તબલીગી જમાતના જે લોકો પર કોરોના ફેલાવવાનો આરોપ હતો તેમનું શું થયું?

તબ્લિગી જમાતના 20 સભ્યોને ઓક્ટોબર-2020માં મુક્ત કરતાં મુંબઈની એક અદાલતે જણાવ્યું હતું કે આ લોકો સામે કોઈ જ પૂરાવા નથી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તબ્લિગી જમાતના 20 સભ્યોને ઓક્ટોબર-2020માં મુક્ત કરતાં મુંબઈની એક અદાલતે જણાવ્યું હતું કે આ લોકો સામે કોઈ જ પૂરાવા નથી.
    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી તબલીગી જમાતનું મરકઝ એક વર્ષ પહેલાં સમાચારોમાં ચમક્યું હતું.

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે વધુને વધુ પ્રસરી રહેલા કોરોનાના ચેપ દરમિયાન એક ધાર્મિક સભા યોજવા બદલ મરકઝ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધી ત્યારે મરકઝ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

ધાર્મિક સભામાં સામેલ થયેલા 24 લોકો કોરોના પોઝિટિવ સાબિત થયા ત્યારે મરકઝ કોરોના વાયરસના હૉટસ્પૉટ સ્વરૂપે ઊભર્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચે જમાતના 955 વિદેશી નાગરિકો વિરુદ્ધ ફૉરેનર્સ ઍક્ટ, ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઍક્ટ, ઍપિડેમિક ડિસીસીઝ ઍક્ટ અને ભારતીય દંડસંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

દિલ્હી પોલીસે એવો આરોપ મુક્યો હતો કે વિદેશી તબલીગીઓ ટૂરિસ્ટ વિઝા પર ભારતમાં પ્રવેશ્યા હતા અને તેમણે મરકઝના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

પોલીસે એવું પણ જણાવ્યું હતું કે આ વિદેશી નાગરિકોએ વિઝાના નિયમોના ઉલ્લંઘન ઉપરાંત એવી સ્થિતી સર્જી હતી કે જેને કારણે ચેપી રોગ ફેલાયો હતો અને મરકઝમાં હાજર રહેલા લોકો ઉપરાંત સામાન્ય લોકોના જીવન પર પણ જોખમ સર્જાયું હતું.

કાર્યક્રમમાં સામેલ થયેલા કેટલાક લોકોને વાયરસનો ચેપ લાગ્યો હોવાનું સાબિત થયું ત્યારે સરકારે તબલીગી જમાતના લોકો પર કોરોના વાયરસ ફેલાવવાનો આરોપ મુક્યો હતો.

તેને કારણે સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. કેન્દ્ર સરકારના આદેશને પગલે રાજ્ય સરકારોએ મરકઝના કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોને શોધીને તેમને ક્વોરૅન્ટીન કરવા રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવ્યું હતું.

આ તબક્કે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે દિલ્હીમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોનું એક વર્ષ પછી આખરે શું થયું?

line

પહેલાં હકીકત પર નજર

કેટલાક કેસ રદ્દ કરવાની અરજી દિલ્હી હાઈ કોર્ટમાં વિચારાધિન છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાક કેસ રદ્દ કરવાની અરજી દિલ્હી હાઈ કોર્ટમાં વિચારાધિન છે.

દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં હાજર રહેલા જે 955 વિદેશી જમાતીઓ પર કેસ કરવામાં આવ્યો હતો એ પૈકીના 911 લોકોએ 'પ્લી બાર્ગેન' કરી હતી અને પોતપોતાના દેશમાં પાછા ગયા હતા.

'પ્લી બાર્ગેન' ફરિયાદપક્ષ અને પ્રતિવાદી વચ્ચેની એક એવી વ્યવસ્થા છે કે જેમાં પ્રતિવાદી કોઈ નાના આરોપ માટે ખુદને દોષી માની લે છે. તેના બદલામાં મોટો આરોપ પડતો મૂકાય છે અથવા તેમને આકરી સજા કરવામાં આવતી નથી.

બાકી બચેલા 44 જમાતીઓએ કેસના સામનાનો નિર્ણય કર્યો હતો. એ 44 પૈકીના આઠ જમાતીઓને કોઈ પ્રાથમિક પૂરાવાના અભાવે કેસ શરૂ થતાં પહેલાં જ મુક્ત કરવામાં આવ્યા હતા અને બાકીને 36ને અદાલતે છોડી મુક્યા હતા.

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચના કેસ સિવાય દિલ્હીનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં જમાતીઓ સામે બીજા 29 કેસ નોંધવામાં આવ્યા હતા.

એ બધા કેસ દિલ્હી હાઈકોર્ટના આદેશ અનુસાર એક સાથે સાકેત કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

એ પૈકીના કેટલાક કેસ રદ કરવાની અરજી દિલ્હી હાઈકોર્ટમાં વિચારાધિન છે. તેથી એ કેસને રદ કરવાની અરજીઓ બાબતે નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈ પણ આદેશ આપવા હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને મનાઈ ફરમાવી છે.

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી મરકઝની ઈમારત

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી મરકઝની ઈમારત

આજની તારીખે એ 29 કેસમાંથી માત્ર 13ની સુનાવણી પૅન્ડિંગ છે અને તેમાં 51 ભારતીય નાગરિકો સંકળાયેલા છે.

તબલીગી જમાતનાં વકીલ અશિમા માંડલાના જણાવ્યા મુજબ, દિલ્હી પોલીસે અલગ-અલગ ક્ષેત્રોમાં જે 29 કેસ નોંધ્યા હતા, તેમાં 193 વિદેશી નાગરિકો એ જ હતા, જે ક્રાઈમ બ્રાન્ચની ફરિયાદ અનુસાર નિઝામુદ્દીન મરકઝમાંથી મળી આવ્યા હતા.

અશિમા માંડલા કહે છે, "અમે પણ કોર્ટને એ જ જણાવ્યું હતું કે જે લોકોને મરકઝમાંથી પકડવામાં આવ્યા હતા એ જ લોકો શહેરની અન્ય મસ્જિદોમાં હાજર હોવાનું દેખાડીને તેમના પર અલગથી કેસ દાખલ કરવામાં આવ્યા હતા."

અશિમા માંડલના જણાવ્યા મુજબ, 'પ્લી બાર્ગેન' વ્યવસ્થા હેઠળ દિલ્હીમાં તબલીગી જમાતના લોકોએ અંદાજે 55 લાખ રૂપિયા દંડ તરીકે દિલ્હી હાઈકોર્ટમાં જમા કરાવ્યા છે. એ પૈકીના લગભગ 20 લાખ રૂપિયા પીએમ કેર ફંડમાં જમા કરાવવામાં આવ્યા છે.

અશિમા માંડલાના જણાવ્યા અનુસાર, તબલીગી જમાતના લોકોને મુક્ત કરવાનો આદેશ 2020ની 15 ડિસેમ્બરે આપવામાં આવ્યો હતો અને દિલ્હી સરકારે એ સંબંધે અત્યાર સુધી કોઈ અપીલ કરી નથી.

અશિમા માંડલા કહે છે, "મુક્ત કરવામાં આવેલા 36 લોકો પૈકીના ટ્યૂનિશિયાના એક નાગરિકનું મૃત્યુ થયું છે. બાકીના 35 લોકો તેમના દેશમાં પાછા ફર્યા છે".

"જોકે, આ મામલામાં આગામી છ મહિનામાં કોઈ અપીલ થશે તો તેમણે સહકાર આપવો પડશે એ શરતે તેઓ સ્વદેશ ગયા છે. મુક્ત થયાના છ મહિના પછી પણ કોઈ અપીલ નહીં કરવામાં આવે તો તેમને કેસમાંથી મુક્ત થયેલા માનવામાં આવશે."

line

આ મામલે વિવિધ અદાલતોએ શું કહ્યું?

દિલ્હી પોલીસે અલગ-અલગ ક્ષેત્રોમાં જે 29 કેસ નોંધ્યા હતા તેમાં 193 વિદેશી નાગરિકો હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હી પોલીસે અલગ-અલગ ક્ષેત્રોમાં જે 29 કેસ નોંધ્યા હતા તેમાં 193 વિદેશી નાગરિકો હતા

બૉમ્બેહાઈ કોર્ટની ઔરંગાબાદ ખંડપીઠે આ કેસમાં 29 વિદેશી નાગરિકો તથા છ ભારતીયો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને ગયા વર્ષે ઑગસ્ટમાં ફગાવી દેતાં જણાવ્યું હતું કે આ લોકોને 'બલીનાં બકરાં' બનાવવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધની કાર્યવાહી નાગરિકત્વ (સુધારા) કાયદાના વિરોધ બાદ ભારતીય મુસલમાનો માટે એક અપ્રત્યક્ષ ચેતવણી સમાન છે.

તબલીગી જમાતના કાર્યક્રમના મીડિયા કવરેજ સંબંધી એક અરજીની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેના અધ્યક્ષપદ હેઠળની ત્રણ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે જણાવ્યું હતું કે ભાષણ અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો તાજેતરમાં સૌથી વધુ દુરુપયોગ કરવામાં આવ્યો છે.

કોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે મીડિયાનો એક વર્ગ તબલીગી જમાત મામલે સાંપ્રદાયિક દ્વેષ ફેલાવી રહ્યો છે.

દિલ્હીની એક અદાલતે તબલીગી જમાતના 36 વિદેશી સભ્યોને ડિસેમ્બર-2020માં મુક્ત કરતાં જણાવ્યું હતું કે આરોપીઓ દર્શાવવામાં આવેલી તારીખે મરકઝમાં પહોંચ્યા હતા કે માર્ચ-2020ના અંત સુધી મરકઝમાં રહ્યા હતા એ હાજરી-રજિસ્ટરથી સાબિત થતું નથી.

અદાલતે સ્પષ્ટ જણાવ્યું હતું કે "12 માર્ચથી પહેલી એપ્રિલ સુધી કોઈ આરોપી મરકઝમાં હાજર હતા એ સાબિત કરવામાં ફરિયાદી પક્ષ નિષ્ફળ રહ્યો છે. ક્યાંય, કોઈ કાયદાનું ઉલ્લંઘન થયું હોય એવું લાગતું નથી."

તબલીગી જમાતના એક યુવા સભ્યની અરજીની સુનાવણી કરતાં અલાહાબાદ હાઈકોર્ટે ડિસેમ્બર-2020માં જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેવાને કારણે કોઈ પર હત્યાના પ્રયાસનો આરોપ મૂકવો એ તો કાયદાનો દુરૂપયોગ ગણાય.

તબલીગી જમાતના 20 સભ્યોને ઑક્ટોબર-2020માં મુક્ત કરતાં મુંબઈની એક અદાલતે જણાવ્યું હતું કે આ લોકો સામે કોઈ જ પૂરાવા નથી.

line

ફરી ખુલશે મરકઝ?

મરકઝને ધાર્મિક કારણોસર ફરી ખોલવા બાબતે દિલ્હી સરકારે સહમતિ દર્શાવી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મરકઝને ધાર્મિક કારણોસર ફરી ખોલવા બાબતે દિલ્હી સરકારે સહમતિ દર્શાવી છે

કોવિડ-19ના સંક્રમણ દરમિયાન ધાર્મિક સભા યોજવાના આરોપસર બંધ કરી દેવાયેલું નિઝામુદ્દીનસ્થિત તબલીગી જમાતનું મરકઝ હવે ફરી ખૂલવાની રાહ જોઈ રહ્યું છે.

મરકઝને ધાર્મિક કારણોસર ફરી ખોલવા બાબતે દિલ્હી સરકારે સહમતિ દર્શાવી છે, પણ કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે રાજ્યના વક્ફ બોર્ડે ચૂંટેલા 50 લોકોને શબ-એ-બારાત પ્રસંગે નિઝામુદ્દીન મરકઝની મસ્જિદમાં નમાઝ કરવાની પરવાનગી આપી શકાય.

આ સંબંધે દિલ્હી હાઈ કોર્ટનો ફેંસલો આવવો બાકી છે.

દિલ્હી સરકારે હાઈકોર્ટને જણાવ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના કથિત ઉલ્લંઘનના મામલામાં ગયા વર્ષે પકડવામાં આવેલા અનેક વિદેશી નાગરિકોને છોડી મૂકવામાં આવ્યા છે અને બાકીના લોકો સામેના કેસમાં સમય લાગી શકે તેમ હોવાથી તમામ ધાર્મિક સ્થળો ફરી ઉઘાડવાની છૂટ ગયા જૂનમાં જ આપી દેવાઈ છે.

તેથી ધાર્મિક મરકઝમાં ગતિવિધિ ફરી શરૂ કરવાનો આદેશ અદાલત આપી શકે છે.

દિલ્હી વકફ બોર્ડે અદાલતમાં એક અરજી દાખલ કરીને માગણી કરી છે કે મરકઝસ્થિત મસ્જિદ, મદરેસા અને છાત્રાવાસ સહિતના સમગ્ર પરિસરને ફરી ખોલવાની મંજૂરી આપવામાં આવે.

line

તબલીગી જમાત છે શું?

ભારતમાં તબ્લિગી જમાતનો જન્મ 1926-27 દરમિયાન થયો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં તબ્લિગી જમાતનો જન્મ 1926-27 દરમિયાન થયો હતો

ભારતમાં તબલીગી જમાતનો જન્મ 1926-27 દરમિયાન થયો હતો. મૌલાના મોહમ્મદ ઈલિયાસ નામના એક ઈસ્લામી વિદ્વાને તેનો પાયો નાખ્યો હતો.

પરંપરા અનુસાર મૌલાના મોહમ્મદ ઈલિયાસે તેમના કામની શરૂઆત દિલ્હી નજીકના મેવાતમાં લોકોને ધાર્મિક શિક્ષણ આપવા માટે કરી હતી. એ પછી સિલસિલો આગળ વધતો રહ્યો હતો.

ભારતમાં તબલીગી જમાતની પહેલી બેઠક 1941માં થઈ હતી. તેમાં 25,000 લોકોએ ભાગ લીધો હતો.

1940ના દાયકા સુધી જમાતનું કામકાજ અવિભાજિત ભારત પૂરતું મર્યાદિત હતું, પણ એ પછી તેની શાખાઓનો પાકિસ્તાન તથા બાંગ્લાદેશ સુધી વિસ્તાર થયો હતો. જમાતનું કામ ઝડપથી ફેલાવાની સાથે આ આંદોલન સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયું હતું.

તબલીગી જમાતનો સૌથી મોટો મેળાવડો દર વર્ષે બાંગ્લાદેશમાં યોજાય છે. પાકિસ્તાનમાં એક વાર્ષિક કાર્યક્રમ રાયવિંડમાં યોજાય છે. તેમાં દુનિયાભરમાંથી લાખો મુસલમાનો ભાગ લે છે. વિશ્વના 140 દેશોમાં તેનાં કેન્દ્રો આવેલાં છે.

ભારતમાં તમામ શહેરોમાં તેનું મરકઝ એટલે કે કેન્દ્ર છે. એ મરકઝોમાં ધાર્મિક શિક્ષણ માટે લોકોના મેળાવડા (ઈજ્તેમા) સમગ્ર વર્ષ દરમિયાન યોજાતા રહે છે.

તબલીગી જમાતનો શાબ્દિક અર્થ 'લોકોમાં આસ્થા તથા વિશ્વાસનો પ્રસાર કરનારાઓનો સમૂહ' એવો થાય છે.

જમાતના લોકોનો ઉદ્દેશ સામાન્ય મુસલમાન સુધી પહોંચીને તેમના વિશ્વાસ-આસ્થાને, ખાસ કરીને કાર્યક્રમો, પોશાક તથા વ્યક્તિગત વ્યવહારના મામલામાં પુનર્જીવિત કરવાનો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.