You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સિંઘુ બૉર્ડર પર એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો, સંયુક્ત કિસાન મોરચાએ શું કહ્યું?
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હી અને હરિયાણાની સિંઘુ બૉર્ડ પર એક વ્યક્તિની હત્યા કરી દેવાઈ છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ડીએસપી હંસરાજે જણાવ્યું કે શુક્રવારની સવારે લગભગ પાંચ વાગ્યે એક લટકતો મૃતદેહ મળ્યો હતો.
મૃતદેહના પગ કાપી નાખવામાં આવ્યા હતા. આ મૃતદેહ ખેડૂતોના પ્રદર્શનસ્થળ સોનીપતના કુંડલીમાંથી મળ્યો છે. આ ઘટના પાછળ કોણ જવાબદાર છે એ હજુ સુધી જાણી શકાયું નથી અને પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.
વાઇરલ વીડિયો તપાસનો વિષય હોવાનું જાણાવતાં પોલીસે અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે.
આ ઘટનાના સંદર્ભમાં કુંડલી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. માર્યા ગયેલાની ઓળખ લખવીરસિંહના રૂપે કરાઈ છે. મૃતક પંજાબના તરનતાન જિલ્લાના રહેવાસી હતા.
સ્થાનિક પત્રકાર દિલબાગ દાનિશના જણાવ્યા અનુસાર લખવીરસિંહ પોતાની બહેન સાથે રહેતા હતા.
તેઓ સિંઘુ બૉર્ડર પર શું કરી રહ્યા હતા તેની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી.
સંયુક્ત કિસાન મોરચાએ સિંઘુ બૉર્ડર પર હત્યા મામલે શું કહ્યું?
'સંયુક્ત કિસાન મોરચા'એ આ ઘટનાની નિંદા કરી છે. મોરચાએ એક નિવદનમાં જણાવ્યું છે, "સંયુક્ત કિસાન મોરચો આ નૃશંસ હત્યાની નિંદા કરતા એ સ્પષ્ટ કરવા માગે છે કે આ ઘટનાના બન્ને પક્ષો સાથે સંયુક્ત કિસાન મોરચાનો કોઈ સંબંધ નથી. અમે કોઈ પણ ધાર્મિક ગ્રંથ કે પ્રતીકના અપમાનના વિરુદ્ધમાં છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પણ આ આધારે કોઈ પણ વ્યક્તિ કે સમૂહને કાયદો હાથમાં લેવાની પરવાનગી નથી. અમે માગ કરીએ છીએ કે આ હત્યા અને અપમાનના ષડ્યંત્રના આરોપની તપાસ કરી દોષિતોને કાયદા અનુસાર સજા કરવામાં આવે."
"સંયુક્ત કિસાન મોરચો કોઈ પણ કાયદા સંબંધિત કાર્યવાહીમાં પોલીસ અને તંત્રનો સહયોગ કરશે. લોકતાંત્રિક અને શાંતિપૂર્ણ રીતે ચાલેલું આ આંદોલન કોઈ પણ પ્રકારની હિંસાનો વિરોધ કરે છે."
બીબીસીને આ મામલે વધુ જાણકારીનો ઇંતેજાર છે. જેમજેમ તપાસ સંબંધિત જાણકારી મળતી રહેશે, તેમતેમ અમે એને પ્રકાશિત કરતા રહીશું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો