પશ્ચિમ બંગાળ ચૂંટણી : અમિત શાહ મમતા બેનરજીના બળવાખોર મંત્રી સુવેંદુ અધિકારીને ભાજપમાં લાવી શકશે?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ અઠવાડિયાના અંતમાં ફરી એક વાર પશ્ચિમ બંગાળની મુલાકાત લેવાના છે.

અમિત શાહ ટીએમસી (તૃણમૂલ કૉંગ્રેસ)ના બળવાખોર નેતા સુવેંદુ અધિકારીને પણ મળે તેવી શક્યતા છે.

પશ્ચિમ બંગાળમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને એ રીતે અમિત શાહની આ મુલાકાત મહત્ત્વની માનવામાં આવે છે.

કહેવાય છે કે શાહની આ મુલાકાત દરમિયાન તૃણમૂલ કૉંગ્રેસના નેતા સુવેંદુ અધિકારી ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે.

તો ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયે કહ્યું કે જો તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના ધારાસભ્ય સુવેંદુ અધિકારી ભાજપમાં આવે તો પાર્ટીમાં તેમનું સ્વાગત કરાશે.

વિજયવર્ગીયે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "સુવેંદુ મમતા બેનરજીના અંહકાર અને ભ્રષ્ટાચારથી નારાજ હતા. જો સુવેંદુ ભાજપમાં આવે તો તેમનું સ્વાગત કરાશે. ટીએમસીના ઘણા નેતાઓ ભાજપમાં સામેલ થશે, અમે તેમના સંપર્કમાં છીએ. "

2021ની પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી પહેલાં જ અધિકારીએ રાજ્ય સરકારના મંત્રીપદેથી રાજીનામું આપ્યું છે. જોકે તેમના પાર્ટીમાંથી બહાર જવા અંગે હજુ કોઈ સ્પષ્ટ જાણકારી નથી.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેએ ગત શુક્રવારે સુવેંદુ અધિકારીનું સ્ટેટ ટ્રાન્સપૉર્ટ મંત્રીપદેથી આપેલું રાજીનામું સ્વીકારી કરી લીધું હતું.

સુવેંદુ અધિકારીના રાજીનામાનું ટ્વીટ કરતા રાજ્યપાલ ધનખડેએ કહ્યું કે મામલાને "સંવૈધાનિક" પરિપ્રેક્ષ્યમાં જોવાશે.

કોણ છે સુવેંદુ અધિકારી?

સુવેંદુ અધિકારી નંદીગ્રામથી તૃણમૂલ કૉંગ્રેસના ધારાસભ્ય છે અને તેઓ મમતા બેનરજીની સરકારમાં પરિવહનમંત્રી હતા.

એનડીટીવીના રિપોર્ટ અનુસાર તેઓએ 27 નવેમ્બરે રાજીનામું પણ આપી દીધું છે. બાદમાં એવી શક્યતા છે કે તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે.

રિપોર્ટ અનુસાર, સુવેંદુ અધિકારીએ 15 ડિસેમ્બરે કહ્યું હતું, "હું વ્યક્તિગત હુમલામાં વિશ્વાસ નથી રાખતો. ઘણા લોકો મને ગાળો ભાંડી રહ્યા છે. કેટલાક ઊંચા પદે બેસેલા લોકો પણ મારા પર હુમલો કરી રહ્યા છે, પરંતુ થોડા દિવસોમાં જ તમને ખબર પડી જશે કે જ્યારે તમે મત આપશો કે લક્ષ્મણ શેઠ, અનિલ બોઝ, બોલનૉય કોનાર થવું કેવું લાગે છે."

સુવેંદુ અધિકારી પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સરકારમાં એક કદાવર નેતા માનવામાં આવે છે.

તેઓ 15મી અને 16મી લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ તમલુક ક્ષેત્રમાંથી ચૂંટાયા હતા.

સુવેંદુ અધિકારીએ 2007માં ટીએમસીની નંદીગ્રામ ચળવળમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અને તેના કારણે પાર્ટીને ડાબેરી મોરચાને સત્તામાંથી ઉખેડવામાં મોટી મદદ મળી હતી.

એ સમયે સુવેંદુ અધિકારી કાંથી દક્ષિણ મતવિસ્તારના ધારાસભ્ય હતા. તેઓએ વામ મોરચાના શાસન સામે ભૂમિ ઉચ્છેદ પ્રતિરોધ કમિટી હેઠળ નંદીગ્રામના લોકોને એકજૂથ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

એ સમયે ભૂમિ આંદોલન તેની ચરમ પર હતું અને આ વિસ્તારમાં કેમિકલ હબ સામે લોકોની નારાજગી હતી.

લેફ્ટના દબદબા વચ્ચે પણ સુવેંદુ અધિકારી સીપીઆઈ (એમ)ના કદાવર નેતા લક્ષ્મણ શેઠને હરાવવામાં સફળ રહ્યા હતા.

તેમજ કુખ્યાત 'જંગલમહલ' ક્ષેત્ર એટલે કે મેદિનાપુર, પુરલિયા અને બાંકુરા જિલ્લાઓમાં ટીએમસીને મજબૂત કરી હતી.

સુવેંદુ અધિકારીના પિતા સિસિર અધિકારી મનમોહન સિંહની સરકારમાં રાજ્યકક્ષાના ગ્રામીણવિકાસમંત્રી પણ રહી ચૂક્યા છે. તેમના નાના ભાઈ પણ ટીએસીના સાંસદ છે.

એવું પણ કહેવાય છે કે સુવેંદુ અધિકારી પૂર્વ મિદનાપુરમાં લોકપ્રિય નેતા છે, જે 30થી વધુ વિધાનસભા સીટને પ્રભાવિત કરી શકે છે.

બંગાળની ચૂંટણી પહેલાં રાજકીય ઘમસાણ

પશ્ચિમ બંગાળમાં 2021માં વિધાનસભા ચૂંટણી થવાની છે. 294 સીટવાળી આ વિધાનસભાની ચૂંટણી પર સૌની નજર રહેશે.

મુખ્ય મંત્રી મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસની સરકારને ભાજપે ટક્કર આપવાનું મન બનાવી લીધું છે.

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં પશ્ચિમ બંગાળની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની 294 બેઠકોમાંથી 200 સીટ જીતવાનો દાવો કર્યો હતો.

અમિત શાહે બંગાળમાં આદિવાસી બહુમતીવાળા વિસ્તારમાં પહોંચ્યા હતા અને અહીં આદિવાસીના ઘરે જમીન પર બેસીને ભોજન પણ લીધું હતું.

ગયા અઠવાડિયે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બે દિવસની પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા હતા.

નડ્ડા ભાજપ કાર્યાલયના ઉદઘાટન માટે જતા હતા એ સમયે કેટલાક યુવકોએ કાળા વાવટા ફરકાકાવ્યા હતા અને જે.પી. નડ્ડા મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા. જોકે પોલીસે ત્યારબાદ તેમને ત્યાંથી ખસેડી દીધા હતા.

બીજા દિવસે દક્ષિણ-24 પરગના જિલ્લામાં કથિત તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોએ તેમનો રસ્તો રોક્યો હતો અને તેમની કાર પર પથ્થરમારો પણ થયો હતો.

આ ઘટના બાદ અમિત શાહના નિર્દેશ પર ગૃહમંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી આ ઘટના અંગે રિપોર્ટ પણ માગ્યો હતો.

બંગાળની ચૂંટણી સમયે સીએએ અને એનઆરસીનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે.

તૃણમૂલ કૉંગ્રેસનાં પ્રમુખ અને મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું કે સરકાર અહીં સીએએ કોઈ પણ કિંમતે લાગુ થવા નહીં દે.

તેમનું કહેવું હતું કે કેન્દ્ર સરકાર એનઆરસી અને સીએએના બહાને લોકોની નાગરિકતા છીનવવાનો પ્રયાસ કરી રહી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો