આંધ્રપ્રદેશ : ઇલુરુ જિલ્લામાં દેખાઈ રહસ્યમય બીમારી, શું છે લક્ષણો?

આંધ્રપ્રદેશના ઇલુરુ જિલ્લામાં એક રહસ્યમય રોગ સામે આવ્યો છે. હાલ સુધીમાં 340 જેટલાં લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે, જ્યારે એક વ્યક્તિ મૃત્યુ પામી છે.

ઘટનાની ગંભીરતાના કારણે આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી જગન મોહન રેડ્ડીએ સોમવારે સવારે ઇલુરુ જિલ્લાની જનરલ હૉસ્પિટલમાં દરદીઓની મુલાકાત લીધી હતી.

જિલ્લા ક્લેક્ટરે જમા કરાવેલા અહેવાલ અનુસાર આંધ્રપ્રદેશના વેસ્ટ ગોદાવરીમાં હાલ સુધીમાં કુલ 340 લોકો માદાં પડ્યા છે જેમાંથી 157 દરદીઓ સારવાર હેઠળ છે અને એક વ્યક્તિ મૃત્યુ પામી છે.

ગઈ સુધીમાં 70 લોકો સાજા થતાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સારવાર હેઠળ જે દરદીઓ છે તેમાંથી 76 મહિલાઓ અને 46 બાળકો હતાં.

આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે પીડિતોના લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને તપાસ ચાલી રહી છે.

કોરોના રિપોર્ટ નૅગેટિવ

આ દરદીઓના કોરોના વાઇરસના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે આ તમામના કોરોના વાઇરસના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.

આ રોગ જીવલેણ ન હોવાની વાત કરીને લોકોને નિરાશ ન થવા આરોગ્ય મંત્રીએ કહ્યું હતું.

વહીવટીતંત્રએ હાલ સુધી માંદગીનું કારણ જણાવ્યું નથી.

ઇલુરુ શહેરમાં સ્થિતિની સમીક્ષા કરવા અને યોગ્ય પગલાં લેવા માટે સરકાર દ્વારા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે અને શહેરના તબીબો અને પોલીસને ઍલર્ટ કરી દેવામાં આવી છે.

શું છે લક્ષણો?

તબીબોએ જણાવ્યું કે હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં લોકોની હાલત સ્થિર છે. જો કે, તેમની માંદગીનું કારણ તરત સ્પષ્ટ થઈ શક્યું નથી.

દરદીઓમાં વાઈ, ઊલટી, માથાનો દુખાવો, કમરનો દુખાવો, સામાન્ય નબળાઈ અને માનસિક તણાવના લક્ષણ જોવા મળ્યા હતા.

કલેકટરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હમણાં સુધી, માંદગી કોઈ વ્યક્તિથી બીજામાં ફેલાઈ નથી. કોઈ પણ વ્યક્તિ માંદી પડી શકે છે.

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના ચીફ ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે ગંદુ પાણી પીવાના કારણે આ લોકો માદા પડ્યા છે.

જોકે જિલ્લા ક્લેક્ટરના અહેવાલને ટાંકીને સમાચાર સંસ્થા એએનઆઈએ લખ્યું હતું કે જે વિસ્તારોમાં ઇલુરુ મ્યુનિસિપાલિટીનું પાણી વિતરણ પહોંચતું નથી તે લોકો પણ માંદા પડ્યા છે. જે લોકો દરરોજ માત્ર મિનરલ વોટર પીવે છે તે લોકો પણ માંદા પડ્યા છે.

મુખ્ય મંત્રીએ કહ્યું કે, અમે રોગના લક્ષણો જાણવા ઇલુરુને વિશેષ તબીબી ટીમો મોકલી રહ્યા છીએ. પીડિતોને ખાતરી આપવામાં આવી હતી કે સરકાર તેમની સાથે રહેશે.

કેન્દ્રની ટીમ જશે ઇલુરુ

રહસ્યમય બીમારીનો તાગ મેળવવા કેન્દ્ર સરકાર એક ઈમર્જન્સી મેડિકલ ટીમ ઇલુરુ મોકલી રહી છે. ટીમ આવતીકાલે લોકોની તપાસ કરશે.

આ ટીમમાં ડૉ. જમશેદ નાયર, ડૉ. અવિનાશ દોસ્તાવાર અને વાઇરોલૉજિસ્ટ ડૉ. સંકેત કુલકર્ણીનો સમાવેશ થાય છે.

આ ટીમ આવતીકાવે સાંજ સુધી પ્રાથમિક અહેવાલ રજૂ કરશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો