રાહુલ ગાંધી ખરા વખતે જ વિદેશ કેમ ચાલ્યા જાય છે?

Rahul Gandhi

ઇમેજ સ્રોત, MOHD ZAKIR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, Rahul Gandhi
    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

રાહુલ ગાંધી અગત્યના સમયે જ વિદેશ કેમ જતા રહ્યા? આ સવાલનો જવાબ આપવાનું કૉંગ્રેસ પક્ષ માટે મુશ્કેલ બની રહ્યું છે.

આ કંઈ પ્રથમવાર નથી કે રાહુલ ગાંધીએ રાજકીય જીવન કરતાં પોતાના વ્યક્તિગત જીવનને વધારે મહત્ત્વ આપ્યું હોય.

અગાઉ પણ અનેક વખત રાહુલ ગાંધી એકલા કે પરિવાર સાથે જન્મદિન મનાવવા, નવા વર્ષની ઉજવણી કરવા વિદેશ જતા રહ્યા હોય એવું બન્યું છે.

આવી રીતે કસમયે રાહુલ ગાંધીના વિદેશગમનને કારણે કૉંગ્રેસે રાજકીય રીતે સહન કરવું પડ્યું છે. આમ છતાં રાહુલ ગાંધીના વિદેશપ્રવાસ ઓછા થઈ રહ્યા નથી.

line

પ્રિયંકા પાસે કોઈ જવાબ નહીં

પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

28 ડિસેમ્બરે કૉંગ્રેસના 136મા સ્થાપનાદિનની ઉજવણીમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બંને ગેરહજાર હતાં.

આ કાર્યક્રમ પહેલાં જ રાહુલ ઇટાલી જવા રવાના થઈ ગયા હતા. સોનિયા ગાંધી નાદુરસ્ત તબિયતને કારણે હાજર રહ્યાં નહોતાં, એટલે સમગ્ર કાર્યક્રમની જવાબદારી પ્રિયંકા ગાંધી પર આવી હતી.

પત્રકારોએ પ્રિયંકાને સવાલો પૂછ્યા હતા કે રાહુલ ગાંધી શા માટે ગેરહાજર છે, ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. રણદીપ સુરજેવાલા અને અન્ય કૉંગ્રેસી નેતાઓ બચાવની સ્થિતિમાં હતા.

કૉંગ્રેસ પક્ષ તરફથી જણાવાયું કે રાહુલ ગાંધી તેમનાં નાની બીમાર હોવાથી ખબર કાઢવા ગયા છે. જોકે કૉંગ્રેસે આ માહિતી સત્તાવાર રીતે જાહેર કરી નથી.

આવું જણાવ્યા પછી ભાજપે ફરીથી કૉંગ્રેસ પર આક્ષેપોનો મારો કર્યો હતો. એવામાં સવાલ ઊભો થાય છે કે રાહુલ ગાંધી વારંવાર શા માટે આવું કરે છે?

line

દર વર્ષે લગભગ 65 વિદેશ-પ્રવાસ

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

રાહુલ ગાંધી દર વર્ષે લગભગ 65 વિદેશ-પ્રવાસ કરે છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ 2015થી 2019 સુધીમાં 247 વિદેશ-પ્રવાસ કર્યા છે.

એસપીજીને જાણ કર્યા વિના જ આ પ્રવાસ કર્યા હતા. તેનો અર્થ એ કે સત્તાવાર રીતે એસપીજીને જાણ કરીને કરેલા પ્રવાસોને ઉમેરીએ તો આ સંખ્યા વધારે થઈ શકે છે.

ચાર વર્ષમાં 247 પ્રવાસ ગણીએ તો રાહુલ ગાંધીએ દર વર્ષે 65 અને મહિનાદીઠ પાંચથી વધુ પ્રવાસ કર્યા ગણાય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2019માં આ માહિતી લોકસભામાં આપી હતી.

જોકે સવાલ એ નથી કે કેટલી વાર રાહુલ ગાંધી વિદેશપ્રવાસ કરે છે. સવાલ એ છે કે મોકાના સમયે કે જ્યારે પક્ષને જરૂર હોય, ત્યારે જ રાહુલ ગાંધી શા માટે વિદેશ જતા રહે છે.

કૉંગ્રેસ પક્ષે પોતાના ઘણાં કાર્યક્રમો અને રાષ્ટ્રીય ઝુંબેશમાં એટલા માટે ફેરફારો કરવા પડ્યા હતા કે રાહુલ ગાંધી એ તારીખોમાં ઉપસ્થિત નહોતા.

મહારાષ્ટ્રમાં ગઠબંધન નક્કી કરતી વખતે કે કર્ણાટકમાં પ્રધાનમંડળમાં નિમણૂક વખતે કૉંગ્રેસે રાહુલ ગાંધી વિદેશથી પરત આવે તેની રાહ જોવી પડી હતી.

line

રાજકીય કાર્યક્રમો છોડીને વિદેશ-પ્રવાસ

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

2019ના વર્ષમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં પ્રદર્શનો થવા લાગ્યાં હતાં.

કૉંગ્રેસ આ મુદ્દે ભાજપને ભીંસમાં લેવા માટે વિરોધ કરી રહી હતી, પરંતુ રાહુલ ગાંધી એ વખતે જ દક્ષિણ કોરિયાના પ્રવાસે જતા રહ્યા હતા.

એ વખતે કૉંગ્રેસે ખુલાસો કર્યો હતો કે આ પ્રવાસ પૂર્વ નિર્ધારિત હતો, પરંતુ પક્ષે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

2018માં કર્ણાટકની ચૂંટણી પૂર્ણ થઈ તે પછી તરત જ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિદેશ ગયાં હતાં. તેના કારણે કર્ણાટકમાં જેડી(એસ) સાથે મંત્રાલયોની વહેંચણીનો મુદ્દો અટકી પડ્યો હતો.

2016ના પ્રારંભે પાંચ રાજ્યોમાં ચૂંટણી આવી હતી, પરંતુ તે વખતે જ તેઓ વિદેશ જતા રહ્યા હતા. ખાસ કરીને પંજાબમાં કૉંગ્રેસના નેતાઓએ આ મુદ્દે મીડિયાના સવાલોનો મારો સહન કરવો પડ્યો હતો.

વિદેશ પ્રવાસના મુદ્દે ભાજપની ટીકા ઉપરાંત બીજા વિપક્ષો અને યુપીએના સાથી પક્ષો તરફથી પણ નારાજગીનો સામનો કૉંગ્રેસે કરવો પડ્યો છે.

ત્યારે સવાલ એ થાય છે કે શું આવી ટીકાઓથી કોઈ ફરક પડતો નથી?

line

ટીકાઓથી ટેવાઈ ગયા રાહુલ ગાંધી?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસ પક્ષનું કવરેજ કરતા રહેલા વરિષ્ઠ પત્રકાર અપર્ણા દ્વિવેદી માને છે કે રાહુલ ગાંધી આ ટીકાની બાબતથી હવે આગળ નીકળી ગયા છે.

તેઓ કહે છે, “એવું લાગે છે કે રાહુલ ગાંધીને, બહારથી કે પક્ષની અંદરથી થતી ટીકાઓથી કોઈ ફરક પડતો નથી."

"પક્ષના 23 નેતાઓએ પત્ર લખ્યો તે પછી પણ કૉંગ્રેસ કહેતી હતી કે તમે જ નેતાગીરી સંભાળો. તેનાથી રાહુલ ગાંધી કદાચ એવું માનવા લાગ્યા છે કે તેમના વિના પક્ષનો બેડો પાર થવાનો નથી."

"ભાજપ તો છેલ્લાં સાત-આઠ વર્ષોથી રાહુલ ગાંધીને ‘પપ્પૂ’ સાબિત કરવાની કોશિશમાં છે. તેમાં તેમને સફળતા પણ મળી છે. જોકે કૉંગ્રેસમાં હજી તેમનો વિરોધ થયો નથી."

"એથી રાહુલ ગાંધીને લાગે છે કે પક્ષ તેમની મરજી પ્રમાણે જ ચાલશે. તેમણે પ્રિયંકા ગાંધીને પણ જવાબદારીઓ સોંપવાનું શરૂ કરી દીધું છે.”

જવાબદારી સ્વીકારવાની વાત કરીએ તો 2019 લોકસભા ચૂંટણી હારી ગયા પછી કૉંગ્રેસના પ્રમુખપદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધું હતું.

સોનિયા ગાંધીની ના હોવા છતાં તેમણે પ્રમુખપદ છોડી દીધું. ત્યાર પછી સતત પક્ષના નેતાઓ અને સોનિયા ગાંધી તેમને ફરીથી પ્રમુખ બનવા માટે કહેતા રહ્યા છે.જોકે હજી સુધી રાહુલ ગાંધીનું વલણ સ્પષ્ટ થયું નથી.

રાજકીય વિશ્લેષકો માને છે કે કૉંગ્રેસના સ્થાપનાદિવસના એક દિવસ પહેલાં જ વિદેશ જતા રહેવાની વાત એક સંદેશ પણ હોઈ શકે છે.

અપર્ણા દ્વિવેદી કહે છે, “સ્થાપનાદિનના આગલા દિવસે જ રાહુલ ગાંધીએ મિલાન જતા રહીને પક્ષ અને નેતાઓને સંદેશ આપ્યો છે. પક્ષનું સંચાલન તેઓ પોતાની રીતે કરે તે સ્વીકારવાની તૈયારી હોય તો જ પોતે ફરીથી પ્રમુખ બનશે એમ જણાવવા માગતા હશે.”

line

કૉંગ્રેસની બચાવની કોશિશ

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

આ તકનો લાભ લઈને ભાજપે રાહુલ ગાંધી પર ટીકાનો મારો ચલાવ્યો અને કૉંગ્રેસ માટે કફોડી સ્થિતિ સર્જાઈ.

ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યું કે “પાર્ટ-ટાઇમ પૉલિટિક્સ, ફૂલટાઇમ પર્યટન અને પાખંડ જે નેતા કરે તેને નાની યાદ આવી જવાની.”

તેની સામે કૉંગ્રેસના નેતા કે. સી. વેણુગોપાલે જણાવ્યું કે “શું રાહુલ ગાંધી નાનીની ખબર કાઢવા ગયા તે ખોટું છે? દરેકને અંગત કારણોસર પ્રવાસનો હક છે. ભાજપ હલકી રાજનીતિ કરી રહ્યો છે, કેમ કે તેઓ એક જ નેતાને લક્ષ્ય બનાવવા માગે છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

જોકે ભાજપના પ્રવક્તા અમિતાભ સિંહાએ રાહુલ ગાંધી માટે સહાનુભૂતિ વ્યક્ત કરીને કહ્યું કે “મારી દૃષ્ટિએ રાહુલ ગાંધી ભલા માણસ છે અને તેમના પર ખોટી જવાબદારી આવી છે."

"તેઓ આમ આદમી તરીકે જીવવા માટે બન્યા છે, પણ તેમનાં માતાની જીદને કારણે દબાણમાં આવીને કામ કરી રહ્યા છે."

"તેમના પ્રત્યે મને પૂરી સહાનુભૂતિ છે. ઉપાધ્યક્ષ તરીકે કે અધ્યક્ષ તરીકે તેમણે ક્યારેય જવાબદારીને ગંભીરતાથી લીધી નથી, કેમ કે મૂળભૂત રીતે તેમનો સ્વભાવ એવો નથી.”

રાહુલ ગાંધીનો સ્વભાવ કહો કે અનિચ્છા કહો કે આંતરિક વિખવાદ. જે પણ હોય, પરંતુ તેના કારણે ભારતના મુખ્ય વિપક્ષ કૉંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે.

અહીં એ સવાલ થાય છે કે કૉંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી વચ્ચે કોનું ચાલશે?

શું ગાંધી પરિવાર અન્ય કોઈ નેતાને પ્રમુખ બનાવશે કે રાહુલ ગાંધીના મનામણા કરવાનું ચાલતું રહેશે?

line

કોણ બન્યું અવરોધરૂપ

વીડિયો કૅપ્શન, નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સમક્ષ પોતાના વિચાર આવી રીતે વ્યક્ત કરી રહ્યાં છે

2019માં ચૂંટણીમાં હાર પછી કૉંગ્રેસમાં આંતરિક વિખવાદનો નવો પ્રવાહ શરૂ થયો હતો.

કૉંગ્રેસનું એક જૂથ માને છે કે કૉંગ્રેસના પ્રમુખ તરીકે એવી વ્યક્તિ હોવી જોઈએ, જેને સામાન્ય કાર્યકર પણ મળી શકે.

તેની સામે કૉંગ્રેસના જૂના નેતાઓ રાહુલ ગાંધીને ફરીથી પ્રમુખ બનાવવા માગે છે. આગામી દિવસોમાં કૉંગ્રેસમાં સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા પણ શરૂ થવાની છે.

કૉંગ્રેસ અને ભાજપના રાજકાજ પર લાંબો સમયથી નજર રાખી રહેલા વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી માને છે કે આના કારણે યુવા કૉંગ્રેસીઓ માટે કમનસીબભરૂ સ્થિતિ ઊભી થઈ છે.

તેઓ કહે છે, “તમને અમિત શાહ કે નરેન્દ્ર મોદીની વિચારધારા પસંદ હોય કે ન હોય, પરંતુ તેઓ જે મહેનત કરે છે તે દેખાઈ આવે છે."

"અમિત શાહને કોવિડ થયો, તે પછી પણ તેઓ ક્યારેક આસામ, ક્યારેક બંગાળ, ક્યારેક મણિપુરના પ્રવાસે હોય છે. તેના કારણે લોકો નેતૃત્ત્વની સરખામણી કરતાં થઈ જ જશે.”

સાથે એ સવાલ પણ થાય છે કે શું સોનિયા ગાંધીએ કૉંગ્રેસના હિત ખાતર નેતૃત્ત્વ ગાંધી પરિવાર બહારની કોઈ વ્યક્તિને સોંપવું જોઈએ?

નીરજા કહે છે, “એ સમય હવે આવી ગયો છે કે ગાંધી પરિવાર એક કદમ પાછળ હટે અને બીજાને નેતૃત્વ આપે, કેમ કે પક્ષને બેઠો કરવાની જરૂર છે. પાયાના સ્તરેથી પક્ષને બેઠો કરવાની જરૂર છે."

"બૂથ લેવલથી પક્ષને મજબૂત કરીને નવું નેતૃત્ત્વ લાવવાની જરૂર છે. કૉંગ્રેસમાં ઘણા બધા અનુભવી નેતાઓ છે, તેમને આગળ કરવાની જરૂર છે. પક્ષમાં યુવા નેતાઓ પણ છે, જે મહેનત કરી શકે છે. ગાંધી પરિવાર પાછળ રહીને પણ અગત્યની ભૂમિકા ભજવી શકે છે."

"મને લાગે છે કે બ્રાંડ કૉંગ્રેસને આગળ કરવાની જરૂર છે. મોદીના ભાજપનો સામનો કરી શકે તેવો એક પણ ચહેરો દેખાતો નથી. બ્રાંડ કૉંગ્રેસ હોય અને વિપક્ષના કેન્દ્રમાં કોઈ ચહેરો હોય ત્યારે જ કદાચ કશુંક શક્ય બને. હાલમાં શરદ પવારનું નામ યુપીએના ચૅરમૅન તરીકે આગળ આવી રહ્યું છે, ત્યારે જોઈએ કે હવે આગળ શું થાય છે.”

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો