કોરોના વાઇરસ : એસ્ટ્રાઝેનેકાની રસી પર યુરોપના દેશો બાદ થાઈલૅન્ડે પણ રોક લગાવી

ઇમેજ સ્રોત, Getty Images
થાઈલૅન્ડે લોહીના ગઠ્ઠા જામી જવાનો રિપોર્ટ આવતા કોરોના વાઇરસની એસ્ટ્રાઝેનેકા કંપનીની રસીના ઉપયોગને ટાળ્યો છે.
થાઈલૅન્ડના વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રી શુક્રવારના રોજ રસી લઈને દેશમાં રસીકરણની યોજના શરૂ કરવાના હતા પરંતુ હવે આ યોજનાને રદ કરવામાં આવી છે.
ડેનમાર્ક, નૉર્વે સહિત ઘણા યુરોપિય દેશોમાં રસીના ઉપયોગ પર રોક લગાવી દેવામાં આવી છે. આશરે 50 લાખ યુરોપિય લોકોને એસ્ટ્રાઝેનેકાની રસી લગાવવામાં આવી છે જેમાંથી 30 કેસ એવા સામે આવ્યા છે જેમાં લોહીના ગઠ્ઠા જામવા લાગ્યા છે.
ઇટાલી અને ઑસ્ટ્રિયાએ પણ દવાની કેટલી બૅચનો ઉપયોગ કરવાનું બંધ કર્યું છે. ડેનમાર્ક, નૉર્વે અને આઇસલૅન્ડે એસ્ટ્રાઝેનેકા રસીના ઉપયોગ પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે.
યુરોપિયન મેડિસિન્સ એજન્સીએ ગુરુવારના રોજ કહ્યું હતું કે એ વાતના કોઈ સંકેત નથી કે લોહીના ગઠ્ઠા જામવા પાછળ આ રસીનો ઉપયોગ જ જવાબદાર છે પરંતુ એ સારું રહેશે કે તેના ખતરાને ઓછો કરવા પ્રયાસ ચાલુ રાખવામાં આવે.
થાઈલૅન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યું છે કે એસ્ટ્રાઝેનેકા રસીનો જે જથ્થાનું યુરોપમાં વિતરણ કરવામાં આવ્યું છે તે અલગ છે, લોહીના ગઠ્ઠા જામવાની સમસ્યા સામાન્યરૂપે એશિયાઈ લોકોમાં જોવા મળી નથી.
દેશની કોવિડ-19 રસી સમિતિના સલાહકાર પિયાસકોલ સકોલ્સટાયડૉર્ને કહ્યું છે કે, "આમ તો એસ્ટ્રાઝેનેકાની ગુણવત્તા સારી છે પરંતુ કેટલાક દેશોએ તેના પર થોડા સમય માટે રોક લગાવી દીધી છે એટલે અમે પણ રોક લગાવી રહ્યાં છીએ."
તો બીજી તરફ એસ્ટ્રાઝેનેકાનું કહેવું છે કે તેમણે રસીની સુરક્ષા વિશે ટ્રાયલ દરમિયાન જ ઊંડુ અધ્યયન કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એસ્ટ્રાઝેનેકાની રસીના 1,17,300 ડોઝ 24 ફેબ્રુઆરીના રોજ થાઈલૅન્ડ પહોંચ્યા હતા. આ સાથે જ ચીનની રસી કોરોનવૈકના 2 લાખ ડોઝ પણ થાઈલૅન્ડ પહોંચ્યા હતા.
થાઈલૅન્ડમાં 28 ફેબ્રુઆરીના રોજ રસીકરણ કાર્યક્રમ શરૂ થયા બાદ 30 હજાર કરતાં વધારે લોકો પહેલાં જ કોરોનવૈક રસી લઈ ચૂક્યા છે.
એસ્ટ્રાઝેનેકાએ આ રસીને ઑક્સફૉર્ડ યુનિવર્સિટી સાથે મળીને તૈયાર કરી છે.

