આયુર્વેદ અને ઍલૉપથીના ડૉક્ટરો આમને-સામને કેમ આવી ગયા?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદના ડૉક્ટરોને નાક-કાન-ગળા-પેટ સહિતનાં અંગોના ઑપરેશનની છૂટ આપતાં આયુર્વેદ અને ઍલૉપથીના ડૉક્ટરો આમને સામને આવી ગયા છે.

'ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન'ના ડૉક્ટરોનું કહેવું છે કે આયુર્વેદના ડૉક્ટરો હઠીલા રોગોની સારવાર કરે ત્યાં સુધી બરાબર છે પણ આધુનિક શસ્ત્રક્રિયા કરશે તો દરદીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

બીજી તરફ આયુર્વેદના તબીબોનું કહેવું છે કે સરકારે વર્ષોના સંશોધન બાદ સંબંધિત નિર્ણય લીધો છે અને આયુર્વેદ એક એવું શાસ્ત્ર છે, જે તમામ રોગનો ઉપચાર કરી શકે છે.

કેન્દ્ર સરકારે સૅન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસિન થકી આયુર્વેદના તબીબોને હર્નિયા, આંખ, નાક, કાન, ગળા ઉપરાંત હરસ, ભગંદર સહિત 55 અંગો-રોગોમાં શસ્ત્રક્રિયા કરવાની છૂટ આપી છે.

આ છૂટ સામે ઍલૉપથીના ડૉક્ટરોએ ભારે વાંધો લીધો છે. ડૉક્ટરોએ એક દિવસ માટે ઇમર્જન્સી સેવા બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. તેમણે આગામી દિવસમાં જલદ કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

ઍલૉપથીના ડૉક્ટરોની દલીલ

'ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન'ના પ્રવક્તા ડૉક્ટર મુકેશ મહેશ્વરીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "ભારત સરકારે આયુર્વેદના ડૉક્ટરોને ઑપરેશનની મંજૂરી આપીને ખોટો નિર્ણય કર્યો છે. આયુર્વેદમાં શરીરની ઍનેટૉમી ભણાવવામાં આવતી નથી ત્યારે આ ઑપરેશનની છૂટ કેટલા અંશે વ્યાજબી ગણાય?"

"આયુર્વેદમાં ઍનેસ્થેશિયા આપવાની કોઈ પદ્ધતિ નથી. તેમને ડિસેક્શન શીખવવામાં આવતું નથી. આયુર્વેદ નાડ પારખીને નિદાન કરે છે ત્યારે તેની ચોકસાઈ રહેતી નથી."

ડૉ. માહેશ્વરી કહે છે કે આયુર્વેદ ભલે હજારો વર્ષ જૂનું શાસ્ત્ર હોય પણ તેમાં ન તો દવાના કોઈ પ્રયોગો થાય છે કે ન તો કોઈ રોગમાં કેસ સ્ટડી નક્કી કરીને ક્લિનિકલ ટ્રાયલ થાય છે.

જ્યારે ઍલૉપથીમાં રોગનો કેસ સ્ટડી કરીને એના માટેની દવા તૈયાર કરાય છે. આ દવાને બજારમાં મૂકતા પહેલાં ક્લિનકલ ટ્રાયલ કરવામાં આવતી હોય છે.

"મૉર્ડન રેડિયોલૉજી, ઍક્સ-રે, સૉનોગ્રાફી વગેરે રોગોનું પહેલાં નિદાન થાય છે અને બાદમાં ઑપરેશન થતું હોય છે. આયુર્વેદમાં આવી કોઈ જોગવાઈ નથી."

"વળી, મૉર્ડન મેડિસિના ક્ષેત્રમાં નિષ્ણાત થવા માટે ડૉક્ટરને સાડાં પાંચ વર્ષ માટે ભણવું પડે છે. એમબીબીએસ. બાદ ત્રણ વર્ષ સર્જરીનો અભ્યાસ કરવો પડે છે."

"આમ નવ વર્ષે એક ડૉક્ટર સર્જન બની શકે છે. આયુર્વેદ આ પદ્ધતિ જ નથી. આયુર્વેદ અને મૉર્ડન મેડિસિનની ખીચડી દરદી માટે જોખમી સાબિત થઈ શકે છે."

આઈએમએના સભ્ય અને જાણીતા સર્જન ડૉક્ટર અજય પટેલ કહે છે, "મૉર્ડન સાયન્સમાં પહેલા દિવસથી શરીરની ઍનેટૉમી ભણાવવામાં આવે છે."

"જેમાં ચામડીના પડની નીચે કઈ નસ હશે, સ્નાયુ કેવા હશે, ચરબીનો થર કેવો હશે અને ઑપરેશન કરતાં પહેલાં કઈ નસ કાપવાથી લોહી નીકળશે, શરીરના કયા ભાગમાં કઈ પ્રકારની ગાંઠ હશે અને એને કઈ રીતે દૂર કરી શકાય એવી તમામ બાબતોનો સમાવેશ થાય છે. આ ગાંઠ સ્નાયુની છે કે નસની એ આયુર્વેદમાં નક્કી ન કરી શકાય એટલે આયુર્વેદમાં ઑપરેશન કરવું અઘરું છે."

આયુર્વેદમાં આધુનિકતાનો અભાવ?

ડૉ. પટેલ ઉમેરે છે, "અમે જ્યારે 32 વર્ષ પહેલાં ઑપરેશન કરતા હતા ત્યારે માત્ર ઍક્સ-રેના આધારે નિદાન કરીને ઑપરેશન કરતા હતા. એ બાદ સૉનોગ્રાફી, સીટી સ્કૅન, એમઆરઆઈ. આવ્યાં જેને પગલે સચોટ ઑપરેશન કરી શકાય છે."

"પહેલાં જ્યારે ઍક્સ-રેના આધારે ઑપરેશન કરતા હતા ત્યારે શરીરની ચીરફાડ વધુ થતી હતી. દરદીને ઑપરેશન બાદ દસ દિવસ સુધી હૉસ્પિટલમાં રહેવું પડતું હતું."

"હવે નિદાનમાં સચોટતા આવી છે અને એ જ ઑપરેશન ઝડપથી કરીને દરદીને એક-બે દિવસમાં ઘરે મોકલી શકાય છે. આયુર્વેદમાં આવી કોઈ સુવિધા નથી. નવાં સંશોધનો થયાં નથી. એટલે આયુર્વેદના ડૉક્ટરને આવાં ઑપરેશન કરવા આપવાં એટલે દરદીનો જીવ જોખમમાં મૂકવો."

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના ઈએનટી વિભાગના પૂર્વ સભ્ય અને જાણીતા ઈએનટી સર્જન ડૉ. દીપક રાવલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "કાન, નાક, ગળાનો ભાગ સીધો જ મગજ સાથે જોડાયેલો હોય છે. આ એવાં સંવેદનશીલ અંગો છે, જેની ઍનેટૉમી મીલીમિટરમાં પ્રમાણે સમજવી પડે. જો ગંભીર ઇજા પહોંચે તો જીવલેણ સાબિત થઈ શકે છે."

"અમે જ્યારે ઈએનટી સર્જન થયા ત્યારે રોગનું નિદાન કરવા માટે હેડલાઇટનો સહારો લેતા હતા પણ હવે બદલાતી ટેકનૉલૉજી પ્રમાણે ઍન્ડોસ્કૉપીથી કામ કરીએ છીએ. માઇક્રો ડ્રૅબાઇટર મશીનથી બહુ જ ચોકસાઈથી કામ થાય છે. આયુર્વેદમાં આ સુવિધા નથી."

આયુર્વેદના અભ્યાસુ શું કહે છે?

જોકે, આ તમામ દલીલોને ખારિજ કરતાં સૅન્ટ્રલ કાઉન્સિલ ઑફ મેડિસિનના પૂર્વ સભ્ય અને જાણીતા આયુર્વેદ ડૉક્ટર કમલેશ રાજગોર કહે છે કે ઍલૉપથી ડૉક્ટરો દ્વારા આ મુદ્દે ગેરમાન્યતા ફેલાવવામાં આવી રહી છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "આયુર્વેદના ડૉક્ટર થવા માટે સાડા પાંચ વર્ષનો અભ્યાસક્રમ હોય છે. એ બાદ ઑપરેશન કરવા માટે બીજાં ત્રણ વર્ષનો અભ્યાસક્રમ હોય છે. જે બાદ આયુર્વેદ ડૉક્ટર શસ્ત્રક્રિયા કરવા માટે સક્ષમ બને છે."

"આયુર્વેદમાં શલ્ય અને શાલક્યનો અભ્યાસ કરનારા જ શસ્ત્રક્રિયા કરી શકે છે. આયુર્વેદના ડૉક્ટરો ડોશીમાનું વૈદું કરતા હોવાની માન્યતા પ્રવર્તે છે પણ નવો અભ્યાસક્રમ વધુ ચોક્કસ બનાવવા માટે અમારી ટીમે દેશભરમાં 300 આયુર્વેદ કૉલેજોનો અભ્યાસ કર્યો છે."

"મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ સહીત દેશનાં આઠ રાજ્યોમાં આયુર્વેદ ડૉક્ટરોને ઑપરેશન કરવાની છૂટ છે. અમે ઑપરેશન વખતે ઍનેસ્થેશિયાની પણ મદદ લઈએ છીએ."

ડૉક્ટર રાજગોર કહે છે કે મૉર્ડન મેડિસન જેને ઍનેટૉમી કહે છે એને આયુર્વેદમાં જૂદા નામે સંબોધવામાં આવે છે. "અમે રસ, રક્ત, માણસ, અસ્થિ, મજ્જા, મેદ અને સૂત્ર કહીએ છીએ. મૉર્ડન સાયન્સમાં એનાં અંગ્રેજી નામો છે."

"આયુર્વેદમાં ઍનેસ્થશિયાને સંનયાહ કહે છે. એનો મૂળ આશય આયુર્વેદ અને મૉર્ડન સાયન્સને ભેગા કરીને સામાન્ય માણસનો ઉપચાર કરવાનો હોય છે."

"આ અભ્યાસક્રમ અમે 2016માં કેન્દ્ર સરકારને આપ્યો હતો, જેમાં નિષ્ણાત ડૉક્ટરોની સલાહ લઈને આયુર્વેદના ડૉક્ટરોને 58 પ્રકારના ઑપરેશન કરવાની મંજૂરી આપવામાં આવી હતી."

"રહી વાત દવાની તો ડૉક્ટરો જેને સ્ટીરોઇડ કહે છે, એવી જ હર્બલ સ્ટીરોઇડ હોય છે. જેમાં વીએમઓન નામનું તત્ત્વ રહેલું હોય છે. મૉર્ડન સાયન્સમાં વાઇરસને મારવા માટે કૉટિકૉઝિન વપરાય છે, જે ગલુચી નામની આયુર્વેદિક દવામાં છે."

ડૉક્ટર રાજગોર કહે છે કે ઑપરેશન બાદ બૅક્ટેરિયાને રોકવા માટે પણ આયુર્વેદમાં દવા છે. આયુર્વેદમાં ઑપરેશન માટે 216 સાધનો અને 300 પ્રકારની સર્જરી છે.

નવીન તકનીક માટે તૈયાર

જોકે, આયુર્વેદમાં ક્લિનિકલ ટ્રાયલની પદ્ધતિ ન હોવાની વાત તેવો સ્વીકારે છે.

તેઓ કહે છે, "ક્લિનિકલ ટ્રાયલ માટે અમે નવી તકનીકનો ઉપયોગ કરવા માટે તૈયાર છીએ. આ નવા અભ્યાસક્રમનો આશય બન્ને દવાઓનું મિશ્રણ કરીને દરદીને લાભ પહોંચાડવાનો છે. પહેલાં ડૉક્ટરો ઍનેસ્થેશિયા પમ્પ અને અમ્બુસા બૅગથી આપતા હતા. હવે લૉકલ ઍનેસ્થેશિયા અપાય છે."

"આયુર્વેદ ડૉક્ટર માટે મૉર્ડન ઇમરજન્સી ટ્રીટમૅન્ટનો કૉર્સ કરાવવામાં આવે છે, જેથી તે આયુર્વેદ અને ઍલૉપથી એમ બન્ને થકી સારવાર કરી શકે. અમે શસ્ત્રક્રિયા કરવા માટે રૂમને સ્ટરીલાઇઝ કરવા માટે ધૂપ વાપરીએ છીએ. નવાં સાધનોનો ઉપયોગ કરીએ છીએ. માત્ર નાડ જ નહીં નવી ટેકનૉલૉજીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ."

જામનગર આયુર્વેદ કૉલેજના પૂર્વ ડીન અને ગુજરાત આયુર્વેદ વ્યાસપીઠના અધ્યક્ષ ડૉ. હિતેશ જોશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે આયુર્વેદ ડૉક્ટર ઑપરેશન ન કરી શકે એ વાત ખોટી છે.

તેઓ જણાવે છે, "1857થી 1905 સુધીમાં આયુર્વેદિક સર્જરીના અનેક કિસ્સા નોંધાયા છે. જેમાં યુદ્ધ દરમિયાન તલવારથી હાથ-પગ કપાઈ જવાના સમયે સારવાર આપવાની નવ પદ્ધિતિઓ નોંધાયેલી છે. ત્યારે મૉર્ડન મેડિસિન કહે કે આયુર્વેદ ડૉક્ટરનો ઍનેટૉપી ખબર ન હોય તો એ દલીલ યોગ્ય નથી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો