You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કર્ણાટકમાં બ્રાહ્મણ પૂજારી સાથે લગ્ન માટે ત્રણ લાખની સહાય કેમ કરવામાં આવી રહી છે?
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બેંગલુરુથી, બીબીસી હિંદી માટે
કર્ણાટક બ્રાહ્મણ વિકાસ બૉર્ડે ગરીબ બ્રાહ્મણ મહિલાને પૂજારી સાથે લગ્ન કરવા પર ત્રણ લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો તો રાજકીય અને બિનરાજકીય વર્તુળોમાં ઘણા લોકોની મીટ તેની પર મંડાયેલી છે.
આમ તો આ રકમ નાની દેખાય છે, જે લગ્નના ત્રણ વર્ષ બાદ વ્યાજ સહિત પરત કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. પરંતુ પૂજારી બ્રાહ્મણો માટે આ જોગવાઈ માત્ર કર્ણાટક સુધી જ સીમિત નથી. પહેલાંથી જ આ જોગવાઈ આંધ્ર પ્રદેશમાં લાગુ છે અને અન્ય દક્ષિણી રાજ્ય કેરળમાં પણ ચિંતાનો વિષય છે.
કર્ણાટક બૉર્ડના ચૅરમૅન એચ. એસ. સચ્ચિદાનંદ મૂર્તિએ બીબીસી હિંદી સાથેની એક વાતચીતમાં કહ્યું, “શું આપને ખ્યાલ છે કે આર્થિક સ્થિરતા ન હોવાને કારણે બ્રાહ્મણ પૂજારીઓને કન્યા મળતી નથી? શહેરી ક્ષેત્રોમાં તેઓ અમુક રીતે ભરણપોષણ કરી લે છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં એવું નથી. તેમના માટે ત્રણ લાખની રકમ પણ મોટી છે.”
કેરળ હાઈકોર્ટમાં પ્રૅક્ટિસ કરનાર એડવોકેટ શંભૂ નામપુથિરૈ બીબીસી હિંદીને જણાવે છે કે, “પૂજારીઓને કન્યા ન મળવાનું કારણ માત્ર આર્થિંક અસ્થિરતા નથી, બલકે સામાજિક કારણ પણ છે.”
આ યોજનામાં શું છે?
ગયા વર્ષે કર્ણાટક બૉર્ડે મહિલાઓ પર કેન્દ્રિત બે યોજનાઓ શરૂ કરી હતી. એક અરુંધતિ અને બીજી- મૈત્રેયી.
અરુંધતિ યોજના અંતર્ગત કન્યાને લગ્ન વખતે 25 હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે. આ સહાય મેળવવા માટેની શરત છે કે વધૂ આર્થિક રીતે કમજોર હોય, બ્રાહ્મણ હોય, કર્ણાટકનાં હોય અને આ તેમનાં પ્રથમ લગ્ન હોય.
મૂર્તિ જણાવે છે કે, “આનાથી તેમને અમુક ઘરેણાં ખરીદવામાં સહાય મળી શકશે. અમે આવી 500 મહિલાઓની ઓળખ કરી છે.”
મૈત્રેયી યોજના હેઠળ દંપતીને લગ્નનાં ત્રણ વર્ષ બાદ ત્રણ લાખ રૂપિયા આપવાની જોગવાઈ છે. શરત એ છે કે બંને આર્થિક રીતે કમજોર પરિવારનાં હોય, કર્ણાટકનાં હોય અને તેઓ બંનેનાં આ પ્રથમ લગ્ન હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો આ ત્રણ વર્ષો દરમિયાન બંનેના છૂટાછેડા થઈ ગયા તો બંનેમાંથી કોણ આ રૂપિયા ચૂકવશે?
મૂર્તિ કહે છે, “અમે શરૂઆતમાં તેમને આ રૂપિયા નથી આપતા. બૉર્ડ તેમનાં નામ પર બૅંકમાં આ રકમને ફિક્સ્ડ ડિપૉઝિટ કરાવે છે. ત્રણ વર્ષ પૂરાં થયાં બાદ અમે વ્યાજ સહિત સંપૂર્ણ રકને તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈએ છીએ.”
મૂર્તિ કહે છે, “આ યોજના ખાસ કરીને એ લોકોની મદદ કરશે જેઓ ગ્રામીણ વિસ્તારોથી છે. અમે અત્યાર સુધી 25 લોકોની પસંદગી પણ કરી લીધી છે.”
આંધ્ર પ્રદેશ બ્રાહ્મણ નિગમના પ્રબંધ નિદેશક શ્રીનિવાસ રાવે બીબીસી હિંદીને જણાવ્યું, “આવી જ એક યોજના આંધ્ર પ્રદેશમાં પણ છે જેમાં પુજારીઓ કે અર્ચકો સાથે લગ્ન સમયે વરને 75 હજાર રૂપિયા સોંપવામાં આવે છે. ઘણા પુજારીઓની દર મહિનાની નિયમિત આવક નથી હોતી.”
બંને બૉર્ડની તરફથી આર્થિક રીતે કમજોર બ્રાહ્મણ પરિવારના વિદ્યાર્થીઓ માટે પ્રી-યુનિવર્સિટી, ડિપ્લોમા અને પ્રૉફેશનલ કોર્સ કરવા માટે અન્ય ઘણી યોજનાઓ પણ છે.
આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા દક્ષિણ ભારતનાં એવાં ત્રણ રાજ્યો છે જ્યાં જાતિ આધારિત નિગમ કે બૉર્ડ છે જે ઘણી અલગ અલગ યોજનાઓ હેઠળ ઉદ્યોગકારોને નાના વ્યવસાય માટે સબસિડી પર એક રકમ આપવાની યોજના પણ ધરાવે છે.
તેલંગાણા બ્રાહ્ણ સમક્ષેમા પરિષદના ઉપાધ્યક્ષ વી. જે. નરસિમ્હા રાવ જણાવે છે કે, “તેલંગાણાએ બ્રાહ્મણ સમક્ષેમા પરિષદના ગઠનની આવશ્યકતા અનુભવી અને પાછલાં ત્રણ વર્ષો દરમિયાન તેના માટે 100 કરોડ રૂપિયા ફાળવ્યા. આ ઓ. બી. સી. કે અન્ય સમૂહોની જેમ જ ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહેલા બ્રાહ્મણોની સહાય કરે છે.”
કર્ણટાકમાં બ્રાહ્મણ વિકાસ નિગમ સ્થાપિત કરવાનો વિચાર સૌથી પહેલાં એચ. ડી. કુમારસ્વામીએ કર્યો હતો જ્યારે તેઓ જે. ડી. એસ- કૉંગ્રેસના ગઠબંધનની સરકારનું વર્ષ 2018માં નેતૃત્વ કરી રહ્યા હતા. ભાજપના બી. એસ. યદિયુરપ્પા જ્યારે કર્ણાટકના મુખ્ય મંત્રી બન્યા ત્યાર બાદ ગયા વર્ષે નિગમને વધુ ભંડોળ પ્રાપ્ત થયું.
તો આખરે મીટ કેમ મંડાયેલી છે?
કોઈનેય બ્રાહ્મણ પુજારીઓની આર્થિક કે તેમના કામની સ્થિતિને લઈને કોઈ સંદેહ નથી.
શંભૂ નામપુથિરૈ કહે છે કે, “એક પૂજારીને વધુ સ્વતંત્રતા નથી હોતી. જો તેઓ સરકારી હોય તો રજાનો વિકલ્પ જરૂર હોઈ શકે છે પરંતુ જેઓ નથી તેમના માટે ઘણી સમસ્યાઓ છે. તેમની પાસે ન તો પોતાની પત્ની સાથે બજાર જવાનો સમય છે અને ના સિનેમા. તેઓ કાં તો મંદિર સાથે જોડાયેલા હોય છે કાં તો પુજારીની ફરજ સાથે. આવી પરિસ્થિતિમાં કોણ બ્રાહ્મણ પુજારી સાથે લગ્ન કરશે?”
ગુલાટી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાઇનાન્સ ઍન્ડ ટૅક્સેશના પૂર્વ નિદેશક ડૉક્ટર ડી. ડી. નારાયણ જણાવે છે કે, “પુજારીની ટ્રેનિગ દરમિયાન તેમના મગજમાં બેસાડી દેવાય છે કે જે એક વખત પુજારી બની ગયો તે બીજું કાંઈ નથી કરી શકતો. કેરળમાં ઓછામાં ઓછો દેવસ્થાનમ બૉર્ડ છે જ્યાં નિયુક્તિની નીતિ અને એક સિસ્ટમ છે.”
તેઓ કહે છે કે પુજારીઓનો એક ડેટાબેઝ હોવો આવશ્યક છે અને પછી બૉર્ડના માધ્યમથી એક યોજના અંતર્ગત આ વર્ગને સહાય પહોંચાડવાનું કામ સરળ બનાવી શકાય છે.
કર્ણાટક રાજ્ય અર્ચક ઍસોસિયેશનના અધ્યક્ષ ડી. એસ. શ્રીકાંત મૂર્તિ કહે છે, “રાજ્યના કોઈ પણ શહેરી વિસ્તારની કોઈ પણ છોકરી જ્યાં સુધી પુજારી બેંગલુરુમાં ન રહેતો હોય ત્યાં સુધી તેમની સાથે લગ્ન કરવા માટે રાજી નથી થાતી. વાસ્તવમાં બ્રાહ્મણ છોકરાઓની સ્થિતિ એટલી ખરાબ છે કે રામચંદ્રપુરમ મઠ સ્વામીજી સુધીને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા અને ભારતના ઉત્તરનાં રાજ્યોથી છોકરીઓ મળી રહી છે. અહીં સુધી કે તેમને પણ જેઓ કર્ણાટકના મલનાડ વિસ્તારમાં સોપારી વાવે છે.”
જોકે શ્રીકાંત મૂર્તિ સાથે એવું પણ કહે છે કે બૉર્ડ પાસેથી જે રકમ અપાઈ રહી છે તેઓ પરિવર્તન લાવવા માટે અત્યંત ઓછી છે.
ઇન્સ્ટિટ્યૂટ ફૉર સોશિયલ ઍન્ડ ઇકૉનૉમિક ચેન્જ (ISEC)ના પૂર્વ નિદેશક પ્રોફેસર આર. એસ. દેશપાંડે જણાવે છે કે, “દક્ષિણ ભારતીય રાજ્યોનાં મહત્ત્વપૂર્ણ અને મોટાં મંદિરોના અમુક પુજારીઓને બાદ કરતાં મોટા ભાગના ગરીબ છે. જો કોઈ તેમની સહાયતા કરી શકે છે તો તે સારું છે. પરંતુ મારું માનવું છે કે દહેજ, જમીન, પ્રૉપર્ટી કે ધનના માધ્યમથી કોઈ પણ વિવાહને પ્રોત્સાહન ન આપવું જોઈએ. લગ્ન તો છોકરા અને છોકરી વચ્ચેનો એક કૉન્ટ્રેક્ટ છે.”
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો