સચીન તેંડુલકર અને લતા મંગેશકરને ટ્વીટ કરવાનું કહેવું ખોટું છે - રાજ ઠાકરે

ઇન્ટરનૅશનલ પોપ સ્ટાર રિહાના અને પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કરતાં ઘણી સામાજિક, રાજકીય અને અન્ય ક્ષેત્રો સાથે સંકળાયેલી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં સચીન તેંડુલકર અને લતા મંગેશકરનો પણ સમાવેશ થાય છે.

આ મામલે શરદ પવારે સમજીને બોલાવની સલાહ આપી તો રાજ ઠાકરેએ કહ્યું સરકારે લતાદીદી અને સચીનનો ટ્વીટ કરવામાં ઉપયોગ નહોતો કરવો જોઈતો.

સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ગ્રેટા અને રિહાનાના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક તેમને આ મામલાથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. કેટલાક આ ટ્વીટને લઈને સરકારની ટીકા કરી રહ્યા છે તો કેટલાક સરકારના બચાવ માટે કૂદી પડ્યા છે.

આ યાદીમાં ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર અને સ્વર કોકિલા લતા મંગેશકરનું નામ પણ સામેલ છે.

ગ્રેટા અને રિહાનાના ટ્વીટ બાદ સચીન તેંડુલકરે અને લતા મંગેશકરે સરકારનો પક્ષ લીધો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.

સચીન અને લતા મંગેશકરે પોતાનાં ટ્વીટની સાથે હૅશટૅગ ઇન્ડિયા અગેન્સ્ટ પ્રોપેગેન્ડા યુઝ કર્યું હતું.

હવે સચીન અને લતા મંગેશકરના આ ટ્વીટ અંગે કેટલાક રાજનેતાઓની પ્રતિક્રિયા આવતાં આ મુદ્દો ફરી ચર્યામાં આવ્યો છે.

સચીન-લતાને ટ્વીટ કરવાનું કહેવું ખોટું છે - રાજ ઠાકરે

NCP સુપ્રીમો શરદ પવારે પણ સચિનને સલાહ આપી છે. તેમણે સચીનને સલાહ આપતાં કહ્યું છે કે તેમણે બીજા ક્ષેત્ર વિશે બોલતી વખતે સાવધાની રાખવી જોઈએ.

સમાચાર એજન્સી ANI પ્રમાણે શરદ પવારે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, “તેમણે (ભારતીય હસ્તીઓએ) જે સ્ટેન્ડ લીધું તેના પર ઘણી કઠોર પ્રતિક્રિયાઓ આવી રહી છે. સચીને તેંડુલકરને મારી સલાહ છે કે તેઓ પોતાના ક્ષેત્રના બહારના વિષય પર બોલવામાં સાવધાની રાખે.”

તેમજ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સુપ્રીમો રાજ ઠાકરેએ પણ સરકાર પર ઇન્ટરનૅશનલ હસ્તીઓ સામે લતા મંગેશકર અને સચીન તેંડુલકર જેવી ભારતીય હસ્તીઓનો ઉપયોગ કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે.

તેમણે રિપોર્ટરો સાથે વાતચીત કરતાં આ મુદ્દે કહ્યું હતું કે, “ભારત સરકારે ઇન્ટરનૅશનલ હસ્તીઓ દ્વારા ખેડૂત આંદોલનને મળી રહેલા સમર્થન સામે ભારતરત્નથી સન્માનિત સચીન તેંડુલકર અને લતા મંગેશકર જેવી હસ્તીઓનો ઉપયોગ ન કરવો જોઈએ. આ માટે અક્ષય કુમાર બરાબર છે.”

તેમણે આગળ કહ્યું હતું કે, “સરકારના આમંત્રણને કારણે તેંડુલકર અને લતા મંગેશકરે હૅશટૅગ પ્રોપેગેંડાનો યુઝ કર્યો, જે કારણે તેમને બિનજરૂરી ટ્રોલિંગના શિકાર થવું પડ્યું.”

સચીન ભારતરત્નને લાયક નથી’

રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ અને રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શિવાનંદ તિવારીએ ઇન્ટરનૅશનલ પોપ સ્ટાર રિહાના અને પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગના ટ્વીટ બાદ સચીન તેંડુલકર દ્વારા કરાયેલા ટ્વીટ અને તેમના દ્વારા લેવાયેલા સ્ટેન્ડની ટીકા કરી હતી.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે તિવારી રિપોર્ટરો સાથેની વાતચીતમાં કહ્યું કે, “ખેડૂતો ગામડાંમાં જીવન વીતાવે છે અને તેમને ટ્વીટર પર શું લખાઈ રહ્યું છે તેના વિશે કશી ખબર હોતી નથી. બે વિદેશીઓએ ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરતાંની સાથે જ તેંડુલકરે ડિબેટમાં ઝંપલાવી દીધું. તેંડુલકર ઘણી બધી પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેમને ભારતરત્નનું સન્માન નહોતું મળવું જોઈએ. આપણા દેશમાં ધ્યાનચંદ જેવા અન્ય ઘણા લોકો છે જેઓ સન્માન મેળવવાના હકદાર છે.”

સચિન અને લતા મંગેશકરનાં ટ્વીટમાં શું હતું?

ઇન્ટરનૅશનલ પોપ સ્ટાર રિહાનાથી શરૂ થયેલ ખેડૂત પ્રદર્શનોના આંતરરાષ્ટ્રીય સમર્થકોની યાદીમાં પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ, એક્ટ્રેસ એમાન્ડા સર્ની અને અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસાનાં ભત્રીજી મીના હેરિસનાં નામ જોડાયાં હતાં.

આની સામે ભારતના વિદેશ મામલાના મંત્રાલયે ટ્વીટ કરીને સેલિબ્રિટીઓને મુદ્દાની પૂરતી જાણકારી ન હોય ત્યારે સોશિયલ મીડિયાના સેન્સેશન જન્માવતાં હૅશટૅગથી આકર્ષાઈને ટીપ્પણી ન કરવાની સલાહ આપી હતી. આ ટ્વીટમાં વિદેશીઓને ભારતની આંતરિક બાબતોથી દૂર રહેવાની ગર્ભિત સલાહ અપાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ભારતના વિદેશ મંત્રાલયના ટ્વીટની ભાવના જેવી જ ભાવના આ તમામ આંતરરાષ્ટ્રીય હસ્તીઓ દ્વારા ખેડૂતોના સમર્થનમાં કરાયેલા ટ્વીટની પ્રતિક્રિયા સ્વરૂપે થયેલાં ભારતીય હસ્તીઓનાં ટ્વીટમાં જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય હસ્તીઓનાં ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપવામાં રાજનેતા, અભિનેતા અને અન્ય ક્ષેત્રોના લોકો ઝંપલાવવા માંડ્યા હતા. આ તમામ લોકો #IndiaTogether અને #IndiaAgainstPropaganda સાથે ટ્વીટ કર્યાં હતાં. જેથી વિદેશીઓને ભારતના આંતરિક મામલાઓથી દૂર રહેવાની ગર્ભિત સલાહ આ તમામ ટ્વીટમાં છુપાયેલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

લતા મંગેશકરે પોતાના ટ્વીટમાં પણ આ બંને હૅશટૅગનો ઉપયોગ કર્યો હતો. અને લખ્યું હતું કે, “નમસ્કાર, ભારત એક ગૌરવશાળી દેશ છે અને અમે બધા ભારતીયો માથું ઊંચું રાખીને ઊભા છીએ. એક ગર્વ અનુભવતાં ભારતીય તરીકે મને પૂરો વિશ્વાસ છે કે આપણો દેશ જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે તેનું સુખદ સમાધાન શોધવામાં આપણે સમર્થ છીએ.”

સચિન તેંડુલકરે પણ આ બંને હૅશટૅગ સાથે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, “ભારતનું સાર્વભૌમત્વ કૉમ્પ્રોમાઇઝ ન થઈ શકે. બાહ્ય તાકાતો દર્શકો બની શકે પરંતુ ભાગીદાર નહીં. ભારતીયો ભારતને જાણે છે અને તેમણે જ ભારત માટે નિર્ણય લેવો જોઈએ. એક દેશ તરીકે ચાલો બધા એક થઈએ.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો