ટૂલકિટ કેસમાં દિશા રવિની જામીન અરજી પરનો ચુકાદો અદાલતે રિઝર્વ રાખ્યો

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ટૂલકિટ કેસમાં દિશા રવિની જામીન અરજી પરનો નિર્ણય મંગળવાર 23 માર્ચ સુધી અનામત રાખ્યો છે.

સુનાવણી દરમિયાન એડિશનલ સેશન જજ ધર્મેન્દ્ર રાણાએ ફરિયાદી પક્ષ પાસે દિશા રવિ પર લગાવવામાં આવેલા આરોપ અંગેના જરૂરી પુરાવા બાબતે સવાલ કર્યા હતા.

પોલીસ તરફથી એડિશનલ સૉલિસિટર જનરલ એસવી રાજુએ અદાલતને કહ્યું કે તપાસ હજી પ્રાથમિક તબક્કે છે અને દિશા સમેત અન્ય લોકોની પૂછપરછ બાકી છે એટલે જામીન ન આપવા જોઈએ.

એમણે દિશા પુરાવાનો નાશ કરી શકે છે એવો પોલીસને ભય છે એમ પણ કહ્યું.

દિશા રવિના વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે કહ્યું કે, દિશા એ ખાલિસ્તાન આંદોલનની વાત નથી કરી, હિંસાની પણ વાત નથી કરી. આંદોલનને સમર્થન આપવાની વાત કરવી એ કોઈ સમસ્યા નથી.

એમણે એમ પણ કહ્યુ કે પહેલાંથી જ પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે અને હજી પોલીસ દિશા પાસે વધારે ડિવાઇસ હોઈ શકે છે એમ કહે છે એ ચોંકાવનારી વાત છે.

એમણે એમ પણ કહ્યું કે જો બે લોકો ધરપકડ વગર તપાસમાં સહકાર આપી શકે છે તો દિશા પણ આપી શકે છે. દિશા તપાસ દરમિયાન દિલ્હીમાં રહેશે અને તપાસને સહયોગ આપશે.

અગ્રવાલે કહ્યું કે, "જે ટૂલકિટની પોલીસ વાત કરે છે એમાં ન તો હિંસાની કોઈ વાત છે, ન તો ઝંડો લહેરાવવાની. ટૂલકિટમાં માર્ચ કરવાની વાત છે તેને તો દિલ્હી પોલીસે જ પરવાનગી આપી હતી. ન તો દિશા કોઈ આયોજનમાં સામેલ હતાં કે ન તો રેલીમાં. આવામાં જે થયું એના માટે દિશાને જવાબદાર ન ઠેરવી શકાય."

ગુજરાતમાં કોરોના વાઇરસના નવા પ્રકારે ચિંતા કેમ જન્માવી?

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર બ્રિટન, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાં જોવા મળેલા કોરોના વાઇરસનો નવો વૅરિએન્ટ ભારત દેશમાં પણ જોવા મળ્યા છે.

આ નવા વૅરિએન્ટને લઈને ગુજરાત સરકાર પણ ચિંતામાં છે અને તેણે કોરોના વાઇરસના નવા મ્યુટેશનને લઈને કમર કસી છે.

નિષ્ણાતોના મતે નવા વૅરિએન્ટના કારણે કોરોના વાઇરસના દરદીને જલદી ન્યુમોનિયા થાય છે. જો સમયસર તેની તપાસ કરાવવામાં ન આવે તો મૃતકાંક વધી શકે છે.

આ પ્રકારના કેસ મહારાષ્ટ્રના અકોલા, અમરાવતી અને યવતમાલમાં નોંધાયા છે.

ગુજરાતનાં આરોગ્યસચવિ જયંતિ રવિએ જણાવ્યું છે કે આરોગ્યવિભાગે તમામ જિલ્લાના ક્લેક્ટર અને શહેરના કમિશનર સાથે વીડિયો કૉન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી.

જયંતિ રવીએ કહ્યું, "હાલ ચાલી રહેલી તૈયારી પડોશી રાજ્યમાં જોવા મળેલા કેસમાં વધારાને કારણે નથી પરંતુ નવા વૅરિએન્ટથી ચેતતા રહેવા માટે છે. બીજા રાજ્યોમાંથી આવતા મુસાફરોની તપાસ વધારે કરવામાં આવશે. રૅન્ડમ ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવશે."

તેમણે વધુમાં કહ્યું, "ખાનગી ડૉક્ટરોને પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વિચિત્ર લક્ષણ દેખાય તો રિપોર્ટ કરે."ઑ

આરોગ્યવિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે પહેલાંની જેમ 108 અને 104ની ઇમરજન્સી સર્વિસના ડેટા પર પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

ચૂંટણીમાં નોમિનેશન ફૉર્મ રદ ન થાય તે માટે એક લાખ રૂપિયાની લાંચ

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ગુજરાત ઍન્ટિ કરપ્શન બ્યૂરોએ મહેસાણામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક લાખ રૂપિયાની લાંચ લેવાના કથિત આરોપમાં એક રિટર્નિંગ અધિકારીની ધરપકડ કરી છે.

એસીબીએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મહિલા ઉમેદવારના ફૉર્મમાં વિરોધી ઉમેવાદારે વાંધો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં મહિલા ઉમેદવારે લેખિતમાં જવાબ કર્યો હતો.

જોકે આરોપી અધિકારીએ આ દરમિયાન મહિલા ઉમેદવારના પરિવારના એક વ્યક્તિનો સંપર્ક સાધીને કહ્યું હતું કે જો તમારે તમારું નૉમિનેશન ફોર્મ રદ ન કરાવવું હોય તો એક લાખ રૂપિયાની લાંચ આપવી પડશે. તેણે પોતાના ઉપરી અધિકારી માટે પણ અલગથી લાંચ માગી હતી. ત્યારબાદ રૂબરૂમાં પણ લાંચ માગવામાં આવી હતી.

ત્યારબાદ મહિલા ઉમેદવારે એસીબીમાં ફરિયાદ કરી હતી. જે બાદ ટ્રૅપ સેટ કરાતા આરોપીની ધરપકડ કરાઈ હતી.

મતગણતરીની તારીખે એક દિવસે રાખવાની અરજી ગુજરાત હાઈકોર્ટ રદ કરી

'ધ હિંદુ'ના અહેવાલ અનુસાર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની મતગણતરી અલગઅલગ દિવસે યોજવા સામે કરાયેલી અરજીને ગુજરાત હાઈકોર્ટે નકારી કાઢી છે.

કૉંગ્રેસ પાર્ટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે મ્યુનિસિપાલિટી અને પંચાયતની ચૂંટણીની મત ગણતરી એક સાથે કરવામાં આવે.

આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉર્પોરેશનની ચૂંટણી 21મી ફેબ્રુઆરીએ યોજાશે જ્યારે તેની મત ગણતરી 23મી ફેબ્રુઆરીએ થશે, જ્યારે જિલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણી 28મી ફેબ્રુઆરીએ યોજાવાની છે જેનું પરિણામ 2 માર્ચે આવવાનું છે.

કૉંગ્રેસની માગ હતી કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીની મતગણતરીની તારીખ સાથે હોવી જોઈએ.

જોકે ચૂંટણી પંચે દલીલ કરી હતી કે કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને અલગ-અલગ તારીખ જાહેર કરવામાં આવી હતી.

દિશા રવિની ધરપકડ પર ગ્રૅટા થનબર્ગે આપ્યું નિવેદન

આંતરરાષ્ટ્રીય પર્યાવરણ કર્મશીલ ગ્રૅટા થનબર્ગે ટૂલકિટ કેસમાં ધરપકડ કરાયેલાં પર્યાવરણ કર્મશીલ દિશા રવિના સમર્થનમાં ટ્વીટ કરીને કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા એવો માનવઅધિકાર છે જેના પર કોઈ કિંમતે સમાધાન કરી ન શકાય.

ગ્રૅટાએ આ પછી હૅશટેગ 'સ્ટેન્ડ વિથ દિશા રવિ'નો ઉપયોગ કર્યો છે. ગ્રૅટાએ 'ફ્રાઇડેસ ફૉર ફ્યૂચર ઇન્ડિયા' નામની સંસ્થાના ટ્વીટને રિટ્વીટ કરતા આ વાત કહી છે.

દિશા રવિ આ સંગઠનનાં જ કાર્યકર્તા છે અને અનેક ટ્વીટ કરીને દિશા રવિનું તેમણે સમર્થન કર્યું છે.

બીજા પોઇન્ટ પરથી સૈન્ય હઠાવવા માટે ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરે આજે વાતચીત

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર નવ મહિનાના સંઘર્ષ પછી લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ પરથી ભારત અને ચીનના સૈન્યે સૈનિકોને પરત બોલાવવાનો પહેલો તબક્કો પૂર્ણ કરી દીધો છે.

પહેલા તબક્કામાં નોર્થ અને સાઉથ પૅંગોગ ત્સો વિસ્તારમાંથી સૈનિકો પરત ફર્યા છે.

આજે બંને દેશો વચ્ચે કમાન્ડર સ્તરે વાતચીત થવાની છે જેમાં બીજા વિસ્તારોમાંથી સૈન્યને હઠાવવાને લઈને ચર્ચા થઈ શકે છે.

અધિકૃત સૂત્રને ટાંકીને અખબારે લખ્યું છે કે આર્ટિલરી, ટૅન્ક અને સૈનિકોને ઊંચાઈ પરથી હઠાવવાનું કામ બુધવારે પૂર્ણ થયું હતું. બંને તરફનાં સૈન્યે ગુરુવારે ગ્રાઉન્ડની સ્થિતિને ચકાસી હતી.

આજની માં પેટ્રોલિંગના રાઇટ્સ, દેમચોક વિસ્તારમાં સ્થાનિકોને પ્રાણીઓને ચરાવવા માટેના હક આપવાના વિષયો પર ચર્ચા થવાની સંભાવના છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો