You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રિપબ્લિક ડે પરેડ : બાંગ્લાદેશના સૈન્યે ભારતના પ્રજાસત્તાકદિનની ઉજવણીમાં કેમ ભાગ લીધો?
પ્રજાસત્તાક દિવસે દિલ્હીના રાજપથ ખાતે યોજાયેલી પરેડમાં સૈન્યની અનેક રેજિમેન્ટ, શસ્ત્રો, મિસાઇલો તેમજ વિવિધ રાજ્યની ઝાંખી જોવા મળી હતી. આ ઉપરાંત ભારતીય સૈન્યનાં પહેલાં મહિલા ફાઇટર પાઇલટ, રફાલ વિમાન અને બાંગ્લાદેશના સૈન્યએ પણ ભાગ લીધો હતો.
કોરોના વાઇરસની મહામારીના કારણે આ વર્ષે પરેડ ટૂંકી કરી દેવામાં આવી હતી. પરેડના રસ્તાને પણ ટૂંકો કરી દેવામાં આવ્યો હતો, તો આ વખતે કોઈ મુખ્ય મહેમાન હાજર નહોતા.
પરેડમાં ભાગ લેનાર આર્મી અને નૅવીની રેજિમેન્ટમાં પણ દર વર્ષની સરખામણીએ સૈનિકોની સંખ્યા ઘટાડી દેવામાં આવી હતી. પેરડના ભાગ લેનારા સૈનિકો પણ માસ્કમાં જોવા મળ્યા હતા.
આ વર્ષની પરેડમાં અનેક નવી બાબતો પણ જોવા મળી હતી.
બાંગ્લાદેશના સૈન્યએ પરેડમાં ભાગ લીધો
2021ની ગણતંત્ર દિવસની પરેડની શરૂઆત ભારતીય સૈન્યના જવાનોએ નહીં પરંતુ બાંગ્લાદેશના સૈન્યએ કરી હતી.
બાંગ્લાદેશ સૈન્યના 122 સૈનિકોએ પ્રજાસત્તાકદિવસની આ પરેડમાં ભાગ લીધો હતો.
તેમના છ લાઇનના કન્ટિજન્ટમાં સેનામાંથી સૈનિકો હતા, જ્યારે બીજી બે-બે લાઈનમાં નૅવી અને ઍરફોર્સના સૈનિકો હતો.
સંરક્ષણમંત્રાલયે કહ્યું હતું કે બાંગ્લાદેશનું કન્ટિન્જન્ટ બાંગ્લાદેશને 1971માં આઝાદ કરાવનાર મુક્તિયોદ્ધાના વારસાને રજૂ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિંદુસ્તાન ટાઇમ્સ ઢાકામાં રહેલાં ભારતીય હાઇકમિશનને ટાંકીને લખે છે કે ભારત આઝાદ થયું પછી ત્રીજી વખત એવું બન્યું છે કે રાષ્ટ્રીય પરેડમાં ભાગ લેવા માટે બીજા દેશના સૈન્યને આમંત્રણ આપવામાં આવ્યું હોય.
પહેલાં મહિલા ફાઇટર પાયલટ
ભારતનાં પહેલાં મહિલા ફાઇટર પાયલટ ફ્લાઇટ લૅફટેનન્ટ ભાવના કાંથે પ્રજાસત્તાકદિવસની પરેડમાં ભાગ લીધો હતો.
તેઓ ઇન્ડિયન ઍરફોર્સની ઝાંખીમાં જોવા મળ્યાં હતાં.
ભારતીય ઍરફોર્સની ઝાંખીમાં લાઇટ કૉમ્બેટ ઍરક્રાફ્ટ, લાઇટકૉમ્બેટ હૅલિકોપ્ટર અને સુખોઈ 30 ફાઇટર પ્લૅનને રજૂ કરાયાં હતાં.
ફ્લાયપાસ્ટમાં જોડાયાં રફાલ વિમાન
ભારતીય ઍરફોર્સમાં હાલમાં જ જોડાયેલાં રફાલ વિમાન પણ આ વખતની પરેડનો ભાગ બન્યાં હતાં.
રફાલની સાથે 42 બીજાં વિમાનોએ પણ આજની રિપબ્લિક ડે પરેડમાં ભાગ લીધો હતો.
ફ્લાયપાસ્ટ દરમિયાન રફાલ ઍરક્રાફ્ટની સાથે બે જગુઆર અને બે મિગ-29 જેટ્સે પણ ભાગ લીધો હતો.
રફાલ વિમાનોએ “વર્ટિકલ ચાર્લી” ફૉર્મેશન બનાવ્યું હતું.
રિપબ્લિક ડે પરેડનો અંત રફાલ વિમાનોની ઉડાન બાદ આવ્યો હતો.
ગુજરાતના સૂર્યમંદિરની ઝાંખી
રિપબ્લિક ડેની પરેડમાં ગુજરાતના મોઢેરા ખાતે આવેલા સૂર્યમંદિરની ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી.
આ સાથે સૌરાષ્ટ્રના ટિપ્પણી ડાન્સને પણ પરેડમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આ વખતે અસામ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, છત્તીસગઢ, પંજાબ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, દિલ્હી અને લદ્દાખની ઝાંખી રિપબ્લિક ડેની પરેડમાં જોવા મળી હતી.
કેદારનાથ અને રામમંદિરની ઝાંખી જોવા મળી
ઉત્તર પ્રદેશની ઝાંખીમાં અયોધ્યામાં બનનારા રામમંદિરની ઝાંખીને રજૂ કરવામાં આવી હતી.
સંરક્ષણમંત્રાયલની પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું હતું કે ઉત્તર પ્રદેશની ઝાંખી અયોધ્યા : ઉત્તર પ્રદેશનો સાંસ્કૃતિક વારસો રજૂ કરાયો છે.
9મા શીખ ગુરુ તેગબહાદુરસિંહના 400માં પ્રકાશપર્વ પર પંજાબની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.
ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથના મંદિરની ઝાંખી આ વર્ષની રિપબ્લિક ડેની પરેડમાં જોવા મળી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો