ગુજરાત : એ લોકો જેમને લૉકડાઉનને કારણે ભીખ માગવાનો વારો આવ્યો

ઇમેજ સ્રોત, sharif malek
- લેેખક, અર્જૂન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
“પેટ ભરવા અનાજ તો જેમ-તેમ કરીને મળી જતું. પણ બાળકોની દવા-દારૂ અને રોજિંદા ખર્ચને પહોંચી વળવા માટે અમારે સ્વાભિમાન બાજુએ મૂકી ભીખ માગવી પડી.” આ શબ્દો છે લૉકડાઉન દરમિયાન પોતે વેઠેલી મુશ્કેલીઓ જણાવતાં 55 વર્ષીય એક રાજભોઈ મહિલાના.
લૉકડાઉનમાં પોતે વેઠેલ આર્થિક સંકટ વિશે વાત કરતાં તેઓ આગળ કહે છે કે, “આ લૉકડાઉને જીવનમાં ક્યારેય જેની કલ્પના પણ નથી કરી, એવું ભીખ માગવાનું કામ કરવા અમને મજબૂર બનાવી દીધાં.”
“નાનાં ભૂલકાંને લઈને અમારા સ્વાભિમાની સમાજની સ્ત્રીઓએ સતત ચાર મહિના સુધી ભીખ માગવી પડી.”
“ઘણી વાર તો સ્ત્રી અને પુરુષ બંને પોતે વેઠી રહેલાં કષ્ટોની વાત લોકોને કરી આર્થિક મદદ માગતા હતા. ઈશ્વર આવું કષ્ટ કોઈની પર ન આવવા દે.”
લૉકડાઉન અને તે પછીના સમયમાં રોજિંદા ઘર-ખર્ચ જેટલાં નાણાં હાંસલ કરવા માટે રાજભોઈ સમાજના લોકોએ વેઠવી પડેલી મુશ્કેલીઓ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “ઘણી વાર ઘણા લોકો અમને અપશબ્દો પણ બોલી જતા. તેમને લાગતું કે અમે જાણીજોઈને ભીખ માગી રહ્યા છીએ. પરંતુ અમારું દુ:ખ અમે જ જાણતા હતાં. નાનાં બાળકોને કોણ સમજાવે કે તારી દવા માટે, સવારના ચા-નાસ્તા માટે અમારી પાસે પૈસા નથી?”
કોરોના વાઇરસને કારણે લદાયેલ દેશવ્યાપી લૉકડાઉનના ચાર તબક્કા ગુજરાતના ‘રાજભોઈ’ સમાજના કેટલાક લોકો માટે જીવન-મરણનો પ્રશ્ન બની ગયા હતા.
આ સમાજના 35 કુટુંબોની આર્થિક પરિસ્થિતિ લૉકડાઉનના સમય દરમિયાન કેટલી દયનીય બની ગઈ હતી તેનો ખ્યાલ એ વાત પરથી આવી જાય છે કે લૉકડાઉન દરમિયાન આ સમાજનાં સ્ત્રી-પુરુષોને પોતાનું ગુજરાન ચલાવવા માટે ભીખ માગવી પડી હતી.

કોણ છે રાજભોઈ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Sharif Malek
ગુજરાતની સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગની જાતિઓ પૈકી એક રાજભોઈ સમાજના લોકો અત્યંત દરીદ્ર અવસ્થામાં જીવન વિતાવે છે.
આ સમાજના ઉત્થાન માટે કામ કરતા બુદ્ધન થિયેટરના દક્ષિણ છારા રાજભોઈ સમાજ વિશે માહિતી આપતાં જણાવે છે કે, “રાજભોઈ સમાજની સ્ત્રીઓ કાપડઉદ્યોગના વધેલા માલમાંથી મજબૂત દોરડાં બનાવવાના કામ સાથે સંકળાયેલી હોય છે. તેમજ આ સમાજના પુરુષો બસ સ્ટેશને કે અન્ય સ્થળોએ લોકોના કાન સાફ કરવાનો વ્યવસાય કરતા હોય છે.”
અમદાવાદમાં રાજભોઈ સમાજના 35 પરિવારો વટવા ખાતે આર્થિક રીતે પછાત વર્ગ માટે બનાવાયેલાં મકાનોમાં રહે છે.
રાજભોઈ સમાજ અંગે વધુ જણાવતાં દક્ષિણભાઈ કહે છે કે, “આ સમાજ કોઈ એક જગ્યાએ સ્થાયી ન રહી શક્યો હોવાથી ખૂબ જ ગરીબ અવસ્થામાં પોતાનું જીવન ગુજારે છે. તેમની પાસે ઝાઝી બચત હોતી નથી. તેઓ પોતાના વ્યવસાયમાંથી માંડ પોતાનું ગુજરાન ચલાવી શકે તેટલું રળતા હોય છે.”
“તેઓ પોતાની ગુનેગાર તરીકેની છાપને કારણે બીજો કોઈ વ્યવસાય કરી શકતા નથી. તેમજ અવારનવાર પોલીસ અને સમાજના તિરસ્કારનો ભોગ બનતા રહે છે.”
તેમના જણાવ્યાનુસાર, “આ સમાજનું સ્થળ જિલ્લા અનુસાર બદલાય છે પરંતુ તેનાથી તેમની સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં કોઈ ફેર પડતો નથી.”

આ સમાજ હજી પણ કેમ ગરીબ છે?

ઇમેજ સ્રોત, sharif malek
આ પ્રશ્નના જવાબમાં દક્ષિણ છારા સમાજ અને સરકારને આ જનજાતિની પરિસ્થિતિ માટે સંયુક્ત જવાબદાર ગણાવે છે.
તેઓ કહે છે કે, “વિચરતી અને વિમુક્ત જાતિ અને જનજાતિઓના વિકાસાર્થે સરકાર દ્વારા નજીવું બજેટ ફાળવવામાં આવે છે. તેમના વિકાસ માટે કોઈ નક્કર આયોજન સરકાર પાસે નથી.”
“તેમની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે આયોજિત પ્રયત્નોના અભાવને કારણે આ સમાજ હુન્નરવાળો હોવા છતાં ગરીબાઈમાં ધકેલાયેલો છે."
"તેમની પાસે પોતાના હુન્નર અને કળાને આધારે વિકાસ સાધવા માટે યોગ્ય માર્ગ હોતો નથી. આ કારણે આ સમાજ આર્થિક તંગી અને સામાજિક તિરસ્કારનો ભોગ બને છે.”
રાજભોઈ સમાજના વિકાસ માટે કામ કરતાં ભાષા રિસર્ચ ઍન્ડ પબ્લિકેશન (BRPC)ના શરીફ મલેક જણાવે છે, “આ સમાજના લોકોમાં શિક્ષણનું પ્રમાણ નહિવત્ છે. જે કારણે તેઓ મોટા ભાગે પોતાના પરંપરાગત વ્યવસાય સાથે જ સંકળાયેલા રહે છે. શિક્ષણના અભાવને કારણે આ સમાજના લોકો હુન્નરમંદ હોવા છતાં પોતાની કળાનો પૂરતો લાભ લઈ શકતા નથી.”

લૉકડાઉનને કારણે મુસીબતનો સામનો કરવો પડ્યો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રાજભોઈ સમાજના આગેવાન રાજેશ રાજભોઈ પોતાના સમાજના લોકોએ લૉકડાઉનને કારણે વેઠેલી કપરી પરિસ્થિતિ અંગે વાત કરતાં કહે છે, “અમારા સમાજના લગભગ તમામ પરિવારોએ લૉકડાઉન અને ત્યાર પછીના થોડા સમય સુધી ભીખ માગવી પડી. હું પોતે બે વખત ભીખ માગી ચૂક્યો છું.”
“કેટલાક દાની લોકો થોડું અનાજ તો આપી જતા. પરંતુ રોજિંદા ખર્ચને પહોંચી વળવા માટે અમારી પાસે બિલકુલ મૂડી નહોતી.”
“તેથી અમારા સમાજનાં સ્ત્રી-પુરુષો, વૃદ્ધો-બાળકો, યુવાન-ઘરડા બધાં ભીખ માગવા મજબૂર થઈ ગયાં હતાં.”
તેઓ આગળ પોતાની વ્યથા જણાવતાં કહે છે, “ભીખ માગવાને કારણે અમારા પૈકી ઘણાને તિરસ્કારનો ભોગ બનવું પડતું. પણ શું કરીએ? રોજિંદા ખર્ચ માટે નાણાં મેળવવાં જરૂરી હતાં.”
તેઓ કહે છે કે અમારો સમાજ કેટલો સ્વાભિમાની છે તેનો અંદાજ એ વાત પરથી જ આવી જાય છે કે જ્યારે પણ અમને કામ મળતું અમે એ દિવસે ભીખ માગવા નહોતા જતા. અમારો વ્યવસાય પાછો શરૂ થતાં અમે ભીખ માગવા જવાનું બિલકુલ બંધ કરી દીધું.
રોજ રળીને રોજ ખાનાર આ રાજભોઈ સમાજ માટે લૉકડાઉનના ચાર તબક્કા અત્યંત કપરા રહ્યા.
BRPCના શરીફ મલેક રાજભોઈ સમાજના લોકોની દરિદ્ર સ્થિતિ વિશે વાત કરતાં કહે છે કે, “અનલૉક બાદ આ સમાજના ઘણા પુરુષો વટવા GIDCમાં ખતરનાક કેમિકલના ઉત્પાદન સાથે સંકળાયેલ ફૅક્ટરીઓમાં કામ કરવા મજબૂર થઈ ગયા."
"પોતાના પરંપરાગત વ્યવસાયો ન ચાલવાને કારણે અને મૂડી ન હોવાને કારણે તેમણે આવાં ખતરનાક કામો કરવાં પડ્યાં. જોકે, હવે તેઓના વ્યવસાયો ફરીથી શરૂ થતાં તેઓ આવાં ખતરનાક કામ કરતા નથી.”
દક્ષિણ છારા લૉકડાઉનમાં રાજભોઈ સમાજે વેઠેલાં કષ્ટો વિશે વાત કરતાં કહે છે કે, “લૉકડાઉનમાં પોતાના પરંપરાગત વ્યવસાયો બંધ થતાં અને પોતાની પાસે રહેલી મૂડી વપરાઈ જતાં રાજભોઈ સમાજના લોકોએ આર્થિક તંગી અને ભૂખમરાનો સામનો કરવો પડ્યો.”
“રાજભોઈ સમાજના આ લોકો શરૂઆતમાં મણિનગર ખાતે રહેતા હોઈ તેમની પાસે ત્યાનાં રાશનકાર્ડ છે. તેથી વટવા ખાતે સરકારી અનાજ તેમને ન મળી શક્યું.”
“અમારી સંસ્થા તરફથી બનતી મદદ કરાઈ. પરંતુ સ્વાભાવિક છે કે તમામની જરૂરિયાત સંતોષવા આ મદદ અપૂરતી હતી. જે કારણે પોતાનું ગુજરાન ચલાવવા માટે રાજભોઈ સમાજના કેટલાંક કુટુંબોનાં લોકોએ ભીખ માગવાનો વારો આવ્યો હતો. જે સમગ્ર સમાજ અને સરકાર માટે ખૂબ જ શરમની વાત કહી શકાય.”

સરકાર સમાજની સ્થિતિથી અજાણ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
લૉકડાઉનમાં સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગની સહાય માટે લેવાયેલાં પગલાં અંગે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પરમાર જણાવે છે કે, "લૉકડાઉન અને ત્યાર બાદ અનલૉક દરમિયાન સરકારે સમગ્ર સમાજને લક્ષીને જે પગલાં લીધાં છે તે જ પગલાં સામાજિક અને આર્થિક રીતે પાછાત વર્ગની સહાય કરવા માટે પણ લીધા છે."
"જેમાં જનધન ખાતાંમાં ડાયરેક્ટ મની ટ્રાન્સફર, લૉનમાં રાહત, મફત અનાજ અને યોગ્ય સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાનું કામ ગુજરાત સરકાર દ્વારા અને અન્ય સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે. લૉકડાઉન અને અનલૉકમાં જ્ઞાતિના બાધ વિના તમામે તમામ નાગરિકોને માનવલક્ષી અભિગમને કેન્દ્ર સ્થાને રાખીને સરકારે પગલાં લીધાં છે."
સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ પૈકી અતિ ગરીબ અમદાવદમાં રહેતી રાજભોઈ કૉમ્યુનિટીએ લૉકડાઉન દરમિયાન વેઠેલ પરિસ્થિતિ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "રાજભોઈ સમાજના લોકોએ લૉકડાઉનમાં પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે ભીખ માગવાનો વારો આવ્યો હોય એ વાતની કોઈ જાણકારી અમને મળી નથી."
"જો આ સમાજને વેઠવી પડી રહેલી મુશ્કેલી અંગે અમને જાણ કરવામાં આવી હોત તો તેમની યથાયોગ્ય મદદ કરી શકાઈ હોત અને અન્ય સમાજની જેમ તેમની પણ માનવગરિમા જળવાય તેવાં પગલાં ચોક્કસપણે સરકારે લીધાં હોત. લૉકડાઉન અને અનલૉક દરમિયાન રાજભોઈ સમાજને પડેલી મુશ્કેલીઓ અંગે અમને કોઈ જ જાણકારી મળી નહોતી."
લૉકડાઉનને કારણે સંકટની પરિસ્થિતિમાં મુકાયેલ રાજભોઈ સમાજના લોકોને ગરીબીના વિષચક્રમાંથી કાઢવા માટે બુદ્ધન થિયેટર, ભાષા રિસર્ચ ઍન્ડ પબ્લિકેશન સેન્ટર અને પૉલ હેમલિન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક ભંડોળ ઊભું કરવામાં આવ્યું.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












