You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુલાબ : ભારતમાં સર્જાયેલા વાવાઝોડાને પાકિસ્તાને નામ કેમ આપ્યું?
બંગાળની ખાડીમાં સર્જાયેલું 'ગુલાબ' વાવાઝોડું ઓડિશા અને આંધ્રપ્રદેશ પર ત્રાટક્યું છે. ઓડિશાના એસઆરસી પીકે જેનાએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે ગુલાબ વાવાઝોડાને કારણે ઓડિશામાં 16 હજાર ગામોને ખાલી કરાવાયાં છે.
વાવાઝોડાના કારણે આંધ્ર પ્રદેશના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને વિશાખાપટ્ટનમ જિલ્લાનાં કેટલાંક ગામોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેટલાંય ગામોમાં વીજપુરવઠો ખોરવાયો છે.
જોકે, અહીં રસપ્રદ વાત એ છે કે ભારતમાં સર્જાયેલા આ વાવાઝોડાને પાકિસ્તાને નામ આપ્યું છે.
ભારતમાં ત્રાટકેલા વાવાઝોડાનું નામ પાકિસ્તાને કેમ આપ્યું?
'ગુલાબ' પાકિસ્તાને પસંદ કરેલું નામ છે.
અહી એક સવાલ એવો પણ થઈ શકે ભારતની પાસેના દરિયામાં વાવાઝોડું સર્જાયું અને પાકિસ્તાને કેમ આ વાવાઝોડાને નામ આપ્યું, ભારતે કેમ નહીં?
તૌકતે, અમ્ફાન, ફણી, તીતલી, બુલબુલ જેવાં વાવાઝોડાનાં નામ તમે સાંભળ્યાં હશે.
ગુલાબના ચાર મહિના પહેલાં જે 'યાસ' વાવાઝોડું ઓડિશામાં ટકરાયું હતું તેનું નામ 'યાસ' ઓમાને રાખ્યું હતું.
આમાં વાત એમ છે કે વર્ષ 2000માં વિશ્વ હવામાન સંગઠને ભારતના દરિયાકિનારાની આસપાસ પેદાં થનારાં વાવાઝોડાંને નામ આપવાનું નક્કી કર્યું અને એ અનુસાર ભારતીય હવામાન વિભાગે વર્ષ 2004માં વાવાઝોડાંને નામ આપવાનું શરૂ કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નામ તે દરિયાકિનારાની આસપાસ આવેલા દેશોનો સમૂહ નક્કી કરે છે. આ સમૂહમાં 13 દેશો સામેલ છે.
જેમાં બાંગ્લાદેશ, ભારત, ઈરાન, માલદિવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઇલૅન્ડ, સંયુક્ત આરબ અમિરાત અને યમનનો સમાવેશ થયા છે.
આ દરેક દેશો પોતાને ત્યાંથી 13 નામ દિલ્હીના પ્રાદેશિક વિશિષ્ટ હવામાન કેન્દ્રને મોકલે છે. જેનું એક કોષ્ઠક બનાવવામાં આવે છે અને તેમાંથી વારાફરતી નામ આપવામાં આવે છે.
પાકિસ્તાને કેમ આ વખતે નામ આપ્યું?
દુનિયામાં છ પ્રાદેશિક વિશિષ્ટ હવામાનકેન્દ્રો અને પાંચ ઉષ્ણકટિબંધીય ચક્રવાત ચેતવણીકેન્દ્રો આવેલાં છે. આ કેન્દ્રો દુનિયાભરની વાવાઝોડાંનાં ચેતવણી આપે છે તથા તેની દિશા, ગતિ વગેરેનું નિરીક્ષણ કરે છે. આ કેન્દ્રો વાવાઝોડાંને નામ પણ આપે છે.
દિલ્હીનું કેન્દ્ર દરેક વાવાઝોડાંને નામ આપે છે પણ આ વખતે કોષ્ઠકમાં પાકિસ્તાને મોકલેલા નામનો વારો હતો.
જેના કારણે બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાને પાકિસ્તાને સૂચવેલું નામ આપવામાં આવ્યું.
આ રીતે 13 દેશો વાવાઝોડાનાં નામ મોકલે અને દરેક દેશનું નામ વારાફરતી ભારતના દરિયાકિનારાની આસપાસ પેદાં થતાં વાવાઝોડાને આપવામાં આવે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો