વગર ચૂંટણીએ ઉમેદવાર બિનહરીફ ચૂંટાય તે પ્રક્રિયા શું છે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતની સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયતોની 25 સીટો, નગરપાલિકાની 90થી વધુ સીટો અને તાલુકા પંચાયતની 50થી વધુ સીટો પર બિનહરીફ ઉમેદવાર ચૂંટાઈ ચૂક્યા હોવાથી આવા વૉર્ડમાં ચૂંટણીઓ નહીં થાય.

એક તરફ કૉંગ્રેસ આ આખી પ્રક્રિયાને પોતાના ઉમેદવારો અને પોતાની વિરૂદ્ધની કામગીરી માની રહી છે તો બીજી બાજુ ભાજપ તેને પોતની આગોતરી જીત સમાન માને છે, જ્યારે વિવિધ નિષ્ણાતો આ આખી પ્રક્રિયાને લોકશાહીવિરોધી માની રહ્યા છે.

લગભગ 200 વૉર્ડમાં મતદારોને મત આપવાની તક નહીં?

ગુજરાતની સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ હાથ ધરાઈ રહી છે, ત્યારે ગુજરાતના ચૂંટણી ઇતિહાસમાં નોંધવા જેવી બાબત છે કે આશરે 200 જેટલા વૉર્ડમાં લોકો પોતાનો મત આપવા નહીં જાય, કારણ કે આ વૉર્ડમાં ચૂંટણી પહેલાં જ અનેક ઉમેદવારોને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ બિનહરીફ ઉમેદવારોને ઇલેક્શન કમિશને વિજેતા જાહેર કરી દીધા છે.

અનેક નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં આવા ઉમેદવારો જોવા મળ્યા છે કે જેમનું ઉમેદવારીપત્ર કોઈક કારણોસર રદ થયું હોય, પરંતુ ઘણાં એવા ઉમેદવારો પણ છે, કે જેમણે પોતાનું ઉમેદવારી છેલ્લી ઘડીએ પાછો ખેંચી લીધી હોય.

હાલમાં જ વડોદરા ખાતેની એક જાહેરસભામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો, ચૂંટણી પહેલાં જ 219 જેટલી સીટો પર જીતી ચૂક્યા છે. તેમણે પોતાના વકતવ્યમાં દાવો કર્યો હતો કે, ભાજપે જિલ્લા પંચાયતની 24 સીટો, તાલુકા પંચાયતની 110 સીટો, મ્યુનિસિપાલિટીની 85 સીટો જીતી લીધી છે.

તેમણે એ પણ ક્હ્યું હતું કે કડી મ્યુનિસિપાલિટીની 36માંથી 26 સીટો ભાજપે જીતી લીધી છે અને ઉના મ્યુનિસિપાલિટીની 36માંથી 21 સીટો જીતી લીધી છે.

ઉમેદવારો બિનહરીફ કેવી રીતે થાય છે?

કોઈ પણ ચૂંટણી થાય તો તેમાં ઉમેદવારોએ એક ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, અને રાજ્યના ચૂંટણીપંચનાં નીતિ-નીયમો પ્રમાણે ફૉર્મ ભરવાનું હોય છે, અને તેમાં યોગ્ય દસ્તાવેજોનું બીડાણ કરવાનું હોય છે.

ચૂંટણી લડવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારો આ ફૉર્મ ભરીને તેમાંની તમામ વિગતો સારી રીતે ચકાસીને, જોઈતા ડૉક્યુમેન્ટ બીડાણ કરીને ચૂંટણી અધિકારીને સુપરત કરતા હોય છે, અને તે ફૉર્મની ચકાસણી થતી હોય છે.

આ ચકાસણી દરમિયાન અમુક નાના-મોટા ફેરફાર કરવા માટેની તકો પણ ચૂંટણીઅધિકારી ઉમેદવારને 24 કલાક સુધી આપતા હોય છે.

ચકાસણીની પ્રક્રિયા વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં નાયબ ચૂંટણી કમિશનર, કે. એન. ચાવડાએ જણાવ્યું કે, રાજ્ય ચૂંટણીપંચના રિટર્નિંગ ઑફિસર ફૉર્મની ચકાસણી કરતા હોય છે, અને ફૉર્મ પાછાં ખેંચવાનાં હોય તે દિવસના ૩ વાગ્યા સુધી જેટલા ઉમેદવારોનાં ફૉર્મ તમામ ધારાધોરણો પ્રમાણે યોગ્ય હોય તેવાં ફૉર્મને જ સ્વીકારીને ઉમેદવારી જાહેર કરવામાં આવે છે.

આ યાદી પ્રમાણે જ ઉમેદવારો નક્કી થતા હોય છે અને ત્યાર બાદ યોગ્ય ઠરેલા ઉમેદવારોને એક ક્રમાંક આપવામાં આવે છે.

જોકે આ વખતની ચૂંટણીમાં જોવા મળ્યું હતું કે અમુક ઉમેદવારી ઘરમાં ટૉઇલેટ ન હોવાને કારણે પણ રદ થઈ છે. અમદાવાદની જિલ્લા પંચાયતની સીંગરવા સીટ પરથી ચૂંટણી લડવા માટે ફૉર્મ ભરનાર કોંગ્રેસનાં ઉમેદવાર ક્રિના પટેલનું ફૉર્મ એટલા માટે રદ થઈ ગયું હતું, કારણ કે તેમણે સીંગરવાના જે ઘરે પોતાનું સરનામું જાહેર કર્યું હતું તે ઘરમાં ટૉઇલેટની સગવડ ન હતી.

તેમના હરીફ ભાજપના ઉમેદવારોએ આની જાણ રિટર્નિંગ ઑફિસરને કરી તો તેમની ઉમેદવારી રદ કરી દેવામાં આવી હતી.

જોકે આ આવો એક જ કિસ્સો છે, બાકી અનેક સ્થળોએ ઉમેદવારોએ પોતે અંતિમ દિવસે ફૉર્મ પરત લઈ લીધાં હતાં, જેમાંથી ઘણા કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવારો હતા.

શું કહેવું છે કાયદાકીય નિષ્ણાતોનું?

આ વિશે બીબીસી ગુજરાતીએ ધારાશાસ્ત્રી કે.આર. કોષ્ટી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે "યોગ્ય રીતે ફૉર્મ ન ભરાયાં હોય અને તે રદ થાય તે વાત સમજાય છે, પરંતુ જ્યારે અનેક ઉમેદવારોને પાર્ટી મેન્ડેટ આપી દે, ફૉર્મ સ્વીકારાઈ ગયો હોય તેના પછી ફૉર્મ પાછું ખેંચી લે તે એક સ્વસ્થ લોકશાહીની નિશાની નથી. આ માટે બન્ને મોટા પક્ષો જવાબદાર છે, કારણ કે જે વૉર્ડમાં બિનહરીફ ઉમેદવાર આવી ગયા છે, તે વૉર્ડમાં ચૂંટણી જ નહીં થાય અને તે વિસ્તારના લોકો વોટ આપવાના પોતાના અધિકારથી વંચિત રહી જશે."

જોકે આવી જ રીતે જ્યારે બીબીસી ગુજરાતીએ બીજા ધારાશાસ્ત્રી પંકજ ચાંપાનેરી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, "લોકોને વોટ કરવાનો અધિકાર એ એક મૂળભૂત અધિકાર નથી અને તે કાયદાની રૂએ મળેલો અધિકાર છે, માટે કાયદાનાં તમામ નીતિનિયમોનું પાલન કરવું જ પડે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી."

ગુજરાતમાં કેટલી બેઠકો છે?

રાજ્યના ચૂંટણીપંચ પ્રમાણે ગુજરાતમાં જિલ્લા પંચાયતની કૂલ 980 સીટો છે. રાજ્યમાં કૂલ 231 તાલુકા પંચાયતો છે, જેમાં 4,774 સીટો છે અને રાજ્યમાં છ મ્યુનિસિપાલિટીઓ છે જેમં 144 વૉર્ડ છે, જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ 48 વૉર્ડ અને ભાવનગરમાં સૌથી ઓછા 13 વૉર્ડ છે. હાલમાં ગુજરાતમાં 21મી ફેબ્રુઆરીએ બિનહરીફ જાહેર થઈ ચૂકી હો તે સિવાયની તમામ સીટો પર મતદાન થશે.

શું કહેવું છે રાજકીય વિશ્લેષકોનું?

આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ઘનશ્યામ શાહ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, "ગુજરાતની એ પરંપરા રહી છે કે સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં એક ચોક્કસ લડત, શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે જોવા મળે છે. અગાઉ એવું બનેલું છે કે સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓએ ભાજપને તેમને જોઈએ તેવાં પરિણામો નથી આપ્યાં. જોકે આ વખતે ચૂંટણી પહેલાં જ ભાજપ પાસે બે મ્યુનિસિપાલિટી આવી ચૂકી છે, માટે સમીકરણો પણ બદલાઈ શકે છે."

શાહે એ પણ કહ્યું કે આવતા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તે માટે સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ બન્ને મોટા પક્ષો માટે ખૂબ જ મહત્ત્વની થઈ ચૂકી છે, તેવામાં એક પણ સીટ આગળ-પાછળ થાય તે તે મોટાં પરિણામો ફેરવી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો