ખેડૂત આંદોલનમાં ખાપ પંચાયતોની વધી રહેલી શક્તિ શું અસર કરશે?

ઇમેજ સ્રોત, SAT SINGH/ BBC
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી સંવાદદાતા
26 જાન્યુઆરીની ટ્રૅક્ટર રેલીમાં થયેલી હિંસા બાદ ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતનો એક ભાવનાત્મક વીડિયો સામે આવ્યો હતો. નિષ્ણાતોના મતે આ વીડિયો જારી થયા બાદ ખેડૂત આંદોલનનું કેન્દ્ર પંજાબથી હઠીને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં શિફ્ટ થઈ ગયું. રાકેશ ટિકૈતના ભાવનાત્મક વીડિયો બાદ તેમના સમર્થનમાં ખાપ મહાપંચાયત બોલાવવામાં આવી હતી. તેમજ મુઝફ્ફરનગરથી બાગપત સુધી ખેડૂત પંચાયત અને ખાપ પંચાયતોનું ખેડૂતોના આંદોલનને સમર્થન મળવાનું શરૂ થઈ ગયું હતું.
આ સિવાય હરિયાણામાં પણ ટિકૈતના ભાવનાત્મક નિવેદન બાદ જાટ પ્રભુત્વવાળા વિસ્તારોની ખાપ પંચાયતોનું સમર્થન મળવા લાગ્યું હતું.

ઇમેજ સ્રોત, ANI
હવે ખેડૂત આંદોલન અને રાકેશ ટિકૈતના ભાવનાત્મક નિવેદન બાદ ફરી વાર હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મજબૂત પકડ ધરાવતી ખાપ પંચાયતો ફરી વાર ચર્ચામાં આવી છે.
ખેડૂત આંદોલનમાં ખાપ પંચાયતોની વધી રહેલી શક્તિની સંભવિત અસરો અંગે વાત કરવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.

‘ખાપના સમર્થન બાદ ખેડૂત આંદોલન લાંબું ચાલશે’

ઇમેજ સ્રોત, ANI
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર અને જાણીતા સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહ માને છે ખેડૂત આદોલનમાં ખાપ પંચાયતોની વધી રહેલી શક્તિની આંદોલન પર ઘણી મોટી અસર પડવાની છે.
તેઓ કહે છે કે, “ખાસ કરીને હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં આ ફેરફારની અસર મોટા પ્રમાણમાં જોવા મળશે. હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ખાપ પંચાયતોની પકડ ખાસી મજબૂત છે. તેમજ આ પંચાયતોમાં મોટા ભાગની વસતિ જાટ છે. આ આંદોલનમાં જ્ઞાતિ અને વર્ગ બંને એકસાથે આવ્યાં છે. જેથી આ આંદોલન પહેલાં કરતાં વધુ લાંબું ચાલે તેવી પૂરેપૂરી શક્યતા છે.”
ખેડૂત આંદોલનમાં ખાપ પંચાયતની વધી રહેલી શક્તિની સંભવિત અસરો વિશે વાત ઉત્તર પ્રદેશમાં બીબીસીના સહયોગી પત્રકાર સમીરાત્મજ મિશ્ર સાથેની વાતચીતમાં તેઓ પ્રો. ઘનશ્યામ શાહની વાત સાથે સંમત થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે, “પાછલા અમુક દિવસોની વાત કરીએ તો ખાસ કરીને રાકેશ ટિકૈતની બોડી લૅંગ્વેજ પરથી એવું લાગી રહ્યું છે કે તેમને ખાપ જે વિસ્તારોમાં પ્રભાવ ધરાવે છે ત્યાંથી તેમને મોટા પાયે સમર્થન મળી રહ્યું છે. આ સમર્થનને કારણે ખેડૂત આંદોલન નજીકના ભવિષ્યમાં નબળું પડી જશે એ વાતની સંભાવના બિલકુલ ઓછી છે. હવે આ આંદોલન લાંબું ચાલશે તેમાં કોઈ બેમત નથી.”

ઇમેજ સ્રોત, Getty Images
ખેડૂત આંદોલનને લાંબું ચલાવવા માટે અપનાવાઈ રહેલી રણનીતિ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “ખાપ પંચાયતોનું સમર્થન મળ્યા બાદ ખેડૂત આંદોલન વધુ વ્યવસ્થિત બન્યું છે. કારણ કે હવે આંદોલનના નેતાઓએ રણનીતિ બનાવી છે કે એક ઘરમાંથી ચાર લોકો ખેડૂત આંદોલનમાં વારાફરતી જોડાશે. આ રણનીતિ આંદોલનને લાંબું ચાલવાનું છે તે વાતનો નિર્દેશ કરે છે.”
ખાપ પંચાયતોને લીધે ખેડૂત આંદોલનને મજબૂતી મળી છે તે વાત તો દેખીતી છે જ પરંતુ શું ખેડૂત આંદોલનને કારણે ખાપ પંચાયતો પણ વધુ મજબૂત બની છે? આ પ્રશ્ન અંગે જવાબ આપતાં સમીરાત્મજ મિશ્ર કહે છે કે, “જાટ પ્રભાવિત વિસ્તારોમાં ખાપ પંચાયતોનું રાજકીય મહત્ત્વ નિર્વિવાદ છે. તે ઘણા સમયથી આ વિસ્તારોમાં સૌથી વદુ પ્રભાવિત કરનારી સંસ્થા સાબિત થઈ છે. પરંતુ ખેડૂત આંદોલનને લીધે તેને મજબૂતી મળી હોય તેવું નથી. તે અગાઉથી મજબૂત હતી. હવે માત્ર આ સમગ્ર વિસ્તારની તમામ ખાપ પંચાયતો એક સાથે ઍક્ટિવ થઈ છે. જે કારણે તેની રાજકીય અને સામાજિક અસરો તો પેદા થવાની જ છે.”

ઇમેજ સ્રોત, Getty Images
ખેડૂત અને આંદોલન અને ખાપ પંચાયતના પારસ્પરિક સંબંધ વિશે વાત કરતાં કૃષિ નિષ્ણાત કવિતા કુરુઘંટી જણાવે છે કે, “હાલમાં ખાપ પંચાયતો ખેડૂત ભાઈઓને અને તેમની માગણીઓને સમર્થન કરી રહી છે. પરંતુ ખાપ પંચાયતો ખેડૂત આંદોલનને સંપૂર્ણ મુદ્દો સમજીને સમર્થન આપી રહી છે એવું નથી. તેમનું સમર્થન આંદોલન કરી રહેલા ખેડૂતોનું મનોબળ વધારવા માટે છે. ખાપ પંચાયતોનું સમર્થન સરકાર અને તંત્ર દ્વારા ખેડૂતો વિરુદ્ધ કરાઈ રહેલા દમન સામે છે. તેઓ સરકારને સંકેત આપવા માગે છે કે ખેડૂતો સાથે તેમની શક્તિ જોડાયેલી છે.”
તેઓ ખાપ પંચાયતોના સમર્થનને કારણે ખેડૂત આંદોલન મજબૂત બન્યું છે તેવું તો માને છે પરંતુ આ સમર્થનને કારણે આંદોલનની અવધિ પર વધુ અસર થશે તેવું તેઓ માનતાં નથી. તેઓ કહે છે કે, “ખાપ પંચાયતોના સમર્થનને કારણે આ આંદોલન હવે દેશના વિવિધ ભાગોમાં વધુ પ્રબળ બન્યું છે. પરંતુ તેની અવધિમાં ખાપ પંચાયતોના સમર્થનથી વધુ અસર નહીં થાય કારણ કે આંદોલનની અવધિ સરકારના હાથમાં છે. જો સરકાર તેને લાંબું ખેંચવા માગશે તો તે ખેંચશે. પરંતુ ખેડૂતો તો શરૂઆતથી જ છ-બાર મહિનાની તૈયારી સાથે જ આવ્યા હતા. તેથી હું નથી માનતી કે આ સમર્થનથી ખેડૂત આંદોલનની અવધિ વધુ વધશે.”

શું છે ખાપ અને ખાપ પંચાયત?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી હિંદીના સહયોગી અને વરિષ્ઠ પત્રકાર સમીરાત્મજ મિશ્રા ‘ખાપ’નો સામાન્ય અર્થ સમજાવતાં કહે છે કે, “સામાન્ય રીતે ખાપ એટલે એક ગોત્રના લોકો કે કુટુંબોનો મોટો સમૂહ. આ સમૂહમાં લોકોમાં એકમાત્ર સમાનતા હોય છે તેમની ઉત્પત્તિનું મૂળ. એક ખાપમાં રહેલા તમામ લોકોની ઉત્પત્તિનું મૂળ સમાન હોય છે. એક ખાપ સાથે સંકળાયેલા લોકો ભલે જુદા જુદા વિસ્તારોમાં સ્થાયી થયેલા હોય પરંતુ તેમની ઉત્પત્તિના મૂળના પ્રમાણે તેમના તેઓ જુદા જુદા ખાપમાં વહેંચાયેલા હોય છે.”
સંશોધક જુહી ગુપ્તા દ્વારા લખેલ કાસ્ટ, કલ્ચર ઍન્ડ ખાપ : નો ઑનર, ઑન્લી કિલિંગ્સ સંશોધન પેપરમાં ખાપ અને ખાપ પંચાયતોની વ્યાપક સમજ આપવામાં આવી છે.
તે પ્રમાણે, “ખાપ અને સર્વ ખાપ એ હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ચાલતી આવતી સામાજિક વહીવટ અને વ્યસ્થાતંત્રની સદીઓ જૂની સિસ્ટિમ છે. ઈસવીસન પૂર્વ 2,500 વર્ષ અગાઉથી એટલે કે ઋગવેદ કાળથી ખાપમાં આવતાં ગામડાંના સમૂહમાં રહેતા લોકો પણ ખાપ તરીકે ઓળખાતા.”
ખાપની કાર્યપદ્ધતિ વિશે આ સંશોધનપત્રમાં થયેલી નોંધ મુજંબ, “ખાપની સામાજિક વહીવટ અને વ્યવસ્થાતંત્રના માળખું એક પ્રજાસત્તાક સમાજ સ્વરૂપનું હતું. જે આગેવાની પરિષદના પાંચ સભ્યો કરતા. આમ ખાપ એ ચોક્કસ ભૌગોલિક વિસ્તારનો સામાજિક-રાજકીય સમૂહ છે.”
આ સંશોધનપત્રમાં આગળ જણાવાયું છે કે, “ખાપ મોટા ભાગે 84 ગામોના સમૂહને કહેવામાં આવે છે.”

ઇમેજ સ્રોત, Getty Images
આ સંશોધનપત્રમાં ખાપ સિસ્ટિમને યુવાનો પર તેમના પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાની તેમની પસંદગીના અધિકારને મર્યાદિત કરવા મામલે નિતીગત દબાણ કરતી સંસ્થા ગણાવાઈ છે. જે ન માત્ર યુવાનોમાં પરંતુ તેમના પરિવારોમાં પણ ગભરાટનો માહોલ પેદા કરવા માટે નિમિત્ત બને છે.
આ ખાપ પંચાયતના નિયમોને પોલીસ પ્રશાસન અને રાજકીય દળોની માન્યતા અંદરખાને હાંસલ હોઈ ખાપના સભ્યો સરળતાથી કથિત અપરાધીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.
સંશોધનપત્ર અનુસાર ખાપના આવા પ્રભાવને કારણે તે માત્ર કોઈક એક વિસ્તાર, સમાજ કે ધર્મ પુરતી મર્યાદિત રહી જતો નથી. તે હરિયાણા અને ઉત્તર પ્રદેશના લગભગ તમામ વિસ્તારોમાં હાજર જોવા મળે છે.
જુદા જુદા ખાપની વાત કરીએ તો હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોમાં અહલાવત ખાપ, રાઠી ખાપ, બલિયાન ખાપ, ગુર્જર ખાપ, ભડાણા ખાપ, કલસિયન ચૌહાણ રાણા ખાપ, કસાના ખાપ, ખતાના ખાપ, બૈંસલા ખાપ, ભાટી ખાપ, કરહના ખાપ, પવાર ખાપ, બાતર ખાપ, છોકર ખાપ, રાવલ ખાપ, નગર ખાપ દેધા ખાપ, તોમર ખાપ અને ચૌહાણ ગુર્જર ખાપ વગેરે ખાપ અસ્તિત્વમાં છે.
જુદા જુદા ખાપ દ્વારા નિયંત્રિત વિસ્તારોમાં પ્રેમવિવાહને માન્યતા નથી. માત્ર લગ્ન જ નહીં અન્ય ઘણા સામાજિક મામલાઓમાં ખાપના સ્થાપિત નિયમો અનુસરવાનું ખાપના સભ્ય પરિવારો માટે ફરજિયાત હોય છે. જો આ નિયમોનું ઉલ્લંઘન થાય તો તેના ન્યાય માટે જે સમિતિ બેસે છે, તેને ખાપ પંચાયત નામ આપવામાં આવ્યું છે. આ સમિતિ ઘણી વખત વિવાદાસ્પદ કહી શકાય તેવા હુકમો કરીને તેના અમલીકરણનો આગ્રહ કરે છે. આ સમિતિ અવારનવાર નિયમોના ઉલ્લંઘન સિવાય નવા નિયમો ઘડવા સાથે સંકળાયેલી પણ હોય છે.

બીબીસી હિંદીના એક અહેવાલમાં ખાપ પંચાયત અંગે વધુ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. આ અહેવાલ મુજબ “પરંપરાગત પંચાયતો ઘણા પ્રકારની હોય છે. ખાપ પંચાયતો પણ પારંપરિક પંચાયતો જ છે જે આજકાલ ઘણી ઉગ્ર દેખાઈ રહી છે. પરંતુ તેમને કોઈ આધિકારિક માન્યતા હાંસલ નથી.”
“એક ગોત્ર કે પછી સમૂહના તમામ ગોત્ર મળીને ખાપ પંચાયત બનાવે છે. તે પાંચ કે 20-25 ગામોની પણ હોઈ શકે છે. જે ગોત્ર જે વિસ્તારમાં વધુ પ્રભાવશાળી હોય છે, તેનું એ ખાપ પંચાયતમાં વધુ વર્ચસ્વ હોય છે. ઓછી વસતિવાળા ગોત્ર ફણ પંચાયતમાં સામેલ થાય છે પરંતુ પ્રભાવશાળી ગોત્રની ખાપ પંચાયતમાં ચાલે છે. ગામના તમામ નિવાસીઓને બેઠકમાં બોલાવવામાં આવે છે અને જે નિર્ણય લેવામાં આવે છે તે બધા માટે બંધનકર્તા હોય છે.”
આ અહેવાલ અનુસાર, “સૌ પ્રથમ ખાપ પંચયતો જાટ લોકોની હતી. વિશેષપણે પંજાબ-હરિયાણાના પછાત વિસ્તારોમાં જાટ લોકો પાસે ભૂમિ છે, પશાસન અને રાજકારણમાં તેમનો સારો એવો પ્રભાવ છે, જનસંખ્યા પણ વધુ છે.”

ખાપ પંચાયતોના કેટલાક વિવાદાસ્પદ આદેશો

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં દલિત પરિવારના એક યુવક સ્થાનિક જાટ સમુદાયની છોકરી સાથે ઘર છોડીને નાસી ગયો હતો. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે સ્થાનિક ખાપ પંચાયતે આ દલિત યુવકની બહેન પર આ તેમના ભાઈના કૃત્ય બદલ બળાત્કાર ગુજારી અને ગામમાં નગ્ન અવસ્થામાં ફેરવવાનું ફરમાન કર્યું હતું. જે કારણે આ પરિવારને ગામ છોડવાની ફરજ પડી હતી. યુવતીએ ખાપ પંચાયતના આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
હિંદુસ્તાન ટાઇમ્સ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર વર્ષ 2015માં રાજસ્થાનની એક ખાપ પંચાયત દ્વારા એક મહિલાને એક પરપુરુષ સાથે તેમની પત્ની તરીકે રહેવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. આવું ફરમાન એટલા માટે કરવામાં આવ્યું હતું કારણ કે તે સ્ત્રીના પતિ આ પુરુષનાં પત્નીને લઈને ભાગી ગયા હતા. જે બદલ ખાપ પંચાયતે મહિલા સામે આ પુરુષ સાથે તેમનાં પત્ની તરીકે રહેવાનો કે તેમને વળતર આપવાના વિકલ્પો મૂક્યા હતા.
ટાઇમ્સનાઉન્યૂઝ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના બાલિયાન ખાપ પંચાયત દ્વારા વર્ષ 2020માં પુરુષોને હાફ પેન્ટમાં ફરવાની મનાઈ ફરમાવી હતી. આ ફરમાન માટે કારણ આપતાં ખાપ પંચાયતે જણાવ્યું હતું કે હાફ પેન્ટ અણછાજતી છબિ ઉપજાવે છે. તેમજ ખાપ પંચાયતે કહ્યું હતું કે માત્ર સ્ત્રીઓ પર નિયંત્રણો મૂકવા યોગ્ય બાબત નથી. આ પહેલાં બાલિયાન ખાપ દ્વારા સ્ત્રીઓને જીન્સ પહેરવા પર પાબંદી લગાવી હતી. ખાપ પંચાયત અનુસાર આ નિયમનું બરાબર પાલન થયું હતું. છોકરીઓ માટે જીન્સ પહેરવાના મનાઈહુકમની સાથોસાથ પંચાયતે છોકરીઓ પર મોબાઇલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા પર પણ પાબંદી મૂકી દીધી હતી.
નોંધનીય છે કે બાલિયાન ખાપના પ્રમુખ ખેડૂત નેતા રાકેશ ટિકૈતના મોટા ભાઈ નરેશ ટિકૈત છે.
આમ. અવારનવાર દેશના વિવિધ ભાગોની ખાપ પંચાયતો દ્વારા દેશના બંધારણ સાથે વિષમતા ધરાવતા આદેશો આપવામાં આવે છે. ખાસ કરીને લગ્નવિષયક બાબતો પર નિયંત્રણ રાખવા માટે આ ખાપ પંચાયતો ખૂબ ચર્ચામાં રહે છે.

સર્વસંમતિના નામે એકપક્ષી નિર્ણયો

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી હિંદીના અહેવાલમાં ખાપ પંચાયતના નિર્ણયો લેવાની પ્રક્રિયા વિશે વાત કરવામાં આવી છે. જે પ્રમાણે, “ખાપ પંચાયતમાં પ્રભાવશાળી લોકો કે ગોત્રનું વર્ચસ્વ રહે છે. સાથે જ તેમાં મહિલાઓ પણ સામેલ નથી થતી. ન તેમનું કોઈ પ્રતિનિધિત્વ હોય છે. આ માત્ર પુરુષોની પંચાયતો હોય છે અને માત્ર તેઓ જ નિર્ણય લે છે.”
“આવી જ રીતે દલિતો કાં તો આવી પંચાયતોમાં હાજર નથી હોતા અથવા તેમને આ પંચાયતોમાં બોલવાનો મર્યાદિત અધિકાર હોય છે. આ સિવાય યુવાન વર્ગને પણ પંચાયતની બેઠકમાં બોલવાનો અધિકાર નથી હોતો.”
અહેવાલ અનુસાર ખાપ પંચાયતોને હાલનાં વર્ષોમાં પોતાના ઘટતા પ્રભુત્વની ચિંતા થવા લાગી છે. તેથી તેઓ સંવેદનશીલ અને ભાવનાત્મક મુદ્દા ઉઠાવે છે જેથી તેમને સામાન્ય લોકોનું સમર્થન હાંસલ થઈ શકે. જેમાં તેઓ ઘણી ખરી હદે કામયાબ પણ થાય છે.

