બીબીસી સ્પોર્ટ્સ હૅકાથૉન : ભારતીય મહિલા ખેલાડીઓની સિદ્ધિઓનો ઇન્ટરનેટ પર આલેખ

ઇમેજ સ્રોત, ANIRBAN SEN
ભારતનાં અલગઅલગ શહેરોમાંથી સેંકડો વિદ્યાર્થીઓ જાણીતી ઍન્સાઇક્લોપીડિયા વેબસાઇટ વિકિપીડિયાને 'હૅક' કરીને તેના પર આજે ભારતીય મહિલા ખેલાડીઓ અંગેનાં પાનાં ઉમેરશે.
'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર પ્રૉજેક્ટ' હેઠળ 50 મહિલા ખેલાડીઓ વિશે માહિતી વિકિપીડિયામાં ઉમેરવામાં આવશે.
કેટલાક લોકો સામાન્ય રીતે માહિતી મેળવવા માટે વિકિપીડિયાનો ઉપયોગ કરે છે. પરંતુ મહિલાઓ અને પુરુષો અંગેની માહિતીમાં અહીં અસંતુલન જોવા મળે છે. વિકિપીડિયા પરના લેખોમાં હાલ મહિલાઓ પરના લેખ માત્ર 17 ટકા જ છે.
જેથી બીબીસીએ ભારતમાં રમતગમતના ક્ષેત્રનાં મહિલાઓ વિશેની માહિતી ઉમેરવા માટે વિકિપીડિયા સાથે પહેલ કરી છે.
આ 50 મહિલા રમતવીરોની પસંદગી જાણીતા ખેલ પત્રકારો, નિષ્ણાતો અને બીબીસી સંપાદકોની એક જ્યૂરી દ્વારા કરવામાં આવી છે.
આ 50 મહિલા ખેલાડીઓમાંથી અમુક વિશે વિકિપીડિયા પર ભારતીય ભાષાઓમાં માહિતી ઉપલબ્ધ નથી અને કેટલીક માહિતી તો અંગ્રેજીમાં પણ નથી.
ભારતમાં બીબીસી અંગ્રેજી અને છ ભારતીય ભાષાઓની પ્રસારણ-સેવા છે. આ પહેલ હેઠળ બીબીસીના સહયોગથી આ 50 મહિલાઓ વિશે વિકિપીડિયા પર અંગ્રેજી સહિત સાત ભાષાઓમાં માહિતી ઉપલબ્ધ થશે.

વણકહી કહાણીઓ જાણવા માટે મહિલા ખેલાડીઓના ઇન્ટરવ્યૂ

ઇમેજ સ્રોત, Getty Images
50 મહિલા ખેલાડીઓની ઉપસ્થિતિ પર બીબીસીના એક રિસર્ચમાં સામે આવ્યું કે અમુક ખેલાડીઓ વિશે ઇન્ટરનેટ પર બહુ ઓછી માહિતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેથી બીબીસીએ 50માંથી 26 ખેલાડીઓનો ઇન્ટરવ્યૂ કર્યો અને તેમનો જીવનપરિચય વેબસાઇટ પર પ્રકાશિત કર્યો.
જેમાં તેમના જીવનના સંઘર્ષની કહાણી છે, પછી ભલે જે-તે રમત માટે અપૂરતી સવલતો હોય, આથિક મુશ્કેલીઓ હોય, જાતીય ભેદભાવ હોય કે પછી મહિલાઓની પરંપરાગત ભૂમિકાની બાધ્યતા હોય.
આમાંથી કેટલાંક મહિલાઓએ અનેક મુશ્કેલીઓ વચ્ચે તાલીમ મેળવી હતી. આ મહિલાઓને તેમના સંઘર્ષમાં શુભચિંતકો અને સંસ્થાઓની મદદ મળી હતી.
ખેલાડીઓએ તાત્કાલિક ધોરણે મહિલાઓ માટે સંસ્થાઓ અને તાલીમ માટેનાં મેદાનો બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમનું કહેવું છે કે કે મહિલાઓની રમતની સફરમાં પરિવારના ટેકા અને તેમની વિચારસરણી પણ મહત્ત્વની ભૂમિકા હોય છે.

પત્રકારત્વના વિદ્યાર્થીઓનો સાથ

ઇમેજ સ્રોત, SOPA Images/Getty
આ પ્રૉજેક્ટમાં બીબીસીએ દેશનાં 13 શૈક્ષણિક સંસ્થાનોમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલા 300 વિદ્યાર્થીઓને જોડ્યા છે.
ઉત્તર ભારતમાં દિલ્હી યુનિવર્સિટીની દિલ્હી સ્કૂલ ઑફ જર્નાલિઝ્મ, અજમેરની સૅન્ટ્રલ યુનિવર્સિટી ઑફ રાજસ્થાન, જાલંધરની દોઆબા કૉલેજ તેમજ અમૃતસરની ગુરુ નાનકદેવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ પ્રૉજેક્ટમાં ભાગ લઈ રહ્યા છે.
પશ્ચિમ ભારતમાંથી અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી, સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, મુંબઈના પારલે તિલક વિદ્યાલય ઍસોસિયેશનની સાઠ્યે કૉલેજ તેમજ નાગપુરની મહારાજ નાગપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ પ્રૉજેક્ટનો હિસ્સો બન્યા છે.
તો દક્ષિણ ભારતમાંથી કોયમ્બટૂરના અવિનાશિલિંગમ ઇન્સ્ટીટ્યૂટ, પુદ્દુચેરીની પૉન્ડીચેરી યુનિવર્સિટી, સિકંદારાબાદની ભવન્સ વિવેકાનંદ કૉલેજ ઑફ સાયન્સ, હ્યુમેનિટીઝ ઍન્ડ કૉમર્સ અને વિશાખાપટ્ટનમની આંધ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ પ્રૉજેક્ટનો ભાગ છે.
વિકિપીડિયાએ આ વિદ્યાર્થીઓને મહિલા ખેલાડીઓ વિશે માહિતી આપતા લેખ લખવા અને વિકિપીડિયાના પ્લૅટફૉર્મ પર તેમને ઉમેરવાની તાલીમ આપી છે.
'સ્પૉર્ટ્સ હૅકાથૉન' કાર્યક્રમ બીબીસીની ભારતીય ભાષાની સેવાઓના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મો પર લાઇવ પ્રસારિત કરવામાં આવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













