BBC ISWOTY : કોનેરુ હમ્પી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, અંજુ બોબી જ્યૉર્જને લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ અને મનુ ભાકર બન્યાં ઇમર્જિંગ પ્લેયર ઑફ યર

આખરે ઇંતેજારીનો અંત આવ્યો છે. જાહેર મતદાન બાદ ચેસ પ્લેયર કોનેરુ હમ્પીને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમૅન ઑફ ધ યર ઍવૉર્ડનાં વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઍવૉર્ડ જિત્યા બાદ હાલનાં વીમૅન્સ વર્લ્ડ રૅપિડ ચેસ ચૅમ્પિયન અને 2020 ક્રૅઇન કપનાં વિજેતા હમ્પીએ કહ્યું, “આ ઍવૉર્ડ ઘણો મૂલ્યવાન છે. માત્ર મારા માટે જ નહીં, પણ સંપૂર્ણ ચેસની બિરાદરી માટે. એક ઇનડોર ગેઇમ હોવાના કારણે ચેસને ભારતમાં ક્રિકેટ જેવી રમતો જેટલું મહત્ત્વ નથી મળતું. પણ આ ઍવૉર્ડ થકી મને આશા છે કે લોકોનું ધ્યાન ખેંચાશે.”

'ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ થકી ઉંમર પર મેળવી ફતેહ’

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમૅન ઑફ ધ યરનાં વિજેતા કોનેરુ હમ્પીએ પોતાની સફળતા અંગે વાત કરતાં આગળ કહ્યું, “મને લાગે છે કે મારી ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ થકી હું ઉંમર પર વિજય મેળવી શકી. એક મહિલા ખેલાડીએ ક્યારેય રમત છોડવાનું વિચારવું ન જોઈએ. લગ્ન અને માતૃત્વ એ આપણા જીવનના માત્ર ભાગ છે, તેનાથી જીવનનો પ્રવાહ ના બદલાવો જોઈએ.”
દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશમાં જન્મેલાં કોનેરુને તેમના પિતાએ નાની ઉંમરમાં ચેસની રમત શીખવી હતી.
2002માં તેમણે 15 વર્ષથી પણ ઓછી વયે સૌથી નાની ઉંમરનાં ગ્રાન્ડ માસ્ટર બનીને નામના મેળવી હતી. આ રેકર્ડને ચીનની હૌઉ યિફાને 2008માં તોડ્યો હતો.

અંજુ બોબી જ્યૉર્જને લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ

બીબીસીના ડિરેક્ટર જનરલ ટિમ ડૅવીએ વર્ચ્યુઅલ ઍવૉર્ડ સૅરિમની યોજીને વિજેતાની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું, “આ વર્ષનો BBC ISWOTY ઍવૉર્ડ મેળવવા બદલ કોનેરુ હમ્પીને અભિનંદન. તેમણે ચેસમાં શાનદાન યોગદાન આપ્યું છે અને આ સન્માનનાં હકદાર છે. બીબીસી ભારતનાં મહિલા ખેલાડીઓની સફળતાને સન્માનવામાં આગેવાની લઈ રહ્યું છે એ જાણીને મને ખુશી છે. BBC ISWOTY એ માત્ર ઍવૉર્ડ નથી, સમાજના તમામ અવાજ અને લોકોનું પ્રતિનિધિત્વ કરવાની અમારી સંપાદકીય પ્રતિબદ્ધતાનો ભાગ છે, જે અમારા પત્રકારત્વને તટસ્થ બનાવે છે અને જે વિશ્વમાં આપણે રહીએ છીએ તેને ભેદભાવ વિના રજૂ કરે છે."
આ વર્ષનો લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ વૅટરન ઍથ્લીટ અંજુ બોબી જ્યૉર્જને ભારતીય રમતોમાં તેમનાં યોગદાન અને ખેલાડીઓની પેઢીઓને પ્રેરણા આપવા માટે મળ્યો. તેઓ ભારતનાં એકમાત્ર ઍથ્લીટ છે, જેમણે વર્ષ 2003માં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં લાંબી કૂદમાં ઍવૉર્ડ મેળવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ મેળવતાં અંજુ બોબી જ્યૉર્જે કહ્યું, “આ ગૌરવાન્વિત સન્માન મેળવતી વેળા મારી લાગણીઓને રજૂ કરવા હું સક્ષમ નથી. મારી સંતોષપૂર્ણ યાત્રા દરમિયાન હું ભાગ્યશાળી રહી છું. મારાં માતાપિતા અને પતિના સતત સહકાર વગર હું આજે જ્યાં છું ત્યાં ન પહોંચી શકી હોત. તેઓ હંમેશાં મારી સાથે ઊભાં રહ્યાં. જે અડચણો મેં ભોગવી અને પાર પાડી, એણે મને એટલું શીખવ્યું છે કે મહેનત અને દૃઢતાનો કોઈ વિકલ્પ નથી. સાચી પ્રેરણા અને ઇચ્છાશક્તિ થકી સર્વ શક્ય છે. ”

મનુ ભાકર બન્યાં ઇમર્જિંગ પ્લેયર ઑફ યર

ઇંગ્લૅન્ડના ક્રિકેટ સ્ટાર બૅન સ્ટૉક્સે ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર ઍવૉર્ડ માટે યુવા ભારતીય શૂટર મનુ ભાકરની જાહેરાત કરી.
ભાકરે 16 વર્ષની ઉંમરે ઇન્ટરનૅશનલ સ્પૉર્ટ ફેડરેશન વર્લ્ડ કપ 2018માં બે ગોલ્ડ મેડલ મેળવ્યા અને એ બાદ યૂથ ઑલિમ્પિક ગૅમ્સમાં પણ ગૉલ્ડ મેળવ્યો. એ જ વર્ષે તેમણે ગોલ્ડ મેડલ મેળવીને કૉમનવેલ્થ ગૅમ્સમાં વિક્રમ સર્જ્યો.
અંજુ બોબી જ્યૉર્જ દ્વારા ઍવૉર્ડ મેળવતાં મનુ ભાકરે જણાવ્યું, “આ ઍવૉર્ડ મારા માટે બહુ મોટી વાત છે. એવું લાગે છે કે મારી મહેનત સન્માનિત કરાઈ છે અને લોકો હવે એ જાણતા થયા છે. આ વર્ષના લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ વિજેતા અંજુ બોબી જ્યૉર્જ દ્વારા ઍવૉર્ડ મેળવતા એવું લાગે છે કે ઊભરતી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરાઈ રહી છે.”
આ વર્ચ્યુઅલ ઍવૉર્ડ નાઇટમાં બીબીસીનાં ન્યૂઝ ડિરેક્ટર ફ્રાન અન્સવર્થે BBC ISWOTYના બીજા સફળ એડિશનનો ભાગ બનવા બદલ ખુશી જાહેર કરી.
તેમણે જણાવ્યું કે ‘બીબીસી સ્પૉર્ટ હૅકાથૉન’નાં પરિણામો કેટલાં શાનદાર હતાં, જેમાં 50 ભારતીય મહિલા ખેલાડીઓની ખેલક્ષેત્રની મુસાફરીને વિકિપીડિયામાં સાત ભાષામાં ઉમેરવામાં આવી. BBC ISWOTY 2021ની આ ખાસ વાત હતી.
દેશનાં શ્રેષ્ઠ મહિલા ખેલાડીઓને સન્માવવા અને પ્રતિભાવાન ભારતીય મહિલા ખેલાડીઓની પ્રેરણાદાયક યાત્રા પર પ્રકાશ પાડવા વર્ષ 2019માં BBC ISWOTY 2021નો પ્રારંભ કરાયો હતો.
ફેબ્રુઆરી 2021માં પાંચ નૉમિનીનાં નામની જાહેરાત કરાઈ હતી, જેમાં સ્પ્રિન્ટર દુતી ચંદ, ચેસ ચૅમ્પિયન કોનેરુ હમ્પી, શૂટર મનુ ભાકર, રેસલર વિનેશ ફોગટ અને ભારતીય ફિલ્ડ હૉકીનાં વર્તમાન કૅપ્ટન રાનીનો સમાવેશ કરાયો હતો.




તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