ઍન્ટાલિયા કાર કેસમાં નવો વળાંક : હિરેન ન હતા કારના માલિક

ઇમેજ સ્રોત, ANI
મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન 'ઍન્ટાલિયા'ની બહારથી વિસ્ફોટકોથી ભરેલી સ્કૉર્પિયો કારના મામલે નવો વળાંક આવ્યો છે.
અત્યારસુધી મનસુખ હિરેન એ કારના માલિક છે, એવું માનવામાં આવતું હતું, પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે તેઓ કારના માલિક ન હતા.
અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ, આ સ્કૉર્પિયો કારના માલિક ઠાણેના સૈમ પીટર ન્યૂટન છે. જેની નોંધણી 7મી એપ્રિલ, 2007 ઠાણેની આર.ટી.ઓ. (રિજનલ ટ્રાન્સપૉર્ટ ઓફિસ)માં થઈ હતી.
મૃત્યુના અમુક દિવસ પૂર્વે મુંબઈની ક્રાઇમ બ્રાન્ચને આપેલા નિવેદનમાં હિરેને જણાવ્યું હતું કે તેઓ 2016થી ન્યૂટનને ઓળખતા હતા. હિરેન ઠાણેમાં કાર સજાવટનો વ્યવસાય કરે છે. ન્યૂટને પોતાની ગાડી હિરેનને આપી હતી અને તેમાં અમુક ઍસેસરિઝ લગાવવા માટે કહ્યું હતું.
અખબારના રિપોર્ટ મુજબ, રૂ. બે લાખ 80 હજારની ચૂકવણી કરવા માટે ન્યૂટને હિરનને બે ચેક આપ્યા હતા, જે બાઉન્સ થઈ ગયા હતા.
એ પછી તા. છઠ્ઠી એપ્રિલ 2018ના ઠાણેના એક મોલમાં હિરેન અને ન્યૂટનની મુલાકાત થઈ. ત્યારે હિરેને પોતાના પૈસા માગ્યા હતા. પરંતુ ન્યૂટન પાસે ન હતા. એ પછી હિરેન પોતાની ઉઘરાણી કઢાવવા માટે ન્યૂટનને નૌપડા પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.
એ સમયે ન્યૂટને 15 દિવસમાં પૈસા આપવાની વાત કહી હતી અને પોતાની ગાડી વાપરવા માટે હિરેનને આપી દીધી હતી.
હિરેનાં પત્ની વિમલાનાં કહેવા પ્રમાણે, હિરેને આ કાર આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચીન વાઝેને વાપરવા માટે આપી હતી. અને આ કાર નવેમ્બર-2020થી પાંચ ફેબ્રુઆરી-2021 સુધી વાઝે પાસે જ હતી.
તા. 25મી ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના ઘરની બાહર એસ.યુ.વી.માં જિલેટીન સ્ટિક મળી આવી હતી. કારની ઉપર નકલી નંબરપ્લેટ લાગેલી હતી. કારના એન્જિન તથા ચેસિસ નંબરને હઠાવવી દેવાયા હતા.
એ પછી કારના કાચ ઉપર લાગેલા ફાઇનાન્સ કંપનીના નામ અને નંબરના આધારે તેના માલિક વિશે માહિતી મળી હતી.
શરૂઆતના સમયમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ કાર હિરેનની હતી, જે તા. 17મી ફેબ્રુઆરીએ ચોરી થઈ ગઈ હતી. એ પછી હિરેનનો મૃતદેહ સંદેહાવસ્થામાં ઠાણેની ખાડીમાંથી મળી આવ્યો હતો.
આ જ કેસમાં ધ ટાઇસ ઑફ ઇન્ડિયા અનુસાર તિહાર જેલ અધિકારીઓએ ગુરુવાર સાંજે સબજેલ નંબર 8ની અંદર એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને એક મોબાઇલ અને સિમકાર્ડ કબજે કરવામાં આવ્યું હતું. આ મોબાઇલ દ્વારા 'Jaishulhind' ટેલિગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું.
મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન નજીક વિસ્ફોટકથી ભરેલી એસયુવીની જવાબદારી આ એકાઉન્ટ દ્વારા લેવામાં આવી હતી. આ એકાઉન્ટ દ્વારા ક્રિપ્ટોકરન્સી માફત ખંડણીની માગ કરવામાં આવી હતી.
અહેવાસલ અનુસાર જેલ નંબર 8માં ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકી તેહસીન અખ્તર ઉપરાંત અલ-કાયદા અને અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલા કેટલાક કેદીઓ પણ છે.
મોબાઇલ ફોન અખ્તરની બેરેકમાંથી મળી આવ્યો હતો અને હવે આ કેસમાં શંકાની સોય તેમના તરફ છે.
યુઝર નંબર તિહાર નજીક હોવાની મુંબઈ પોલીસના સાયબર નિષ્ણાતોની માહિતી બાદ વપરાશકર્તાને શોધી કાઢવા માટે દિલ્હી પોલીસની વિશેષ ટીમે ગુરુવારે તિહાર જેલની મુલાકાત લીધી હતી. અખબાર સૂત્રોને ટાંકીને લખે છે કે ઓછામાં ઓછા 11 કેદીઓની પૂછપરછ કરવામાં આવી હતી.

માસ્ક ન પહેરવા બાદ ગુજરાત સરકારે 6 મહિનામાં 168 કરોડ દંડ વસૂલ્યો

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં માસ્ક ન પહેરવા બદલ ગુજરાતના નાગરિકોએ છેલ્લાં 6 મહિનામાં 168 કરોડ રુપિયા દંડ ચૂકવ્યો છે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર વિધાનસભામાં એક લેખિત જવાબમાં મુખ્ય મંત્રી વિજય રુપાણીએ જણાવ્યું કે એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2020 દરમિયાન માસ્ક ન પહેરવા બદલ લોકો પાસેથી 168 કરોડ રુપિયા દંડની વસૂલાત કરવામાં આવી છે. રુપાણી પાસે ગૃહખાતાનો પણ હવાલો છે.
પોતાના જવાબમાં મુખ્ય મંત્રીએ જણાવ્યું કે માસ્ક ન પહેરવા બદલ રાજ્યમાં 16,78,922 લોકોને દંડ કરવામાં આવ્યો છે અને દંડ તરીકે દરેક વ્યક્તિ પાસેથી 1000 રુપિયાની વસૂલાત કરવામાં આવી છે.
અહેવાલ અનુસાર ઑક્ટોબર 2020થી ફેબ્રુઆરી 2021 સુધી દંડે પેટે કેટલા રુપિયાના વસૂલાત કરવામાં આવી છે તેના આંકડા રાજ્ય સરકારે જાહેર કર્યાં નથી.
ગુજરાતમાં માસ્ક ન પહેરવા બદલ પહેલાં 200 રુપિયાનો દંડ કરવામાં આવતો હતો, જેને વધારીને 500 રુપિયા અને ત્યારબાદ 1000 રુપિયા કરવામાં આવ્યો હતો.

અરુણાચલ પ્રદેશ નજીક ચીને ડૅમ પ્રોજેક્ટને મંજૂરી આપી

ઇમેજ સ્રોત, CHINA NEWS SERVICE/GETTY IMAGES
ભારતના અરુણાચલ પ્રદેશની સરહદ નજીક તિબેટમાં યાર્લંગ ઝાંગ્બો નદી પર ચીન એક મોટો ડૅમ અને હાઇડ્રોપાવર પ્રોજેકટ સ્થાપવા જઈ રહ્યું છે.
ધ હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર ગુરુવારે ચીનની નૅશનલ પીપલ્સ કૉંગ્રેસ (એનપીસી)એ પ્રોજેકટને મંજૂરી દીધી છે.
દેશની 14મી પંચવર્ષીય યોજનાના ભાગરૂપે એનપીસી દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. એનપીસીની મિટિંગગમાં ચીનના બે ટોચના અધિકારીઓએ પ્રૉજેક્ટને મહત્વનો ગણાવ્યો હતો.
નવેમ્બર 2020માં આ પ્રોજેક્ટ અંગે પ્રથમ જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત સમયે ચીને કહ્યું હતું કે નદીના નીચાણવાળા વિસ્તારમાં ડૅમ બનાવવા માટે તે કાયદેસરનો હક ધરાવે છે. બીજિંગે ખાતરી આપી હતી કે હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં ભારત અને બાંગ્લાદેશના હિતોને પણ ધ્યાનમાં લેવાશે.
તિબેટ ઑટોનોમસ રિજ્યન (ટીએઆર)થી નિકળીને યાર્લંગ ઝાંગ્બો નદી અરૂણાચલ પ્રદેશમાં સિયાંગ બની જાય છે અને આસામમાં બ્રહ્મપુત્રા તરીકે ઓળખાય છે. આસામથી આ નદી બાંગ્લાદેશમાં વહી જાય છે.

વડીલોને મફત અયોધ્યા પ્રવાસની કેજરીવાલની યોજના પર ભાજપ-આપ સામસામે

ઇમેજ સ્રોત, EPA
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડીલો માટે મફત આયોધ્યા પ્રવાસની જાહેરાત કરતાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે લોકોને ગેરમાર્ગે દોરવા માટે કેજરીવાલ રામના નામનો સહારો લઈ રહ્યા છે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ભાજપના પ્રવક્તા પ્રવિણ શંકર કપૂરે જણાવ્યું કે, વિધાનસભામાં કેજરીવાલે પોતાને ભગવાન રામ અને હનુમાનના ભક્ત ગણાવ્યા હતા, જે હાસ્યાસ્પદ છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે પણ કેજરીવાલ અથવા તેમના પક્ષના સભ્યોએ કોઈ દાન આપ્યું નથી.
આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે અમને હતું કે, ભાજપના લોકો આ યોજનથી ખુશ થશે, પરતું તેઓ યોજનાની જાહેરાતથી નિરાશ થયા છે. દિલ્હીમાં રહેતા વડીલો અરવિંદ કેજરીવાલને પોતાના મોટા દીકરા તરીકે જુએ છે અને યોજનાની જાહેરાતથી તેઓ બહુ ખુશ છે.
દિલ્હી સરકારે મુખ્ય મંત્રી તીર્થ યાત્રા યોજના જાહેર કરી છે જેમાં અયોધ્યમાં બનનાર રામમંદિરના દર્શન કરવા જનાર તમામ સિનિયર સિટિઝનોનો ખર્ચ દિલ્હી સરકાર ઉપાડશે એવી જાહેરાત કરવામાં આવી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












