You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#SydneyTest : સિડનીના હીરોએ કહ્યું, ચેતેશ્વર પુજારા ટકી ગયા હોત અને મને ઈજા ન થઈ હોત તો...
સોમવારે સિડની ટેસ્ટમાં ભારતના લડાયક વળતા પ્રહારે ક્રિકેટચાહકોનાં દિલ જીતી લીધાં. માત્ર ક્રિકેટરસિયાઓએ જ નહીં પરંતુ સચીન તેંડુલકર અને કપિલ દેવ જેવા દિગ્ગજ ક્રિકેટરોએ પણ સિડનીમાં ભારતીય ટીમના પ્રદર્શનનાં ઘણાં વખાણ કર્યાં છે.
ઑસ્ટ્રેલિયાએ આપેલા 407 રનના અશક્ય લાગતા ટાર્ગેટ સામે ટીમ ઇન્ડિયાના લડાયક 334 રનોની મદદથી ભારત એક મુશ્કેલ મુકાબલાને સન્માનજનક ડ્રોમાં ફેરવી શક્યું અને પરાજય ટાળવામાં સફળતા મેળવી.
મૅચમાં રવીચંદ્રન અશ્વિન અને ઈજાગ્રસ્ત હનુમા વિહારીની મજબૂત બૅટિંગની મદદથી ભારત આ મૅચમાં લગભગ નિશ્ચિત મનાઈ રહેલો પરાજયને ટાળી શક્યું.
પોતાની લડાયક બૅટિંગની મદદથી સોશિયલ મીડિયા અને માધ્યમોમાં પ્રશંસાનાં પાત્રો બનેલા મૅચના હીરો રવીચંદ્રન અશ્વિન અને હનુમા વિહારીએ આ મૅચ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
અશ્વિન અને વિહારી શું બોલ્યા?
સમાચાર એજન્સી ANIના એક અહેવાલ અનુસાર મૅચમાં 128 બૉલમાં 39 રન નોંધાવનાર આર. અશ્વિને આ ઐતિહાસિક ડ્રોનો પાયો નાખવાનો શ્રેય ચેતેશ્વર પુજારા અને રિષભ પંતને આપ્યો.
તેમણે કહ્યું કે, "રિષભ પંતની જોરદાર ઇનિંગને કારણે એક ક્ષણે તેમના મનમાં ડ્રો સિવાય અલગ પરિણામની આશા પણ જાગૃત થઈ હતી.'
નોંધનીય છે કે હનુમા વિહારી અને અશ્વિને અઢી કલાક ક્રીઝ પર ટકી રહીને 258 બૉલનો સામનો કર્યો હતો.
અશ્વિને કહ્યું કે, "મૅચ પતી ત્યાં સુધી બંને એકદમ સુન્ન પડી ગયા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "હું હાલ શું અનુભવી રહ્યો છું એ હું સ્પષ્ટપણે નહીં કહી શકું. બસ આ ખૂબ જ ખાસ હતું. અમે બંને થોડી વાર માટે સુન્ન પડી ગયા હતા. મૅચ પતી ત્યારે થોડી વાર તો અમે સેલિબ્રેટ પણ ન કર્યું. કારણ કે અમને થોડી વાર તો ખબર જ ન પડી કે આ ઇનિંગનો શો અર્થ સમજીએ."
"આગલી રાત્રિએ જ્યારે હું પીઠના દુખાવા સાથે સૂવા માટે ગયો ત્યારે હું વિચારી રહ્યો હતો કે ફાફ ડુ પ્લેસિસે એડિલેડમાં જે કરી બતાવ્યું હતું તેવું હું ન કરી શકું તો પણ હું મારી જાતને એક સારી તક તો આપી શકું છું."
વિહારીએ કહ્યું કે, "અશ્વિને ઇનિંગ દરમિયાન ફિલ્ડ પર એક મોટા ભાઈની જેમ વાતચીત કરી."
તેમણે આગળ જણાવ્યું કે, "આ સેશન મારા માટે એક વાસ્તવિક અનુભવ હતો. ટેસ્ટ મૅચમાં આવી રીતે પાંચમા દિવસે રમવાનું તમે સ્વપ્ન જ જોઈ શકો છો. આ કેટલી મોટી ઉપલબ્ધિ છે તે સમય જતાં સમજાશે. બૉલને શક્ય તેટલો નીચો રાખવા માટે જે રીતે અશ્વિન મને મોટા ભાઈની જેમ સલાહ આપી રહ્યા હતા વાતચીત કરી રહ્યા હતા તે જોઈને હું આનંદ અનુભવી રહ્યો હતો."
તેઓ વધુ વાત કરતાં જણાવે છે કે, "ડ્રો કરી શકવું એ ખૂબ જ સારું પરિણામ હતું. મને લાગે છે કે જો હું ઈજાગ્રસ્ત ન હોત અને પુજારા થોડો વધુ સમય ક્રીઝ પર ટકી રહ્યા હોત તો પરિણામ કંઈ અલગ જ હોત. એક જ શાનદાર વિજય. પરંતુ આ ગેઇમમાંથી 10 અંક એ અમારા માટે સારું પરિણામ છે."
નોંધનીય છે કે આ મૅચમાં હનુમા વિહારી 161 બૉલનો સામનો કરીને 23 રન બનાવી શક્યા હતા. તેમના અગાઉ ઋષભ પંત માત્ર ત્રણ રનથી સદી ચૂકી ગયા. પુજારા પણ 77 રન બનાવીને આઉટ થઈ ગયા.
પંતે 118 બૉલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. પરંતુ 97 રનના સ્કોરે તેઓ સ્પિનર નૅથન લિયોનના બૉલ પર પેટ કમિંસને કૅચ આપી બેઠા.
પુજારાએ સાવધાનીપૂર્વક 205 બૉલમાં 77 રન બનાવ્યા. તેમને જો હેઝલવુડે બોલ્ડ આઉટ કર્યા. ત્યારે ભારતનો સ્કોર 272 હતો.
મૅચના અંતિમ દિવસની શરૂઆત ભારત માટે સારી નહોતી રહી અને દિવસની બીજી ઓવરમાં જ કૅપ્ટન અજિંક્ય રહાણે આઉટ થઈ ગયા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો