કોરોના વૅક્સિન : ભારતમાં 45 વર્ષથી વધારે વયના તમામ લોકોને રસી ક્યારે મળશે?

ભારતમાં કોરોના વાઇરસના કેસો ફરીથી વધી રહ્યા છે ત્યારે રસીકરણના અભિયાને વધુ ઝડપી બનાવતા કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

1 એપ્રિલથી હવેથી દેશમાં 45 વર્ષથી વધારેની વય ધરાવતા તમામ લોકો કોરોનાની રસી મેળવી શકશે. હોળીના તહેવાર બાદ દેશમાં રસીકરણના અભિયાનને વેગ મળશે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે પત્રકારપરિષદ યોજીને સંબંધિત જાહેરાત કરી છે.

હાલમાં દેશમાં માત્ર એ જ લોકોને રસી અપાઈ રહી છે, જેમની ઉંમર 60 વર્ષથી વધારે છે કે 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા એ લોકો જેમને કોઈ બીમારી છે.

પત્રકારપરિષદમાં જાવડેકરે કહ્યું, "મંત્રીમંડળની એક બેઠકમાં આ મામલે ચર્ચા થઈ. ટાસ્ક ફૉર્સની સલાહ અને વૈજ્ઞાનિક આધાર પર આ નિર્ણય લેવાયો છે કે એક એપ્રિલથી 45 વર્ષથી વધારે ઉંમર ધરાવતા તમામ લોકોને, પછી તેમને કોઈ બીમારી હોય કે ન હોય, રસી મળશે."

આ ઉપરાંત કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેના સમયગાળાને પણ વધારવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતા જાવડેકરે જણાવ્યું, "હવે વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે ડોઝ 4-8 સપ્તાહ વચ્ચે લઈ શકાય છે. એટલે કે બે ડોઝ વચ્ચે 8 સપ્તાહનો સમયગાળો હોઈ શકે છે."

જાવડેકરે 45 વર્ષથી વધારે ઉંમર ધરાવતા તમામ લોકોને અપીલ કરી છે કે તેઓ રસી લઈ લેવા માટે આગળ આવે.

દેશમાં રસીની કોઈ અછત ન હોવાનું પણ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે.

ગુજરાતમાં આધારકાર્ડ વગર કોને મળશે કોરોનાની રસી?

ગુજરાતમાં નિરાધાર કે વયસ્ક લોકોને આધારકાર્ડ વગર જ કોરોનાની રસી આપવામાં આવશે. ગુજરાત સરકારે આ નિર્ણય લીધું હોવાનું રાજ્યના માહિતીખાતાએ જણાવ્યું છે.

સરકારે આપેલી માહિતી અનુસાર રાજ્યના ભિક્ષુકગૃહો, વૃદ્ધાશ્રમો કે દિવ્યાંગકલ્યાણ સંસ્થામાં રહેતા અને બીમારી ધરાવતા 45થી 60 વર્ષના કે 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આધારકાર્ડ વગર પણ રસી આપવામાં આવશે.

રાજ્યમાં કોરોના વાઇરસ વિરુદ્ધ ચાલી રહેલા રસીકરણના અભિયાન અંતર્ગત દરરોજ દોઢ લાખથી વધારીને ત્રણ લાખ લોકોને રસી આપવા આરોગ્યવિભાગ સજ્જ હોવાનું પણ માહિતીખાતાએ જણાવ્યું છે.

રાજ્યમાં અત્યાર સુધી 39.36 લાખ લોકોને કોરોના વાઇરસની રસી આપવામાં આવી છે. જ્યારે રાજ્યભરમાં રસીકરણના 5381 સરકારી અને 452 ખાનગી કેન્દ્રો ચાલી રહ્યાં છે.

કોવિશિલ્ડનો બીજો ડોઝ હવે ચાર નહીં, આઠ સપ્તાહ બાદ લાગશે

કેન્દ્ર સરકારે કોરોનાની રસી કોવિશિલ્ડના બીજા ડોઝનો સમયગાળો ચાર સપ્તાહથી વધારીને આઠ સપ્તાહ કરી દીધો છે. આ માટેની ભલામણ રસીકરણ પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર સમૂહ અને કોવિડ-19 માટે રસીના પ્રબંધન માટેના રાષ્ટ્રીય સમૂહે કરી હતી.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે બીજો ડોઝ છથી સાત સપ્તાહો વચ્ચે આપવામાં આવ્યો ત્યારે શરીરની રોગપ્રતિકારશક્તિ વધી ગઈ હતી. જોકે, આઠ સપ્તાહ બાદ બીજો ડોઝ અપાયો ત્યારે આવું થયું નહોતું.

આ પહેલાં કોવિશિલ્ડના બન્ને ડોઝ વચ્ચે ચારથી છ સ્પ્તાહનું અંતર રાખવા માટે સહમતી સધાઈ હતી. એવું પણ જણાવાયું છે કે બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવાની વાત માત્ર કોવિશિલ્ડ વૅક્સિન માટે જ લાગુ પડે છે. કોવૅક્સિનના બે ડોઝ વચ્ચેના સમયગાળામાં કોઈ ફેરફાર નથી આવ્યા.

સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય સચિવોને લખાયેલા એક પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્યસચિવ રાજેશ ભૂષણે જણાવ્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયે એનટીએજીઆઈ અને એનઈજીવીએસીની મહત્ત્વની ભલામણ સ્વીકારી લીધી છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40 હજાર નવા કેસ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના 40,715 નવા કેસો સામે આવ્યા છે. હવે દેશમાં કોરોના વાઇરસના સક્રિય દરદીઓની સંખ્યા વધીને 45 હજાર 377 થઈ ગઈ છે.

આ દરમિયાન 199 દરદીઓનાં મૃત્યુ પણ થયાં છે.

દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસના કુલ એક કરોડ 16 લાખ 86 હજાર 769 કેસો નોંધાઈ ચૂક્યા છે.

આ વાઇરસને લીધે અત્યાર સુધી એક લાખ 60 હજાર 166 લોકો માર્યા ગયા છે. સમાચાર સંસ્થા એએનઆઈએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને ટાંકીને સંબંધિત જાણકારી આપી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો