મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલેનું કેતન પારેખના માધવપુરા બૅન્ક કૌભાંડ અને હર્ષદ મહેતાના શેરબજાર કૌભાંડ સાથે શું કનેક્શન છે?

ઇમેજ સ્રોત, FACEBOOK
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
વિવાદાસ્પદ આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચીન વાઝે પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. મુંબઈના પોલીસ પરમબીર સિંહની બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને હેમંત નાગરાલેની નિમણૂક કરવામાં આવી છે.
મળતા અહેવાલો મુજબ મંગળવારે રાત્રે પરમબીર સિંહે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન 'વર્ષા' ખાતે મુલાકત કરી હતી. ત્યારથી જ બદલી વિશેની અટકળો તેજ બની હતી. પરમબીર સિંહને મહારાષ્ટ્ર હોમગાર્ડના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીના નિવાસસ્થાન 'ઍન્ટાલિયા'ની બહાર વિસ્ફોટકોથી મળેલી એસયુવી કાર મુદ્દે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ સચીન વાઝેની ધરપકડ કરી હતી. બાદમાં મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો હતો.

પરમબીર સિંહની બદલી કે બદલાવ?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે બુધવારે ટ્વિટર ઉપર બદલીઓ વિશે જાહેરાત કરી હતી. તેમણે લખ્યું કે રજનીશ શેઠને મહારાષ્ટ્રના ડીજીપીનો અધિક પ્રભાર સોંપવામાં આવશે.
જાન્યુઆરી મહિનાથી હેમંત નાગરાલે આ અધિક પ્રભાર ધરાવતા હતા. આ સિવાય આઈપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઑફિસર સંજય પાંડેને મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યૉરિટી કૉર્પોરેશનનો અધિક પ્રભાર સોંપવામાં આવ્યો છે.
મુંબઈના પોલીસ કમિશનરની મહારાષ્ટ્ર હોમગાર્ડના ડાયરેક્ટર જનરલ તરીકે બદલી કરવામાં આવી છે અને હેમંત નાગરાલેને મુંબઈના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
હેમંત આ પહેલાં મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કૉર્પોરેશનમાં સ્પેશિયલ ઇન્સ્પેક્ટર-જનરલ તરીકે અને ફડણવીસ સરકારના કાર્યકાળ દરમિયાન નવી મુંબઈના કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાગરાલેને સેવાકાળ દરમિયાન પ્રેસિડન્ટ પોલીસ મેડલ, વિશિષ્ટ સેવાપદક, આંતિરક સેવા પદકથી પણ નવાજવામાં આવ્યા છે.
તેઓ વાજપેયી સરકારના કાર્યકાળ દરમિયાન સીબીઆઈમાં ડેપ્યુટેશન ઉપર પણ સેવાઓ આપી ચૂક્યા છે.
તેમણે નકલી સ્ટેમ્પપેપર પ્રકરણમાં કરેલી છણાવટભરી કામગીરી બદલ વરિષ્ઠોની પ્રશંસા મેળવી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ પહેલાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારે કહ્યું હતું કે સચીન વાઝે પ્રકરણમાં દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે તથા કોઈને છોડવામાં નહીં આવે.
રાજ્યસભામાં શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે ટ્વીટ કરીને આ પ્રકરણ વિશે લખ્યું : "મુંબઈ તથા મહારાષ્ટ્ર પોલીસદળોને નવું નેતૃત્વ મળ્યું છે. આપણા પોલીસદળની મહાન પરંપરા રહી છે. તેના કારણે પોલીસબળો (નું મનોબળ) પડી ભાંગશે તેવા ભ્રમમાં કોઈએ રહેવાની જરૂર નથી."
"ભવિષ્યમાં વધુ નિષ્ઠા અને હિંમત સાથે ખાખી વરદીની ગરિમા જાળવી રાખવામાં આવશે, તેવી અપેક્ષા કરવામાં આવે છે."
આ બદલીઓ માટે રાજ્યની શાસક યુતિ 'મહારાષ્ટ્ર વિકાસ અઘાડી'ના ઘટકદળો વચ્ચેની ખેંચતાણ કારણભૂત હોવાની ચર્ચા હતી, પરંતુ અજિત પવારે આ વાતને નકારી હતી.
હેમંત નાગરાલે અને ગુજરાત કનેકશન

ઇમેજ સ્રોત, FACEBOOK
માર્ચ 1998થી સપ્ટેમ્બર 2002 સુધી હેમંત નાગરાલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)માં ફરજ બજાવી છે. તેઓ સીબીઆઈ મુંબઈમાં એસપી (બૅન્કિગ અને ફ્રોડ) તરીકે કામ કર્યું છે અને ત્યારબાદ નવી દિલ્હીમાં સીબીઆઈના ડીઆઈજીના પદ પર રહ્યા હતા.
આ ચાર વર્ષના કાર્યકાળમાં હેમંત નાગરાલે કેતન પારેખના રૂ 130 કરોડના બૅન્ક ઑફ ઇન્ડિયા કૌભાંડની, રૂ. 1800 કરોડના માધવપુરા કૉ-ઓપરેટિવ બૅન્ક (અમદાવાદસ્થિત આ બૅન્ક કેતન પારેખ પ્રકરણ દરમિયાન ફડચામાં ગઈ હતી)ની અને 2001માં રૂ. 400 કરોડના હર્ષદ મહેતા કેસમાં પણ તપાસ કરી હતી, જેનું કનેક્શન ગુજરાત સાથે છે.
કેતન પારેખ કૌભાંડ

ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA/AFP via Getty Images
2001માં બૅન્ક ઑફ ઇન્ડિયાએ કેતન પારેખ વિરુદ્ધ સીબીઆઈમાં એફઆઈઆર નોંધાવી હતી, જેમાં કેતન પારેખ સામે બૅન્ક પે ઑર્ડર ખોટી રીતે વટાવી નાણાંની ઉચાપત કરવાનો આરોપ મૂક્યો હતો.
ફરિયાદ મુજબ કેતન પારેખે માધવપુરા મર્કન્ટાઈલ કૉ-ઓપરેટિવ બૅન્ક લિમિટેડની માંડવી બ્રાન્ચથી પે-ઑર્ડર મેળવ્યા હતા અને આ પે-ઑર્ડર તેમણે બૅન્ક ઑફ ઇન્ડિયા મુંબઈમાં જમા કરાવ્યો હતો.
પે-ઑર્ડર મળ્યા બાદ બૅન્ક ઑફ ઇન્ડિયાની સ્ટૉક એક્સચેન્જ બ્રાન્ચે 137 કરોડ રૂપિયા કેતન પારેખની કંપનીઓના કરંટ એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા.
જોકે માધવપુરા મર્કન્ટાઈલ બૅન્ક દ્વારા 137 કરોડ રૂપિયાના પે-ઓર્ડરની ચુકવણી નહીં કરતા, બેન્ક ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ ગઈ હતી.
બૅન્ક ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલે કેતન પારેખ વિરુદ્ધ ધરપકડ અને કારાવાસનો ઑર્ડર કર્યો હતો. ઝી ન્યૂઝના અહેવાલ મુજબ સીબીઆઈએ એમની ધરપકડ કરી હતી. કેતન પારેખે બૅન્ક ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ અને ત્યારબાદ બૉમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કેસ દરમિયાન કેતન પારેખે બૅન્કને 7 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી.
જુલાઈ 2017માં સુપ્રીમ કોર્ટે કેતન પારેખની કંપની પેન્થર ફિનકેપ ઍન્ડ મૅનેજમૅન્ટ સર્વિસિસને 11 સપ્ટેમ્બર 2017 સુધી બૅન્ક ઑફ ઇન્ડિયાને 50 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો.
ડીએનએના અહેવાલ અનુસાર 18 વર્ષની કાયદાકીય લડાઈ બાદ 2018માં બૅન્ક ઑફ ઇન્ડિયાને સંપૂર્ણ રકમ પરત મળી હતી.

માધવપુરા મર્કન્ટાઈલ કૉ-ઓપરેટિવ બૅન્ક કૌભાંડ
2001માં કેતન પારેખ દ્વારા કરોડો રૂપિયાના પે-ઑર્ડર સ્કેમ દ્વારા અમદાવાદની માધવપુરા મર્કેન્ટાઇલ કૉ-ઓપરેટિવ બૅન્ક લિમિટેડ સાથે 1200 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. બૅન્ક ઊઠી જતાં લાખો થાપણદારોના કરોડો રૂપિયા ડૂબી ગયા હતા.
માધવપુરા બૅન્ક કાચી પડતા વીસનગર કૉ-ઓપરેટિવ બૅન્ક, સાબરમતી કૉ-ઓપરેટિવ બૅન્ક, ચરોતર કૉ-ઓપરેટિવ બૅન્ક સહિત તથા અન્ય કૉ-ઓપરેટિવ બૅન્કો ફડચામાં ગઈ હતી.
ઘણી સહકારી બૅન્કો કાચી પડવાથી લાખો રોકાણકારોનાં નાણાં ડૂબી ગયાં હતાં.
ઇકોનૉમિક ટાઇમ્સના અહેવાલ મુજબ માધવપુરા મર્કન્ટાઇલ કૉ-ઓપરેટિવ બૅન્કમાં ગુજરાતની બીજી સહકારી બૅન્કોની 800 કરોડ રૂપિયાની મૂડી ફસાઈ હતી.
આ કૌભાંડ બહાર આવતાં રાજ્ય સરકારે આરોપીઓ સામે ફોજદારી કાર્યવાહી કરી હતી. કૌભાંડ બહાર આવતા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તપાસ કરાવી હતી, જેમાં બહાર આવ્યું હતું કે માધવપુરા બૅન્કની કૅપિટલ 1316.50 કરોડ રૂપિયા હતી અને તેની નૉન-પર્ફૉર્મિંગ ઍસેટનું મૂલ્ય 1126.55 કરોડ રૂપિયા હતું.
ડીએનએ ઇન્ડિયાના અહેવાલ મુજબ 2018માં ગુજરાત અર્બન કૉ-ઓપરેટિવ બૅન્કર્સ ફેડરેશન (જીયુસીબીએફ)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, માધવપુરા બૅન્કના 45,૦૦૦ જેટલા થાપણદારોને તેમની થાપણો પરત કરવામાં આવશે.
જીયુસીબીએફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બે લાખ રૂપિયા સુધીની ડિપૉઝિટ ધરાવતા થાપણદારોને તેમની થાપણો પરત મળશે જે આવકારદાયક છે. જીયુસીબીએફના અધ્યક્ષ જ્યોતીન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે નાના થાપણદારો, વરિષ્ઠ નાગરિકો અને તબીબી સારવારની જરૂર હોય તેવા લોકો માટે આ મોટી રાહત ગણાશે.

હર્ષદ મહેતા કૌભાંડ

ઇમેજ સ્રોત, AFP via Getty Images
મનીકંટ્રોલ વેબસાઇટના અહેવાલ મુજબ રજિસ્ટર્ડ અને જાણીતા બ્રોકર હર્ષદ મહેતાએ પોતાના સાથીદારોએ બૅન્કિંગ સિસ્ટમમાં રહેલ ખામીઓનો લાભ લઈને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઈ)માં છેતરપિંડી કરી હતી.
બૅન્ક કર્મચારીઓ સાથે મેળાપીપણામાં મહેતાએ નકલી બૅન્ક રસીદો (બીઆર) મેળવી હતી અને તેનો ઉપયોગ અન્ય બૅન્કો પાસેથી ધિરાણ મેળવવા માટે કરવામાં આવતો હતો.
આ રકમથી શૅરબજારમાં રોકાણ કરવામાં આવતું હતું, જેના કારણે શૅરોના ભાવ 4400 ટકા જેટલા વધી ગયા હતા. શૅરના ભાવ વધતાં મહેતાએ આ શૅર વેચીને નોંધપાત્ર નફો કમાઈ લેતા હતા અને મૂળ રકમ બૅન્કોમાં પરત કરવામાં આવતી હતી.
મહેતાએ આશરે 4૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. હર્ષદ મહેતાનું 2001માં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું ગયું હતું, પરંતુ તેમના પરિવારે એ પછી એક લાંબી કાયદાકીય લડત લડવી પડી.
27 વર્ષની કાયદાકીય લડાઈ બાદ ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલે ફેબ્રુઆરી 2019માં હર્ષદ મહેતા, તેમનાં પત્ની જ્યોતિ અને ભાઈ અશ્વિન પાસે કરવામાં આવેલી 2014 કરોડની ટૅક્સ ડિમાન્ડને રદ કરી દીધી.

સચીન વાઝેને લાવવામાં પરમવીર સિંહની ભૂમિકા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
જૂન-2020માં મુંબઈના પોલીસ કમિશનર પરમવીર સિંહના નેતૃત્વવાળી કમિટીએ વાઝેનું સસ્પેન્સન રદ કરવાનો નિર્ણય કર્યો હતો અને વાઝે 16 વર્ષ બાદ નોકરી પર પરત ફર્યા હતા.
તેમને મુંબઈની ક્રાઇમ બ્રાન્ચની 'ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ'માં નિમણૂક આપવામાં આવી હતી. ડિઝાઇન અવિ નાયકના મૃત્યુકેસમાં તેમણે રિપબ્લિક ટીવીના ઍડિટર અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરી હતી.
આ સિવાય કથિત ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ કેસની પણ તેઓ તપાસ કરી રહ્યા હતા.
આ કેસમાં BARCના પૂર્વ વડા પાર્થો દાસગુપ્તાની ધરપકડ થઈ હતી. અભિનેતા ઋત્વિક રોશન તથા કંગના રનૌત વચ્ચેના ઈમેલ આપ-લે પ્રકરણમાં પણ તેમના યુનિટે તપાસ હાથ ધરી હતી.
ઍન્ટાલિયા બહાર મળી આવેલી સ્કૉર્પિયો ગાડી સાથે સફેદ રંગની ઇનોવા ગાડી પણ સંડોવાયેલી હતી. જે પોલીસ કમિશનરના કચેરી પરિસરમાંથી મળી આવી હતી.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












