You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચ્છ હિંસા : '300-400 લોકોનાં ટોળાંએ હુમલો કર્યો, મારાં બાળકો અને પત્ની ભયભીત છે'
અયોધ્યામાં રામમંદિર માટે દાન માગવા નીકળેલી વિહિપની રેલી દરમિયાન હિંસા ફાટી નીકળતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જેમાં હિંસાનો ભોગ બનેલા લોકોની દર્દનાક આપવીતી બહાર આવી રહી છે.
ગાંધીધામના કિડાણા ગામના રહીશ અને હિંસાનો ભોગ બનેલા ઇસ્માઇલ મેમણનું કહેવું છે કે રેલીનો કાર્યક્રમ સામપ્ત થયા બાદ ભીડે હિંસા આદરી હતી. જ્યારે આર.એસ.એસ. તેને મુસ્લિમોનો 'પૂર્વાયોજિત હુમલો' ગણાવે છે.
રવિવારે સાંજે ફાટી નીકળેલી હિંસામાં ટોળાંએ પાંચેક વાહનોને આગ ચાંપી હતી, જ્યારે અનેક વાહનોમાં તોડફોડ કરી હતી.
હિંસક ભીડને કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસે 25થી વધુ સ્ટન તથા ટિયરગૅસના સેલ છોડ્યા હતા.
'પત્ની અને છોકરાં ભયભીત છે'
જેમના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો એવા કિડાણા ગામના રહીશ ઇસ્માઇલ મેમણે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "એ દિવસે રેલી નીકળવાની હતી, એનો અમને ખ્યાલ હતો. અમે 10-15 મિનિટમાં રેલી નીકળી જાય ત્યાં સુધી ઘરમાં જ રહેવું એવું નક્કી કર્યુ હતું."
"રેલીનો કાર્યક્રમ પત્યા પછી અચાનક જ એ લોકોએ તોડફોડ શરૂ કરી દીધી."
તેઓએ કહ્યું કે "અમારા ઘરના ગેટ પર તાળા મારીને અમે અંદર હતા, પરંતુ એ લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જાળી તોડી નાખી, ગેટ કૂદીને અંદર આવી ગયા."
"એ ટોળાંમાં લગભગ 300થી 400 લોકો હશે અને તેમની પાસે પથ્થરો, ધારિયા જેવા હથિયાર હતાં. અડધી કલાક જેવું બધું ચાલ્યું હશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પછી પોલીસને આવતા જોઈને એ લોકો ભાગી ગયા હતા. તે સમયે હું, મારી પત્ની, ત્રણ દીકરી અને બે દીકરા ઘરમાં હતાં. આ ઘટના પછી મેં મારી પત્નીને બાળકો સાથે પિયર મોકલી દીધી છે. એ લોકો બધાને ડર લાગે છે."
38 વર્ષીય ઇસ્માઇલ મેમણના ઘરમાં આવીને ટોળાંએ ગાડી, બાઇકને નુકસાન પહોંચાડ્યું હતું અને ઘરમાં આવીને તોડફોડ કરી હતી. આ ઘટના બાદ મેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મેમણે બીબીસી ગુજરાતીને કહ્યું, "મારા ઘરમાં જે થયું એ તો સામાન્ય છે, કારણ કે આ જ વિસ્તારમાં કેટલાકનાં ઘરને તો આગ ચાંપી દીધી હતી. અમુક લોકોના ઘરનાં પતરાં-નળિયા પણ તોડી નાખ્યાં. ચિકનની લારીઓને પણ નુકસાન પહોંચાડ્યું છે."
'મુસ્લિમોનો પૂર્વાયોજિત હુમલો'
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત કાર્યવાહક મહેશ ઓઝાએ મીડિયા સાથે વાત કરતાં આરોપ મૂક્યો હતો કે કિડાણાની રથયાત્રા પર મુસ્લિમોએ 'પૂર્વઆયોજિત હુમલો' કર્યો હતો. આ હુમલામાં કેટલાક કાર્યકર્તાઓ અને પોલીસના જવાન પણ ઘવાયા હોવાનું જણાવ્યું હતું.
ઓઝાના જણાવ્યા મુજબ, પોલીસે આ ઘટના બાદ 33 લોકોની ઘરપકડ કરી છે અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓની પણ અટકાયત કરી છે.
તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને આશા છે કે આ નિર્દોષ કાર્યકર્તાઓને છોડી દેવામાં આવશે.
રામમંદિર રથયાત્રાના પ્લાન વિશે ઓઝાએ જણાવ્યું કે, 'પોલીસતંત્રના સહકાર સાથે' વિશ્વ હિંદુ પરિષદ આગળની રથયાત્રાઓ તેમના નિર્ધારિત સમય અને તારીખ મુજબ જ નીકળશે.
બનાવના બીજા દિવસે રાત્રે આદિપુરમાં એક દરગાહને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હતો.
પોલીસ, પબ્લિક અને પુરાવા
પોલીસની એફ.આઈ.આર. (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) મુજબ, જ્યારે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત સરઘસ મસ્જિદ ચોકમાંથી પસાર થતું હતું, ત્યારે ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર થયો હતો.
જેના કારણે પહેલાં બંને જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી, બાદમાં તેમની વચ્ચે પથ્થરમારો અને મારામારી થયા હતા, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, મૃતક વ્યક્તિ ઝારખંડના પશ્ચિમ બિરભૂમ જિલ્લાના પ્રવાસી શ્રમિક અર્જુન સોવિયા (ઉં.વ. 30) હતા.
કચ્છ (પૂર્વ)ના એસ.પી. (સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) મયૂર પાટીલના કહેવા પ્રમાણે, "ગામમાં સ્થિતિ કાબૂમાં છે અને વધારાની ફોર્સ પણ તહેનાત કરવામાં આવી છે."
"અમે 40 લોકોની અટકાયત કરી છે. અમારી પાસે વીડિયો છે અને પુરાવાના આધારે કાર્યવાહી કરીશું."
હાલ ગાંધીધામ, આદિપુર તથા કચ્છ જિલ્લાના મુખ્ય શહેરોમાં તણાવભરી શાંતિ પ્રવર્તી રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો