કર્ણાટકમાં ભયાનક વિસ્ફોટથી આખો જિલ્લો ધ્રૂજ્યો, આઠ લોકોનાં મૃત્યુ

કર્ણાટકના શિવમોગા જિલ્લામાં એક ખાણની નજીક ટ્રકમાં વિસ્ફોટ થયો છે, જેમાં અનેક લોકોનાં મૃત્યુ થયાં છે.

એક પોલીસકર્મીએ બીબીસીના સહયોગી પત્રકાર ઇમરાન કુરૈશીને જણાવ્યું કે ટ્રકમાં જિલેટિનનો મોટો જથ્થો હતો.

તેમનું કહેવું છે, "અમે ઘટનાસ્થળે અંદાજ લગાવી નથી શકી રહ્યા કે કેટલા લોકોનાં મૃત્યુ થયાં છે, કારણકે ઘણું અંધારું છે અને દુર્ગંધના લીધે વિસ્ફોટના સ્થળ સુધી પહોંચવું પણ મુશ્કેલ છે."

આ ટ્રકમાં જિલેટિનની સાથે-સાથે કામદારો પણ હતા.

સમાચાર એજન્સી એએનઆઈ શિવમોગાના જિલ્લા કલેક્ટર કે. બી. શિવકુમારને ટાંકીને લખે છે કે આ ઘટનામાં ઓછામાં ઓછા આઠનાં મૃત્યુ થયાં છે.

જિલ્લા કલેક્ટર કહે છે, "અમે આખો વિસ્તાર બંધ કરી દીધો છે. અમે નથી ઇચ્છતા કે એ જગ્યા પર અંધારામાં કોઈ જાય અને ફરી બીજી ઘટના ઘટે."

આ વિસ્ફોટ રાત્રે 10 વાગીને 20 મિનિટે થયો હતો અને એનું કંપન પાડોશી જિલ્લા ચિકમંગલુરુમાં પણ અનુભવાયું હતું.

શરૂઆતમાં આ રહસ્યમય અવાજને લોકો ભૂકંપ સમજી બેઠા હતા અને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો