You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લાલ કિલ્લાની ઘટનાને લીધે બે સંગઠને છેડો ફાડ્યો, ખેડૂત આંદોલનનું હવે શું થશે?
- લેેખક, ઇકબાલ અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
કેન્દ્ર સરકારના ત્રણ વિવાદાસ્પદ કૃષિકાયદા વિરુદ્ધ ગણતંત્રદિવસે ખેડૂતોએ દિલ્હીમાં ટ્રૅક્ટર રેલી કાઢી હતી. એક તરફ હજારો ખેડૂતો દિલ્હીના જુદા-જુદા વિસ્તારોમાં હાથમાં તિરંગા અને પોતાના સંગઠનના ઝંડા સાથે ટ્રૅક્ટરમાં બેઠેલા જોવા મળ્યા હતા. તો બીજી તરફ ઘણી જગ્યાએ પોલીસ અને ખેડૂતો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી.
આ દરમિયાન એક પ્રદર્શનકારી ખેડૂતનું મૃત્યુ નીપજ્યું હતું. ખેડૂતોના એક જૂથે લાલ કિલ્લામાં ઘૂસીને ધ્વજદંડ પર શીખોના ધાર્મિક ધ્વજ નિશાન સાહેબને અને તેમના સંગઠનનો ઝંડો ફરકાવ્યા હતા.
આ દરમિયાન એવો સવાલ પેદા થાય છે કે બે મહિના કરતાં વધુ સમયથી ચાલતા આ આંદોલનનું ભવિષ્ય કેવું છે.
મંગળવારે થયેલી હિંસાને આધાર બનાવીને સરકાર આ આંદોલનને બંધ કરાવી દેશે કે પછી આ આંદોલન વધારે ઉગ્ર બનશે?
આ સવાલોનો જવાબ શોધીએ એ પહેલાં જાણવું જરૂરી છે કે હકીકતમાં મંગળવારે શું થયું હતું.
ખેડૂતોની ટ્રૅક્ટર રેલી મંગળવારે સવારે નવ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી.
પોલીસની સાથે અનેક તબક્કાની વાતચીત પછી રેલીનો રૂટ નક્કી થયો હતો. બપોરે 12 વાગ્યા પછી ઘણી જગ્યાએ બૅરિકેડ તોડવાના, નક્કી થયેલા રૂટથી અલગ માર્ગે જવાના અને પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટિયર ગેસના ઉપયોગના સમાચાર આવવા લાગ્યા હતા.
થોડી જ વારમાં ઐતિહાસિક લાલ કિલ્લા પર શીખોના ધાર્મિક ઝંડા નિશાન સાહેબને ફરકાવવામાં આવ્યો હોવાની તસવીરો અને વીડિયો મીડિયામાં છવાઈ ગયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક મીડિયામાં એવું પણ કહેવામાં આવ્યું કે લાલ કિલ્લા પર તિરંગાનું અપમાન કરીને તેની જગ્યાએ ખાલિસ્તાની ઝંડો ફરકાવાયો હતો.
એ પછી સ્પષ્ટ થયું કે લાલ કિલ્લા પર ફરકાવાયેલો ઝંડો શીખોનો ધાર્મિક ધ્વજ નિશાન સાહેબ હતો.
પોલીસે આ માટે ખેડૂતોને જવાબદાર ગણાવ્યા અને કહ્યું કે મંગળવારે થયેલી હિંસામાં 83 પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે. આ દરમિયાન જાહેર મિલ્કતને પણ ભારે નુકસાન થયું હતું. પોલીસે ઓછામાં ઓછી ચાર એફઆઈઆર દાખલ કરી છે.
દિલ્હીના પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવે હિંસા માટે ખેડૂતોને જવાબદાર ગણાવીને કહ્યું કે, "વાતચીતના અનેક રાઉન્ડ પછી ટ્રૅક્ટર રેલી માટેનો સમય અને રૂટ નક્કી કરાયા હતા. પરંતુ ખેડૂતો નક્કી થયેલા રૂટના બદલે અલગ રૂટ પરથી ટ્રૅક્ટરો લાવ્યાં અને નિશ્ચિત સમય કરતાં પહેલાં આવી ગયા હતા. ત્યાર પછી થયેલી અથડામણમાં અનેક પોલીસ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા છે."
જવાબદાર કોણ?
ખેડૂતો આ માટે તેમના કેટલાક 'માર્ગ ભટકેલા' સાથીદારો, દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવે છે.
ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકેતે જણાવ્યું કે પોલીસે ઘણાં ટ્રૅક્ટર તોડી નાખ્યાં છે અને તેમણે તેનું વળતર ચૂકવવું પડશે.
ખેડૂતસંગઠન સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદન બહાર પાડીને ટ્રૅક્ટર પરેડને તાત્કાલિક અસરથી બંધ કરવાની જાહેરાત કરી હતી. આ અંગે રાજકીય પક્ષોના નિવેદન પણ આવવા લાગ્યા હતા.
પંજાબના મુખ્ય મંત્રી અમરિંદર સિંહે ટ્વીટ કરીને ટ્રૅક્ટર પરેડમાં થયેલી હિંસાને વખોડી કાઢી હતી.
તેમણે જણાવ્યું, "દિલ્હીમાં ચોંકાવી દેનારાં દૃશ્યો, કેટલાંક તત્ત્વોએ કરેલી હિંસા અસ્વીકાર્ય છે. શાંતિપૂર્વક વિરોધપ્રદર્શન કરતા ખેડૂતોએ જે શાખ બનાવી છે તેને નુકસાન પહોંચશે."
"ખેડૂતનેતાઓએ પોતાની જાતને આ હિંસાથી અલગ કરી દીધી છે અને ટ્રૅક્ટર રેલી અટકાવી દીધી છે. હું તમામ અસલી ખેડૂતોને દિલ્હી ખાલી કરવા અને સરહદે પાછા આવી જવાની અપીલ કરું છું."
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ જણાવ્યું કે હિંસા એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. મોદી સરકારે કૃષિકાયદો રદ કરવો જોઈએ.
એનસીપીના વડા શરદ પવારે પણ જણાવ્યું કે જે રીતે આ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે તે અફસોસજનક છે.
આમ આદમી પાર્ટી (આપ)એ પણ હિંસા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી.
ડીએમકે અને મમતા બેનરજીએ પણ આ ઘટના માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણી છે.
મીડિયા સાથે વાતચીત કરતા ખેડૂત નેતા રાકેશ ટિકેતે જણાવ્યું કે પોલીસે જે રસ્તા પર ટ્રૅક્ટર રેલીની મંજૂરી આપી હતી, તે રસ્તા પર પણ બૅરિકેડ મૂક્યાં હતાં.
તેમણે કહ્યું, "એક રસ્તો તો મળવો જોઈએ. આ એક મોટું ષડયંત્ર છે. પોલીસે જે રસ્તો આપ્યો હતો તેના પર બૅરિકેડ હતાં. તેથી ખેડૂતો બીજા રસ્તા પર જતા રહ્યા. કેટલાક લોકો એવા પણ હતા જેઓ ક્યારેય આ આંદોલનનો હિસ્સો ન હતા."
"તેઓ ગમે તેમ કરીને આગળ વધવાનું નક્કી કરીને આવ્યા હતા. અમે તેમને ઓળખીશું. જેઓ એક દિવસ માટે આવ્યા હતા, તેઓ બધું બગાડે છે. લાલ કિલ્લા પર જે થયું તે અયોગ્ય હતું. કોઈ ધાર્મિક કાર્યક્રમ અમારા આંદોલનનો હિસ્સો નથી. અમે તેની આકરી ટીકા કરીએ છીએ."
ઘણા લોકો આને દિલ્હી પોલીસ અને ઇન્ટેલિજન્સની નિષ્ફળતા પણ ગણાવે છે. પરંતુ ભાજપના તેના માટે દિલ્હી પોલીસના વખાણ કરે છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલકૃષ્ણ અગ્રવાલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "હું દિલ્હી પોલીસને અભિનંદન પાઠવું છું, જેણે આટલી ઉશ્કેરણી છતાં શાંતિપૂર્વક રીતે પરિસ્થિતિને સંભાળી. આપણે પોલીસની સમસ્યા ઓળખવી જોઈએ. જો પોલીસે વહેલો બળપ્રયોગ કર્યો હોત તો વિક્ટિમ કાર્ડ રમી રહેલા ખેડૂતો અને તેમને રાજકીય અને બૌદ્ધિક રીતે છાવરી રહેલા રાજકીય પક્ષોને વધારે બળ મળ્યું હોત."
ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા સ્વરાજ પાર્ટીના વડા યોગેન્દ્ર યાદવે પણ આ ઘટના અંગે અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું કે જેમણે લાલ કિલ્લા પર આવી હરકત કરી છે, તેઓ પ્રથમ દિવસથી જ આ આંદોલનમાં નહોતા.
ખેડૂતનેતા મનજિત સિંહે બીબીસીના સંવાદદાતા અરવિંદ છાબડા સાથે વાતચીતમાં જણાવ્યું કે લાલ કિલ્લા પર ચઢવાની કોઈની યોજના ન હતી.
મનજિત સિંહ મુજબ કેટલાક લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા. સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદન આપીને જણાવ્યું કે કેટલાક અસામાજિક તત્ત્વો આપણા શાંતિપૂર્વક આંદોલનમાં પ્રવેશી ગયા હતા.
તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે "શાંતિ જ આપણું સૌથી મોટું હથિયાર છે. તેનું કોઈ પણ ઉલ્લંઘન ખેડૂત આંદોલનને નુકસાન પહોંચાડી શકે છે."
ખેડૂત આંદોલનનું શું થશે?
મંગળવારની ઘટના પછી સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે ખેડૂત આંદોલન હવે કઈ દિશામાં જશે? શું મંગળવારની ઘટના પછી ખેડૂત આંદોલન કોઈ દબાણ હેઠળ છે અને જે રીતે આ ઘટના પર તેમણે નિવેદન આપ્યાં તેના કારણે તેઓ બેકફૂટ પર આવી ગયા છે?
વરિષ્ઠ પત્રકાર સીમા ચિશ્તી એવું માનતાં નથી.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "તેઓ (ખેડૂતનેતાઓ) બહુ પરિપક્વ અને હિંમતવાન લોકો છે. તેઓ લાંબા સમય સુધી આંદોલન ચલાવવાનો અનુભવ ધરાવે છે."
"તેઓ અત્યાર સુધી બહુ સ્પષ્ટ રીતે પોતાની વાત કહેતા આવ્યા છે. તેઓ જાણે છે કે સરકારી તંત્ર અને મીડિયા પર આ સરકારનું સંપૂર્ણ નિયંત્રણ છે, તેનાથી (લાલ કિલ્લાની ઘટના) આખી વાત ભટકી જશે."
"તેઓ ત્રણ કાયદા રદ કરવાની માગ કરી રહ્યા છે, જે તેમની સમજદારી દર્શાવે છે. જેથી આખા ખેડૂત આંદોલનને માત્ર લાલ કિલ્લાની એક ઘટના સાથે સાંકળવામાં ન આવે."
કૃષિ બાબતોના જાણકાર દેવેન્દ્ર શર્મા જણાવે છે કે સમાજ અને મીડિયા બધો દોષ ખેડૂતોના માથે નાખવાની કોશિશ કરે છે.
તેઓ કહે છે કે ખેડૂતોને અરાજકતા ફેલાવતાં તત્ત્વો અથવા આતંકવાદીઓ કહેવા એ બિલકુલ ખોટું છે.
દેવેન્દ્ર શર્મા પણ માને છે કે મંગળવારની ઘટનાથી ખેડૂતોએ અત્યાર સુધી નૈતિક સરસાઈ મેળવી હતી, તેને ઊની આંચ નહીં આવે. તેમના મતે ખેડૂતોને નૈતિક સરસાઈનો લાભ મળતો રહેશે. દેવેન્દ્ર શર્મા જણાવે છે કે મંગળવારની ઘટનાથી ખેડૂતો દુખી છે, પરંતુ પોતાની માગણીઓ અંગે તેઓ સ્પષ્ટ છે અને તેમાં કોઈ ફરક નહીં પડે.
જોકે, તેઓ જણાવે છે કે ખેડૂતનેતાઓએ આ ઘટનાની સામૂહિક જવાબદારી લેવી પડશે.
તેઓ આગળ જણાવે છે, "જે લોકો ત્યાં બેઠા છે, તેઓ દર્દ અને પીડા લઈને આવ્યા છે. તેમને આશા હતી કે તેઓ ધરણાં યોજશે તો તેમની સમસ્યાનો ઉકેલ મળશે. દિલ્હી સરહદે ખેડૂતો ભલે બે મહિનાથી બેઠા હોય, પણ પંજાબમાં તો ત્રણ-ચાર મહિનાથી આંદોલન ચાલતું હતું. કોઈ સમાધાન ન નીકળ્યું તે એક ખામી જરૂર છે."
કેટલાક લોકો કહે છે કે મંગળવારની ઘટનાનો ઢાલ તરીકે ઉપયોગ કરીને સરકાર ખેડૂત આંદોલનને ખતમ કરવાનો પ્રયાસ કરી શકે છે.
ભાજપના પ્રવક્તા ગોપાલકૃષ્ણ અગ્રવાલ આવું નથી માનતા. તેઓ કહે છે કે સરકાર કોઈ તકનો લાભ લેવા માગતી નથી.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "અમે લોકશાહીનાં મૂલ્યોમાં વિશ્વાસ રાખીએ છીએ. ખેડૂતો શાંતિપૂર્વક રીતે આંદોલન કરવા માગતા હોય તો તેમનું સ્વાગત છે. અમે અંત સુધી લોકતાંત્રિક મૂલ્યોને મહત્ત્વપૂર્ણ સ્થાન આપીએ છીએ. તેમાં વિરોધ કરવાનો અને પોતાની વાત રજૂ કરવાનો બધાને અધિકાર છે. પરંતુ કોઈ એવું કહે કે અમુક લોકોની વાત સ્વીકારી લેવામાં આવશે તો તે શક્ય નથી."
ગોપાલકૃષ્ણ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે ભારતમાં 14 કરોડ ખેડૂતો છે અને દિલ્હી સરહદે વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતોની તુલનામાં કૃષિ કાયદાને ટેકો આપતા ખેડૂતોની સંખ્યા ઘણી મોટી છે.
સરકાર હવે શું કરી શકે?
તો શું સરકાર કૃષિકાયદા રદ કરવા અંગે નવેસરથી વિચારી શકે છે?
દેવેન્દ્ર શર્મા જણાવે છે કે સરકારે મોટું મન રાખવું જોઈતું હતું અને આ ત્રણ કાયદાને રદ કરવાની જરૂર હતી. ભાજપના પ્રવક્તા આ વાતને સાફ શબ્દોમાં નકારી કાઢે છે.
તેઓ કહે છે કે જ્યારથી આંદોલન શરૂ થયું છે ત્યારથી સરકારે ખેડૂતો સાથે 11 રાઉન્ડમાં લગભગ 45 કલાક સુધી વાતચીત કરી છે. સરકારે 20થી વધારે ફેરફારો લેખિત સ્વરૂપમાં સ્વીકાર્યા છે.
સરકારે આ કાયદા અમુક સમય માટે સ્થગિત રાખવાનો પ્રસ્તાવ મૂક્યો અને ખેડૂતો સાથે મળીને સમિતિ રચવાની દરખાસ્ત પણ મૂકી હતી. પરંતુ ખેડૂતોએ બધી દરખાસ્તો ફગાવી દીધી.
તેઓ વધુમાં કહે છે, "કાયદો પાછો ખેંચવાની વાત કરવી યોગ્ય નથી. આ તો લઘુમત ધરાવતા ખેડૂતોનો અભિપ્રાય બહુમત ધરાવતા ખેડૂતો પર લાદવા સમાન છે. તેનાથી બીજું આંદોલન ઊભું થઈ શકે છે."
"1991 પછી સૌથી મોટું પરિવર્તન આવ્યું છે. બધા લોકો વાતો કરતા હતા, પરંતુ આ કાયદો લાવવાની કોઈનામાં હિંમત નહોતી."
તેઓ ઉમેરે છે કે "કોઈ પણ સુધારા કરવા હોય તો એ માટે રાજકીય કૅપિટલ ઇન્વેસ્ટમૅન્ટ કરવું પડે છે. મોદીએ તેમાં રોકાણ કર્યું છે. સરકાર સ્પષ્ટ મત ધરાવે છે કે આ કાયદા ખેડૂતોના હિતમાં છે અને લાખો-કરોડો ખેડૂતો આ કાયદાની તરફેણમાં છે."
પરંતુ સીમા ચિશ્તી ભાજપના પ્રવક્તાના આ તર્કથી સહમત નથી.
તેઓ કહે છે, "આજે આખી દુનિયા અને ભારત એક મહામારીનો સામનો કરે છે. આ દરમિયાન આ રીતે ત્રણ કાયદા લાવવામાં આવે છે. તેના પર કોઈ ચર્ચા નથી થતી. તેના પર કોઈ મતદાન થતું નથી."
"તે કોઈ પણ સમિતિ પાસે મોકલ્યા વગર એક જ દિવસમાં પસાર કરવામાં આવે છે. તો આ કયા પ્રકારનો બહુમત છે? તેને અત્યારે જ લાવવાની શી જરૂર હતી?"
ખેડૂતનેતાઓએ જણાવ્યું કે તેઓ તેમની આગામી રણનીતિ એક-બે દિવસમાં નક્કી કરશે. ખેડૂતોએ પહેલી ફેબ્રુઆરીએ બજેટના દિવસે સંસદમાર્ચ કરવાની જાહેરાત કરી હતી.
સીમા ચિશ્તીને લાગે છે કે હવે કદાચ સંસદમાર્ચને રદ કરવામાં આવશે અને મામલો ઠંડો પાડવાની કોશિશ થશે.
સીમા ચિશ્તી જણાવે છે, "ખેડૂતો પોતાના મુદ્દા (કાયદો રદ કરવો) પર વાતચીત કરવા માગશે અને સરકાર ઇચ્છશે કે કોઈ ચર્ચા ન થાય. કોઈ રીતે આ વાતને ઝંડાના મુદ્દે અટકાવી દેવાશે. મોદી સરકાર માટે અને ખાસ કરીને ગૃહમંત્રી માટે તેમના રેકૉર્ડ પર આ બહુ મોટું કલંક છે."
"પ્રજાસત્તાકદિવસે દરેક જગ્યાએ નાકાબંધી હોય છે, પોલીસ તહેનાત હોય છે. બધાને ખબર હતી કે ખેડૂતો ટ્રૅક્ટર રેલી કાઢવાના છે. સરકાર આટલા મોટા કિલ્લા (લાલ કિલ્લા)નું રક્ષણ ન કરી શકે તો તેમના માટે આ એક આંચકા સમાન છે. તેનાથી તેમની છબિ ખરડાશે."
સીમા ચિશ્તીએ જણાવ્યા પ્રમાણે હવે સરકાર ઇચ્છશે કે આ ઘટનાને કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો બનાવીને રજૂ કરવામાં આવે. પરંતુ તેઓ નથી માનતા કે આ ઘટનાથી ખેડૂત આંદોલન નરમ પડશે.
બે ખેડૂત સંગઠનોએ પાછળ હટવાની જાહેરાત કરી દીધી છે, પણ એટલું નક્કી છે કે મંગળવારની હિંસા પછી તેમની સામે કેટલાક પડકાર પેદા થયા છે.
જેમકે આંદોલનમાં એકતા કેવી રીતે રાખવી, આંદોલનમાં યુવાનો સામેલ છે તો તેમને કઈ રીતે શિસ્તમાં રાખવા અને આંદોલન નબળું ન પડે તે રીતે સરકાર પર દબાણ કેવી રીતે જાળવવું તે જોવાનો પડકાર રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો