કોરોના વાઇરસ : પ્રવાસી મજૂરોની સામાજિક અને આર્થિક સુરક્ષા આજના સમયનો તકાજો છે

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ઇતિહાસમાં જોવા મળે છે તેમ રોજીરોટી કમાવા માટે માણસ સતત સફર ખેડતો રહ્યો છે. હજુએ દેશમાં વિચરતી જાતિઓ છે જે પોતાના જીવનનિર્વાહ માટે હંમેશાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરે છે. સમય જતાં રોજીરોટીની શોધમાં માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતો રહ્યો છે. આમાં મજૂરવર્ગથી માંડી ઉચ્ચઅભ્યાસ કરી નોકરીની શોધમાં આવતો વર્ગ પણ સામેલ છે.

દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મોટી સંખ્યામાં આવા પ્રવાસી મજૂરો અને કારીગરો ઉત્તર પ્રદેશથી માંડીને બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર અને ઓડિશાથી આવે છે.

અલંગમાં કામ કરતા મોટા ભાગના કામદારો ઓડિશા બાજુના હોય છે. જ્યારે મુંદ્રા કે કંડલા જેવાં બંદરો ઉપર અને અન્ય સ્થળોએ બિહાર કે ઉત્તર પ્રદેશના મજૂરો હોય છે.

સુરતમાં પણ મોટા પ્રમાણમાં ઉત્તર ભારત, બિહાર કે આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યો અથવા સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતમાંથી પેટિયું રળવા લોકો આવે છે.

line

દેશમાં 40 કરોડ પ્રવાસી મજૂરો

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

દેશની વરિષ્ઠ મૅનેજમૅન્ટ સંસ્થા, આઈઆઈએમ અમદાવાદના આસિસ્ટન્ટ પ્રોફેસર ચિન્મય તુંબેના અભ્યાસ-અહેવાલ "India Moving : A History of Migration" માં તેમણે પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં છે.

પ્રો. તુંબેના મત મુજબ દેશમાં 40 કરોડ જેટલા માઇગ્રન્ટ વર્કર્સ (પ્રવાસી કામદારો) છે. જેમાં 10 કરોડ જેટલા સરક્યુલર માઇગ્રન્ટ વર્કર છે કે જેઓ બીજા રાજ્યમાં કામ કરે છે.

આ શ્રમિકો મોટા ભાગે ઉત્તર પ્રદેશથી માંડી બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ઓડિશાથી આવતા હોય છે.

તેમણે 2016-17ના ઇકૉનૉમિક સર્વેમાં આપેલ માઇગ્રન્ટ વર્કર્સ વિશે પણ વાત કરી છે. ઇકૉનૉમિક સર્વે 2016-17માં 5 કરોડ લોકો આર્થિક પરિસ્થિતને લીધે બીજા રાજયમાં આવીને વસ્યા છે તેવું દર્શાવ્યું હતું.

જોકે તેઓ માને છે કે ઇકૉનૉમિક સર્વેએ બાંધકામક્ષેત્રે કામ કરતા લોકોને ગણતરીમાં ન લીધા હોય તેવું બને જેથી તેમાં પ્રવાસી મજદૂરોનો અંદાજ થોડો નીચો જોવા મળે છે. પરંતુ વાસ્તવમાં 10 કરોડ લોકો ઇન્ટર-સ્ટેટ વર્કર છે જે મોટા ભાગે રોજગારી મેળવવા એક રાજયમાંથી બીજા રાજયમાં આવે છે. જે રીતે કેરળ અને ગોવામાંથી વિદેશ જઈને વસતા લોકો દેશમાં ઉપયોગી એવું ફોરેન રેમિટન્સ કમાવી દેશમાં લાવે છે.

એ જ રીતે આ માઇગ્રન્ટ વર્કર ગુજરાત, મહારાષ્ટ્ર અને દેશનાં અન્ય શહેરોમાંથી કમાઈ ને જે મૂડી બચે તે પોતાના કુટુંબના ભરણપોષણ માટે પોતાના વતનમાં પરિવારને મોકલતા હોય છે.

આમ થવાનું કારણ જે તે રાજ્ય ખૂબ ગરીબ છે કે સ્થાનિક રોજગારી ઊભી કરી શકતું નથી તે જોતાં લોકો શાંત અને આર્થિક રીતે સમૃદ્ધ હોય તેવાં રાજ્યો તરફ રોજગારી મેળવવા આકર્ષાતા રહ્યા છે.

એટલે જ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વર્ષોથી પ્રવાસી મજદૂરો આવતા રહ્યા છે અને એમાંથી કેટલાકની સ્થિતિ સુધરી છે.

જ્યારે દેશમાં કોઈ આપત્તિ આવે ત્યારે બધાં રાજ્યોને તેની વ્યાપક અસર થાય છે. જેમાં ગરીબવર્ગ અને મજૂરવર્ગને વધારે સહન કરવાનું આવે છે કારણ કે તેની પાસે સંસાધનો નથી.

line

મજૂરોનો વિચાર ન કરાયો

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

બે મહિના અગાઉ (24 માર્ચ 2020) આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાને કારણે દેશ વ્યાપી લૉકડાઉન જાહેર કર્યું તે વખતે તેમના મનમાં વિચાર સુદ્ધાં નહીં આવ્યો હોય કે કોરોનાને પગલે જાહેર થયેલું વ્યાપક લૉકડાઉન હજારો મજૂરોની જિંદગી માટે કોરોના કરતાં પણ ભયાનક પુરવાર થશે.

જો એ વખતે પ્રવાસી મજૂરોને પોતાના વતન જવા અઠવાડીયા-દસ દિવસનો સમય આપ્યો હોત અને રાજયવાર ટ્રાન્સપોર્ટની સુવિધા કરી હોત તો છાપાઓમાં જોવા મળતા દર્દનાક કિસ્સા ન બનત એવું પ્રો. તુંબેનું માનવું છે.

કેટલાક મજૂરો એપ્રિલ - મે મહિનાના ધોમધખતા તાપમાં રોડ ઉપર કે રેલના પાટા ઉપર સામાન ઊંચકી નાનાંનાનાં બાળકો સાથે ભૂખ્યાંતરસ્યાં ચાલતા જોવા મળ્યા.

આમાં કેટલાક રેલ અકસ્માતમાં માર્યા ગયા. કેટલાક મજૂરો 400-500 કિલોમિટર સાઇકલ ચલાવીને પોતાને ગામ પહોચ્યા. આ તમામ મજૂરોની કહાણી સત્યજિત રેની ફિલ્મની કોઈ વાર્તાથી જરાય કમ નથી.

કોરોનાને પગલે પ્રવાસી મજૂરોના પગમાં છાલાં પડ્યાં અને તેમની ભૂખ અને તરસની પીડાનાં વરવાં દૃશ્યો જોઈને દિલ દ્રવી ઉઠ્યું. કદાચ પ્લેગ જેવી મહામારીમાં પણ આવી ઘટનાઓ નહીં બની હોય.

line

સુરતનું ઉદાહરણ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ઓચિંતાનું લૉકડાઉન લાગુ પડતાં પ્રવાસી કામદારોને જે તકલીફ પડી તે અંગે આપણે સુરતના ઉદાહરણથી સમજીશું.

સુરતમાં ટૅક્સટાઇલઉદ્યોગ માટે કામ કરતા પ્રવાસી કામદારોની સંખ્યા આશરે 15 લાખ જેટલી થવા જાય છે જે દિવસે લૉકડાઉન જાહેર થયું તે દિવસથી જે સાધન મળ્યું તેમાં બેસી આ કામદારો પોતાના વતન તરફ પલાયન કરવા લાગ્યા.

અત્યારે જ્યારે લૉકડાઉન-5 કન્ટેન્મૅન્ટ ઝોન સિવાય ઓછા નિયંત્રણ સાથે લાગુ પડ્યું છે ત્યારે સુરતમાં માત્ર 25 ટકા જેટલા જ કામદારો રોકાયા છે. સરકારે ઉદ્યોગો શરૂ કરવાની લીલીઝંડી તો આપી છે પણ ઉત્પાદકો પોતાને જરૂરી કામદારો ક્યાંથી લાવશે?

કામદારોની ખેંચને કારણે ઉત્પાદકતા ઘટશે અને વેતન વધારવું પડશે પરિણામે ઉત્પાદન કિમત વધશે.

જો લૉકડાઉન પછી આ પ્રવાસી કામદારોને રાજ્ય સરકાર તેમજ ઉદ્યોગજગતે બે મહિના સુધી આર્થિક મદદ કરી સંભાળી લીધા હોત તો તેઓ પોતાના વતન ભાગી છૂટ્યા નહોત.

તેમને જે પારાવાર મુશ્કેલીઓ પડી એ પણ પડી નહોત. હવે આ કામદારો ઑક્ટોબર સિવાય પાછા ફરશે નહીં તે જોતાં ઉદ્યોગોને કારીગરોની સખત ખેંચ ઊભી થઈ છે તે ન થાત.

કદાચ સરકાર તેમજ માલિકો બન્ને પક્ષે લૉકડાઉન ની અસરનો ક્યાસ કાઢવામાં થાપ ખાધી જેને પગલે આજે ઉદ્યોગોને મજૂરોની અને તાલીમ પામેલ કારીગરોની ભયંકર ખેંચનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે મીડિયા સાથે વાત કરતાં ઇન્ડિયન નેશનલ ટૅક્સ્ટાઇલ વર્કર્સ ફેડરેશનના પ્રમુખ નૈષધ દેસાઈએ કહ્યું હતું કે સરકાર પાસે માઇગ્રન્ટ વર્કર્સ અંગેનો કોઈ ડેટાબેઝ નથી. કયા રાજ્યનો કામદાર કામ કરે છે તેની પણ પૂરતી વિગતો નથી.

આ કામદાર પાસે પોતાનું ઓળખપત્ર કે બૅન્ક એકાઉન્ટ ન હોવાથી વધુ મુશ્કેલી ઊભી થાય છે તેથી તે સરકારી લાભોથી પણ વંચિત રહી જાય છે. આ કારણે "વન નેશન વન રૅશન" યોજના અમલી થાય તે પહેલાં તો સામાજિક અને આર્થિક સુરક્ષાથી વંચિત મજૂરો પલાયન કરી ગયા હતા.

આ અનુભવથી જાણવા મળે છે કે રાજ્યમાં કામ કરવા આવતા અન્ય રાજ્યના મજૂરોનાં ઓળખપત્રો અને બૅન્ક એકાઉન્ટ જે તે કંપની દ્વારા શ્રમવિભાગ પાસે નોંધણી કરાવાય તો ભવિષ્યમાં પણ આ માહિતીનો ઉપયોગ કરી આ કામદારોનો સંપર્ક કરી શકાય એટલું જ નહીં આર્થિક મદદ પણ કરી શકાય અને સરકાર પાસે એક ચોક્કસ ડેટા ઊભો થાય.

આઈઆઈએમ અમદાવાદના પ્રોફેસર ચિન્મય તુંબેએ જે રીતે કહ્યું તેમ લૅબર માટે ઇન્ટર સ્ટેટ લૅબર પૉલિસી હોવી જોઈએ જેથી કરીને માઇગ્રન્ટ વર્કર બીજા રાજ્યમાં કામ કરવા જાય તો તેને કોઈ મુશ્કેલી નડે નહીં અને જે તે રાજ્યની લૅબર પોલીસ અંતર્ગત તેણે નિયમોનું પાલન પણ કરવું પડે અને તેના ફાયદા પણ મળે. પ્રવાસી મજૂરો કોઈ પણ રાજ્ય અને દેશની અર્થવ્યવસ્થાનો મજબૂત પાયો છે.

મોટા ભાગના પ્રવાસી મજૂરો શહેરમાં મકાન બાંધકામ, માર્ગો, તેમજ અન્ય સવલતો વિકસાવવામાં માટે દૈનિક રોજ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરતા હોય છે એટલે આ મજૂરોને સામાજિક સુરક્ષા મળી રહેતી નથી.

જ્યારે દેશમાં આવી કટોકટીની સ્થિતિ આવી જાય છે ત્યારે આવા મજૂરોને દૈનિક ખર્ચા માટે કાલે શું કરીશું? એવો પ્રશ્ન ઊભો થાય છે અને આવા મજૂરો પોતાના ગામ તરફ જવા ઇચ્છે છે જે સ્વાભાવિક બાબત છે.

ગુજરાત જેવાં રાજ્યમાં તેમને ખાવા-પીવાની કોઈ તંગી પડી ન હોય પરંતુ કોરોના ક્યાં સુધી ચાલશે તે નક્કી ન હોવાની સ્થિતિમાં તેમણે વતનમાં સુરક્ષિત રહીશું તેમ સમજી જે મળે તે સાધન દ્વારા કે છેવટે ચાલતા પણ વતનની વાટ પકડી.

એ પછી ની ઘટનાઓનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે દરેક રાજ્યમાં આવા કામદારોને સામાજિક સુરક્ષા અને આર્થિક સહાય મળી રહે તે માટે કોઈ નીતિ ઘડવાની જરૂર છે. જેથી કરીને તેમને વતન ભેગા થવું પડે નહીં.

line

સામાજિક-આર્થિક સુરક્ષાનો મુદ્દો

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં જવાબ આપતાં સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે અત્યાર સુધી એવું કહેવાય છે કે 41 લાખ લોકોને રોડ દ્વારા અને બાકીના 3,700 શ્રમિક ટ્રેનો દ્વારા દૈનિક 1.85 લાખની સંખ્યામાં, 1લી મેથી 27 મે સુધીમાં 50 લાખ, શ્રમિકો આમ કુલ મળીને 91 લાખ લોકો જુદાં-જુદાં રાજ્યમાંથી ટ્રેન દ્વારા કે બસ દ્વારા પોતાના વતન પાછા ફર્યા છે.

પોતાની રીતે ચાલતા જનારાની સંખ્યા પણ ખાસ્સી હશે. તેઓ દિવાળી પછી પરત ફરે એવું લાગી રહ્યું છે. સરકારે ઉદ્યોગો શરૂ કરવા માટે લીલીઝંડી આપી છે તે જોતાં ઉદ્યોગો કામદારોની ભયંકર ખેંચનો સામનો કરશે.

આ સંદર્ભમાં તેલંગણાના મુખ્ય મંત્રી દ્વારા પ્રવાસી શ્રમિકોને ટેલિવિઝન માધ્યમથી કરવામાં આવેલી અપીલ તેમજ વ્યવસ્થાઓ અંગેની ખાતરી રાજ્ય સરકારનો આ મુદ્દે અભિગમ કેવો હોય તેનું સ્પષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

તેમણે આ શ્રમિકોને પોતાના રાજ્યના વિકાસમાં ભાગીદાર ગણાવ્યા હતા. આવા કપરા સમયે રાજ્ય તેમને કોઈ પણ મુશ્કેલી નહીં પડવા દે તેવા હુકમો જિલ્લા કલેકટરો અને અન્ય અધિકારીઓને કરવામાં આપ્યા.

તેલંગણાના મુખ્ય મંત્રીએ આ પ્રવાસી શ્રમિકો માટે રોકાણની વ્યવસ્થાથી માંડીને અનાજ અને રસોડાની વ્યવસ્થા અને ડોક્ટરની સારવાર સુધીની તમામ જવાબદારી રાજ્ય સંભાળશે એમ જણાવ્યું હતું.

ઔધોગિક ઉત્પાદન માટે છ M મહત્ત્વના છે જેમાંનો એક M એટલે કે માલિક અને બીજો M મજૂર-મશીન એટલે કે યંત્રો અને અન્ય આનુસંગિક સવલતો, ત્રીજો M એટલે મટિરિયલ એટલે કાચોમાલ, ચોથો M એટલે મની એટલે ઉત્પાદનને સતત વેગવંતુ રાખવા માટે જરૂરી નાણાં, પાંચમો M એટલે માર્કેટ એટલે કે બજાર અથવા ખરીદનાર અને છઠ્ઠો M એટલે મૅનેજમૅન્ટ એટલે આ બધી વ્યવસ્થાઓનું સંકલન કરી વપરાશકાર સુધી ગુણવત્તાવાળો માલ વાજબી ભાવે પહોંચે.

આ બધું ભેગું થાય તો જ ઉત્પાદન ફરી ધબકતું કરવાનું શક્ય બને. આમાં પ્રાણવાયુ પૂરવા માટે સરકારને મૈત્રીપૂર્ણ કાયદાઓ અને ગતિશીલ સરકારીતંત્ર વ્યવસ્થા થકી જ અર્થવ્યવસ્થાના નિર્ધારિત લક્ષ્યાંકો સિદ્ધ કરી શકાય.

જો આવું થાય તો જ માલિકીથી માંડી મજૂર અને કાચામાલની સપ્લાય ચેઇનથી માંડીને બજારવ્યવસ્થાનો ધબકાર એવો ગ્રાહક બધા જ કામે લાગે અને ધાર્યું પરિણામ મેળવી શકાય.

પ્રવાસી શ્રમિકોની આ બાબતમાં સૌથી મોટી જવાબદારી માલિકોની છે જેઓ જેમના થકી ઊજળા હતા. જેમના પરસેવે કરોડોની કમાણી કરતા હતા.

તેમણે નકરા સ્વાર્થી બનીને બેથી ત્રણ મહિના પણ આ શ્રમિકોને ન સાચવી શક્યા અને એમને ભગવાન ભરોસે છોડી દીધા.

ટૂંકમાં શ્રમિકોનું સ્થળાંતર દેશને અને અર્થતંત્રને તો મોંઘુ પડશે જ પણ સૌથી મોંઘું તેમના માલિકોને પડશે.

જેમણે શ્રમિકોને ભગવાન ભરોસે છોડી દીધા. વતન પાછા ફરતાં આ શ્રમિકોએ જે વેઠયું છે અને એમના પગમાં છાલાં પડ્યાં છે તેમને તેમની લાગણીઓને મોટા ઉઝરડા પડ્યા છે અને આપણે ધારીએ છીએ એટલી જલદી રૂઝ નહીં આવે.

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો