ચીનની જાસૂસી કરવા ભારત અને અમેરિકાએ લગાવેલાં પરમાણુ ઉપકરણોથી ઉત્તરાખંડમાં પૂર આવ્યું હતું?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતના હિમાલયન વિસ્તારમાં એક ગામમાં લોકો પેઢીઓથી માની રહ્યા છે કે ઊંચા પર્વત પર બરફ અને પહાડની નીચે પરમાણુ ડિવાઇસ દબાયેલા છે.

એટલે જ્યારે ફેબ્રુઆરીની શરૂઆતમાં ગ્લૅશિયર તૂટવાથી રૈનીમાં ભીષણ પૂર આવ્યું તો ગામમાં અફરાતફરી મચી ગઈ અને અફવાઓ ઉડવા લાગી કે ઉપકરણોમાં ‘વિસ્ફોટ’ થઈ ગયો, જેના કારણે આ પૂર આવ્યું.

જ્યારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે હિમાલયના રાજ્ય ઉત્તરાંખડમાં આવેલા પૂરના કારણે તૂટેલા ગ્લૅશિયરનો એક ટુકડો હતો. આ ઘટનામાં 50થી વધારે લોકોની મૃત્યુ થયાં છે.

પરંતુ 250 પરિવારવાળા રૈની ગામના લોકોને તમે આ કહેશો તો અનેક લોકો તમારી ઉપર ભરોસો નહીં કરે.

રૈનીના સરપંચ સંગ્રામસિંહ રાવતે મને કહ્યું, "અમને લાગે છે કે ડિવાઇસના કારણે કંઈક થયું હશે. એક ગ્લૅશિયર ઠંડીના વાતાવરણમાં કેવી રીતે તૂટી શકે છે? અમને લાગે છે કે સરકારે તપાસ કરવી જોઈએ અને ડિવાઇસને શોધવું જોઈએ."

તેમના ડરની પાછળ જાસૂસીની એક રસપ્રદ કહાણી છે, જેમાં દુનિયાના કેટલાક શીર્ષ પર્વતારોહીઓ છે. જાસૂસી સિસ્ટમને ચલાવવા માટે રેડિયોઍક્ટિવ મટિરિયલ અને જાસૂસનો ઉપયોગ થયો છે.

આ કહાણી એ વિશે છે કે કેવી રીતે અમેરિકાએ 1960ના દાયકામાં ભારતની સાથે મળીને ચીનનાં પરમાણુ પરીક્ષણો અને મિસાઇલ ફાયરિંગની જાસૂસી કરવા માટે હિમાલયમાં ન્યૂક્લિયર પાવર્ડ મૉનિટરિંગ ડિવાઇસ લગાવ્યાં હતાં. ચીને 1964માં પોતાનું પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું હતું.

આ વિષય પર વિસ્તારથી લખી ચૂકેલા અમેરિકાની 'રૉક ઍન્ડ આઇસ મૅગેઝીન'ના કૉન્ટ્રિબ્યૂટિંગ એડિટર પીટ ટેકેડા કહે છે, "શીતયુદ્ધને લઈને ફેલાયેલો ડર તેની ચરમસીમાએ હતો. કોઈ ખાસ યોજના ન હતી, મોટું રોકાણ પણ ન હતું."

ઑક્ટોબર 1965માં ભારત અને અમેરિકાના પર્વતારોહીઓનું એક જૂથ સાત પ્લૂટોનિયમ કૅપ્સૂલ અને દેખરેખ ઉપકરણ લઈને નીકળ્યા, જેમનું વજન અંદાજે 57 કિલો હતું.

તેમને 7816 મીટર ઊંચે નંદા દેવીના શિખર પર મૂકવાના હતા. નંદા દેવી ભારતનો બીજી સૌથી ઉંચો પર્વત છે અને ચીનથી નજીક ભારતની ઉત્તર-પૂર્વ સરહદની નજીક છે.

પરંતુ એક મોટા બરફના તોફાનના કારણે પર્વતારોહીઓ ઊંચાઈએ પહોંચે તે પહેલાં તેમને પરત ફરવું પડ્યું. તે નીચેની તરફ ભાગ્યા તો તેમણે તે ડિવાઇસ ત્યાં જ છોડી દીધાં, જેમાં છ ફૂટ ઉંડુ ઍન્ટિના, બે રેડિયો કૉમ્યુનિકેશન સેટ, એક પાવર પૅક અને પ્લૂટોનિયમ કૅપ્સૂલ હતી.

એક મૅગેઝીને રિપોર્ટ કર્યું કે તે આ વસ્તુઓને પહાડની એક કોતરમાં છોડી આવ્યા હતા. આ તિરાડ ઉપરથી ઢંકાયેલી હતી, જ્યાં ઝડપી પવન પહોંચી શકતો ન હતો.

ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહેલા અને મુખ્ય બૉર્ડર પેટ્રોલ ઑર્ગેનાઇઝેશન માટે કામ કરી ચૂકેલા એક જાણીતા પવર્તારોહી મનમોહ સિંહ કોહલી કહે છે, "અમારે નીચે આવવું પડ્યું. નહીં તો અનેક પર્વતારોહી મૃત્યુ પામ્યા હોત."

જ્યારે પર્વતારોહી ડિવાઇસની તપાસમાં આગામી વસંત મહિનામાં પહાડની ઊંચાઈ પર પરત ફર્યા કે તેને ફરીથી ઉપર લઈ જઈ શકાય તો તે ગાયબ થઈ ગયાં હતાં.

આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પવર્તારોહી કૅપ્ટન એમએસ કોહલીએ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું.

ઉપકરણોની અને રસપ્રદ કહાણીઓ

50થી પણ વધારે વર્ષ વીતી ચૂક્યાં અને નંદા દેવી પર અનેક તપાસ અભિયાન પછી પણ કોઈ નથી જાણતું કે તેમની કૅપ્સૂલની સાથે શું થયું.

ટેકેડા લખે છે, “બની શકે છે કે ખોવાયેલા પ્લૂટોનિયમ હાલ સુધી કોઈ ગ્લેશિયરની અંદર હોય, અથવા તે ચૂરો થઈને ધૂળ બની ગયા હોય, ગંગાના પાણીમાં વહી ગયા હોય.”

વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે આ અતિશયોક્તિ છે. પ્લૂટોનિયમ પરમાણુ બૉમ્બમાં ઉપયોગ થનારો મુખ્ય સામાન છે. પરંતુ પ્લૂટોનિયમની બૅટરીમાં એક અલગ પ્રકારના આઈસોટોપ(એક પ્રકારનો કેમિકલ પદાર્થ) હોય છે, જેને પ્લૂટોનિયમ -238 કહેવામાં આવે છે. જેની હાફ લાઈફ(અડધા રેડિયાઍક્ટિવ આઇસોટોપને ઓગળવાનો સમય) 88 વર્ષ છે.

પોતાના પુસ્તક 'નંદા દેવી : ધ જર્ની ટૂ ધ લાસ્ટ સેન્ચ્યુરી'માં બ્રિટિશ ટ્રાવેલ રાઇટર હ્યૂગ થૉમ્પસન કહે છે કે કેવી રીતે અમેરિકાના પર્વતારોહીઓને ચામડીનો રંગ ઘાટો કરવા માટે ભારતીય સન ટૅન લૉશનનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

જેથી સ્થાનિક લોકોને કોઈ શંકા ન જાય અને કેવી રીતે પર્વતારોહીઓને કહેવામાં આવ્યું હતું કે તે એવા દેખાય છે કે તેમનાં શરીરો પર ઓછા ઓક્સિજનની અસર પર સંશોધન કરવા માટે "હાઈ ઍલ્ટીટ્યૂડ પ્રૉગ્રામ" પર છે.

જે લોકોને સામાન ઉઠાવવા માટે સાથે લઈ ગયા હતા, તે લોકોને કહેવામાં આવ્યું હતું કે આ "કોઈ પ્રકારનો ખજાનો છે, સંભવ છે કે સોનું"

એક અમેરિકન મૅગેઝિન 'આઉટસાઇડે' પોતાના રિપોર્ટમાં લખ્યું કે આ પહેલાં, પર્વતારોહીને ન્યૂક્લિયર જાસૂસીના ક્રેશ કોર્સ માટે હાર્વે પૉઇન્ટ્સ પર લઈ જવામાં આવ્યા હતા, જે નૉર્થ કેરોલાઇનામાં એક સીઆઈએ બેઝ છે. એક પર્વતારોહીએ મૅગેઝીનને કહ્યું કે “કેટલાક સમય પછી અમે મોટા ભાગનો સમય વૉલીબૉલ રમવામાં અને પાણી પીવામાં લાગ્યો.”

છેવટે ઉપકરણો નંદા કોટની ચોટી પર મૂકી દીધાં

ભારતમાં 1978 સુધી આ ગુપ્ત અભિયાન વિશે કોઈને નહોતું કહેવામાં આવ્યું.

ત્યારે વૉશિંગટન પોસ્ટે આઉટસાઇડની સ્ટોરીને પિક કરી અને લખ્યું કે સીઆઈએએ ચીનની જાસૂસી માટે હિમાલયના બે શિખર પર ન્યૂક્લિયર પાવર્ડ ડિવાઇસ રાખવા માટે અમેરિકના પર્વતારોહીઓની ભરતી કરી, જેમાં માઉન્ટ ઍવરેસ્ટના હાલના સફળ સમિટના સભ્ય પણ સામેલ છે.

અખબારે આ વાતની પુષ્ટિ કરી કે 1965માં પહેલું અભિયાન ચલાવવામાં આવ્યું ત્યારે ડિવાઇસ ખોવાઈ ગયાં હતાં અને બે વર્ષ પછી બીજા પ્રયત્ન થયા, જે એક પૂર્વ સીઆઈએ અધિકારી પ્રમાણે આંશિક રીતે સફળ રહ્યા.

1967માં નવા ઉપકરણ પ્લાન્ટ કરવા માટે ત્રીજો પ્રયત્ન કરવામાં આવ્યો.

આ વખતે આ સફર 6861 મીટર (22,510 ફૂટ) પહાડ નંદાની ટોચ પર કરવામાં આવી જે સફળ રહી. હિમાલયમાં જાસૂસી કરનારાં ઉપકરણો ત્રણ વર્ષ સુધી લગાવવાના આ કામ માટે 14 અમેરિકન પર્વતારોહીઓને એક મહિનામાં એક હજાર ડૉલર આપવામાં આવ્યા.

એપ્રિલ 1978માં ભારતના તત્કાલિન વડા પ્રધાન મોરારજી દેસાઈ એ કહેતાં સંસદમાં એક બૉમ્બ ફોડી દીધો કે ભારત અને અમેરિકા ઉચ્ચ સ્તરે મળીને આ ન્યૂક્લિયર પાવર્ડ ડિવાઇસને નંદા દેવી પર પ્લાન્ટ કર્યો છે. એક રિપોર્ટ પ્રમાણે દેસાઈએ એ ન કહ્યું કે આ મિશન ક્યાં સુધી સફળ રહ્યું.

આ મહિનામાં અમેરિકાના વિદેશવિભાગના ટેલીગ્રામમાં “ભારતમાં કથિત સીઆઈએ ગતિવિધિઓ”ની સામે દિલ્હીના દૂતાવાસની બહાર પ્રદર્શન કરનારા કેટલાક 60 લોકો વિશે વાત કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓના હાથમાં “સીઆઈએ ભારત છોડો” અને "સીઆઈએ આપણા પાણીને ઝેરીલું કરી રહ્યું છે", જેવા નારા લખેલાં પોસ્ટર હતાં.

અભિયાનનો ભાગ બનવાનો પસ્તાવો?

હિમાલયમાં ગુમ થયેલાં ન્યૂક્લિયર ઉપકરણોનું શું થયુ, આ વિશે હું કાંઈ જાણતો નથી.

એક અમેરિકન પર્વતારોહીએ ટેકેડાને કહ્યું, "હા ડિવાઇસ હિમપ્રપાતની ઝપેટમાં આવી ગયા અને ગ્લૅશિયરમાં ફસાઈ ગયાં અને ભગવાન જાણે કે તેમની શું અસર થશે."

પર્વતારોહીને કહેવાનું છે કે રૈનીમાં એક નાના સ્ટેશનના રેડિયોએક્ટિવિટીની ભાળ મેળવા માટે નદીના પાણી અને રેતીનું નિયમિત પરિક્ષણ કરવામાં આવ્યું, પરંતુ એ સ્પષ્ટ નથી કે તેમના દૂષિત થવાના કોઈ પુરાવા મળ્યા કે નહીં.

આઉટસાઇડે લખ્યું, "જ્યાં સુધી પ્લૂટોનિયમ (પાવર પૅકમાં રેડિયો-ઍક્ટિવિટીનો સ્ત્રોત) પૂર્ણ નથી થઈ જતો, જેમાં સદીઓ લાગી શકે છે, આ ઉપકરણ એક રેડિયોઍક્ટિવ ખતરો રહેશે જે હિમાલયના બરફમાં લીક થઈ શકે છે અને ગંગાના પાણીની સાથે વહીને ભારતીય નદીઓની સિસ્ટમમાં પહોંચી શકે છે."

હું હવે 89 વર્ષના થઈ ગયેલા કૅપ્ટન કોહલીને પુછ્યું કે શું તેમને આ અભિયાનમાં ભાગ લઈને પસ્તાવો છે જેમાં હિમાલયમાં પરમાણુ ઉપકરણો છોડી દેવામાં આવ્યાં.

તેઓ કહે છે, "કોઈ પસ્તાવો કે ખુશી નથી. હું માત્ર આદેશનું પાલન કરી રહ્યો હતો."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો