You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નીતિન પટેલે કહ્યું, સાચા ખેડૂતો આંદોલન કરે છે એમાં આતંકવાદીઓ જોડાઈ ગયા છે
ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું, સાચા ખેડૂતો આંદોલન કરે છે એમાં આતંકવાદીઓ જોડાઈ ગયા છે.
ભાજપ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કૃષિકાયદા જાગૃતિ અભિયાન કરી રહ્યું છે એમાં નાયબ મુખ્ય મંત્રીએ આ વાત કરી છે.
મોદી સરકારના ત્રણ કૃષિકાયદાઓ સામે દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું છે કે ''સાચા ખેડૂતો આંદોલન કરે છે, થોડા ખેડૂતો આંદોલન કરે છે એમાં દેશવિરોધી પરિબળો, આતંકવાદીઓ, ખાલિસ્તાનવદીઓ, સામ્યવાદીઓ, ચીન તરફીઓ આ બધા એમાં જોડાઈ ગયા છે.''
ભારતમાં ખેડૂત આંદોલનનો આજે બાવીસમો દિવસ છે ત્યારે વિવિધ ભાજપશાસિત રાજ્યોમાં કૃષિ સુધારણા અધિનિયમ પર જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
પંચમહાલ જિલ્લામાં મોરવા હડફમાં યોજાયેલા આવા જ એક કાર્યક્રમમાં નીતિન પટેલે આ વાત કરી છે.
નીતિન પટેલે દાવો પણ કર્યો કે દેશવિરોધી પરિબળો આંદોલનને લાખો રૂપિયા આપે છે.
નીતિન પટેલે કહ્યું કે, ''આ સામ્યવાદીઓ અત્યારે ખેડૂતોની ભેગા બેસી ગયા છે. આ ખાલિસ્તાનવાદીઓ જે પંજાબને ભારતથી અલગ કરવા માગે છે, પાકિસ્તાનમાં જવા માગે છે, ભારત જોડે રહેવા નથી માગતા.''
એમણે કહ્યું કે, ''જેમ કાશ્મીરીઓ, આતંકવાદીઓ, અલગતાવાદીઓ કાશ્મીર ભારતમાં રહે તેમ નથી ઇચ્છતા એમ આ લોકો સામ્યવાદીઓ પણ સામ્યવાદની બોલબાલા કરે છે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નીતિન પટેલે કહ્યું કે ''આપણે સાચા ખેડૂતોને ટૂકડે ટૂકડે ગેંગ નથી કહેતા. સાચા ખેડૂતો આંદોલન કરે છે, થોડાં ખેડૂતો આંદોલન કરે છે એમાં દેશવિરોધી પરિબળો, આતંકવાદીઓ, ખાલિસ્તાનવાદીઓ, સામ્યવાદીઓ, ચીન તરફીઓ બધા એમાં જોડાઈ ગયા છે.''
ખેડૂત આંદોલનમાં પિત્ઝાની ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ હતી તેને ટાંકીને નીતિન પટેલે કહ્યું કે ''આપણે જોઈએ છીએ કે (આંદોલનમાં) લોકો પિઝા ખાય છે અને પકોડી ખાય છે. બધુ મફત થાય છે કેમ કે દેશવિરોધી પરિબળો એમને લાખો રૂપિયા મફત આપે છે અને કહે છે કે લો લાખો રૂપિયા વાપરો અને પડ્યા રહો.''
એમણે એવો પણ દાવો કર્યો કે ''આખા દેશના ખેડૂતો આ ભાગલાવાદી, આતંકવાદી, ચીનતરફી, પાકિસ્તાનતરફી, ખાલિસ્તાનવાદીઓનાં હાથા બનવાના નથી.''
ઉલ્લેખનીય છે કે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાંથી દસ હજાર જેટલા ખેડૂતો આંદોલનમાં ભાગ લેવા માટે દિલ્હી જવાના હોવાની વાત કહેવાઈ છે.
આંદોલનમાં ભાગ લેવા માગતા ગુજરાતના ખેડૂતોને અટકાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ પણ અમુક ખેડૂત આગેવાનોએ સરકાર પર મૂકયો છે.
ભાજપનું જનજાગૃતિ અભિયાન
ઉલ્લેખનીય છે કે કૃષિકાયદાઓ પર સરકારની વાતચીત નિષ્ફળ રહી છે અને ખેડૂતોએ આંદોલન આક્રમક બનાવ્યું છે.
સરકાર કાયદાઓમાં સુધારણની વાત કરે છે પણ ખેડૂતો ત્રણેય કૃષિકાયદાઓને સંસદનું ખાસ સત્ર બોલાવી પાછા ખેંચવાની માગ કરે છે.
ગુજરાતમાં ભાજપની સરકાર અલગ અલગ જિલ્લામાં કૃષિકાયદાઓ પર જનજાગૃતિ સભાઓ યોજી રહી છે અને તેમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીથી લઈને નીતિન પટેલ તથા તમામ દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓ ભાગ લઈ રહ્યાં છે.
ગુજરાતની જેમ મધ્ય પ્રદેશ અને અન્ય સ્થળોએ પણ ભાજપ દ્વારા આવી સભાઓ યોજાઈ રહી છે.
મધ્ય પ્રદેશની સભાઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સંબોધન કરવાના છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો