You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાણો તામિલનાડુ વિધાનસભા ચૂંટણી વિશેની મહત્ત્વની તમામ વાતો
માર્ચ અને એપ્રિલ મહિનામાં દેશના ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને આસામ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
આસામમાં ત્રણ તબક્કામાં, પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં, જ્યારે કેરળ, તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં એક તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.
તામિલનાડુની વાત કરીએ તો તામિલનાડુમાં એક જ તબક્કામાં 6 એપ્રિલે ચૂંટણી યોજાશે.
તામિલનાડુમાં હાલ કોની સરકાર છે?
તામિલનાડુમાં હાલ દક્ષિણ ભારતના જાણીતા નેતા જયલલિતાની પાર્ટી ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગામ(એઆઈએડીએમકે) સત્તામાં છે. 2016માં મે મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગામને બહુમતી મળી હતી અને જયલલિતા રાજ્યના મુખ્ય મંત્રી બન્યાં હતાં.
જોકે જયલલિતાનું અવસાન થયા પછી પન્નીસેલ્વમ મુખ્ય મંત્રી બન્યા હતા. પરંતુ ફેબ્રુઆરી 2017માં તેમણે મુખ્ય મંત્રીનું પદ છોડ્યું અને ઇડાપ્પડી. કે. પલાનિસ્વામી મુખ્ય મંત્રી બન્યા હતા.
તામિલનાડુની 235 સભ્યોની ધારાસભામાં એઆઈએડીએમકે પાસે 124 સીટ છે. જ્યારે વિરોધ પક્ષમાં રહેલી પાર્ટી દ્રવિડ મુનેત્ર કઝગામ(ડીએમકે) પાસે 97 સીટ છે.
દ્રવિડ મુનેત્ર કઝગામ દક્ષિણ ભારતના નેતા કરુણાનીધિની પાર્ટી છે. કરુણાનીધિ 2018માં મૃત્યુ પામતા તેમના દીકરા સ્ટાલિન પાર્ટીના પ્રમુખ બન્યા હતા. સ્ટાલિન હાલ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ છે.
ડીએમકે યુપીએ ગઠબંધનનો ભાગ છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં યુપીએ સ્ટાલિનની અધ્યક્ષતામાં ચૂંટણી લડ્યું હતું તેમણે 40માંથી 39 સીટ પર જીત મેળવી હતી. આ ઉપરાંત 21 બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં 12 બેઠક પર જીત મેળવી હતી. સ્ટાલિનના પાર્ટી પ્રેસિડેન્ટ બન્યા પછીની આ પહેલી મોટી જીત હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તામિલનાડુની વિધાનસભામાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની એક સીટ અને એક અપક્ષની સીટ છે. જ્યારે એક નૉમિનેટેડ સભ્ય પણ છે. જ્યારે ચાર સીટ ખાલી છે.
તામિલનાડુના રાજકારણમાં કૉંગ્રેસ અને ભાજપ ક્યાં છે?
તામિલનાડુના રાજકારણમાં સ્થાનિક પક્ષોનું મોટું વર્ચસ્વ રહેલું છે. ત્યાં કૉંગ્રેસ અને ભાજપની સ્થિતિ સારી નથી.
તામિલનાડુની વિધાનસભામાં હાલ કૉંગ્રેસ પાર્ટી પાસે સાત સીટ છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે એક પણ સીટ નથી. ભાજપ 2016માં 234 સીટ પર ચૂંટણી લડ્યું હતું પરંતુ તેને એક પણ સીટ મળી ન હતી. આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એઆઈએડીએમકે સાથે મળીને ચૂંટણી લડી રહ્યું છે. જ્યારે કૉંગેસ પોતાના યુપીએના સાથી દ્રવિડ મુનેત્ર કઝગામ સાથે ચૂંટણી લડી રહ્યું છે.
2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને એઆઈએડીએમકેનું ગઠબંધન એનડીએ 39 સીટ પર ચૂંટણી લડ્યું હતું. જેમાંથી એઆઈએડીએમકેને એક જ સીટ મળી હતી.
જ્યારે કૉંગ્રેસ અને ડીએમકેના ગઠબંધને 39માંથી 38 સીટ જીતી હતી.
2021ની ચૂંટણીમાં સીટોની વહેંચણીને લઈને તમામ પક્ષો મીટિંગ કરી રહ્યા છે. કૉંગ્રેસ અને ડીએમકેની વચ્ચે સીટોની વહેંચણીને લઈને મડાગાંઠ જોવા મળી છે.
એનડીટીવીના અહેવાલ અનુસાર કૉંગ્રેસ પાર્ટીએ 30 સીટ પર લડવાની માગ કરી છે, જ્યારે ડીએમકે તેને 20 સીટ આપવા તૈયાર છે. આમ બંને પાર્ટી ચર્ચા કરી રહી છે.
ચૂંટણી પહેલા શશિકલાની રાજનીતિમાંથી સંન્યાસની જાહેરાત
તામિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા તમિલનાડુની રાજનીતિના જાણીતા મહિલા નેતા વી.કે. શશિકલાએ મોટી ઘોષણા કરી છે. વી. કે. શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત બાદ શશિકલાએ કહ્યું કે તેમણે ક્યારેય સત્તાનો મોહ નથી રાખ્યો અને તેઓ હંમેશા લોકોની ભલાઈ માટે કામ કરશે તથા અમ્મા (જયલલિતા)ના સૂચવેલા માર્ગ પર જ ચાલશે.
દરમિયાન શશિકલાએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેને હરાવવા માટે એઆઇએડીએમકેના કાર્યકર્તાઓને એકજૂથ રહેવાનું કહ્યું છે.
અત્રે નોંધવું કે શશિકલા થોડા સમય પહેલા જ જેલમાંથી બહાર આવ્યા હતા. જેલમાંથી બહાર આવતાની સાથે જ તામિલનાડુનું રાજકારણ ગરમાયું હતું. પરંતુ હવે તેમની આવી જાહેરાતથી રાજકીય આલમમાં ફરી એક નવી ચર્ચાને વેગ મળ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો