સોનાલી શિંગટે : એ મહિલા ખેલાડી જેઓ પગમાં વજનિયાં બાંધીને દોડતાં

જ્યારે ભારતીય કબડ્ડી પ્લેયર સોનાલી વિષ્ણુ શિંગટેએ ટ્રેનિંગ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે તેમની પાસે જૂતાં નહોતાં, આટલું જ નહીં તેમના પરિવાર પાસે તે ખરીદવા માટે સંશાધનો પણ નહોતાં.
જોકે, આ એક માત્ર પડકાર નહોતો. તેમને 100 મિટર સુધી દોડવામાં પણ તકલીફ થતી.
તેમના પગ અને પેટની માંસપેશીઓને વધુ મજબૂત બનાવવા માટે તેઓ પોતાના પગ પર વજનિયાં બાંધી દોડતાં અને કસરત કરતાં.
આટલી મહેનત અને સાંજે સ્પર્ધામાં ભાગ લીધા બાદ તેઓ બીજા દિવસે પરીક્ષાની તૈયારી કરવા માટે અડધી રાત્રે ઊઠીને અભ્યાસ કરતાં.
તેમના કુટુંબ તરફથી સૂચના હતી કે રમત માટે અભ્યાસ ન બગડવો જોઈએ.
અભ્યાસ પર ભાર આપવા છતાં ઓછાં સંશાધનો ધરાવતું તેમનું કુટુંબ તેમનો સાથ આપતું. તેમના પિતા એક સિક્યૉરિટી ગાર્ડ હતા જ્યારે વિકલાંગ માતા ખાણીપીણીના વ્યવસાયમાં હતાં.
આટલી મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને અનેક ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટોમાં જીત મેળવી.

કબડ્ડી પ્લેયર બનવા માટેની સફર કરી શરૂ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મુંબઈના લૉઅર પરેલમાં 27 મે, 1995ના રોજ જન્મેલાં શિંગટે મહર્ષિ દયાનંદ કૉલેજનાં વિદ્યાર્થિની હતાં. તેમને બાળપણ ક્રિકેટ રમવાનો શોખ હતો, પરંતુ તેમનો પરિવાર તેમના આ રસને જાળવવા માટે પૂરતાં સંશાધનો ધરાવતો નહોતો.
તેથી કૉલેજમાં તેમણે એક ઇત્તર પ્રવૃત્તિ તરીકે કબડ્ડી રમવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેઓ કબડ્ડીને લઈને વધારે ગંભીર નહોતાં.
કૉલેજના દિવસો દરમિયાન તેમણે શિવશક્તિ મહિલા સંઘ ક્લબના કોચ રાજેશ પાડવેના માર્ગદર્શન હેઠળ કોચિંગ શરૂ કર્યું.
પાડવેએ તેમને જૂતાંની જોડ અને કિટ આપી. શિંગટેએ ગંભીરતાપૂર્વક ટ્રેનિંગ કરવાનું શરૂ કર્યું અને ક્યારેય ટ્રેનિંગમાં કાચું ન કાપ્યું.
પરિવારની સાથોસાથ શિંગટે પોતાની સફળતાનો શ્રેય તેમના કોચ અને ગૌરી વાડેકર અને સુવર્ણા બર્તક્કે જેવાં સિનિયર ખેલાડીઓને પણ આપે છે.
અમુક વર્ષોમાં, શિંગટેએ વેસ્ટર્ન રેલવે જૉઇન કર્યું જ્યાં કોચ ગૌતમી અરોસકરે તેમનું કૌશલ્ય વધારે નીખારવામાં મદદ કરી.

રેડી ફૉર રેઇડ

વર્ષ 2018માં આયોજિત ફેડરેશન કપ ટુર્નામેન્ટ તેમની કારકિર્દીનો ટર્નિંગ પૉઇન્ટ હતી. આ ટુર્નામેન્ટમાં તેમની ઇન્ડિયન રેલવેની ટીમે હિમાચલ પ્રદેશને માત આપી હતી. આ જીત એટલા માટે પણ ખાસ હતી કે જીત અગાઉ તેમની ટીમ 65મી નૅશનલ કબડ્ડી ચૅમ્પિયનશિપમાં હિમાચલ પ્રદેશ સામે હારી ગઈ હતી.
આ જીત શિંગટે માટે એટલા માટે પણ ખાસ બની ગઈ કારણ કે ત્યારબાદ તેમની પસંદગી ભારતીય નૅશનલ કોચિંગ કૅમ્પમાં થઈ. આટલું જ નહીં ત્યારબાદ જકાર્તામાં આયોજિત એશિયન ગેઇમ્સ માટે તેમની પસંદગી ભારતની કબડ્ડી ટીમમાં થઈ.
તેઓ જકાર્તામાં આયોજિત એશિયન ગેઇમ્સમાં સિલ્વર મેડલ મેળવાનાર ટીમનાં સભ્ય હતાં. તેમજ તેમની ટીમે વર્ષ 2019માં કાઠમાંડુમાં આયોજિત સાઉથ એશિયન ગેઇમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ બંને સિદ્ધિઓએ તેમની કારકિર્દીને એક નવો વળાંક આપ્યો.
મહારાષ્ટ્ર સરકારે પણ કબડ્ડીની રમતમાં શિંગટેના યોગદાનને બિરદાવ્યું. રાજ્ય સરકારે વર્ષ 2019માં તેમને રાજ્યના રમતગમત ક્ષેત્રના સર્વોચ્ચ સન્માન શિવ છત્રપતિ એવૉર્ડથી નવાજ્યાં.
આગામી વર્ષે તેમને 67મી નૅશનલ કબડ્ડી ચૅમ્પિયનશિપમાં બેસ્ટ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યાં.
શિંગટે નૅશનલ ઇવેન્ટ્સમાં રમવા માટે ખૂબ મહેનત કરવા માગે છે. સાથે જ તેઓ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પણ વધુ મહેનત કરવા માગે છે.
તેઓ કહે છે કે ભારતમાં મહિલા કબડ્ડીને પ્રોત્સાહન આપવા માટે પુરુષો માટે જેમ પ્રૉ કબડ્ડી લીગ છે તેવી જ રીતે મહિલાઓ માટે પણ પ્રૉફેશનલ લીગ શરૂ થવી જોઈએ.
(આ પ્રોફાઇલ બીબીસી દ્વારા શિંગટેને મોકલાવેલી પ્રશ્નાવાલીના જવાબો આધારે તૈયાર કરાઈ છે.)


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













