ગુજરાતમાં શૌચાલય ન હોવાને કારણે ઉમેદવારીપત્ર રદ કરવા પર વિવાદ કેમ થઈ રહ્યો છે?

શૌચાલય ન હોવાના કારણે અમદાવાદ જિલ્લા પંચાયતની સિંગરવા બેઠકનાં કૉંગ્રેસનાં ઉમેદવાર ક્રિના પટેલનું ઉમેદવારીપત્રક રદ કરી નાખવામાં આવ્યું છે.

ક્રિના પટેલે ઉમેદવારીપત્રક સાથે વોટર આઇડી કાર્ડ પણ આપ્યું હતું જેમાં તેમણે પોતાનું સરનામું દસક્રોઈ તાલુકાના પટેલવાસ, કણબા -2 જણાવ્યું હતું. જોકે તપાસમાં કણબા-2 સ્થિત તેમના ઘરમાં શૌચાલય ન હોવાનું માલૂમ પડતાં તેમનું ઉમેદવારીપત્રક રદ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ જિલ્લા કૉંગ્રેસપ્રમુખ પંકજસિંહ વાઘેલાએ કહ્યું છે કે રાજકીય કારણોસર શૌચાલયનો મુદ્દો ઊભો કરીને ક્રિના પટેલનું ફૉર્મ રદ કરવામાં આવ્યું છે.

તેમણે ભાજપ સામે ચૂંટણી જીતવા માટે વિવિધ કાવતરાં કરવાનો આરોપ પણ મૂક્યો છે.

ફોર્મ રદ થતાં ક્રિના પટેલના પતિ મહેશ પટેલે જણાવ્યું કે તેઓ આવનારા દિવસોમાં હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે.

મામલો શું છે?

અમદાવાદ જિલ્લા પંચાયતની સિંગરવા બેઠકમાં કૉંગ્રેસ પક્ષ દ્વારા અમદાવાદના નરોડામાં રહેતાં ક્રિના પટેલને ટિકિટ આપવામાં આવી હતી.

સોમવારે ક્રિના પટેલના ઉમેદવારીપત્રકની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં રિર્ટનિંગ ઑફિસર કોમલ પટેલને તપાસમાં માલૂમ પડ્યું કે ક્રિના પટેલના ઘરે શૌચાલય નથી.

તેમણે આ વિશે ક્રિના પટેલને પ્રશ્ન કરતાં તેમણે જણાવ્યું કે તેમના ઘરે શૌચાલય નથી. આ કારણ આગળ ધરીને તેમનું ઉમેદવારીપત્રક રદ કરવામાં આવ્યું હતું.

ક્રિના પટેલના પતિ મહેશ પટેલે બીબીસીને જણાવ્યું , "સાંજે 4 વાગ્યે અમને જણાવવામાં આવ્યું કે ઉમેદવારીપત્રક રદ કરવામાં આવ્યું છે. ક્રિનાને માત્ર 10 મિનિટનો સમય પણ આપવામાં આવ્યો નહોતો અને તેને માત્ર એટલું જ પૂછવામાં આવ્યું કે શૌચાલય છે કે નહીં. ક્રિનાએ કહ્યું હાલ શૌચાલય નથી."

"ક્રિનાને કહ્યું કે નિવેદન લખી આપો અને તેમણે લખી આપ્યું અને તેના આધારે ઉમેદવારીપત્રક રદ કરવામાં આવ્યું છે. હું ચૂંટણી એજન્ટ તરીકે હાજર હતો પણ બોલવાની તક આપવામાં નહોતી. અમારા વકીલે રજૂઆત કરી પણ તેમને સાંભળવામાં આવ્યા નહીં."

તેઓ વધુમાં કહે છે, "હું 4 વર્ષથી નરોડામાં રહું છું અને પટેલવાસ, કણબા -2માં મારું જૂનું મકાન છે."

" છેલ્લાં 4 -5 મહિનાથી મકાનનું રિનોવેશન ચાલી રહ્યું છે અને રિનોવેશન માટે મેં ગ્રામ પંચાયતથી બધી મંજૂરી પણ લીધી છે. હાલ રિનોવેશન ચાલતું હોવાથી ઘરમાં શૌચાલયનું કામ ચાલી રહ્યું છે."

મહેશ પટેલ કહે છે કે તેઓ બે ટર્મથી સિંગરવા ગ્રામ પંચાયતના સભ્ય છે અને હાલમાં ગામના ડેપ્યુટી સરપંચ છે. અત્યાર સુધી તેઓ 5 વખત ચૂંટણી લડી ચૂક્યા છે.

તેઓ પ્રશ્ન કરે છે કે જો મારા ઘરે શૌચાલય ન હોય તો શું હું ચૂંટણી લડી શકું?

મહેશ પટેલ કહે છે કે વિરોધ પક્ષના ઉમેદવારને માહિતી હતી કે મારા મકાનમાં બાંધકામ ચાલી રહ્યું છે. તેમને ફોટો અને વીડિયો પાડીને રિર્ટનિંગ ઑફિસરને જણાવ્યું અને તેના આધારે ઉમેદવારીપત્રક રદ કરવામાં આવ્યું છે.

મહેશ પટેલ કહે છે કે તેમને ડમી ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો કારણકે આજ દિન સુધી આવી કોઈ ઘટના બની નથી.

અમદાવાદ જિલ્લા કૉંગ્રેસપ્રમુખ પંકજસિંહ વાઘેલા કહે છે, "ક્રિના પટેલનું ઘર વટવા વિધાનસભા ક્ષેત્રમાં આવે છે જે રાજ્યના મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો મતવિસ્તાર છે. એક તરફ રાજ્ય સરકાર કહે છે કે ગુજરાતના બધાં ઘરોમાં શૌચાલય છે ત્યારે પટેલવાસમાં શૌચાલય ન હોય તે કેવી રીતે શક્ય બને?"

"આ બધી ખોટી વાતો છે. ક્રિના પટેલના ઘરે શૌચાલય નથી એનો કોઈ વાંધો ઉઠાવ્યો નથી."

"અહીં સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. જો રિર્ટનિંગ ઑફિસરને લાગતું હોય કે ઘરે શૌચાલય નથી તો તપાસ કરાવવી જોઈતી હતી."

કાયદો શું કહે છે?

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર 2013માં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પંચાયત ઍક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે ઘરે શૌચાલય હોવું ફરજિયાત કરી નાખવમાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારના ક્લીન ઇન્ડિયા અંતર્ગત આ સુધારો કરવામાં આવ્યો હતો.

ઝમીર શેખ સુરતમાં એડવોકેટ તરીકે પ્રૅક્ટિસ કરે છે. તેઓ કહે છે કે કાયદો છે પરતું તેના અમલને લઈને પ્રશ્નો ઊઠતા રહ્યા છે.

"ઘણા ઉમેદવારોને આ કાયદા વિશે માહિતી પણ નથી."

તેઓ કહે છે, "ચૂંટણી અધિકારીઓ કાયદા વિશે વાત તો કરે છે પરતું ઉમેદવારો અજાણ હોય છે. ઘણા ઉમેદવારો જ્યારે પરિપત્રની માંગણી કરે છે ત્યારે અધિકારીઓ આપી શકતા નથી."

તેઓ કહે છે, "આ નિયમો નથી પરતું ગાઇડલાઇનો છે અને ઘણી વખત ચૂંટણીપંચ જે ઍફિડેવિટ કરવામાં આવે છે, તેની ચકાસણી સારી રીતે કરી શકતું નથી."

"જ્યારે સરકારને અનુકૂળ હોય ત્યારે ઘણા નિયમો બાજુમાં મૂકી દેવામાં આવે છે. મારા મતે અમુક નિયમો બિનજરૂરી છે અને સરકારે તેમાં છૂટ આપવી જોઈએ."

"સરકાર જેમ ઇચ્છે છે તેમ કાયદા બનાવે છે અને મનફાવે ત્યારે તેમાં સુધારો કરી નાખવામાં આવે છે."

ભાજપનું શું કહેવું છે?

ગુજરાત ભાજપના પ્રવક્તા કિરીટ સોલંકીએ જણાવ્યું કે, "ચૂંટણીપંચ સ્વતંત્ર છે અને એના નિયમો પ્રમાણે કામ કરતું હોય છે. જો ઉમેદવારીપત્રકમાં કોઈ વસ્તુ ખૂટતી હોય તો એમાં ઉમેદવારીપત્રક રદ કરવાનો હક છે."

"ચૂંટણીપંચની કામગીરીમાં ભાજપનો કોઈ હાથ નથી અને આ આક્ષેપો બેબુનિયાદ છે. કૉંગ્રેસ ચૂંટણી હારવાની છે અને એટલા માટે કૉંગ્રેસ આવા બહાના કરી રહી છે. ઉમેદવારીપત્રક રદ કરવું કે સ્વીકારવું તે અધિકારીઓ નક્કી કરે છે અને ભાજપની આમા કોઈ ભૂમિકા નથી."

અગાઉ ઉમેદવારીપત્રક રદ થઈ ચૂક્યા છે

શૌચાલય ના હોવાના કારણે ગુજરાત સહિત બીજાં રાજ્યોમાં પણ ઉમેદવારીપત્રક રદ કરવામાં આવ્યાં છે.

ધ હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર 2016માં બૈતુલ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં સંતોષ પંડરામ નામની વ્યક્તિનું ઉમેદવારીપત્રક એટલા માટે રદ કરવામાં આવ્યું હતું કારણકે તેમના ઘરે શૌચાલય નહોતું. બૈતુલ કલેક્ટર શંશાક મિશ્ર દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો.

અહેવાલ અનુસાર કલેક્ટરે જણાવ્યું હતું કે જે ઉમેદવારોના ઘરે શૌચાલય નથી તેમને પંચાયતની ચૂંટણી લડતા અટકાવવા માટે ચૂંટણીપંચે મંજૂરી આપી છે.

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકા પંચાતની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર રાધા રંગાપારનું ઉમેદવારીપત્રક તેમના ઘરે શૌચાલય ન હોવાના કારણે રદ કરી દેવામં આવ્યું હતું રંગાપારા થાન તુલાકા પંચાયતની સોનગઢ બેઠકથી ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું હતું.

આ વર્ષે પોરબંદર મહાનગરપાલિકામાં કૉંગ્રેસના ઉમેદવાર નાઝીર રાયકુર્દાનું ઉમેદવારીપત્રક પણ રદ કરવામાં આવ્યું હતું. તેમણે પોરબંદર મહાનગરપાલિકા વૉર્ડ નંબર 15થી ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું હતું.

2014માં નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકા પંચાયતની ચૂંટણીમાં શૌચાલય ન હોવાના કારણે કૉંગ્રેસના ઉમેદવાર અશોક તલાવીયાનું ઉમેદવારીપત્રક રદ કરી નાખાવામાં આવ્યું હતું.

અશોક તલાવીયાએ અજરાઈ બેઠકથી ઉમેદવારીપત્રક ભર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો