You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત રાજ્યસભા : એક-એક બેઠક માટે જંગથી લઈને ભાજપની બિનહરીફ જીત સુધી
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને રામભાઈ મોકરીયા અને દિનેશ પ્રજાપતીને બિનહરીફ સાંસદ જાહેર કરાયા હોવાની જાહેરાત કરી દીધી છે. એક તરફ જ્યારે 2017માં રાજ્યસભાની બે સીટો માટે લોકોએ ગુજરાતની રાજનીતિમાં પહેલાં ક્યારેય ન જોયું હોય તેવું ઘમસાણ જોયું હતું, ત્યાં બીજી બાજુ હાલમાં બે નામો બિનહરીફ જાહેર થયાં છે.
ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને અભય ભારદ્વાજનું ગઈ સાલ મૃત્યુ થઈ ગયા બાદ રાજ્યની ઉપલા ગૃહની બે સીટો ખાલી થઈ હતી અને ચૂંટણીપંચે આ બન્ને સીટો પર ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.
આ બન્ને સીટો પર કૉંગ્રેસના કોઈ નેતાએ પોતાની ઉમેદવારી ન ભરતા હવે આ બન્ને સીટો ભાજપના ખાતામાં જતી રહી છે. નોંધનીય છે કે અહેમદ પટેલ કૉંગ્રેસ તરફથી સાંસદ હતા તો અભય ભારદ્વાજ ભાજપના સાંસદ હતા.
'કૉંગ્રેસ માઇનોરિટીમાં હોવાના કારણે આ વખત ઉમેદવારી નથી નોંધાવી'
આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રમુખ અમિત ચાવડા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, "દેખીતી નજરે હવે વિધાનસભામાં ભાજપના જ્યારે 111 ધારાસભ્યો છે, ત્યારે અમે માઇનોરીટીમાં છીએ. અગાઉ જ્યારે અમારી સીટો વધુ હતી, ત્યારે અમે કન્ટેસ્ટ કર્યુ હતું, અને જિત્યા પણ હતા, પરંતુ હવે તો તેમની સીટો વધુ છે."
ગુજરાતમાં હાલમાં રાજ્યસભાની કુલ 11 સીટો છે. અહેમદ પટેલના મૃત્યુ પહેલાં કૉંગ્રેસ પાસે તેમાંથી ચાર સીટો હતી, જ્યારે ભાજપ પાસે સાત સીટો હતી.
જોકે હવે કૉંગ્રેસની સીટો ચારથી ઘટીને ત્રણ થઈ ચૂકી છે. હાલમાં કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદોમાં ડૉ.અમી યાજ્ઞિક, નારણ રાઠવા, અને શક્તિસિંહ ગોહીલ છે, જ્યારે ભાજપમાંથી નરહરી અમીન, રમીલાબેન બારા, એસ.જયશંકર, જુગલસિંહ લોખંડવાલા, મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા છે, જેમાં હવે બીજાં બે નામોનો ઉમેરો થયો છે.
જ્યારે રાજ્યસભાની ચૂંટણીએ રાજયની રાજનીતિ બદલી નાંખી હતી
જુલાઈ 2017માં કૉંગ્રેસ પાસે રાજ્યમાં કુલ 57ધારાસભ્યો હતા. ઑગસ્ટ 2017માં જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવવાની હતી અને જેમાં કૉંગ્રેસનાં સિનિયર નેતા અહેમદ પટેલ પણ એક ઉમેદવાર હતા, તે અગાઉ કૉંગ્રેસના છ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધુ હતું, અને એક પછી એક ભાજપમાં જોડાઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર એજન્સી PTIના 2017ના એક રિપોર્ટ પ્રમાણે કૉંગ્રેસે ત્યાર બાદ 44 ધારાસભ્યોને ગુજરાતમાંથી બહાર બેંગ્લુરૂના એક રિસોર્ટમાં રાખ્યા હતા.
આ રિપોર્ટ પ્રમાણે કૉંગ્રેસને બીક હતી કે તેમના ધારાસભ્યોને ભયભીત કરીને ભાજપ પોતાની તરફ લઈને રાજ્યસભાની ચૂંટણીમાં વધુ મત લેવા માટે પ્રયત્નો કરી રહ્યો છે. જોકે આ ચૂંટણીના પરિણામમાં અહેમદ પટેલનો વિજય થયો હતો, પરંતુ કૉંગ્રેસની સીટો ઓછી થઈ ચૂકી હતી.
આ રાજ્યસભાની ચૂંટણી બાદ કૉંગ્રેસથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને કારણે ખાલી પડેલ આઠ સીટો પર ફરીથી ચૂંટણી થઈ હતી, જે તમામ સીટો પર ભાજપનો વિજય થયો હતો.
2017ની રાજ્યસભાની ચૂંટણીએ કેવી રીતે બદલી હતી ગુજરાતની રાજનીતિની?
હાલની પરિસ્થિતિ પ્રમાણે ભાજપ માટે બે સાંસદોનો ઉમેરો થયો છે. 2017માં એક તરફ જ્યારે 44 ધારાસભ્યોને કૉંગ્રેસે બેંગ્લુરૂના એક રિસોર્ટમાં રાખ્યા હતા, ત્યાં બીજી બાજુ મોરબી, કરજણ, કપરાડા, ધારી, લીંબડી, ડાંગ અને ગઢડા વિધાનસભાની સીટો પરથી કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધાં હતાં.
આ તમામ સીટો હાલમાં ભાજપ પાસે છે. જોકે આ આઠ ધારાસભ્યોમાંથી ભાજપે માત્ર પાંચ ઉમેદવારોને જ ફરીથી ટિકિટ આપી હતી.
શું કહે છે રાજ્યશાસ્ત્રના નિષ્ણાત?
આ વિશે બીબીસી ગુજરાતીએ જ્યારે પૉલિટિકલ સાયન્ટિસ્ટ ડૉ.ઘનશ્યામ શાહ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, "રાજનીતિમાં ઘણી વખત એકાદ પગલું પાછળ પણ જવું પડે છે. કૉંગ્રેસ આ સીટો માટે ઉમેદવારી નોંધાવી શકી નથી, તે વાત કરતાં વધુ મહત્ત્વની વાત એ છે કે આ પછી કૉંગ્રેસ શું કરશે? તેની પાસે હવે પછી કંઈક કરવાની યોજના છે કે નહીં?"
આવી જ રીતે જ્યારે બીબીસી ગુજરાતીએ જ્યારે ગુજરાતની રાજનીતિને નજીકથી જોનાર અને તેનો અભ્યાસ કરી રહેલા અમદાવાદ યુનિવર્સિટીના પ્રોફેસર સાર્થક બાગચી સાથે વાત કરી.
તેમણે કહ્યું કે, "એક વખત ફરીથી કૉંગ્રેસ લડવાના મૂડમાં નથી તેવું જોવા મળી રહ્યું છે. હું એ વાત માનું છું કે આ વખતે કૉંગ્રેસ માઇનોરિટીમાં છે, પરંતુ આ પહેલાં પણ અનેક વખત એવું જોવા મળ્યું છે કે કૉંગ્રેસ લોકોના મુદ્દા અને લોકોની સમસ્યા સાથે વધુ સમય સુધી સાથે રહી નથી શકતી. જેમ કે ખેડૂતોના મુદ્દા માટે મોટી લડાઈ શરૂ કરીને કૉંગ્રેસ તે મુદ્દા સાથે આગળ વધી ન શકી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો