You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુડ્ડુચેરી ચૂંટણી : કેન્દ્રશાસિત પ્રદેશમાં કેટલી વિધાનસભા બેઠકો પર ચૂંટણી
ચાર રાજ્યોની સાથે એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં પણ આવનારા દિવસોમાં ચૂંટણી થવા જઈ રહી છે.
પુડ્ડુચેરી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, જ્યાં વિધાનસભા છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ ચૂંટાયેલા મુખ્ય મંત્રી અને એક ઉપરાજ્યપાલ હોય છે.
ગત 22 ફેબ્રુઆરી સુધી વી. નારાયણસામી પુડ્ડુચેરીના 10મા મુખ્ય મંત્રી થયા, જેમને ફ્લોર ટેસ્ટ પહેલાં રાજીનામું આપવું પડ્યું.
અહીં પૂર્વ આઈપીએસ અધિકારી અને ભાજપનાં નેતા કિરણ બેદીને ઉપરાજ્યપાલના પદ પરથી હઠાવીને તેલંગણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજનને આ કેન્દ્રશાસિત પ્રદેશનો અતિરિક્ત પદભાર સોંપવામાં આવ્યો હતો.
પુડ્ડુચેરીમાં ચૂંટણી ક્યારે છે?
પુડ્ડુચેરી વિધાનસભા માટે છ એપ્રિલ 2021ના એક તબક્કામાં ચૂંટણી થવા જઈ રહી છે. કોવિડ મહામારીને જોતાં આ વખતે મતદાનનો સમય એક કલાક માટે વધારી દેવામાં આવ્યો છે.
પુડ્ડુચેરી ચૂંટણીનું પરિણામ ક્યારે આવશે?
ચાર રાજ્યોની જેમ જ પુડ્ડુચેરીની ચૂંટણીનું પરિણામ બીજી મેના રોજ આવશે.
પુડ્ડુચેરીમાં કેટલી બેઠકો પર ચૂંટણી થઈ રહી છે?
પુડ્ડુચેરી વિધાનસભામાં કુલ 33 બેઠકો છે. ત્રણ સભ્યોની પસંદગી કરવામાં આવે છે અને બાકી પર સીધી ચૂંટણી થાય છે. 30માંથી પાંચ બેઠકો અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે આરક્ષિત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પુડ્ડુચેરી વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટીઓ મેદાનમાં છે?
કૉંગ્રેસની નજર આ કેન્દ્રશાસિત પ્રદેશમાં સત્તા બીજી વખત હાંસલ કરવા પર છે. કૉંગ્રેસ આ ચૂંટણી ડીએમકે સાથે ગઠબંધનમાં લડી રહી છે. આ ગઠબંધનમાં અમુક નાની પાર્ટીઓ પણ છે, જેમાં ડાબેરી પક્ષો પણ સામેલ છે.
ત્યારે ભાજપે ઓલ ઇન્ડિયા એનઆર કૉંગ્રેસ, ડીએમકેના પ્રતિદ્વંદ્વી એઆઈએડીએમકે અને અમુક નાના પક્ષો સાથે ગઠબંધન કર્યું છે.
અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસન અને તેમની મક્કલ નીદિ મય્યમ (એમએનએસ) પણ ચૂંટણીમાં ઊતરી છે.
આ ઉપરાંત તામિલ રાષ્ટ્રવાદી પાર્ટી, નામ તમલીર કાચી પણ મેદાનમાં છે.
પુડ્ડુચેરીમાં કેટલા મતદારો છે?
ચૂંટણી પંચના તાજા આંકડા મુજબ પુડ્ડુચેરીની 30 વિધાનસભા બેઠક પર 10,03,681 નોંધાયેલા મતદારો છે. જેમાં 4,72,736 પુરુષ અને 5,30,828 મહિલા મતદાર છે. સાથે જ 117 થર્ડ જેન્ડર મતદાર છે. બધા વિધાનસભા ક્ષેત્રોમાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધારે છે.
પુડ્ડુચેરીમાં કેટલા તબક્કામાં ચૂંટણી થશે?
પુડ્ડુચેરીમાં એક જ તબક્કામાં છ એપ્રિલ 2021ના ચૂંટણી થશે.
ચૂંટણીમાં જીત કેવી રીતે નક્કી થશે?
પુડ્ડુચેરીમાં સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 16 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરવી પડશે. એટલે પુડ્ડુચેરીમાં જીતનો જાદુઈ આંકડો 16 છે.
મુખ્ય ઉમેદવાર અને મતદાનવિસ્તાર કયા છે?
ઓલ ઇન્ડિયા એનઆર કૉંગ્રેસ પાર્ટીના નેતૃત્વવાળું ગઠબંધન (ભાજપ, એઆઈએડીએમકે)
એન. રંગાસ્વામી (એનઆર કૉંગ્રેસ) - તટ્ટનચાવડી અને યમન
વીય સામીનાથન (ભાજપ) - લૉસપેટ
એય નમ:શિવાયમ્ (ભાજપ) - મન્નાદિપેટ
એય જૉન કુમાર (ભાજપ) - કામરાજ નાગર
કૉંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન, જેમાં ડીએમકે પણ સામેલ છે
એવી સુબ્રમણ્યમ - કરાઇકલ
ચૂંટણીના મુખ્ય મુદ્દા શું છે?
આ વખતે પુડ્ડુચેરીની ચૂંટણીના મુખ્ય મુદ્દા છે, કૉંગ્રેસના નેતૃત્વ વાળી પૂર્વ સરકારની સામે સત્તા વિરોધ લહેર અને મુખ્ય મંત્રી વી નારાયણસામી અને ઉપરાજ્યપાલ કિરણ બેદીની ખેંચતાણ.
પુડ્ડુચેરીમાં ગત ચૂંટણીમાં શું થયું હતું?
2016ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે 15 બેઠકો જીતી હતી, અહીં ઓલ ઇન્ડિયા એનઆર કૉંગ્રેસને આઠ બેઠક, એઆઈએડીએમકેને ચાર, ડીએમકેને બે બેઠક મળી હતી. ત્યારે ભાજપ એક પણ બેઠક જીતી શક્યો નહોતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો