દિલ્હી પોલીસ અનુસાર ખેડૂતોની ટ્રૅક્ટર પરેડ દરમિયાન થયેલી હિસામાં 83 પોલીસકર્મી ઘાયલ થયા છે.
પોલીસનો દાવો છે કે ઘાયલ થયેલા પોલીસકર્મીઓ પર આંદોલનકારી ખેડૂતોએ હુમલો કર્યો.
સમાચાર એજન્સી એએનઆઈએ દિલ્હી પોલીસના પ્રવક્તા ઈશ સિંઘલના હવાલાથી કહ્યું, "કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓ હિંસક થઈ ગયા હતા. હિંસામાં પોલીસકર્મીઓ ઘાયલ થયા અને જાહેર સંપત્તિને પણ નુકસાન થયું."
એએનઆઈએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં દિલ્હીના લાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતું જોવા મળી રહ્યું છે.
દિલ્હીના સંયુક્ત પોલીસ કમિશનર આલોક કુમારે કહ્યું કે "ખેડૂત રેલી દરમિયાન પોલીસકર્મીઓ સાથે મારઝૂડ કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરાશે."
તો સંયુક્ત કિસાન મોરચાએ દાવો કર્યો છે કે કેટલાક 'અસામાજિક તત્ત્વો' તેમના આંદોલનમાં ઘૂસી ગયા હતા.
સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદન જાહેર કરીને દિલ્હીમાં આયોજિત ટ્રૅક્ટર પરેડ તાત્કાલિક ખતમ કરવાનું એલાન કર્યું છે.
તો પરેડ પૂરી થવાના એલાન બાદ પણ કેટલાક ખેડૂતો ટ્રૅક્ટરોમાં સવાર થઈને દિલ્હીના લાલ કિલ્લા તરફ જતા જોવા મળ્યા હતા.