ આર્મી કમાન્ડર ચા?" (નહીં. હું તમને ઓળખતો નથી. તમારી પાસે આઇડેન્ટિટી કાર્ડ નથી, રેન્કના બેજ નથી. તમારી કાર પર રાષ્ટ્રધ્વજ પણ લાગેલો નથી. હું કેવી રીતે ભરોસો કરું કે તમે આર્મી કમાન્ડર છો?)
શું હું તમારા બૂથમાંથી એક ટેલિફોન કરી શકું, એવો સવાલ સૈનિકને પૂછીને સામ માણેકશાએ કમાન્ડિંગ ઑફિસરને ફોન કર્યો અને કહ્યું કે તમારા એક જવાને મને ગેટ પર રોક્યો છે. તેની ભૂલ નથી. મેં યુનિફોર્મ પહેર્યો નથી અને મારું આઇડેન્ટિટી કાર્ડ પણ મારી પાસે નથી. તમે મને ઑફિસમાં પ્રવેશ અપાવી શકશો?
આ સાંભળીને કમાન્ડિંગ ઑફિસર એક જ મિનિટમાં દરવાજે પહોંચી ગયા અને સામને પ્રવેશ કરાવ્યો.
સામ માણેકશાના કહેવાથી કમાન્ડિંગ ઑફિસરે ગોરખા સૈનિકને ઈમાનદારીથી ફરજ બજાવવા બદલ જોરદાર શાબાશી આપી.

મૉસ્કોમાં પાકિસ્તાની રાજદૂત સાથે મુલાકાત

ઇમેજ સ્રોત, RAVEENDRAN/AFP/GETTY IMAGES
સામ માણેકશા નવેમ્બર 1971માં સોવિયેત સંઘની મુલાકાતે ગયા હતા. ત્યાં તેઓ બોલશોઈ થિયેટર ગયા ત્યારે સોવિયેત સંઘ ખાતેના પાકિસ્તાનના રાજદૂત જમશીદ માર્કર અને તેમનાં પત્ની ડાયના સાથે આકસ્મિક મુલાકાત થઈ.
જમશીદ ક્વેટાના રહેવાસી હતા અને સામ માણેકશા 1943માં સ્ટાફ કૉલેજમાં અભ્યાસ કરતા હતા એ સમયથી તેમને જમશીદ સાથે દોસ્તી હતી.
સામ ઉમળકાભેર જમશીદને ભેટી પડ્યા હતા અને પારસી પરંપરા મુજબ જમશીદનાં પત્નીના ગાલે ચુંબન કર્યું હતું.
બન્ને થોડીવાર સુધી ગુજરાતીમાં એકમેકનાં ખબરઅંતર પૂછતા રહ્યા હતા. રશિયનો એ હકીકતથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે બન્ને દેશે વચ્ચે આગામી થોડા દિવસમાં યુદ્ધ થવાનું છે એવું આ બન્નેના વ્યવહારને જોતાં જરાય લાગતું નથી.

નેપાળનરેશ સાથે મુલાકાત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
1972માં સામ માણેકશા નેપાળની મુલાકાતે ગયા હતા. નેપાળનરેશે સામ અને તેમનાં પત્નીને મળવા માટે આમંત્રણ આપ્યું હતું. નેપાળનરેશને મળવા જતાં પહેલાં નેપાળ ખાતેના ભારતીય રાજદૂતે સામને નેપાળી રાજમહેલના નિયમોથી માહિતગાર કરાવ્યા હતા.
તેમણે સામને જણાવ્યું હતું કે નેપાળના નરેશ વાત કરે ત્યારે જ તમે તેમની સાથે વાત કરજો.
સામે અડધા કલાક સુધી એ નિયમનું પાલન કર્યું અને નેપાળનરેશની વાતો સાંભળતા રહ્યા. મશ્કરા અને બોલકણા સામથી પછી રહેવાયું નહીં.
તેઓ અચાનક રાણી તરફ ફર્યા અને તેમને પુછ્યું કે "નેપાળનરેશ સારા પતિ છે? કિચનમાં તમારી મદદ કરે છે કે નહીં?"
આ સવાલ સાંભળીને રાણી ઐશ્વર્યા જોરથી હસી પડ્યાં હતાં અને નેપાળનરેશે શાહી પ્રૉટોકોલને બાજુ પર મૂકી દીધો હતો.

સંગીત અને બાગાયતના શોખીન

ઇમેજ સ્રોત, TWITTER@ADGPI
સામ માણેકશાને બાથરૂમ શાવરનો ક્રૅઝ હતો. તેઓ ઇચ્છતા હતા કે તેમના શાવરમાંથી જોરદાર ફૉર્સ સાથે ઉકળતું હોય તેવું ગરમ પાણી આવે. તેમાં જરા પણ કમી હોય તો સામનો મૂડ ઑફ થઈ જતો હતો અને તેમનો દિવસ બહુ ખરાબ રીતે શરૂ થતો હતો.
સામ વહેલી સવારે જાગી જતા હતા અને લગભગ એક કલાક સુધી બગીચામાં છોડવાને પાણી પીવડાવતા હતા. તેમની પાસે એક ઉત્તમ ઑડિયો સિસ્ટમ હતી અને રેકર્ડ તથા કૅસેટનો જબરો સંગ્રહ હતો.
સ્વામી નામનો રસોઈયો તેમની સાથે 1959થી કામ કરતો હતો. સવારે ઑફિસ જતાં પહેલાં આખા દિવસનું મેન્યૂ સામ તેમને જણાવી દેતા હતા.
સાંજે ઑફિસેથી ઘરે પહોંચ્યા બાદ તેઓ સીધા રસોડામા જતા હતા અને તપેલાઓનાં ઢાંકણ ખસેડીને જોતા હતા કે સ્વામીએ શું-શું બનાવ્યું છે.
સ્વામીની મશ્કરી કરવા સામ માણેકશા તેની સાથે, તેની જ માફક ભાંગીતૂટી અંગ્રેજીમાં વાત કરતા હતા.
સામ માણેકશા ઘણીવાર કહેતા હતા કે "મેડમ કમિંગ બૅક ટુનાઇટ. આઇ ટેલિંગ મેડમ યૂ લાઉઝી કૂક નોટ ફીડિંગ મી વેલ." (મેડમ આજે રાતે પરત આવવાનાં છે. હું તેમને કહીશ કે તું મને સારી રીતે જમાડતો નથી)
સ્વામી પાછા પડ્યા વિના તેમને કહેતા હતા કે "યસ, મેડમ કમિંગ બેક ટુનાઇટ. આઇ ટેલિંગ મેડમ યુ નોટ ઇટિંગ એટ હોમ ફૉર મન્થ ગોઇંગ આઉટ એવરી નાઇટ ઍન્ડ કમિંગ હોમ ઍટ વન ઇન ધ મૉર્નિંગ." (જી, મેડમ આજે પાછાં આવવાનાં છે. હું તેમને કહીશ કે તમે આખો મહિનો રાતે ઘરે જમ્યા નથી અને રાતે એક વાગ્યે ઘરે પાછા આવતા હતા)
આ સાંભળીને સામ નારાજ થવાનું નાટક કરતા અને કહેતા કે "યૂ ડૅમ કૂક, ઇઝ ધેટ હાઉ ટૂ ટૉક ટૂ ધ આર્મી ચીફ?" (મૂર્ખ રસોઇયા, લશ્કરી વડા સાથે આવી રીતે વાત કરાય?)
સ્વામી પણ તેમને એવી જ શૈલીમાં જવાબ આપતા કે "યસ, નાઉ યૂ બિગ મૅન. યૂ ગો લૂક આફટર યોર આર્મી ઍન્ડ લીવ માય કિચન." (હા, તમે તો મોટા માણસ છો. તમે તમારી સેનાનું ધ્યાન રાખો અને મારા રસોડામાંથી બહાર નીકળો)

આત્મસમર્પણ માટે જનરલ જૅકબના ઢાકા જવાનો વિવાદ

ઇમેજ સ્રોત, Niyogi Books
1971માં પાકિસ્તાની સૈન્યના આત્મસમર્પણનો સમય આવ્યો એ વખતે ઇંદિરા ગાંધી ઇચ્છતાં હતાં કે સામ માણેકશા ઢાકા જઈને પાકિસ્તાનીઓની શરણાગતિ સ્વીકારે. તેનો ઇન્કાર કરતાં સામે જણાવ્યું હતું કે "પાકિસ્તાનના આખા સૈન્યે શરણાગતિ સ્વીકારી હોત તો હું રાજી થઈને ઢાકા જાત."
શરણાગતિ પહેલાં તેની વ્યવસ્થા કરવા માટે સૈન્યના એક વરિષ્ઠ અધિકારીને ઢાકા મોકલવાના હતા. સામે ઇસ્ટર્ન કમાન્ડના લશ્કરી વડા મેજર જનરલ જૅકબની પસંદગી આ કામ માટે કરી હતી.
સામના એડીસી તરીકે ફરજ બજાવી ચૂકેલા બ્રિગેડિયર પનથાકીએ તેમના પુસ્તક 'ફીલ્ડમાર્શલ સામ માણેકશા, ધ મૅન ઍન્ડ હિઝ ટાઇમ્સ'માં લખ્યું છે :
"આ વાતની ખબર સંરક્ષણ મંત્રાલયને ખબર પડી તો તેણે એવી ચિંતા વ્યક્ત કરી હતી કે મુસ્લિમ સૈન્યના આત્મસમર્પણની વ્યવસ્થા માટે એક યહૂદી અધિકારીને મોકલવામાં આવી રહ્યા છે. ભારતના મિત્ર મુસ્લિમ દેશોને કેવું લાગશે, તેની ચિંતા સરકારને છે."
"આ સાંભળતાંની સાથે સામ માણેકશા ક્રોધે ભરાયા હતા. તેમણે કહ્યું હતું કે જૅકબ દેશ માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા હતા ત્યારે સરકાર 30 વર્ષ સુધી શા માટે ચૂપ રહી? આમ પણ સૈન્ય ધર્મ અને જ્ઞાતિથી પર હોય છે."
"એ પછી સામ માણેકશાએ જૅકબને ફોન કરીને બધી વાતો જણાવી હતી. એ સાંભળીને જૅકબ ભાવુક થઈ ગયા હતા અને તેમણે પદ પરથી રાજીનામાની ધમકી આપી હતી. તેથી નારાજ થયેલા સામ માણેકશાએ તેમને કહ્યું હતું કે રાજીનામું આપવા વગેરેની ધમકી મને આપશો નહીં. તમે એવું કરશો તો જરાય ખચકાટ વિના હું તમારું રાજીનામું સ્વીકારી લઈશ."

યુદ્ધકેદીઓના પિતાએ માન્યો આભાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
1971ના યુદ્ધ પછી સામ માણેકશા સૈન્ય પ્રતિનિધિમંડળ સાથે પાકિસ્તાન ગયા ત્યારે પંજાબના ગવર્નરે તેમને ભોજન માટે નોતર્યા હતા.
ભોજન લીધા પછી ગવર્નરે સામને કહ્યું હતું કે મારા સ્ટાફના લોકો તમારી સાથે હાથ મિલાવવા ઇચ્છે છે.
સામ બહાર ગયા અને જોયું તો તેમની સાથે હાથ મિલાવવા ઇચ્છતા લોકોની લાંબી લાઇન હતી. તેઓ એક વ્યક્તિ પાસે પહોંચ્યા કે તરત જ તેણે સામના સન્માનમાં પોતાના પાઘડી ઉતારી નાખી હતી.
સામ માણેકશાએ તેમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે એ વ્યક્તિએ કહ્યું હતું કે "સર, તમારા કારણે હું જીવતો છું. મારા પાંચ દીકરા તમારા કેદી છે. તેઓ મને પત્રો લખે છે. તમે તેમની સારી રીતે સંભાળ રાખો છો. તેઓ પલંગ પર ઊંઘે છે, જ્યારે તમારા જવાનોએ જમીન પર સૂવું પડે છે. એ લોકો બેરેકોમાં રહે છે, જ્યારે તમારા લોકો તંબુઓમાં રહે છે."

છત્રી, ગૉગલ્સ અને માઇકથી નફરત

ઇમેજ સ્રોત, Niyogi Books
સામ માણેકશાને કેટલીક ચીજો પસંદ ન હતી. કેટલાંક કારણોથી તેઓ માનતા હતા કે ડરપોક લોકો જ છત્રીનો ઉપયોગ કરતા હોય છે.
તેઓ કહેતા કે એક સૈનિકની પીઠ પર વરસાદનાં કેટલાંક ટીપાં પડી જાય તો તેનાથી શું ફરક પડે?
તેમને એક બીજી ચીજથી પણ નફરત હતી અને એ હતાં ગૉગલ્સ.
તેની પણ એક કહાણી છે. સામ માણેકશા યુવા અધિકારી હતા ત્યારે તેમના કમાન્ડિંગ ઑફિસરે સામની આંખો પરનાં કિંમતી ચશ્માં એવું કહીને પોતાના પગ તળે કચડી નાખ્યાં હતાં કે ચશ્માં પહેરવાથી આંખો ખરાબ થઈ જાય છે.
સામ માણેકશાને માઇક પણ પસંદ ન હતું. એક લશ્કરી સંમેલનમાં ભાગ લેવા માટે તેઓ એક સૈન્ય ટુકડીની મુલાકાતે હતા.
એ વખતે સામ માટે મંચ પર માઇકની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે માઇક જોતાં જ કહ્યું હતું કે "ટૅક ધીઝ બ્લડી થિંગ ઑફ. હું અહીં મારા જવાનો સાથે વાત કરવા ઇચ્છું છું."
સામ માણેકશાને એક અન્ય ક્રૅઝ પણ હતો. યુનિફોર્મ પહેર્યો હોય ત્યારે તેઓ, લોકો હાજર હોય એવા સ્થળે ક્યારેય ભોજન કરતા નહોતા.
વિમાનપ્રવાસ કે રાષ્ટ્રપતિભવન કે સરકારી સમારંભોમાં લોકો સામે ભોજન લેતા તેઓ ક્યારેય જોવા મળ્યા ન હતા.
સામના એડીસી પનથાકીએ લખ્યું છે કે તેમની સાથે રહેતા હોવાથી અમારે પણ તેમનું અનુસરણ કરવું પડતું હતું.
ક્યારેક અમારા માટે મુશ્કેલી સર્જાતી હતી-ખાસ કરીને સ્વાદિષ્ટ ભોજન નજર સામે જ હોય ત્યારે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












