JNU હિંસા : એક વર્ષ પછી પણ ન્યાયનો ઇંતેજાર

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, કાર્તિકેય
- પદ, બીબીસી માટે
સૂર્યપ્રકાશ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં સંસ્કૃતના રિસર્ચ-સ્કૉલર છે. 26 વર્ષના સૂર્યપ્રકાશ દૃષ્ટિની ખામી ધરાવે છે. તેઓ રાષ્ટ્રીય સ્તરે ઍથ્લીટ અને જુડોના ખેલાડી છે. તેઓ હાલમાં યુપીએસસીની તૈયારી પણ કરી રહ્યા છે.
પાંચમી જાન્યુઆરી, 2020ની સાંજે સૂર્યપ્રકાશ પોતાના લેપટોપ પર ઇયરફોન લગાવીને અભ્યાસ કરી રહ્યા હતા.
તેવામાં હોસ્ટેલમાં તેમના રૂમના દરવાજા ઉપરની બારીનો કાચ તૂટીને તેમના માથે પડ્યો. ત્યાર પછી તેમણે તરત પોતાનો દરવાજો (જેના પર ભીમરાવ આંબેડકરની તસવીર લાગેલી હતી) ખૂલવાનો અવાજ સાંભળ્યો.
એક છોકરીએ બૂમ પાડી, "આંધળો હોય તો શું થયું? મારો!"
હાથમાં પથ્થરો અને લોખંડના સળિયા લઈને આવેલા ટોળાએ તે દિવસે જેએનયુમાં ઘણા વિદ્યાર્થીઓ, ફેકલ્ટીના સભ્યો અને સ્ટાફને ફટકાર્યા હતા. જેમાંથી એક સૂર્યપ્રકાશ પણ હતા.
હુમલાખોરોના ટોળામાં ઘણાં છોકરા-છોકરીઓએ પોતાના ચહેરા માસ્કથી ઢાંકેલા હતા.
આ હુમલો ફી-વધારો અને નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓને ધમકાવવા માટે કરવામાં આવ્યો હોય તેવું લાગ્યું.
હિંસક ટોળાએ યુનિવર્સિટીના કૅમ્પસમાં લગભગ બે કલાક સુધી મારામારી અને તોડફોડ કરી. જેએનયુ વિદ્યાર્થી યુનિયનના આઇશી ઘોષ સહિત ઓછામાં ઓછા 28 લોકોને આ હુમલામાં ઈજા થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કોઈ ધરપકડ કે સજા થઈ?

ઇમેજ સ્રોત, Kartikeya
વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી અને ઘટનાને એક વર્ષ થયું, છતાં આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. હિંસાના વીડિયો વાઇરલ થવા છતાં પોલીસે કોઈને પકડ્યા નથી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું હતું કે "જેએનયુની હિંસા અંગે ત્રણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ બધાની તપાસ ચાલુ છે. એફઆઈઆરમાં કેટલાક શંકાસ્પદ લોકોના નામ છે. પરંતુ કોરોના વાઇરસના કારણે અમારી તપાસને અસર થઈ છે. આ મામલાની તપાસ હજુ ચાલુ છે."
જેએનયુના તંત્ર દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું, "માસ્ક પહેરીને આવેલા તોફાની તત્ત્વો હાથમાં દંડા લઈને ફરતાં હતાં, તોડફોડ કરતાં હતાં અને લોકો પર હુમલો કરતાં હતાં."
ડાબેરી વિદ્યાર્થી સંગઠન અને ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ આ હિંસા બદલ એકબીજાને જવાબદાર ગણાવ્યા છે.
દિલ્હી પોલીસનો દાવો છે કે યુનિવર્સિટીમાં હિંસા બદલ નવ વિદ્યાર્થીઓને શકમંદ ગણવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, Kartikeya
તેમાંથી સાત વિદ્યાર્થી ડાબેરી સંગઠનો સાથે સંકળાયેલા છે. તેમાં આઇશી ઘોષનું નામ પણ સામેલ છે. પરંતુ પોલીસે હજુ સુધી કોઈ વિદ્યાર્થી સંગઠનનું નામ આપ્યું નથી.
પોલીસની વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)એ શરૂઆતની તપાસના આધારે સાત શકમંદોની તસવીરો જાહેર કરી હતી.
પોલીસનું કહેવું હતું કે પાંચમી જાન્યુઆરીએ થયેલી હિંસા ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયાનું પરિણામ હતી. યુનિવર્સિટીમાં તણાવ પહેલી જાન્યુઆરીથી જ શરૂ થઈ ગયો હતો.
એસઆઈટીનું નેતૃત્વ કરી રહેલા ડીસીપી (ક્રાઇમ બ્રાન્ચ), જોય ટિર્કીએ એક પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે સ્ટુડન્ટ ફૅડરેશન ઑફ ઇન્ડિયા (એસએફઆઈ), ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિયેશન (આઇસા), ડૅમોક્રેટિક સ્ટુડન્ટ્સ ફૅડરેશન (ડીએસએફ) અને ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફૅડરેશન (એઆઈએસએફ) કથિત રીતે "યુનિવર્સિટીના શિયાળુ સેમેસ્ટરમાં ઓનલાઇન પ્રવેશ વિરુદ્ધ અવરોધ પેદા કરી રહ્યાં હતાં અને વિદ્યાર્થીઓને ધમકી આપી રહ્યા હતા."
આ હુમલાનો ભોગ બનેલા લોકો હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.
તેમાંથી ઘણા કૅમ્પસ છોડીને જતા રહ્યા છે, જ્યારે બીજા કેટલાક પીજી તરીકે અથવા આજુબાજુમાં ભાડાના રૂમમાં રહેવા લાગ્યા છે.
કેટલાક લોકો તે રાતની ઘટનાને યાદ કરીને હજુ પણ ડરી જાય છે. કેટલાક લોકો થોડો ઘણો શોરબકોર થાય કે પગરવ સંભળાય તો પણ પરેશાન થઈ જાય છે.

'નવો સુરક્ષાસ્ટાફ પાકિસ્તાની કહીને બોલાવે છે'

ઇમેજ સ્રોત, kartikeya
કૅમ્પસમાં હુમલા સાથે સંકળાયેલી લાગણીઓ અંગે ઉદિતા હલદર કહે છે, "અમને આંચકો લાગ્યો હતો, પરંતુ અમે કૅમ્પસમાં પરત આવવા માગતાં હતાં. ઘણા લોકો તે હુમલા પછી ચાલ્યા ગયા અને કોરોના વાઇરસ પછી હોસ્ટેલ ખાલી થઈ ગઈ."
29 વર્ષના ઉદિતા હલદર અર્થશાસ્ત્રમાં રિસર્ચ-સ્કૉલર છે.
તેઓ "કલેક્ટિવ" નામે એક દિલ્હીસ્થિત ડાબેરી વિદ્યાર્થી સંગઠનના સક્રિય સભ્ય છે.
આ સંગઠન જેએનયુ, દિલ્હી યુનિવર્સિટી અને આંબેડકર યુનિવર્સિટીમાં પોતાની શાખા ધરાવે છે.
તેમનો દાવો છે, "હુમલાથી એક દિવસ અગાઉ ચોથી જાન્યુઆરીએ કેટલાક ફૅકલ્ટીના સભ્યો એબીવીપીના ટેકામાં આવી ગયા અને વિદ્યાર્થીઓ પર હુમલો કરનારા વિદ્યાર્થીઓનું નેતૃત્વ કર્યું હતું. હું પણ તે હુમલામાં ઈજાગ્રસ્ત થઈ હતી."
એબીવીપીના પદાધિકારીઓને મુલાકાત માટે વારંવાર વિનંતી કરવામાં આવી હતી. પરંતુ આ અહેવાલ લખાયો ત્યાં સુધી તેમના તરફથી કોઈ જવાબ આવ્યો ન હતો.

ઇમેજ સ્રોત, Kartikeya
હુમલાના એક વર્ષ પછી યુનિવર્સિટીના માહોલ અંગે હલદર જણાવે છે કે જેએનયુમાં હિંસા હવે સામાન્ય વાત બની ગઈ છે. નવો સુરક્ષાસ્ટાફ વિદ્યાર્થી ચળવળકર્તાઓને ધમકાવે છે અને તેમને 'પાકિસ્તાની' કહીને બોલાવે છે.
પરિસરના સુરક્ષાસ્ટાફે હલદરના આ આરોપોને નકારી કાઢ્યા છે. યુનિવર્સિટીના વહીવટી તંત્ર અથવા કુલપતિ કાર્યાલયે આ આરોપો અંગે કોઈ નિવેદન નથી આપ્યું.
31 વર્ષના કમલેશ મંદ્રિયાની સાથે પાંચ જાન્યુઆરીની સવારે જે થયું તેની યાદ આજે પણ તેમના મનમાં તાજી છે.
સવારના લગભગ 10-11 વાગ્યે જેએનયુટીએની સાથે મંદ્રિયા (એક રિસર્ચ-સ્કોલર) સહિત 300 વિદ્યાર્થીઓએ હોસ્ટેલોમાં શાંતિપૂર્વક સરઘસ કાઢવાની યોજના ઘડી હતી.

ઇમેજ સ્રોત, kartikeya
તેઓ કહે છે, "પેરિયાર હોસ્ટેલમાં દિલ્હી પોલીસ પીસીઆર અને જેએનયુના 50થી 60 જેટલા સિક્યૉરિટી કર્મચારી હતા. તેની બરાબર પાછળ એબીવીપીના વિદ્યાર્થીઓ સળિયા અને પથ્થરો લઈને ઊભા હતા. અમે જેવા તેમની નજીક પહોંચ્યા કે તેમણે પથ્થરમારો શરૂ કરી દીધો."
કમલેશ જણાવે છે, "થોડા જ સમયમાં 10 લોકોએ મને ઘેરી લીધો અને મારા માથા પર સળિયાથી હુમલો કર્યો. હું ક્યારેય વિદ્યાર્થી રાજકારણમાં સામેલ નથી થયો અને હું કોઈ સંગઠન સાથે જોડાયો પણ નથી. હું તો માત્ર એક સામાન્ય વિદ્યાર્થી તરીકે ભાગ લઈ રહ્યો હતો."
તેમણે જણાવ્યું કે "તે મારા જીવનની સૌથી ખરાબ પળ હતી. હું જ્યારે પણ ભણવા માટે બેસું છું ત્યારે મને તે ઘટના યાદ આવી જાય છે. આજે પણ હું મેટ્રો અથવા બીજાં જાહેર વાહનોમાં સફર કરતાં ડરું છું."

ઇમેજ સ્રોત, kartikeya
28 વર્ષના સતીશચંદ્ર યાદવ કહે છે, "અમે હજુ સુધી ડરેલા છીએ. અમને લાગે છે કે ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. જે લોકો આ હિંસામાં સામેલ હતા તેઓ પોતાનું માથું ઊંચું રાખીને ખુલ્લેઆમ ફરે છે કારણ કે તેમને કોઈ હાથ નથી લગાવી શકતું. કૅમ્પસમાં જે થયું તેના કારણે અહીં 50 વર્ષોમાં તૈયાર થયેલો માહોલ ખરાબ થઈ ગયો."
જેએનયુના વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી અને રિસર્ચ-સ્કોલર સતીશચંદ્ર યાદવ જણાવે છે કે પાંચમી જાન્યુઆરીએ જે થયું તે મારી કલ્પના બહારનું હતું.
તેમણે અને બીજા કેટલાક વિદ્યાર્થીઓએ ઘણી વખત પોલીસને ફોન કર્યા પરંતુ તેઓ મેઇન ગેટ બહાર ઊભા હોવા છતાં કોઈને બચાવવા ન આવ્યા.
દિલ્હી પોલીસે હિંસાના બનાવ પછી કૅમ્પસમાં ફ્લેગ માર્ચ કરી. કૅમ્પસમાંથી ફરિયાદ મળવા છતાં પોલીસે કાર્યવાહી કરવામાં મોડું કર્યું હતું તેવા આરોપોને પોલીસના પ્રવક્તાએ ગયા વર્ષે નકારી કાઢ્યા હતા.
સતીશચંદ્ર યાદવ જણાવે છે, "તે સમયે જે પ્રકારે ભયનો માહોલ રચવામાં આવ્યો હતો તે આજે પણ યથાવત્ છે. આજે પણ અમે કોઈ ચીજ વિરુદ્ધ અવાજ ઉઠાવીએ છીએ ત્યારે ભય અનુભવાય છે."

ફૅકલ્ટીના સભ્યોએ અનુભવો યાદ કર્યા

ઇમેજ સ્રોત, kartikeya
જેએનયુ શિક્ષકસંઘ દ્વારા આયોજિત શાંતિ માર્ચ સાબરમતી ઢાબા પાસે પાંચ જાન્યુઆરીએ પૂરી થઈ હતી.
સેન્ટર ફોર રિજનલ ડૅવલપમેન્ટના પ્રોફેસર સુચિત્રા સેન પોતાના વિદ્યાર્થીઓને ખોટી દિશામાં જતા અટકાવી રહ્યાં હતાં.
તેઓ કોઈ પણ પ્રકારની હિંસક અથડામણ ન કરવા સમજાવી રહ્યાં હતાં. કારણ કે તેમણે સાંભળ્યું હતું કે કૅમ્પસમાં હથિયારધારી લોકોનું ટોળું આવી ગયું છે.
તમામ શિક્ષકોને લાગતું હતું કે આ ટોળું તેમના પર હુમલો નહીં કરે. તેથી તેઓ વિદ્યાર્થીઓને તેમની પાછળ ઊભા રહેવા માટે જણાવતાં હતાં.
થોડી જ મિનિટોમાં પથ્થરમારો શરૂ થયો. તેમાંથી બે પથ્થર પ્રોફેસર સેનને વાગ્યા. એક પથ્થર ખભા પર અને બીજો માથાની ધાર પર વાગ્યો. તેમને પુષ્કળ લોહી વહેવા લાગ્યું.
તેમને નૉર્થ ગેટની બહાર લઈ જવામાં આવી રહ્યાં હતાં ત્યારે તેમણે ગેટ પર ઘણા પોલીસ કર્મચારીઓને જોયા.
તેમાંથી બે પોલીસ કર્મચારીએ તેમની તરફ જોયું અને પોતાની નજર ફેરવી લીધી. પ્રોફેસર સેન કહે છે, "આ ઘટના મારા મનમાં ઊતરી ગઈ છે. હું તે પળને ક્યારેય નહીં ભૂલી શકું."
આજ સુધી તંત્ર તરફથી કોઈએ પ્રોફેસર સેન સાથે આ વિશે વાતચીત નથી કરી.
બે મહિના પછી પોલીસ આવી અને આ મામલે તપાસ કરી પરંતુ તેમણે ક્યારેય પ્રોફેસર સેનની પૂછપરછ ન કરી.

ઇમેજ સ્રોત, kartikeya
સેન જણાવે છે કે જે કંઈ થયું તેના કારણે તેમના મનમાં થોડા સમય સુધી ડર રહ્યો. પરંતુ હવે ડર ગાયબ થઈ ગયો છે. જોકે, આ ઘટનાના કારણે 'યુનિવર્સિટી' જેવી જગ્યાની ગરિમાને ચોક્કસ નુકસાન થયું છે.
સેન્ટર ફોર રિજનલ ડૅવલપમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર અમિત થોરાટને તે દિવસે ખબર પડી કે પેરિયાર હોસ્ટેલની બહાર 'ખતરનાક લોકો'નું એક ટોળું એકઠું થયું છે.
તેમણે ત્રણ વખત પોલીસને ફોન કર્યો. પોલીસે કહ્યું કે તેઓ ટુકડી મોકલી રહ્યા છે. પરંતુ આવું ન થયું ત્યારે તેમણે જાતે જઈને જોવાનું નક્કી કર્યું.
સાઇકલ પર સવાર થઈને તેઓ ત્યાં પહોંચ્યા તો ત્યાં સળિયા અને દંડા લઈને ઊભેલા 50થી 100 લોકોને જોયા. તેમણે પોતાના ચહેરા પર સફેદ રૂમાલ બાંધેલા હતા.
આ જોઈને પ્રોફેસર થોરાટ ગભરાયા. તેમણે પોતાનો ફોન કાઢીને તે લોકોના ફોટો પાડ્યા.
તેઓ તસવીર પાડી રહ્યા હતા ત્યારે ટોળું તેમને જોઈ ગયું. તેમાંથી બે લોકો તેમની તરફ દોડ્યા અને તેમને ઘેરી લઈને તેમની સાથે ગેરવર્તણૂક શરૂ કરી. ટોળાએ તેમને ફોનમાંથી તસવીરો ડિલીટ કરવા માટે કહ્યું.
પ્રોફેસર થોરાટે તસવીરો ડિલીટ કરવી પડી. તેમણે જેવો ફોન પોતાના ખિસ્સામાં રાખ્યો કે લોકોએ તેમને મારવાનું શરૂ કરી દીધું. તેઓ પોતાની સાઇકલ છોડીને સાબરમતી ઢાબા તરફ ભાગ્યા અને ત્યાં જઈને બધાને આ વિશે જણાવ્યું.
થોરાટ અને બીજા ફૅકલ્ટી મેમ્બર્સે પોલીસમાં એફઆઈઆર દાખલ કરાવી હતી. પરંતુ હજુ કોઈ તેમની પાસે આ મામલે પૂછપરછ માટે આવ્યું નથી.
પ્રોફેસર થોરાટ જણાવે છે, "આ હુમલાએ અમને નીડર બનાવી દીધા છે. તેમને એ વાત સમજાઈ ગઈ છે કે આ કેટલી નકામી કવાયત હતી. જેએનયુના વિદ્યાર્થીઓને ગુસ્સો, દુખ અને પોતાની સાથે બનાવટ થઈ હોવાનું અનુભવાય છે."

'હુમલાખોરો બહારથી આવ્યા હોય તો બાઉન્ડરીની દીવાલ કૂદીને આવ્યા હશે'

ઇમેજ સ્રોત, Kartikey
યુનિવર્સિટીના એક સુરક્ષા અધિકારી આ હુમલામાં કોઈ સુરક્ષા કર્મચારી સામેલ હોવાની કે સુરક્ષામાં તેમની તરફથી કોઈ ચૂક રહી ગઈ હોવાની વાતને નકારી કાઢે છે. તેઓ પોતાનું નામ જણાવવા માગતા નથી કારણ કે તેમને મીડિયા સાથે વાત કરવાની સત્તા નથી.
તેઓ જણાવે છે, "જેએનયુની બાઉન્ડરી ઘણી જગ્યાએ નબળી છે અને તૂટી ગઈ છે. આ ઉપરાંત કૅમ્પસ ઘણું મોટું છે, લગભગ 1000 એકરમાં ફેલાયેલું છે. તેમાં એક મોટા હિસ્સામાં જંગલ છે."
"તે દિવસે કોઈ બહારથી આવ્યું હોય તો તે બાઉન્ડરીની દીવાલ કૂદીને અંદર આવ્યું હશે. હું ચોક્કસપણે કહી શકું કે તેઓ મુખ્ય દ્વાર પરથી અંદર નહીં આવ્યા હોય કારણ કે ત્યાં સીસીટીવી કૅમેરા ગોઠવેલા છે."
તેઓ કહે છે, "તે લોકો કૅમ્પસની બહારના હતા કે અંદરના, તે હું ન કહી શકું. અત્યાર સુધીમાં ત્રણ વખત તપાસ થઈ છે. પરંતુ કોઈ પણ તપાસનો અહેવાલ રજૂ થયો નથી."
પોલીસ મોડેથી પહોંચી તે વિશે તેઓ કહે છે કે માત્ર વાઇસ ચાન્સેલરની લેખિત મંજૂરી પછી જ પોલીસ કૅમ્પસમાં આવી શકે છે. પાંચમી જાન્યુઆરીએ પણ આમ જ થયું હતું.
સૂર્યપ્રકાશ ત્રણ વર્ષથી જેએનયુમાં અભ્યાસ કરે છે. તેઓ કહે છે કે તે દિવસે તેમના સિવાય કોઈ બાથરૂમ પણ ગયું ન હતું. ઘણા લોકોએ પેશાબ કરવા માટે બાલદી અથવા મગનો ઉપયોગ કર્યો હતો.
અમે સૂર્યપ્રકાશને પૂછ્યું કે તે ઘટના પછી કૅમ્પસ કેટલું બદલાઈ ગયું છે.
તે અંગે તેમણે કહ્યું, "વિદ્યાર્થીઓ તૂટી ચૂક્યા છે અને ગભરાયેલા છે. પરંતુ તેઓ અમને રોકી નહીં શકે. જેએનયુ એવી જગ્યા છે, જ્યાં મારા જેવા નેત્રહીનો વાસ્તવમાં નેત્રહીન નથી હોતા."
તેમણે જેએનયુના અન્ય એક નેત્રહીન વિદ્યાર્થી અને ઍક્ટિવિસ્ટ શશીભૂષણ પાંડેની શાયરી સંભળાવતાં કહ્યું,
"હજારો ખ્વાબ, નીંદ, અશ્ક ઔર તેરા ચહેરા...
જગહ કહાં હૈ ઇન આંખોંમેં રોશની કે લિયે"


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