સમાજના પછાત વર્ગ પર પડનારી અસરો વિશે શું માને છે નિષ્ણાત?

ઇમેજ સ્રોત, Getty Images
સમય સાથે ખેડૂત આંદોલનને જુદી જુદી ખાપ પંચાયતોનું સમર્થન મળવાથી તેની શક્તિ વધી છે તેવી જ રીતે ગ્રામીણ સ્તરે પહેલાંથી મજબૂત એવી ખાપ પંચાયતો ખેડૂત આંદોલનનું સેન્ટિમેન્ટ તેની સાથે સંકળાઈ જતા તે વધુ મજબૂત બની હોવાનું નિષ્ણાતો માને છે.
આગળ નોંધ્યું છે તેમ ખાપ પંચાયતોમાં ગામમાં રહેતા દલિત પરિવારનો ભાગ્યે જ કોઈ મત લેવામાં આવતો હોય છે. ભારતીય સમાજની જેમ ખાપ પંચાયતોની પ્રાથમિકતા બાબતે પણ આ વર્ગ સૌથી નીચેના સ્તરે જ છે. જે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. તેમજ ખાપ પંચાયતના મોટા ભાગના નિર્ણયો બહુમતી ધરાવતી જાતિ જે સામાન્યપણે ગામની ઉચ્ચ જ્ઞાતિ હોય છે તેમના પક્ષે હોય છે, આવી પરિસ્થિતિમાં ખાપ પંચાયતના નિર્ણયોથી દલિતો ઘણી વખત અન્યાય થયો હોવાનું નોંધાયું છે.
આમ, ખાપ પંચાયતના વધતા પ્રભાવની સમાજમાં દલિતોની પરિસ્થિતિ પર કેવી અસર પડશે તે અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ નૅશનલ કૅમ્પેન ઓન દલિત રાઇટ્સના જનરલ સેક્રેટરી પોલ દિવાકર સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું કે, “હાલની પરિસ્થિતિ મુજબ દલિત સમુદાય, જેઓ મોટા ભાગે ગામડાંમાં ખેતમજૂરો તરીકે રોકાયેલા હોય છે, વિવાદિત કૃષિકાયદાને પાછા ખેંચી લેવા બાબતે ખેડૂત સંગઠનોની સાથે છે. કારણ કે ખેડૂત સંગઠનોની જેંમ જ ખેતમજૂર તરીકે રોકાયેલા દલિત સમુદાયને પણ ખેતી ક્ષેત્રે પ્રાઇવેટાઇઝેશન કે કૉર્પોરેટાઇઝેશન થાય એ મંજૂર નથી.”
તેઓ ખાપ પંચાયતોના એકીકરણ અને વધી રહેલા પ્રભાવને કારણે ગ્રામ્ય સ્તરે દલિતોની પરિસ્થિતિ પરની અસરો વિશે વાત કરતાં કહે છે કે, “એક વખત ખેડૂત આંદોલનનો કોઈક ઉકેલ આવે તો પછી ગ્રામીણ સ્તરે ખેતમજૂરો તરીકે રોકાયેલા દલિતોની પરિસ્થિતિ સુધારવા માટે આંદોલન ચલાવવામાં આવશે. કારણ કે પંચાયતો અને ખેડૂત સંગઠનોની માગણીઓ સ્વીકારાઈ ચૂકી હશે ત્યારે ખેતમજૂરો પોતાની ન્યૂનતમ મજૂરી વધારવા માટેની માગ મૂકવા માટે વધુ સારી સ્થિતિમાં હશે. પરંતુ તેને ખાપ પંચાયતના વધી રહેલા પ્રભાવ સાથે સીધો સંબંધ નથી.”


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












