You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના તહેવારો બાદ વકરશે, ફોન પર ફ્રી સેવા આપતાં ડૉક્ટરોએ વ્યક્ત કરી દહેશત
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
એક તરફ તહેવારો છે જ્યારે બીજી તરફ કોરોનાનો પ્રકોપ ગુજરાતમાં વધી રહ્યો છે. તહેવારો અગાઉ ગુજરાતની બજારોમાં લોકોએ ખૂબ ખરીદી કરી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન જળવાયું નહોતું. પરિણામે કોરોનાના કેસ વધવા માંડ્યાં છે. જેને પગલે રાજ્યમાં કેટલીક હૉસ્પિટલોમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની રજાઓ રદ થઈ છે.
તહેવારમાં અમદાવાદ જેવા શહેરમાં તબીબી સંગઠનોએ ડોક્ટર ઑન કૉલની સગવડ પણ રાખી છે. જેમાં બીમાર વ્યક્તિ ફોન પર ડોક્ટરના સલાહ-સૂચન મેળવી શકે.
તહેવારો દરમિયાન અમદાવાદમાં કઈ કઈ હૉસ્પિટલોમાં ક્યા પ્રકારની સારવાર મળી રહેશે એની યાદી અમદાવાદ હૉસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સે પોતાની વેબસાઇટ પર મૂકી છે. જેમાં ડોક્ટર્સના નામ, સંપર્ક વગેરે વિગતો રજૂ કરી છે.
વડોદરાની ગોત્રી હૉસ્પિટલમાં ડૉક્ટરોની દિવાળી રજાઓ રદ થઈ છે. અમદાવાદ મેડિકલ ઍસોસિયેશને 42 ડૉકટરોની યાદી પોતાની વેબસાઇટ પર મૂકી છે. જેઓ 14થી 19 નવેમ્બર સુધી ફોન કૉલ્સ પર સેવા આપી રહ્યા છે. અમદાવાદમાં કયા સ્થળે કયા ડોકટર ફોન પર મળી શકે તેની યાદી વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે. એ યાદી જોવા આપ અહીં ક્લિક કરી શકો છો.
ડૉક્ટર કેવી રીતે ફોન કૉલ્સ સેવા આપે છે?
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનેના પ્રમુખ ડૉ. કિરિટ ગઢવીએ વધુ વિગતો આપતાં બીબીસીને જણાવ્યું હતું કે "અમે અમદાવાદ શહેરને વિવિધ વિસ્તારોમાં વિભાજિત કરીને 15 જેટલા કૉ-ઓર્ડિનેટર ડૉક્ટરો રાખ્યા છે.
"તેથી એ વિસ્તારના દરદી ફોન પર બીમારી વિશે પૂછપરછ કરીને માર્ગદર્શન મેળવી શકે છે. એવી જ રીતે જો કોઈ દરદીને જે તે બીમારી સંબંધિત કોઈ નિષ્ણાત ડૉક્ટરની સલાહની જરૂર પડે તો એ કૉ-ઓર્ડિનેટર તેમાં મદદરૂપ બને છે."
"ઉપરાંત શહેરમાં ચાલીસ જેટલા ડૉક્ટરો ફોન પર ઉપલબ્ધ છે જેઓ વિવિધ બિમારી માટે દરદીને ફોન પર સલાહ આપી રહ્યા છે. કોઈ દરદીની સ્થિતિ એવી હોય કે તેને દવાખાનામાં રૂબરૂ નિદાન આપવું પડે તેમ હોય તો ફોન પર જે ડૉક્ટરનો દરદીએ સંપર્ક કર્યો હોય તે ડૉક્ટર તેમને રૂબરૂ પણ સેવા આપી શકશે. ફોન પર સલાહ-માર્ગદર્શન આપવાની ડૉક્ટર કોઈ ફી લેતા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૂબરૂ નિદાન કે સારવાર લેવાના હોય તો તેની ફી ચૂકવવાની રહે છે.
ડૉ. ગઢવી ઉમેરે છે કે, "ડૉક્ટર ઑન કૉલ્સ સેવા અમે છેલ્લાં કેટલાંક વર્ષથી અમદાવાદમાં દિવાળી ટાણે આપીએ છીએ.
"ગયા વર્ષે સાતસો જેટલાં કૉલ આવ્યાં હતાં. આ વખતે કદાચ એનાથી વધુ ફોનકૉલ્સ આવી શકે એમ છે. કારણકે, આ વખતે કોરોના મહામારી છે. લોકો શૉપિંગ કરવા અને તહેવાર ઊજવવા નીકળ્યાં છે જેને લીધે કોરોનાના કેસ વધી રહ્યા છે."
"અગાઉ દર દસ કેસમાંથી એક કેસ કોરોનાનો આવતો હતો. હવે દર દસ કેસમાંથી ત્રણથી ચાર કેસ કોરોનાના આવે છે. અમદાવાદ જેવા શહેરોમાં કોરોના ટેસ્ટિંગ માટે જાહેર સ્થળો પર જે તંબુ લગાવ્યા છે એમાં હવે ટેસ્ટિંગ માટે લોકોની સંખ્યા વધી રહી છે."
"લોકો લાઇન લગાવી રહ્યા છે. આના પરથી એટલું તો કહી જ શકાય કે સંક્રમણ વધી રહ્યું છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઠંડી જ્યારે વધશે ત્યારે કોરોના સંક્રમણ આનાથી પણ વધી જશે."
દિવાળી પછી કોરોનાના કેસ હજુ વધી શકે છે
તહેવાર દરમિયાન દરદીઓને ફોનકૉલ્સ સેવા આપી રહેલા અમદાવાદનાં કુબેરનગર વિસ્તારનાં ડો. મનોજ કોડવાણીએ બીબીસીને જણાવ્યું હતું કે, "દિવાળીને દિવસે મારા વિસ્તારમાંથી મને સાંજ સુધીમાં દરદીનાં સાત કૉલ આવ્યાં હતાં. બે કૉલ એવા હતા કે તેમની અન્ય ડૉક્ટર પાસે સારવાર ચાલુ હતી. એ ડૉક્ટર રજા પર હોવાથી તેમણે મને ફોન કરીને તબીબી માર્ગદર્શન માગ્યું હતું અને મેં એ પુરૂં પાડ્યું હતું."
"કૉલ પર કોઈ દરદી દવા અંગે માર્ગદર્શન માગે તો તેઓ જે દવા લઈ રહ્યા હોય તે ચાલુ રાખવી કે નહીં તેમજ અન્ય દવાની જરૂર હોય તો અમે જણાવીએ છીએ. આગામી દિવસોમાં એ કૉલની સંખ્યા વધશે."
"તહેવાર છે ત્યારે લોકો ખરીદી વગેરે માટે બહાર નીકળ્યા છે. સાથે જ ઠંડી પણ શરૂ થઈ ગઈ છે. આને લીધે કેસ પણ વધી રહ્યા છે. દસેક દિવસ અગાઉ પંદરેક દરદી મારે ત્યાં તપાસ માટે આવતા હતા. એની સંખ્યા હવે બમણી થઈ ગઈ છે. ચિકનગુનીયા તેમજ કોરોનાના શંકાસ્પદ દરદીની સંખ્યા વધુ જોવા મળે છે."
ડૉ. કોડવાણીની જેમ જ દરદીઓને ફોનકોલ્સ સેવા આપી રહેલા અમદાવાદનાં વટવા વિસ્તારમાં ફેમિલી ફિઝિશિયન ડૉ. અમન ઈસ્માઈલીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "છેલ્લા અઠવાડિયામાં મારી પાસે વાઇરલ ઇન્ફેક્શનના દરદીઓની સંખ્યા વધવા માંડી છે. એમાં શંકાસ્પદ દરદીને અમે કોરોનાના ટેસ્ટની ભલામણ કરીએ છીએ. અત્યારે તહેવારમાં ઊજવાઈ રહ્યા છે અને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી ગયા છે."
"કેટલાંક લોકો તો માસ્ક પર સરખી રીતે પહેરતાં નથી. આને લીધે એટલું ચોક્કસ કહી શકાય કે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે."
રાજકોટમાં દિવાળી અને કોરોનાના વધતા કેસ માટે દરદી માટે કોઈ સર્વિસ શરૂ થઈ છે કે નહીં એ વિશે બીબીસીએ ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનનાં રાજકોટ શાખાના પ્રમુખ ડૉ. જય ધીરવાણી સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે "જે રીતે અમદાવાદમાં ડૉક્ટરની ફોનકોલ્સ સુવિધા શરૂ થઈ છે એ રીતે અમારે ત્યાં આવી કોઈ સુવિધા શરૂ કરવાની જરૂર નથી પડી. રાજકોટમાં મોટા ભાગની હૉસ્પિટલોમાં ડૉક્ટર અને સ્ટાફ કાર્યરત છે."
"કોઈ ખાનગી ક્લિનિક કે હૉસ્પિટલ ચલાવતા હોય અને તેઓ તહેવારમાં ઉપલબ્ધ ન હોય તો તેમણે દરદીઓને વૈકલ્પિક વ્યવસ્થાઓ આપી જ હોય છે. તેથી રાજકોટમાં કોઈ દરદીને નિદાન જોઈતું હોય કે તાકીદની સારવાર લેવી હોય તો ડૉક્ટર્સની સેવા મળી રહે એ માટે કોઈ વિશેષ સેવા શરૂ કરવાની જરૂર પડી નથી."
રાજ્યમાં છેલ્લાં સપ્તાહમાં એક હજારથી વધુ કોરોના કેસ
ગુજરાતમાં છેલ્લા પખવાડિયાનું કોરોનાનું ચિત્ર જોઈએ તો, કોરોનાના કેસનો આંકડો એક હજારની નીચે ચાલ્યો ગયો હતો એ હવે ફરી એક હજારની ઉપર જવા માંડ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદી અનુસાર ૩ અને 5 નવેમ્બરે રાજ્યમાં અનુક્રમે 975 અને 990 કેસ નોંધાયા હતા.
6 નવેમ્બરે એ આંકડો વધીને 1035 થયો હતો. 7 અને 8 નવેમ્બરે અનુક્રમે 1046 અને 1020 કેસ રાજ્યમાં નોંધાયા હતા.
9 નવેમ્બરે રાજ્યમાં કોરોનાના કેસ ઘટીને 971 નોંધાયા હતા. એ પછી 10,11,12 અને 13 નવેમ્બરે રાજ્યમાં કોરોનાનાં કેસનો આંકડો એક હજારથી ઉપર જ રહ્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો